છોળ/કેલિ
તરસ ના મુજ છીપી
કીધ નહીં કીધ પાન રે કાં દીધ અધરને તવ ચીપી?
કુંજ કુંજે આજ કેલિ, ઢળી એવી
મોસમની કશી માયા,
દૂર પણે ન્યાળ અવનિ ઉપરે
ઝૂકી ઝૂકી મેહ-છાયા,
અધવચે ત્યહીં ચાલી અરે ક્યહીં આમ સંકોડીને કાયા?
હરી ભરી અમરાઈમાં બોલતો બપીહો જો હજી ‘પી’ ‘પી’!
તરસ ના મુજ છીપી…
ક્યાંયે ઠરે નહીં પાય તારાં આજ
ચોગમ ભમતી રે’તી,
જ્યમ આ બકુલ ફૂલની સુગંધ
સમીરણે જાય વ્હેતી!
મુખ થકી નવ વેણ વદે તોય જાણે કશું કશું કે’તી
અબુધ ઉરને ઊકલે ના તવ તારક-નેનની લિપી!
તરસ ના મુજ છીપી…
૧૯૬૧