છંદોલય ૧૯૪૯/તને ચ્હાતાં ચ્હાતાં
તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!
હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!
કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!
૧૯૪૮