છોળ/ધરવ
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ
બથમાં લઈ બપોરિયાનું નીતર્યું તે નભ નીલ!
ચાટલા જેવો લળખ લીસો થીર શો જળ પથાર,
હળવોયે ના સરતી મીનનો ક્યહીં કળું અણસાર,
તરતી કેવળ આભમાં ઉપર એકલદોકલ ચીલ!
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ…
રણક રૂડી કહેતી, ભલે આંહીંથી એ નવ ભાળું
દખ્ખણી કેડે જાય હલેતું ગાડલું ઘુઘરિયાળું!
રણઝણની જરી લ્હાણ ને ફરી મૂંગાં ચોગમ બીડ!
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ…
ઢળતો મીઠાં અલસભર્યો તડકો હળુ હળુ,
સુખનો અરવ ધરવ માણે તટનાં ઝૂકેલ બરુ!
આવયને ઘડીક આપણ્યે ભેળા,
જળમાં ટાઢા, થઈને આડા
સાવ ઉઘાડે ડિલ!
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ
બથમાં લઈ બપોરિયાનું નીતર્યુંતે નભ નીલ!
૧૯૯૦