ચાંદરણાં/સૂર્ય
- સૂરજ ઉપર ચડે છે એટલે ગરમી ‘પડે’ છે.
- સૂર્ય ડૂબવા માટે પાણીની જરૂર જોતો નથી!
- કિરણ જતાં હોય ત્યાં સૂર્ય શા માટે જાય?
- સૂર્યને તેનો પડછાયો મળતો નથી.
- સૂર્ય સવારે આપેલાં કિરણો સાંજે પાછાં ખેંચી લે છે.
- હજાર સૂર્ય ઊગતા નથી, એક જ સૂર્ય હજાર અંશમાં ખંડિત થાય છે.
- સૂરજના સાત ઘોડા માટે આકાશમાં ઘાસ ઊગતું નથી.
- સૂર્યએ આકાશ ગુમાવ્યું નથી, ઘીના દીવાએ ગોખલો ગુમાવ્યો છે!
- સૂર્ય પહોંચતો નથી ત્યાં ઉધઈ પહોંચી જાય છે.
- સૂર્ય જમીનને શું? જમીન પરના પડછાયાને પણ રોકે !
- તડકો ઘરમાં આવે છે પણ મહેમાન થતો નથી.
- આ ચૈતરિયો તડકો તો વેશપલટો કરીને આવેલા દુર્વાસા છે.
- સૂર્ય દિશા નક્કી કરે કે દિશા સૂર્ય નક્કી કરે?
- સૂર્ય એકસાથે કેટલાં કિરણની દોર પર ચાલે છે!
- સૂર્ય બરફને પણ પરસેવો પડાવે!
- સૂર્ય એકલો નથી જતો, પડછાયાને સાથે લઈ જાય છે!
- સૂરજને વાવવો પડતો નથી અને ઠારવોય નથી પડતો.
- ગ્રીષ્મ આવી અને સૂરજને ભાલા ઊગવા માંડ્યા.
- એક સૂર્યાસ્ત કેટલા બધા દીવા પ્રગટાવી જાય છે!
- ઝાંઝવામાં તો સૂરજનું વહાણ જ તરે!
- ધુમ્મસ પોતાના વિલોપન માટે સૂર્યની પ્રતીક્ષા કરે છે.
- સૂર્યકિરણ, ઝાકળને વીંધવા પૂરતું જ ભાલો બને છે.
- સૂર્યનું એક કામ પોદળાને અડાયું બનાવી દેવાનું પણ છે!
- એક સૂર્યને એક જ પૃથ્વી મળે છે.
- સૂર્ય પોતાના દિવસની શરૂઆત પોતાથી જ કરે છે!
- સૂર્યને ખબર નથી કે પોતે કેટલા દિવસોમાં વહેંચાયેલો છે.
- સૂરજ ઊંઘે છે ત્યારે માણસ પણ ઊંઘે છે!
- સૂરજને ખબર નથી કે રાત પણ પ્રભાવિત કરે છે!
- સૂર્યના ભાગ્યમાં સ્વપ્ન લખ્યું ન હોય!
- સૂરજને ભેજની ખબર પડે તો ભેજ રહે જ નહીં.
- સૂરજને તો ઝાકળ જેવું અંગવસ્ત્ર પણ નથી ગમતું!
- સૂર્ય જ અરીસાઓમાં વિભાજિત થાય છે, અંધકાર નહીં.
- દીવાને આરામ આપવા પણ સૂર્યે આવવું જોઈએ.
- દીવાઓ ભેગા કરીને આપણે સૂર્ય નથી રચી શકતા.