ચૂંદડી ભાગ 1/નિવેદન
સવા બે વર્ષ ઉપર, ‘રઢિયાળી રાત’ (ભાગ 2)ના નિવેદનમાં અપાયેલું વચન આજે પાળી શકાય છે, તે બદલ પ્રભુના ગુણ ગાઉં છું. લોકગીતોમાં ઘણું ચડિયાતું સ્થાન રોકતો લગ્નગીતોનો પ્રદેશ બની શક્યું તેટલા શુદ્ધ સ્વરૂપમાં, અસલી તાલશબ્દને વફાદાર રહીને, અહીં રજૂ કરી શકાયો છે. એમાંથી ભાવનાઓ ઉકેલવાનું કામ મેં મારી પોતાની જવાબદારી ઉપર કરેલું છે. જેઓને મારી દરમિયાનગીરી ન ગમે તેમણે સુખેથી કેવળ પાઠ-સંગ્રહ જ વાંચી કાઢવો. ગીતોમાં તો મેં મારો એક અક્ષર પણ નથી ઉમેર્યો.
આ સંગ્રહમાં મને ઘણી મોટી સહાય સૌ. બહેન જયાકુમારી તથા સ્વ. બહેન વસંતકુમારી દાણીની મળી છે. તેમાંના એક બહેનનો તો મારે અંતરીક્ષમાં જ આભાર માનવો પડશે એવું મેં નહોતું ધાર્યું. તે સિવાય મેં અન્ય ગીત-સંગ્રહોની પણ છૂટથી સહાય લીધી છે : તે સહુનો ઋણી છું.
રાંદલનાં, સીમન્તનાં વગેરે જે ગીતો બાકી રહ્યાં છે તે બીજા સંગ્રહની યોજનામાં આપી શકાશે.
પદ્યસંગ્રહમાં હવે છેલ્લો વારો ભજનનો અને ચારણી છંદોનો આવે છે. બંનેની વ્યવસ્થિત યોજના ચાલુ છે. ભજનોનો તો મહાસાગર જ ઘૂઘવી રહ્યો છે. એ લોક-ધન તો અજોડ જ છે; અને આંગ્લ કવિ સર વૉલ્ટર સ્કૉટે સંગ્રહેલ ‘ધ બોર્ડર મિન્સ્ટ્રેલ્સી’ની માફક આપણે પણ સૌરાષ્ટ્રના સીમાન્ત-સંગ્રામો વિશે રચાયેલાં અનેક ચારણી ગીતો-છંદો પ્રગટ કરી સોરઠી ઇતિહાસના કોઈ ભાવિ ઇતિહાસકારના હાથમાં સાચા ઇતિહાસની થોડીક નવી સામગ્રી ધરી દઈશું એવી મારી શ્રદ્ધા છે.
મારા એ કાર્યમાં હું સહુ સૌરાષ્ટ્રપ્રેમીઓનો સહકાર યાચું છું.
ચૈત્ર સુદ 1, 1984 [1928] ઝ. મે.
કૌમાર અને લગ્નજીવન : એ બે શું પરસ્પર વિરોધી અવસ્થાઓ છે? કે એકનો બીજીને રૂપે સ્વયંભૂ વિકાસ છે? ‘ચૂંદડીના રંગો’માં યોજાયેલું દિવસ-રાત્રિનું રૂપક એને વિરોધાભાસી ગણતું હોય તેવી ભ્રાંતિ પડે છે.
મિત્રો ખરું કહે છે કે ‘કૌમાર’ એ કળી છે. ને લગ્નજીવન તો એમાંથી વિકસતું પુષ્પ છે : એકલ દશાના અંતરના નિરંતર ‘एकोङहं बहुस्याम्’ની ગુપ્ત આકાંક્ષા રમે છે — વૃક્ષરૂપે પ્રગટવાની આકાંક્ષા બીજના હૃદયમાં ભરી છે તે પ્રમાણે : માટે દિવસ–રાત્રિના દ્વંદ્વની ઉપમા એને બંધબેસતી થતી નથી.
