છોળ/ઉભાર
વારા વારે તે હાં રે તડકો ડોકાય પાડી
વાદળાંની વાડ્ય મહીં છીંડાં
લંબાવી કિરણોની જાળ્ય મથે ઝાલવા
દડદડતાં તેજ તણાં ઈંડાં!
ઊતરતા શ્રાવણનો ઝરમરિયો સમો
ચહું હરિયાળો ઊભરે હુલાસ
અરધી ડૂબેલ તોય વેંત ઊંચી ડાંગર
આ જળે ભર્યાં ખેતરને ચાસ!
લેરખીએ ઝૂલે ભીની વેલ્યું વાલોળની
ને છોડવાપે કૂણા-કૂણા ભીંડા!
વારે વારે તે હાં રે તડકો ડોકાય પાડી
વાદળાંની વાડ્ય મહીં છીંડાં…
પડખેના કોસ પરે મોકળે ગળે રે ઓલ્યા
મોટિયારે છેડ્યું લે ગાન,
રહી રહી થાય કે આજ ઈને પાઠવું
વળતી કીડીની એક લ્હાણ!
ફરે તોય પાછાં પણ લાલી લઈ ગાલની
મનોરથ હાય સઈ મીંઢા!
વારે વારે તે હાં રે તડકો ડોકાય પાડી
વાદળાંની વાડ્ય મહીં છીંડાં!
લંબાવી કિરણોની જાળ્ય મથે ઝાલવા
દડદડતાં તેજ તણાં ઈંડાં!
૧૯૯૦