ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ, ‘ચંદ્રાપીડ’ (૨૪-૪-૧૮૯૨, ૨૬-૨-૧૯૭૪): નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ, પત્રકાર. જન્મ ટંકારામાં. વતન ગોંડલ. મૅટ્રિક પછી ગુજરાતી શાળામાં શિક્ષક. ૧૯૨૨માં ‘નવચેતન’ માસિકનો કલકત્તામાં પ્રારંભ. ૧૯૪૨ના કોમી રમખાણને લીધે ‘નવચેતન' સાથે વડોદરા સ્થળાંતર. ૧૯૪૬માં ફરી કલકત્તા. ૧૯૪૮માં ‘નવચેતન’ સાથે અમદાવાદમાં સ્થાયી. ૧૯૭૨માં ‘નવચેતન’નો સુવર્ણ મહોત્સવ. ટૂંકી માંદગી પછી અમદાવાદમાં અવસાન. એમના ‘કવિતા કલાપ' (૧૯૧૮)માં સરળ અને બોધાત્મક કાવ્યો, તો ‘હૈયું અને શબદ' (૧૯૭૩)માં ઉત્તરકાળે લખાયેલી ગઝલો સંગ્રહિત થઈ છે. ‘જંજીરને ઝણકારે’ (૧૯૨૭) અને ‘તાતી તલવાર' (૧૯૨૮) વીરરસની, તો ‘સતી ચિંતા' (૧૯૨૪), ‘આશાની ઇમારત' (૧૯૩૧), ‘નસીબની બલિહારી' (૧૯૩૪), ‘ઘેલી ગુણિયલ' (૧૯૩૫), ‘માનવહૈયાં’ વગેરે એમની સમસ્યાપ્રધાન સામાજિક નવલકથાઓ છે. નવલકથા પરથી એ જ નામે લખેલું નાટક ‘જંજીરને ઝણકારે’ (૧૯૩૩) વીરરસનું, તો ‘નવી રોશની' (૧૯૪૩) સામાજિક નાટક છે. આ ઉપરાંત, દેશી નાટક કંપનીઓએ એમનાં લખેલાં ‘સતી ચન્દ્રિકા’, ‘નવો જમાનો', ‘સંસારચક્ર' અને ‘દિવ્ય પ્રભાત’ નાટકો ભજવેલાં. ‘સ્મૃતિસંવેદન' (૧૯૫૪) સરળ શૈલીમાં લખાયેલું એમનું આત્મચરિત્ર છે. ‘જીવનઘડતર' (૧૯૬૮), ‘જીવનમાંગલ્ય’ (૧૯૭૦) અને ‘જીવનઝંઝા' (૧૯૭૩) એ નિબંધસંગ્રહોમાં એમણે લખેલા નીતિ, ચારિત્ર્ય, નિષ્ઠા જેવાં જીવન-વિધાયક પ્રેરકબળોનો મહિમા કરતા લઘુનિબંધો છે. ‘મધુબિન્દુ’ (૧૯૪૪)માં એમની બોધપ્રધાન વાર્તાઓ છે. ‘જીવન અને સાહિત્ય’ (૧૯૪૩)માં સંગ્રહના શીર્ષકને અનુસરતા એમના લેખો સંગૃહીત છે.