ચાંદરણાં/આંસુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


9. આંસુ


  • આંસુ એક સંબંધવાચક નામ હોય છે.
  • બધાં આંસુ કંઈ આંખ સુધી આવતાં નથી.
  • નનામા આંસુ પાસે એક અજાણ્યું નામ હોય છે.
  • અંગતતાનું શિખર કે શિખરનો કળશ તે આંસુ.
  • ભીની આંખ ફળદ્રુપ હૃદયની નીશાની છે.
  • સુરદાસને દૃષ્ટિ ભલે ન મળે, આંસુ તો મળે...
  • બધાં જ આંસુ અલ્પવિરામ હોય છે.
  • બહુ મીઠો પ્રેમ ખારાં આંસુ પડાવે છે.
  • આંસુ અને પાલવને ઘણીવાર છેટું પડી જાય છે.
  • સઘન પ્રેમ જ ક્યારેક આંસુ રૂપે પ્રવાહી થઈ જાય છે.
  • સ્મિત માંગો તો આંસુ પણ મળે.
  • હર્ષનાં આંસુનો સુખદ અકસ્માત પણ ક્યારેક બને છે.
  • કશુંક મૂલ્યવાન ખોવાય છે ત્યારે આંસુ તો મળે જ છે.
  • દુઃખ પોતીકું ન હોય તોયે આંસુ પોતીકાં હોય છે.
  • આંખોની અલગતામાં રહેલી એકતા આંસુ પ્રગટ કરે છે.
  • આંસુની ખારાશ સૌથી મોંઘી હોય છે.
  • આંસુ પોતે જ પોતાનું સરનામું શોધી લે છે.
  • સરનામા વગરનાં આંસુ પણ હોય છે.
  • સ્વાશ્રયી આંસુ પડે, સ્વાશ્રયી માણસ આંસુ પાડે.
  • આંસુ ક્યાંથી આવ્યાં એ જોનારો નહીં, રડનારો જ જાણે છે!
  • આંસુ પાડવા પડતાં નથી, પડી જાય છે.
  • સૌથી વધુ અંગત આંસુ હોય છે.
  • ભવિષ્ય પાસે આપણું હાસ્ય જ નહીં, આંસુ પણ હોય છે.
  • દરિયો કંઈ મગરનાં આંસુઓથી ખારો નથી થયો.
  • અશ્રુની ક્ષણો જ સ્મરણીય હોય છે.