સાચી વાત છે. વિરોધનો તો માત્ર આભાસ જ છે. મેં યોજેલું રૂપક એને પ્રકૃતિગત વિરોધી દશાઓનું મનાવતું હોય તો તેમાં મારો ભાષાદોષ હશે. એકલદશામાંથી યુગલદશામાં જવાના પ્રવેશ દ્વારા પર જે વિરોધનું વાતાવરણ — શંકાઓ, ભ્રાંતિઓ, ચિંતાઓ અથવા તો સ્વાર્થની કઠોર, કડક લાગણીઓને રૂપે — છવાઈ રહેલું હોય છે. તેને જ મેં વિરોધાભાસ નામે ઓળખાવેલ છે. લગ્નસાહિત્ય તથા લગ્નવિધિઓ એ વિરોધાભાસી મનોદશાને જોડનારા સંધ્યા-રંગો સમાન છે, એટલો જ મારા લખાણનો ભાવ છે. એટલે મારું રૂપક તો કેવળ એ ગીતો તથા વિધિઓ પૂરતું જ છે.
‘ચૂંદડી’ના ત્વરિત સત્કાર માટે સહુ ભાઈબહેનોનો આભાર માનું છું. નવી આવૃત્તિમાં સુધારાવધારા સૂચવનાર સૌ. વિજયાબહેન દુર્લભજી પરીખનો આભાર માનું છું.
એ બહેન તરફથી, ચલાળાવાળાં શ્રી મણિબહેન તરફથી, તેમ જ બીજાં જે જે ભાઈ-બહેનો તરફથી રાજપૂત, કાઠી, ચારણી, મારવાડી વગેરે રસાળ લગ્ન-ગીતોનું મને દાન મળ્યું છે તે બધાંનો ‘ચૂંદડી’ (ભાગ બીજો) ટૂંકમાં જ બહાર ધરીશ.
અધિક માસ, પૂર્ણિમા, સં. 1984 [સન 1928]ઝ. મે.
આજે ઘણાં વર્ષે આ ચોથું સંસ્કરણ કરવા બેસતાં માહિતી મળે છે કે ત્રણ આવૃત્તિની એકંદર સાત હજાર પ્રતોનો પ્રજાએ ઉપાડ કર્યો છે, છતાં હજુ ‘ચૂંદડી’ની માગ ચાલુ જ છે. લગ્ન-ગીતોની એ લોકપ્રિયતા બતાવે છે. ભાવના તેમજ રચના, બેઉને હિસાબે લગ્નગીતોમાં જે વૈવિધ્યવંતો કાવ્યરસ છે તેના થકી જ ‘ચૂંદડી’એ લોકહૃદય પર આટલી પકડ જાળવી છે એમ હું માનું છું. ઉપરાંત લગ્નના અવસરે આ નવા યુગમાં પણ ભેટસોગાદ આપવાનું મહાત્મ્ય બહુ જ વધી ગયું છે. લગ્નગીતોનો સંગ્રહ ભેટને માટે વધારે પસંદગી પામે છે, કારણ કે બીજું કોઈ સાહિત્ય પરણનારાં યુવાન-યુવતીઓની ઊંચીં નીચી તમામ કક્ષાઓના ઊર્મિતંત્રને સ્પર્શે તેવું આપણી પાસે ઓછું છે.
‘ચૂંદડી’નો તો આ પહેલો ભાગ છે. તે પછી તરતમાં ભાગ બીજો પ્રગટ થયેલો, તેની પણ બે આવૃત્તિઓ ખતમ થઈ ગઈ છે. તેમાં પણ બ્યાશી જેટલાં, કાવ્યદૃષ્ટિએ ને સંસ્કૃતિની દૃષ્ટિએ, સુંદર ગીતો છે. બન્ને ખંડોમાં મળીને એકંદરે બસો કૃતિઓને બચાવી લેતા આ બેઉ સંગ્રહો આપણા સમાજજીવનનો ઇતિહાસ ઉકેલવા બેસનારાઓને સારી પેઠે સહાયકર્તા થઈ પડે તેવા છે. બીજા ખંડમાં તો મેં પોતે જ તુલનાદૃષ્ટિએ આંતરપ્રાંતીય લગ્ન-ગીતોની ચર્ચા કરી છે.
નવી નવી થતી જતી આ ગીતોની આવૃત્તિઓ મારી એક માન્યતાને મજબૂત કરતી જ આવે છે કે, લોકસાહિત્ય એ ચિરંજીવી સાહિત્ય છે, એનો રસ અમર છે.
26-1-1940ઝ. મે.