ચિત્રદર્શનો/ગુજરાત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧, ગુજરાત
એક ઐતિહાસિક કાવ્ય

ધન્ય હો! ધન્ય જ પુણ્યદેશ!
આપણો ગુણિયલ ગુર્જર દેશ;
કૃષ્ણચન્દ્રની કૌમુદીઊજળો,
કીધ પ્રભુએ ય સ્વદેશઃ

આપણો ગુણિયલ ગુર્જર દેશ. ધન્ય હો! ૧

આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથીનાં જ્ય્હાં રાજ્ય :
ગ્રીસરોમથીય જૂનાં,
કુરુપાંડવથીયે પ્રાચીન,
સોમનાથ, ગિરિનગર, દ્વારિકા :
યુગયુગ ધ્યાનવિલીન
ઊભીને કાલસિન્ધુને તીર
બજાવે બંસરી ભવ્ય સુધીર. ધન્ય હો! ૨

સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ,
નદી ને તળાવ કેરી કુંજ;
કોમળી કવિતા સમ સુરસાળ
સિન્ધુ જ્ય્હાં દે મોતીના થાળ :
જગજૂનાં નિજ ગીત ગર્જતો
ફરતો સાગર આજ;
કેસર ઉછાળી ઘૂઘવે ગરવો
વનમાં જ્ય્હાં વનરાજ :
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મન્દિરે ધ્વજ ને સન્ત મહન્ત. ધન્ય હો! ૩

પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
વ્હાણ ભરી વ્હેતી તેમ નિકાસ;
મોહી આંગણ ઊતર્યો જ યુરોપ,
વીણવા વાડીના ફૂલરોપ;
વીણી ન વણસે પુણ્યપાંગરી
અમ રસભૂમિની છાબ;
જગમોહન મુંબઈ નગરી જુવો!
શું પાથર્યો કિનખાબ :
નિત્ય નવફૂલે ખીલે અભિરામ
લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ. ધન્ય હો! ૪

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર;
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ
લલિત લજ્જાનો વદન જમાવ.
અંગ આખે યે નિજ અલબેલ
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના,
સુંદરતાનો શું છોડ!
આર્ય સુન્દરી! નથી અવનીમાં
તુજ રૂપગુણની જોડ;
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કન્થના સજ્યા તેજશણગાર. ધન્ય હો! ૫

ખેતરો ન્હાનાં, ન્હાની શી પોળ,
નાત જાતે ન્હાનડિયા ઘોળ;
ક્ષત્રીજાયાનાં ન્હાનલ રાજ્ય;
ધર્મના ન્હાનકડા જ સમાજ;
વૃદ્ધ ચાણાક્‌યે વર્ણ્યાં પૂર્વે
ન્હાનાં પ્રજાનાં તન્ત્ર,
એહ પુરાતનના પડછાયા
આ અમ જીવનજન્ત્ર :
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારાં એક સુગન્ધ અમૂલ. ધન્ય હો! ૬

દેશ નિજ તજી ધર્મ ને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગત્‌ઇતિહાસે અનુપ ઉદાર;
ઇસ્લામી યાત્રાળુનું આ
મક્‌કાનું મુખબાર;
હિન્દુ મુસલ્‌મિન પારસીઓને
અહીંયાં તીરથદ્વાર :
પ્રભુ છે એક, ભૂમિ છે એક,–
પિતા છે એક, માત છે એક,–
આપણે એકની પ્રજા અનેક ધન્ય હો! ૭

નથી રમી સમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યા યે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની મ્હાંય
લીધાં વ્રત, જાણે હજી ય પળાય :
એક ઈડરના વનકેસરીએ,
ભડવીર બાપ્પારાવ,
વિશ્વવન્દ્ય સૂરજકુળ સ્થાપી
ચિતોડ કીધ યશછાંય :
જન્મભૂમિ દયાનન્દમાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ. ધન્ય હો! ૮

સૂરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધનભર્યો શ્રીનગરસમાજ;
શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,
કચ્છનાં સાહસિક સન્તાન;
ખંડખંડ વિસ્તરતો હિન્દી
મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી
સંસ્થાનોની વેલ;
મહાસાગરના પૃથ્વીવિશાળ
સરોવર કીધાં ગુર્જરી બાળ. ધન્ય હો! ૯

વનેવન લીધો ઘટાસોહાગ,
જગતનો દીપે શું અમુલખ બાગ!
સજાવ્યા જૈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર;
ભારતીએ કંઈ ફૂલફુવારો
અંજલિમાં શું લીધ!
દિશદિશમાં ફૂલધાર ઉડાવી
દિલનાં પરિમળ દીધ!
હિન્દ માતની લાડિલી બાળ!
ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ! ધન્ય હો! ૧૦