ચાંદરણાં/મૃત્યુ
- મૃત્યુની દિશા બદલાય પણ મસાણની દિશા ન બદલાય.
- કેટલી બધી માંદગીના વિસામે થાક ઉતાર્યા પછી મોત આવે છે!
- અંતિમ સરનામું અજાણ્યું છે, પણ તે મૃત્યુ પાસે છે.
- એટલી બધી સ્મૃતિ ભેગી ન કરો કે નર્યા વિસ્મરણ માટે મોત વહેલું આવે!
- ડૉક્ટર પોલીસ નથી એટલે મૃત્યુ પર ચાંપતી નજર રાખે છે, એને કાબૂમાં લેતા નથી.
- આપણે સંયમ રાખીએ તો યમને પણ આવવામાં સંયમ રાખવો પડે.
- છેલ્લી સાન આવે તે અવસાન કહેવાય.
- છેવટે પોતાની રાખમાં જ પોઢવાનું છે.
- યમરાજા તો વગર વરદીએ પણ આવે.
- છેલ્લા સ્ટેશનથી ટ્રેન પાછી ફરે, માણસ નહીં.
- મૃત્યુ દિવસને પણ લાંબી રાત બનાવી દે છે.
- મૃત્યુ પણ એક શરૂઆત હોય છે?
- બધું પોતાની બહાર હોય એ મરણ છે.
- મૃત્યુ અજ્ઞાત સ્થળે રહેવાનું જ પસંદ કરે છે.
- પરમહંસનો હંસલો પણ ઊડી જાય છે.
- ડૉક્ટરને વિઝિટે બોલાવ્યા વગર મૃત્યુ મોંઘું થતું નથી.
- જિંદગી સરવાળો કરે છે, મૃત્યુ બાદબાકી.