જનપદ/ડચૂરો
સાંજના ગાડામાં
ભર્યો શિયાળો
સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
ઊડતી ધૂળ કિરણોમાં સોનું.
સૂરજ કાળા ઘડામાં પુરાય.
લબકારા લે કુહાડો જંગલ પર.
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ઝણઝણે કરોડ.
નસોનું તાપણું તતડે.
ચાલે અંધારિયા પેટાળમાં આગિયા ઝરણ.
બહુ દૂર નથી છાપરું.
આઘે નથી હોકો.
નથી છેટો ચૂડલો
ને કરાંઠીએ ચળકતો અગ્નિ.