ચિલિકા/ખોવાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખોવાઈ ગયું છે નામ, રહી ગયું છે રૂપ




સાંભળો: ખોવાઈ ગયું છે નામ, રહી ગયું છે રૂપ — યજ્ઞેશ દવે


કેટલીક વ્યક્તિઓ મહાન નથી હોતી, સાવ સીધી સાદી હોય છે. પણ તેમના ચહેરાની રેખામાંથી વ્યક્તિવની એક રેખા ફૂટે છે. અને એ રેખા જ પછી આપણા મનમાં એક નવો આગવો ચહેરો દોરે છે, જે ચહેરો મનમાં છપાઈ જાય છે. એવું જ પ્રસંગોનું છે. કેટલીક ક્ષણો મુદ્દલેય ઐતિહાસિક નથી હોતી, પરંતુ એમાં કશુંક એવું અંગત રીતે સ્પર્શી જાય તેવું અનિવર્ચનીય હોય છે જે સ્પર્શી જાય, કાયમ માટે જડતરની જેમ જડાઈ જાય. આવાં કેટલાક ચહેરાઓ, રૂપો યાદ આવે છે. નામ તો યાદ નથી આવતાં. કેટલાંક નામ ભુલાઈ ગયાં છે. કેટલાંક તો પૂછ્યાં જ નથી. નામ ઓગળી ગયાં છે, રહી ગયાં છે રૂપો. એ ચહેરાઓમાંનાં એક-બે અત્યારે તરવરે છે. એક વાર એકલો કર્ણાટકની સફરે નીકળેલો. મેંગલોર, બૅંગલોર, મૈસુર, બેલૂર, હલેબિડ જોયા પછી હમ્પીનાં ખંડેરો જોવા ગયો હતો. ત્યાં હૉસ્પેટ પહોંચતાં જ ખબર પડી કે અહીંથી બાદામી ગુફાઓ નજીક છે. ‘કુમાર’માં બાદામી ગુફાઓનાં ભીંતચિત્રો વિશે વાંચ્યું હતું. મનમાં ઇચ્છા હતી કે આટલું નજીક છે તો જોઈને જ ગોવા જવું. તેથી રાતની ટ્રેનની મુસાફરી પછી સવારે બાદામી પહોંચ્યો. ઘોડાગાડી કરી ગામ બહારના બાદામીનાં ગુફા-મંદિરોએ પહોંચ્યો. આંખમાં ઉજાગરો. જગત આખું તેમાં ડબકોળાતું બહાર આવતું હતું. સમ ખાવા એક પણ ભીંતચિત્ર ન હતું, ખાલી ભીંતડાં ઊભાં હતાં. કોક દીવાલ પર ચિત્રોના ઝાંખા રંગોવાળી ખુલ્લી ગુફાઓ. ભારે હૈયે ભારે આંખે નિરાશ થઈ પાછો રેલવે પ્લૅટફૉર્મ પર. ઊંઘ તો એટલી કે અગિયાર વાગ્યાના તીખા શરદના તાપમાં પણ પ્લૅટફૉર્મના બાંકડે ઊંઘ આવી ગઈ, ને થેલામાંથી કોઈ કૅપ કાઢી ગયું તેની ખબરેય ન રહી. ટ્રેન આવવાના કલાક પહેલાં જ પ્લૅટફૉર્મ ભરાઈ ગયેલું. નજીકમાં જ યલ્લમાનો મેળો ભરાયો હતો તેથી ક્યાં ક્યાંથી આવેલાં શ્રદ્ધાળુ કાનડી જાણે અહીં જ મેળો જામેલો. સ્ટેશન પર ખરેખર જ કીડિયારું ઊભરાયેલું. મારે ચડવાનું હતું તે ગાડી ધીમે ધીમે દૂરથી દેખાણી. ગાડી આખી ખીચોખીચ હીંચકતી આવી હતી. ટ્રેનની ઉપર લોકો ટુવાલ, ફાળિયાં પાથરી નિરાંતે બેઠેલાં. ટ્રેન ઊભી રહેતાં જ દેમાર દેકારો. ધક્કામુક્કી, ઠાંસાઠાંસી, ગાળાગાળી ને રઘવાટ. સ્ટેશન નાનું તેથી ગાડી વધારે વાર ઊભી ન રહે. સામાન સાચવતાં બચકાંઓ બચ્ચાંઓ ઉપર ચડાવતા લોકો કેવી રીતે ઘૂસ્યા ને હું પણ કેવી રીતે ઘૂસી શક્યો તે આજે યાદ નથી આવતું. કોઈએ સારાં શહેરી કપડાંઓ ભાળી થોડી બેસવાની જગ્યા કરી આપેલી. ગાર્ડે સીટી મારી પણ ટ્રેન ન ઉપાડી. આટલી ગિરદી ને ગરમીથી અકળાઈને બધાં ઊપડવાની રાહ જોતાં હતાં. મેં બારીમાંથી બહાર ડોકિયું કર્યું તો સ્ટેશનમાસ્તર ગાર્ડ સાથે કશીક વાતો કરતા હતા. સ્ટેશન પર બાકી વધેલા માણસો લુસ લુસ ચડતા હતા. ડબ્બામાં હજી ગિરદી ગોઠવાણી ન હતી. ગાડીએ જાણે ચુંબક ફેરવ્યું હોય તેમ ગાડીની અંદર આજુબાજુ ઉપર માણસો ચોંટેલા હતા. રહી ગયા હતા માત્ર બે જણ. એક હાથમાં લાકડીવાળી અશક્ત વૃદ્ધ અને કાખમાં છોકરું તેડેલી ડબ્બે ડબ્બે ચડવા ટ્રાય કરતી એક કાનડી ગરીબ બાઈ. પેલો સ્ટેશન-માસ્તર દૂર ઊભો સૂચનાઓ આપતો હતો તે પાસે આવ્યો. ડબ્બામાંના લોકોને સમજાવટથી અને સત્તાથી ગોઠવ્યા. પેલાં માજીને પોતે બાવડું પકડી ઉપર ચડાવ્યાં. પ્લૅટફોર્મ પરનો તેમનો સામાન આપ્યો. પેલી બચરવાળ બાઈને પણ ચડાવી. સ્ટેશન પર નજર દોડાવી ખાતરી કરી લીધી કે કોઈ મોડું પડેલું રડ્યુંખડ્યું રહી તો નથી ગયું ને? મેં તેના આ ‘જેસ્ચર’ને મનોમન સલામી આપી. બારીમાંથી ડોકું બહાર કાઢી હાથ હલાવી અભિનંદન આપવાની ચેષ્ટા કરી તો તેણે આવજો કર્યું અને મારી સામે એવી રીતે જોયું કે તેમાં કશોક આવો ભાવ હતો: ‘મેં કશું જ વધારે નથી કર્યું. મેં મારું જ કામ કર્યું છે.’ યલ્લમાના મેળે આવેલો કોઈ યાત્રિક તેના પ્લૅટફૉર્મ પર રખડી ન પડ્યો. એક બાપ પ્રસંગ સમું-સૂતરું ઊતર્યે જેમ દીકરીની જાનને વિદાય આપે તેમ તેણે અમારી ટ્રેનને વિદાય આપી. ગાર્ડની લીલી ઝંડી સાથે તેનો ‘આવજો આવજો’ કહેતો હાથ ફરકતો હતો એ હાથ હજી પણ ક્યારેક ક્યારેક દેખાય છે. બેત્રણ ચહેરાઓ શ્રીનગરના ચહેરાઓ સાથે એકરૂપ થઈ ગયા છે. આજથી પાંચેક વરસ પહેલાં કાશ્મીર જવું શક્ય હતું ત્યારે એક સેમિનારમાં પંદરેક દિવસ શ્રીનગર રહેવાનો મોકો મળેલો તેથી રીતસર શહેરમાં શક્ય તેટલું રખડ્યો. એક વાર સાંજે રખડતાં રખડતાં રોડ સાઇડના બંગલાઓ, રસ્તાનાં વિવિધ વૃક્ષો જોતાં જોતાં લટાર મારતો હતો. ત્યાં એક બંગલાના કંપાઉન્ડમાં મેગ્નોલિયાનાં બે વૃક્ષો દેખાયાં. મેગ્નોલિયા ચંપાના કુળનું વૃક્ષ. સફેદ મોટી, કમળ જેવી લયાન્વિત પાંખડીઓવાળાં આછી સુગંધવાળાં નમનીય ફૂલ. હિમાલયના પર્વતીય પ્રદેશનું ઝાડ ગુજરાતમાં તો દીઠુંય ન મળે. મારા પગ તો ફૂલ ભરેલા ઝાડને જોવા કંપાઉન્ડ બહાર જ ખોડાઈ ગયા. બંગલામાં કોઈ રહેતું નહીં હોય તેવું લાગે. મારી ભદ્ર શાલીનતા બહાર રોડ પર મૂકી કંપાઉન્ડમાં ઠેકવાનો વિચાર મનમાં આવી ગયો ત્યાં જ સાઇડમાંથી પગી દેખાયો. મને ખોડાઈને રહેલો જોતાં કહે, ‘आप को फूल चाहिए न? आइये, दरवाजा खोल देता हूँ, चाहे इतने तोड़ लीजिए!’ ત્યાંથી તોડેલાં એ ફૂલો ગેસ્ટહાઉસના રૂમમાં ૧૦ દિવસ રહ્યો ત્યાં સુધી રહ્યાં ને તેની સ્મૃતિ આજ સુધી. ચિનાર છાયેલી વીથીકાઓ પર રાત પડી ગઈ છે. અવરજવર ઓછી થઈ ગઈ છે પણ અત્યાર જેવી બીક નથી. રેડસ્ક્વેર, મેદાનો, બગીચા, બજાર, જેલમના કિનારે ફરી ફરી જમીને પાછો ગેસ્ટહાઉસ તરફ આવું છું. ઝીરો બ્રિજના ઢોળાવ પર એક આધેડ કાશ્મીરી કાપેલા ઘાસની લાદેલી ઠેલણગાડી ધીમે ધીમે ચડાવી રહ્યો હતો. નીચું માથું રાખીને તંગ પિંડીઓના આધારે હાંફતો હાંફતો ચડાવી રહ્યો છે. કીધા વગર જ હું પાછળથી સહેજ હાથ દઉં છું ને ઠેલણગાડી સહેલાઈથી ઢાળ ચડવા લાગે છે. તેણે નવાઈથી પાછળ જોયું તો મલક્યો. બંને કિનારે લાંગરેલી હાઉસબોટ વચ્ચેથી જેલમનું વહેતું પાણી ચાંદનીમાં લહેરિયા પાડતું ચળકતું હતું. મેં તેને થોડુંક પૂછ્યું તો ઊખાળવા-ઊકલવા લાગ્યો. નાનપણમાં મા મારી ગઈ ને બાપે બીજી કરી. નવી મા ધોલધપાટથી જ રાખે ને વૈતરું કરાવે. બાપ મરી જતાં મા અને ઓરમાન નાના ભાઈઓએ સફરજનનાં ખેતરોની માલિકીના ઝઘડામાં ઘરમાંથી કાઢી મૂક્યો. વરસોથી અહીં શ્રીનગરમાં ઢોર ઉછેરી દૂધ વેચે છે. સાવકી મા પણ બુઢ્ઢી થઈ ગઈ છે. શ્રીનગરમાં ફાવી ગયું છે. અહીંનાં મેદાનોમાં માળી જ્યારે ઘાસ કાપે ત્યારે તે ઘાસ તેને ગાય માટે સસ્તા ભાવે મળી જાય. એક વૉડકી ગાય માંદી પડી હતી તેની વાત કરે. તે ગાય પર વિશેષ પ્રેમ હતો. પાસે જાય ત્યારે ગાય ડોક ઊંચી કરે. તે ડોકની ઝૂલે પંપાળે. લાડકી હતી. એ વૉડકી માંદી પડી. ડૉક્ટર બોલાવ્યા, ઇન્જેક્શન, દવાનો ખરચો કર્યો પણ ગાય ન બચી. પ્રસંગ કહેતાં કહેતાં ગળગળો થઈ ગયો. કહે કે ‘એક વાર દૂધ વેચી આવ્યો તો ગાય મરેલી પડી’તી. એ ગાય મરી ગઈ પછી જીવવાની મજા ઓછી થઈ ગઈ.’ ગાયોની આઠ પ્રહર સેવા. લીલો ચારો નીરવો, સૂકું ઘાસ નાંખવું, છાણ ઓગઠ કાઢી ગમાણ સાફ કરવી, બે વાર ગાય દોવી, પગ છૂટા કરવા ખીલેથી છોડવી, રાતે ઠંડીમાં કોથળા ઓઢાડવા – બધું પ્રેમથી કરે. મને આગ્રહ કરી તેને ઘરે લઈ ગયો. શ્રીનગરમાં રાતના સમયે એક અજાણ્યા મુસલમાનના ઘરે હું ગયો. ચોકવાળું ઘર. ઘરના નીચલા માળે એક રૂમમાં જ ગાયો રાખેલી. તેને અને ઘાસને આવેલું જોઈ ગાયો ગેલમાં આવી ગઈ. પરણ્યો ન હતો. ગાયની ઓથે ઓથે જીવતો હતો. આજેય કદાચ જીવતો હશે. શ્રીનગરમાં બીજો એક કાશ્મીરી પંડિત છોકરો મળી ગયેલો. ઢળતી સાંજે બગીચાના બાંકડા પર સૂનમૂન મૂઢ થઈ બેઠેલો. બંને તરફના રોડ પરના ટ્રાફિક પર તેનું ધ્યાન નહોતું. કોઈ બાંકડો ખાલી ન હતો. તેથી હું પણ બાંકડાને