ચિત્રદર્શનો/સૌભાગ્યવતી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪, સૌભાગ્યવતી


મોગરાનો મંડપ હતો,
તે મંડપ નીચે તે ઊભી હતીઃ
જાણે ફૂલની લટકતી સેર.

આસપાસ અજવાળાં ઊગતાં;
ને દિશદિશમાં વસન્ત ઢોળાતી.
ક્યારેક્યારે કળીઓ ઊઘડતી,
પત્રેપત્રે પુષ્પ પ્રગટતાં હતાં.
ફૂલના સરોવર સરીખડી વાડીમાં
તે વાડી જેવી વિરાજતી.

વદને ત્હેને વસન્ત હસતી,
હૃદયે ત્હેને વસન્ત લહરતી,
બારણે ત્હેને વસન્ત બોલતી,
ઓરડે ત્હેને વસન્ત વિહરતી,
કુલમાં ત્હેના વસ્નતના વાસ હતા.
વસન્તનો વર પામેલી વસન્તપૂજારણ
આંગણું ભરી ઉભી હતી.

સૌભાગ્યના આભૂષણે શણગારાયેલી,
સંસારના મહાશણગારરૂપ,
તે એક સૌભાગ્યવતી હતી.

પગલાંમાં ત્હેનાં પુષ્પ હતાં,
ચરણે ધરા ન્હોતી ચંપાતી.
કુલાશ્રમનો માથે ગોખ ધારી
પ્રારબ્ધપુત્રી તે સ્મિત કરતી સોહાતી.

સૌન્દર્યના ચન્દ્ર સમુ મુખડું હતું,
ને મુખડે મૃદુતા પરમતી.
લજામણીના છોડ જેવાં
ભ્રકુટિનાં ચાપ નમેલાં હતાં.
નીચે કલ્યાણકારી કીકીઓમાં
આદર ને આતિથ્ય ઉઘડતાં.
આંખલડી આનન્દભીની હતી,
કેશાવલી સઘન વિરાજતી.
અંબોડલે ફૂલવેણી વિલસતી,
મહીંથી સૌભાગ્યની ફોરમ ફોરતી.
હૈયામાં નાથની વરમાળ ઝૂલતી,
ઉરખંડે અનેરી ઘટા ગોરંભતી.
અન્તરમાં મોજાં ઊછળતાં,
ઉરબન્ધ તૂટું તૂટું થતા.
રોમરોમમાં ભાવિ વિશ્વ રમતાં.
વિલાસની લોલવિલોલ લીલા શી,
સૌભાગ્યના સુધાકર સરીખડી,
સુન્દરતાની વસંત જેવી,
સ્વામીસ્નેહની પ્રતિમા સમી
ગૃહલક્ષ્મી ગૃહદ્વારે ડોલતી;
વાત્સલ્યની વેલી સમોવડી
કુલાગારે ઝૂકેલી હતી.
કલાપીની સંકેલેલી કલા સમી
દેહદેશે નવરંગ સાડી સરતી,
મહીં લજ્જાની લહરીઓ લહરતી.
પવિત્રતાની પાંદડીઓ જેવા
ગાલ ઉપર, ભાલપત્રે,
નાથના સ્નેહ લેખ હતા.
ઉરમાંથી અમૃતના ફુવારા ફૂટતા,
સન્તાન તે જીવન પી અમર થતાં.
ભરથારની દૈવી સંપત્તિ સમી
દેહકાશે ઉષા ઉઘડતીઃ
કાન્તિમાં કન્થના કોડ ઝળહળતા.
શીલનો પ્રભાવ, પ્રભુતા શો,
અખંડ પ્રભાએ પ્રકાશતો.
અંગોઅંગને વશે
શ્રદ્ધા, સરલતા, શુશ્રૂષા હતાં.
જગતની જનની જેવી
સુન્દરી ભરી ભરી ભાસતી.
દૃષ્ટિમાં સન્તોષ ને શાન્તિ હતાં,
આખંડીમાં અનેક સંસાર મટમટતા.
ઉદારલોચન, પ્રસન્નવદન, શીલશીતલ,
ચન્દ્રિકા વિસ્તરતી પૂર્ણિમા જેવી
ઉરદેહની વસ્નત વિસ્તરતી,
સ્વામીવ્રત શી અવિચલ
ઉમ્મરની સ્ફટિકશિલાને પાટે
સૌભાગ્યવતી ઉભી હતીઃ
જાણે જગતની જગદીશ્વરી.

પડોશમાં આંબાવાડિયાં હતાં.
મહીંથી કોયલોની કલ્લોલવાણી
માધુર્યના અભિષેક કરતી.

સન્મુખ માધવીનાં ફૂલ ખરેલાં હતાંઃ
જાણે ત્હેનાં મુખનાં વેરાયેલાં વેણ.

કુલાશ્રમને આંગણે વસન્ત પધારી હતી.
ચોકમાં નન્દનનાં ચન્દન વર્ષતાં.
આનન્દવદને ભગવતી
વન્દન વન્દી વસન્ત પૂજતીઃ
કુંકુમ ને અક્ષત ચ્હડાવી
અક્ષત કુંકુમના અધિકાર માગતી.
ભવોભવ, પ્રાણયાત્રાના તીર્થે તીર્થે,
એ વલ્લભનો સહચાર વાંછતી.

નવાવર્ષાની વાદળી જેવી
  તે આશાભરી હતીઃ
કુટુમ્બના આધાર જેવી
તે ધીર ધરિત્રી હતીઃ
સ્નેહની પરમ ભાગીરથી જેવી
દેવી પતિતપાવની હતી.

સૌભાગ્યના દેવ સરીખડો
કોડમણો કન્થ પધાર્યોઃ
સીતાની વાડીએ જાણે રામ.
જીવનનાં જલથી વધાવ્યો,
પ્રાણને પદ્માસન પધરાવ્યો.
આશા ઇષ્ટની સ્હોડમાં ઉભીઃ
મુમુક્ષુ મુક્તિને ઉમ્મર ઉભો.
આરતીની શિખાઓ સમોવડી
નયનોમાં જ્યોતિર્માળ પ્રગટી.
બારણે અદ્‌ભુત ઉજાસ ઉઘડ્યો.
અન્તરિક્ષથી અનિલ આવ્યા,
સ્નેહના સન્દેશાઓ ભર્યાં તેજવાદળ
તે દિશદિશમાં લઈ પરવર્યા.