છિન્નપત્ર/૩૯

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૯

સુરેશ જોષી

સરોવરનાં જળ પરની નિસ્તબ્ધતા. આજે રાતે પવન એને વિક્ષુબ્ધ કરતો નથી. અહીંનો અન્ધકાર તમરાંઓથી પણ અક્ષત છે. અન્ધકાર, જળ અને નિસ્તબ્ધતા એકાકાર બની જાય છે. એમાંથી વિસ્તરે છે એક પ્રકારની અસીમતા; ને નથી જાણતો કે શાથી, પણ એ અસીમતામાંથી ઉદ્ભવે છે ભય. જ્યાં જ્યાં આ ભય સામો મળે છે ત્યાં મરણનો અણસાર વરતાય છે. ઘણી વાર ભટકી ભટકીને મરણના આભાસ આગળ આવીને અટકું છું. એક પછી એક શબ્દો લખતો જાઉં છું, ને જોડાઈને આકાર ધારણ કરતા અર્થની વચ્ચેથી એકાએક કશાકની છાયા જોઉં છું. એ કોની છાયા? કદાચ આ છાયાનો સાક્ષાત્કાર કરવા માટેનો જ તો આ બધો પ્રપંચ નથી?…. આવું વિચારતો હોઉં છું ત્યાં લીલા મારી આંખ પર એનો હાથ ફેરવે છે. એનો વણઉચ્ચારાયેલો પ્રશ્ન હું સમજી જાઉં છું ને કહું છું: ‘ના, ઊંઘી નથી ગયો.’ સામેથી એ પ્રશ્ન કરે છે: ‘તો?’ અન્ધકારમાં એની કાયાનો માત્ર આભાસ દેખાય છે. આથી એ ‘તો?’ બોલીને પ્રશ્ન કરે છે ત્યારે એની આંખોમાં એ પ્રશ્ન કેવો દેખાતો હશે? એના હોઠ ‘તો’માંનો ‘ઓ’ ઉચ્ચારતાં કેવા ગોળાકાર થયા હશે તેની કલ્પના કરું છું. મને જવાબ આપતાં વાર લાગે છે તેથી એ મારી વધુ પાસે સરીને એના હાથથી મારું મોઢું એની તરફ ફેરવે છે. હું પૂછું છું: ‘શું જોયું? કશું દેખાય છે ખરું? એ કહે છે: ‘હા, ઘણું બધું દેખાય છે. એક તો છે સ્ત્રી. હડપચી આગળ નાનો શો તલ છે. આંખો એની અર્ધખુલ્લી છે. હોઠ એના કશોક શબ્દ ઉચ્ચારવા જાય છે, પણ બંને હોઠ એ બાબતમાં એકમત નથી. આથી ઉપલો હોઠ નીચલા હોઠને દબાવે છે. હડસેલી દેવાયેલો શબ્દ આંખમાં ડોકિયાં કરે છે.’ હું કહું છું: ‘મને રસ પડે છે. એ સ્ત્રી એકલી જ છે કે સાથે કોઈ છે?’ લીલા હસીને કહે છે: ‘હું જાણતી હતી કે તું એવો પ્રશ્ન પૂછશે જ. હા, એની પાસે કોઈક છે. ને વળી વધારામાં એ પુરુષ છે. હવે?’ હું કહું છું: ‘બાકીનું બધું હું સમજી શકું છું.’ લીલા સાવ ધીમા અવાજે કાનમાં કહે છે: ‘ના રે ના, હું તો કશું દેખતી નથી. એક માત્ર તું અહીં તો દેખાય છે. હું તો નથી જોતી સરોવર, નથી જોતી આકાશ, મને ભગવાને ઘણું બધું સમાવવાની શક્તિ જ નથી આપી. તારું દુ:ખ એ છે કે –’ હું કહું છું: ‘જો મારું દુ:ખ તું જાણે છે તો મને એમાંથી ઉગારતી કેમ નથી?’ એના સ્વભાવમાં નથી એવી ગમ્ભીરતાથી એ કહે છે: ‘ મારા પ્રયત્નો સાવ નિષ્ફળ ગયા છે. ‘ હું પૂછું છું: ‘બસ? તેં આશા છોડી દીધી છે? ‘ એ કહે છે: ‘ના, પણ પુરુષને સર્જનારી સ્ત્રી આખરે તો પુરુષને પોતાનામાં સમાવી લઈ શકતી નથી. સાંજ વેળાએ ઘીનો દીવો કરીને એના નાના શા તેજવર્તુળમાં એ જેને આલિંગનમાં જકડી દેવા ઇચ્છે છે એ તો ત્યાં હોતો નથી. સમુદ્ર પર ઊડતા પંખીની જેમ એ કોણ જાણે ક્યાં ખોવાઈ જવા નીકળી પડ્યો હોય છે.’ હું હસી પડીને કહું છું: ‘લીલા, તું શરદ્બાબુની નાયિકા જેવું બોલે છે.’ એ સાંભળીને એ નાના બાળકની જેમ પૂછે છે:’શરદ્બાબુ મને નાયિકા બનાવે ખરા?’