બીજે છેડે બેઠો. તે સુંદર કાશ્મીરી ચહેરાની મુદ્રા બદલાણી નહીં – મને નોટીસ જ ના કર્યો. તે તો સાંજની ગમગીનીમાં, તેનામાં જ ડૂબેલો હતો. ધીમે ધીમે મેં આઇસબ્રેક કર્યો. ધીમે ધીમે તો દૂર હીમશૃંગો પરનું એકલું હિમ તરલ થઈ રસાળ ખીણમાં વહી આવ્યું – તે પીગળી ગયો. બેત્રણ વરસથી ગ્રૅજ્યુએટ થયો હતો પણ બેકાર હતો. બેચાર ટ્યૂશન કરતો હતો. નોકરી મળતી નથી અને બેકારી સહેવાતી નથી. તેની દબાયેલી વાતોમાં ત્યાંના કાશ્મીરી પંડિતોની દુર્દશા ડોકાતી હતી. વાતવાતમાં એટલો હળી ગયો કે ‘મને કહે ચાલો, આજે તમે મારા ગેસ્ટ. મારે ત્યાં કાશ્મીરી ખાણું લેજો અને મારી સાથે રહેજો.’ મેં કહ્યું, ‘અત્યારે મારે ગેસ્ટહાઉસ તો જવું જ પડે – મારા પાર્ટનરને ચિઠ્ઠી લખવા, નહીં તો મારી રાહ જોયા કરે. તું પહેલાં અમારી ગુજરાતની સુખડી ચાખ પછી આપણે જઈશું.’ સોનમર્ગમાં એક ઝરણું ઠેકવા જતાં મારા સાથળમાં સ્પેઇન થઈ ગયું હતું તેથી ઢચકાતી ચાલે હું ઊભો થયો. તે પણ ધીમી ગતિએ મારી સાથે આવ્યો. અમે ગેસ્ટહાઉસમાં ગયા. મેં ચિઠ્ઠી લખી. બસમાં તેને ઘરે આવ્યા. બસની ટિકિટ તેણે જ લીધેલી. દૂર ઇન્ટીરિયરમાં સાદું ઘર હતું. તેને ઘરે મીઠો આવકાર મળ્યો. કોઈ અજાણ્યાને ઘરે લઈ આવ્યાનો ઠપકો નહીં. અજાણ્યા ટુરિસ્ટને ઘરમાં આવેલો જોઈને બહેનો અને ભાભીઓની કુતૂહલભરી ધીમી ફુસફુસાટ વચ્ચે મારા માટે ગરમ ભાત તૈયાર થયો. એક-બે જાતનાં શાક ને દાળ સાથે ફળફળતા ભાતનું સાદું ભોજન લીધું. ઘરના દરેક સાથે ઓળખાણ કરાવી. તેના મોટાભાઈ આકાશવાણીમાં એન્જિનિયર હતા. મધ્યમવર્ગનો દીવાનખંડ રાતે બેડરૂમમાં ફેરવાઈ ગયો. મોડે સુધી ધીમે ધીમે વાતો કરતાં સૂતા. સવારે પાકો નાસ્તો કરાવ્યો અને બારણેથી જ આવજો ન કહ્યું પણ મારે ઑર્થોપેડિક સર્જનને બતાવવાનું હતું તેથી ત્યાંના સરકારી દવાખાનામાં મારી સાથે આવ્યો. કાશ્મીર ખીણના ગરીબગુરબા દરદીઓથી ઊભરાતા દવાખાનામાં પગ મૂકવાની જગ્યા નહીં. અંદર ડૉક્ટર પાસે રૂમમાં ટુરિસ્ટ તરીકે મારો વારો જલ્દી લઈ લેવા ડૉક્ટરને ભલામણ કરી. મારી તપાસ સુધી રોકાયો. નજીકના બસસ્ટૅન્ડ સુધી અમે ચાલ્યા. સવારના પ્લેટિનમ જેવા તડકામાં અમે છૂટા પડ્યા. એક દિવસનો તે દિલાવર દોસ્ત આજે ક્યાં હશે? કાશ્મીરમાં તો નહીં જ હોય. જન્મભૂમિ મનમાં લઈને ક્યાંક યહૂદીની જેમ ફરતો હશે? અમે સરનામાની આપલે કરી હોય તેવું યાદ નથી. કોઈ પ્રિયજન અચાનક ખોવાઈ જાય ને તમે જિંદગી આખી તેની રાહ જોયા કરો તેમ તેની રાહ જોયા કરું છું. મને ખબર છે તે ફરી ક્યારેય નહીં મળે. પણ રાહ ન જોવાનું ક્યાં આપણા હાથમાં છે?