છિન્નપત્ર/૪૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૭

સુરેશ જોષી

ક્ષણના પાંચીકા ઉછાળીને લીલા રમે છે. હું બેઠો બેઠો એ રમત જોઉં છું. એની ક્ષણ કાળનો ભાર ઉપાડતી નથી. પણ એક ક્ષણ કેટલીક વાર અફાટ શૂન્યથી ભરેલી નથી હોતી? એવી ક્ષણોનું એ શું કરતી હશે? એનો સમય ફુવારાની જેમ ફોરાં બનીને વિખેરાઈ જાય છે. કોઈ સરોવરમાં હૃદયનો નિસ્તરંગ ભારે ભારે અન્ધકાર સંઘરવાની એની પાસે જગ્યા ક્યાં છે? એ તો સૂર્યને પણ રંગીન બુદ્બુદ રૂપે ઉડાડી મૂકે છે. એની સાથે માયા જોડી ન શકાય. છતાં એ સંસાર વચ્ચે વસે છે. એ સાવ નિલિર્પ્ત રહી શકે છે? વેદનાથી સાવ અસ્પૃષ્ટ રહી શકે છે? લીલાનો સ્વભાવ સમસ્યારૂપ બનવાનો નથી. મારી ગૂંચથી જ કદાચ હું એને ગૂંચવીને જોઉં છું. આપણા સિવાયના અન્યનો સ્વીકાર એ કેટલી અટપટી વસ્તુ છે? લોપ વિના સ્વીકાર સમ્ભવતો નથી એમ ઘણાં કહે છે. સ્વીકારની પૂર્ણતા જો આપણામાં નિ:શેષ વ્યાપી જાય તો લોપની વેદનાને અવકાશ જ ક્યાં રહે? પણ હૃદય કશું સરળ રહેવા દેતું નથી. માલાને ઝંખું છું ને કદાચ એને કદી પામી શકવાનો નથી એના ભાનથી જ ઝંખું છું. લીલા તો અગ્રાહ્ય જ છે. આમ એ બંનેમાંથી એક્કેય આત્મવિલોપનની આવશ્યકતા ઊભી કરે એમ નથી. આ જ કારણે કદાચ હું એ બંનેને એક સાથે ઝંખું છું. પણ ઘણી વાર એ બંને એકબીજામાં અભિન્નભાવે ભળી જતાં હોય એવું મને લાગે છે. આંસુ અને સ્મિત આખરે વાત તો એક જ ઉચ્ચારે છે. આવું બધું હું વિચારતો હતો ત્યાં જ લીલા આવી ચઢી. સાથે આવ્યું એનું હાસ્ય. એના શબ્દોએ પતંગિયાની જેમ ઊડાઊડ કરી મૂકી. એના સ્પર્શો ફૂલની પાંખડીની જેમ મને વળગી પડ્યા. મારા નિર્જનતા પણ રોમાંચિત થઈ ઊઠી. સૃષ્ટિ બે આંખોની સીમામાં સંકોચાઈ ગઈ. બે હાથના પ્રસારથી વધુ દૂરનો કોઈ ધ્રુવ દેખાતો બંધ થયો. તાર પરથી સરતાં વરસાદનાં ટીપાંની જેમ ક્ષણો સરવા લાગી. પળે પળે નવી ભાત ઊપસી આવતી દેખાઈ. પણ અસ્તિત્વના અતલમાં ઊંડે ઊંડે જે છે તે પણ શું આવી ક્ષણે દ્રવીભૂત થઈને વહી જાય છે ખરું? એનો ભાર લુપ્ત થાય છે ખરો? એ નીરમ વિના આપણને ચાલે ખરું? લીલા કદાચ આવા પ્રશ્નોને ઓળખતી નથી. પણ એ તો મારું અનુમાન. અમુક પ્રશ્નો કદાચ મારા મનની વિશિષ્ટ આબોહવામાં જ ઊછરે છે, કોઈ બે હૃદયની આબોહવા કદી એક થઈ શકે છે ખરી? કે પછી એવું કરવા જતાં જ ઝંઝાવાત સૂસવી ઊઠે છે? મારી આંખો આ પ્રશ્નોને કારણે ધૂંધળી બની ગઈ હશે. લીલાએ એ જોયું ને બોલી: ‘આકાશ ઘેરાયું છે કે શું?’ મેં હસીને કહ્યું: ‘તું હોય તો પછી આકાશ કેટલો વખત ઘેરાયેલું રહી શકવાનું હતું?’ એણે પૂછ્યું: ‘હું છું ખરી? ક્યાં છું?’ મેં કહ્યું: ‘આ પ્રશ્નોનો ભાર તું પણ ઉપાડી જાણે છે ખરી?’ એણે કહ્યું: ‘એ કાંઈ સ્વેચ્છાએ ઉપાડવાનો નથી હોતો. કોઈ પ્રશ્ન આપે, કોઈ પ્રેમ.’ કોણ જાણે શાથી, હું સહેજ અકળાઈ ઊઠ્યો ને બોલ્યો: ‘પ્રેમ કોઈ આપી શકે? પ્રેમ ખીલે, વિકસે, બાકી આપેલો પ્રેમ –’