ચૂંદડી ભાગ 2/55.રૂપ અને ગુણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


55

[હે પુત્રી! વરના રૂપ સામે નહિ, પણ ગુણ સામે જોજો. રૂપ ને ગુણ બંને દેવ પાસે ગયેલાં, ત્યારે દેવે રૂપને તો દૂરથી જ નમસ્કાર કરી વિદાય દીધેલી; ગુણને જ પોતાની પાસે આસન દીધેલું.]

બેની ચડો રે …બાઈ મેડીએ;
તમે જુઓ ને સાસરવેલ
રે રાયજાદી! રે સાહેબજાદી તે ચડિયાં મેડીએ.
રાયવર આવ્યા દાદાજીની ડેલીએ.
નજરે નિહાળી સાસરવેલ. — રે રાયજાદી.
દાદા! અમે રે ગોરાં ને રાયવર શામળા!
એવો મનમાં લાગ્યો સંદેહ. — રે રાયજાદી.
દીકરી! તેનો ન કરીએ ઓરતો,
તમે મનમાં કરો ને વિચાર. — રે રાયજાદી.
દુવારકામાં રણછોડરાય શામળા,
એ તો ગુણ તણો ભંડાર. — રે રાયજાદી.
રૂપ ગુણ બે દેવ પાસે ગયાં,
દેવે રૂપને કર્યા રે જુવાર. — રે રાયજાદી.
દેવે ગુણને તે દીધાં બેસણાં;
એવો ગરવો ગુણિયલ વરરાય. — રે રાયજાદી.