ચાંદરણાં/પવન
- પવન ઊંચા ડુંગર પરના વૃક્ષની જ વધારે કસોટી કરે છે.
- પવન પોતે રોકાય છે, કોઈ એને ખીલે નથી બાંધતું.
- સાવ એકલાની સાથે પવન તો હોય છે!
- ધૂળ પવનને આકાર આપી શકે છે!
- સ્થિર જ્યોતને ડોલવાનું મન થયું અને હવા આવી!
- પવન મોઢુંયે નથી બતાવતો અને પીઠ પણ નથી બતાવતો.
- વૃક્ષોનું મૌન સહન નથી થતું ત્યારે પવન ફૂંકાય છે.
- હવા તો કેદખાનામાં પણ આઝાદ હોય છે.
- હવાને આંગળી ચીંધી શકતો હોત તો હું પયગમ્બર બની ગયો હોત!
- હવાને કેદખાનું ગમતું હોત તો પરપોટા ફૂટત નહીં!
- પવન પ્રવાસ કરાવે તોયે ધૂળ યાત્રાળુ થતી નથી.
- પવન આવે તો પોતાનો પરસેવો જ પોતાને ટાઢક આપે છે.
- હવાને સુગંધનો બોજ લાગતો નથી.
- પવન ન બોલે પણ પાંદડાથી બોલ્યા વિના ન રહેવાય!
- આ પવન, છોકરું બહાર નીકળે પછી જ ઝોળી ઝુલાવે છે!
- સરકારનું ચાલે તો પવન માટે પણ પાસપોર્ટ-વિઝાનો નિયમ કરે!
- પવન ફરંદો તો સાથે ધૂળ પણ ફરંદી!
- પીપળાનાં પાન હવાને સત્કારવા તાળી પાડે છે.
- પરપોટામાં રહેલી હવા એનો શ્વાસ છે.
- હવા હોય તો જળસપાટી સપાટ નથી રહેતી.
- માણસ કાંટો થાય તો પવનને પણ ઉઝરડો પાડે!
- પવન પોતે પાડેલી ભાતને પણ અધ્ધર ઉપાડી જાય...
- દિશાને ઓવારણાં લેવાં હોય ત્યારે વૃક્ષો ધૂણે છે.
- હવાને સાદ દેવા અધીર પવન આંધી બને છે.
- પવન આવે તો ઝાડનો પડછાયો ચાળા પાડે.