છોળ/ચોંટિયા
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
આડશમાં કરતી અંઘોળ,
નફ્ફટ ડોકાય મ્હાંય તડકો અધૂકડો
શુંયે તે શોધવાને ડોળ?!
ચોળી અરીઠડા ઉતાર્યો મેલ ને
ભૂતડાને કીધાં સુંવાળાં
નીતરતે અંગ હવે દોઉ હાથ ઝાલીને
ઝાપટું હું લાંબા મોવાળા,
ઊડે ઝીણેરી કાંઈ શ્રાવણની ઝરમર શી
છાંટ્યું રળિયાત ચહું ઓર!
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
આડશમાં કરતી અંઘોળ…
વંડી છેવાડના જાંબુડિયા વંન થકી
સૂડાની ઊઠે ભરમાર
ઝાળ ખણે ચોંટિયાં ખરતાં ઉઘાડે અંગ
ટહુકાં તીખાં તે વારવાર!
કીડા-મંકોડિયા તો ખંખેર્યાં જાય હાય
સાવ જે અદીઠ એ શેં લોલ?!
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
આડશમાં કરતી અંઘોળ…
૧૯૯૨