ચાંદરણાં/સર્જક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જક-પરિચય
Ratilal Anil.jpg


સોડા બાટલીના કાચ જેવા જાડાં ચશ્માં, કાયમ ઈસ્ત્રી વગરના લેંઘો-સદરો પહેરેલા ‘અનિલ’ (રતિલાલ રૂપાવાળા નામ તો કોને ખબર હશે!) નાક સાથે કપડાંને, ચાદરને છીંકણી સુંઘાડતા ખાટલામાં બેઠા બેઠા લખતા-વાંચતાં હોય. હું જાઉં એટલે રંગમાં આવી જઈ વાતોના તડાકા મારતા અનિલની વાતોમાં વિખરાતા, વિસરાતા સંબંધોની પીડા ડોકાયા કરે. જિંદગીના આખરી પડાવ પર બેઠેલ અનિલ કેટકેટલાં વ્યથા અને વિષાદ સાચવીને બેઠા હતા એ તો પાસે બેસનારને જ સમજાય. બે ધોરણ ભણેલ અનિલ કારમી ગરીબી વેઠી, જરીના કારખાને કામ કરતાં કરતાં ગઝલના કુછંદે ચડે, છંદો પાકા કરે, ગઝલો લખે, મુશાયરા પ્રવૃત્તિ તથા ગઝલ બેઉના વિકાસમાં પાયાના પથ્થર બની રહે, હજારો ચાંદરણાં લખે, એકલા હાથે ‘કંકાવટી’ જેવું શુદ્ધ સાહિત્યિક સામયિક ૪૨ વર્ષ સુધી ચલાવે અને જિંદગીના છેલ્લાં વર્ષોમાં નિબંધો લખી સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખાય એ બધું ચમત્કાર જેવું લાગે. ‘અનિલ’ની સર્જનયાત્રા વિશે વિચારીએ ત્યારે એક વાત સાથે સંમત થવું પડે કે સર્જક જન્મે, બને નહીં. બે ધોરણ જેટલું અલ્પ શિક્ષણ, આઠ વર્ષની ઉંમરે આખા કુટુંબનો ભાર ખેંચતા થઈ ગયેલા અનિલ જરીના કારખાને જોતરાયા. જરીકામની કાળી મજૂરી કરતો આ માણસ જીવનની પાઠશાળામાં ઘડાયો છે. એમની જીવનયાત્રાના મુખ્ય ત્રણ પડાવ : ૧૯૪૨ની લડત દરમ્યાન છ મહિનાનો જેલવાસ, ‘પ્યારા બાપુ’ના સંપાદન નિમિત્તે પાંચ વર્ષનો ગિરનારવાસ અને પછીથી ‘ગુજરાત મિત્ર’ તથા ગઝલકારોનો સહવાસ. જેલવાસ દરમિયાન વિદ્વાનોને સાંભળ્યા, ઘણું-બધું વાંચ્યું-વિચાર્યું અને જાણે કે ત્રીજું નેત્ર ખૂલી ગયું. નવનવોન્મેષશાલિની પ્રજ્ઞાએ ત્રીજું નેત્ર ખોલ્યું એ પછી અનિલે પાછું વળીને જોયું નથી. આપબળે ઘડાયેલા આ માણસ માટે ‘તું તારા દિલનો દીવો થાને’ વાળી વાત સાચી હતી. ગઝલ, નિબંધ ઉપરાંત ‘ચાંદરણાં’રૂપે લાઘવપૂર્ણ છતાં સોંસરવું ઊતરી જાય એવું ગદ્ય ગુજરાતી સાહિત્યમાં માત્ર અને માત્ર ‘અનિલ’ પાસેથી જ મળ્યું છે. ન તો અહીં શબ્દરમત છે, ન અનિલે શબ્દોના સાથિયા પૂર્યા છે. અર્થવાહી, ગંભીર વાતને સટીક રીતે મૂકી આપતા અનિલ હળવાશને પણ એટલી જ સહજ રીતે મૂકી આપે છે. ‘ચાંદરણાં’માં ઘૂંટાઈને ઘટ્ટ બનેલા ગદ્યે અનિલના નિબંધોને લાઘવ બક્ષ્યું છે એવું હું માનું છું. ગઝલનો એક શે’ર ન કહી શકે કે એક નિબંધમાં પ્રગટ ન થઈ શકે એવું અને એટલું ‘ચાંદરણાં’ કહી જાય છે.

—શરીફા વીજળીવાળા