ચાંદરણાં/અફવા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


18. અફવા


  • અફવા ‘ચાલે છે’ કહેનારો ખરેખર અફવા ફેલાવે છે કારણ કે તે તો ઊડતી હોય છે.
  • એક અફવાને કેટલા બધા કાન મળે છે!
  • પોલી અફવાનાં પરિણામ કેવાં નક્કર હોય છે.
  • અફવાની ઉજાણીમાં આખું ગામ જોડાય!
  • અફવાની ગતિ જોતાં પ્રકાશની ગતિ અફવા લાગે છે.
  • અફવાની ગતિના માઈલેજ ગણી શકાતા નથી.
  • અફવા નિરાધાર હોય છે પણ નિઃસહાય નથી હોતી.
  • આ અફવા તો પવનને પણ દિશા આપે છે.
  • ‘અફવા’ ન હોત તો પુરુષ જન્મ આપનાર ન બની શકત!
  • અફવાનું કુળ એટલું ઊંચું હોય છે કે બ્રાહ્મણ પણ તેને અસ્પૃશ્ય નથી માનતો.
  • માણસમાં રહેલો ભય અફવાની સફળતા નક્કી કરે છે.
  • અફવા હોય છે ધુમ્મસ પણ ઘડીવારમાં તે રેતીનું તોફાન બની જાય છે.
  • સત્યને એક માણસ નથી મળતો, અફવાને ટોળાં મળે છે.
  • અંગત જૂઠનું સામૂહીકરણ એટલે અફવા.
  • અફવા બાબતે માણસોમાં ‘એકતા’ હોય છે!
  • અફવા હોય છે ગાજરની પીપુડી, પણ તે બ્યૂગલ બની જાય છે!
  • અફવાને માત્ર એક જ કાળ હોય છે, વર્તમાન!
  • અફવા ફેલાવનારો કદી નિરાશ થતો નથી!
  • અફવા છાપ વગરનો એવો ખોટો સિક્કો છે, જે જોતજોતામાં ચલણી થઈ જાય છે!
  • મહાન હોવાની અફવા પોતે જ ફેલાવવી પડે!
  • અફવાની ભૂમિ સૌથી વધારે ઉપજાઉ હોય છે!
  • દેવદૂતની જેમ અફવાને પણ પાંખ હોય છે!