ચૂંદડી ભાગ 2/5.કેસરિયાંનાં તેડાં
5.કેસરિયાંનાં તેડાં
વર કન્યાને પોતાની પાસે તેડાવે છે : કન્યા જુદાં જુદાં બહાનાં બતાવી વિલંબ કરે છે. વિનોદ પરસ્પરની પ્રેમોર્મિને બહલાવે છે.
લાડી! તમને કેસરિયો બોલાવે રે રંગભીની!
ઓરાં આવો મુજ પાસ.
પાળી ચાલું તો મારા પહોલાં2 દુખે
કેમ રે આવું વરરાજ!
મોકલાવું મારી અવલ હાથણિયું
બેસી આવો મુજ પાસ! — લાડી.
અવલ હાથણિયુંની ઊંચી અંબાડી
તેથી ડરું વરરાજ!
મોકલાવું મારાં અવલ વછેરાં
બેસી આવો મુજ પાસ! — લાડી.
અવલ વછેરાં તો નાચે ને ખૂંદે
તેથી ડરું વરરાજ!
મોકલાવું મારી અવલ વેલડિયું
બેસી આવો મુજ પાસ! — લાડી.
અવલ વેલડિયુંનાં પૈ રે ધડુકે
તેથી ડરું વરરાજ! — લાડી.