જનાન્તિકે/ચાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચાર

સુરેશ જોષી

બારી પાસે બેસીને જોઉં છું: ઝરમર ઝરમર તડકો વરસે છે. પાસેની મધુમાલતીની ઘટાએ શીતળતાનો નાનો શો દ્વીપ રચ્યો છે. ત્યાં મધમાખીઓએ આશ્રય લીધો છે, અને મધપૂડાની રચના કરવા માંડી છે, ભારે ધમાલ છે. આમ જુઓ તો નરી નિઃસ્તબ્ધતા બધે છવાઈ ગઈ છે. બપોરની અલસમંથર વેળા સાપે ઊતારી નાખેલી કાંચળીની જેમ પડી રહી છે. એમાં ક્યાંય કશો સંચાર નથી. ફૂલ તરફ જોઉં છું, કશુંક આનંદના દ્રુત લયથી એકી શ્વાસે બોલી નાખ્યા પછી બાળકનું મોઢું શ્વાસ લેવા ખુલ્લું રહી ગયું હોય તેવી એ ફૂલોની મુદ્રા છે. એ હમણાં જાણે કશુંક કહેશે એવી ભ્રાન્તિથી કાન સરવા રાખીને સાંભળવાને ઊભા રહી જવાય છે… ત્યાં એકાએક મધુમાલતીની બાજુમાંથી જ અવાજ આવે છે – બજરની દાબડી ખૂલીને બંધ થતી હોય તેવો – ને જોઉં છું તો પાંદડાંના ગુચ્છાની આડશે એક કાચીંડો સ્થિર દૃષ્ટિએ અવિક્ષુબ્ધ અચલાસને બેઠો છે. કૂટસ્થ, નિર્લિપ્ત, એને જાણે કશી ખબર નથી. એક મધમાખી મધપૂડા પરથી ઊડે છે, ને તરત ‘ડબ’ દઈને અવાજ આવે છે, વળી આંખો સ્થિર થઈ જાય છે. અચલાસને પ્રતિષ્ઠિત થઈ ને દૂરની ક્ષિતિજના રહસ્યને તાગતો કાચીંડો પાંદડાંના ગુચ્છની આડશે, યથાવત્ બેસી રહે છે. મધના સ્વાદની એને ખબર છે કે નહીં તે તો કોણ જાણે! ગીતામાંની ભગવાનની વાણી યાદ આવે છે : કાલોસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃત્ત:

આ જ જોયું તે નગ્ન બુભુક્ષા નહોતી. એનું એક વિશિષ્ટ રૂપ હતું. આહાર, નિદ્રા અને મૈથુન તો પ્રાણીમાત્રને છે, પણ એને રૂપ આપીને મનુષ્ય જાણે એની સ્થૂળ પ્રાકૃતતામાંથી છૂટી જવા ઇચ્છે છે. એણે આ રૂપો સરજવાનો પ્રપંચ ભારે વિસ્તાર્યો છે. આરોગવા બેસે ત્યારે લીલીછમ કેળનાં પાન, આજુબાજુ રંગોળી, ધૂપસળી, વાનીઓ રંગબેરંગી, એના સ્વાદની સાથે એની સોડમ, એને પીરસવાની છટા, એને પીરસનાર – જોયું ને, કેટલો બધો પ્રપંચ!

આથી જ, રૂપ એ આપણો મુખ્ય આશ્રય છે. નિરાકારને ય આકાર આપીએ એટલે ભય નહિ. જો આકારનું આશ્વાસન ન હોય તો માણસ કદાચ ટકી જ ન શક્યો હોત. દક્ષિણનાં મન્દિરોનાં ઊંચાં ગોપુરમને જોઈએ છીએ ત્યારે નિરાકાર આકાશની સામે આકારના વિજયોને એ દર્પપૂર્ણ તર્જનીસંકેત હોય એવું લાગે છે. પણ રૂપનું સર્જન એ પણ એક અજબનો કીમિયો છે. એ રૂપના આશ્રયે રહીને અરૂપનો મહિમા દેખી શકીએ ત્યારે જ એ રૂપ સાર્થક ઠરે. રૂપ પોતાને પ્રકટ નથી કરતું, પ્રકટ થવા જતાં જ એ અપ્રકટતા સિદ્ધ કરે છે. એ પ્રકટતા વંધ્ય નથી, કારણ કે પ્રકટતાની બારીમાંથી આપણે એને જોઈ છે.

કહે છે કે પવન પહેલાં આંધળાની જેમ અટવાતો ફરતો હતો,એને પોતાને જ એની ગતિવિધિની કશી ખબર નહોતી. પછી એક વાર ધૂંઘવાતો ધૂંધવાતો એ વાંસના વનમાં થઈને ફૂંકાયો, ને વાંસના પોલાણમાંથી ભરાઈને એ બહાર નીકળ્યો તો એ સૂરમાં ફેરવાઈ ગયો. એને રૂપ મળ્યું. પછી તો માનવી આવ્યો. એણે તો શ્વાસને રમાડીને અનેક રૂપો સરર્જ્યા. પણ એ અદેહી પવન રણના વિશાળ વિસ્તાર પર વિરાટ પગલી પાડતો ચાલે છે. ત્યાં એનો રોષ વરતાય છે કારણ કે ત્યાં એને રૂપ આપનાર કોઈ નથી. માણસના બે હોઠના બીબામાં એનું રૂપ ઢળાય છે. સાગરના અફાટ વિસ્તાર પર ઊછળતાં મોજાં પણ રોષે ભરાયેલા પવનનાં જ પગલાં છે.

પવન કવિને પડકારે એવું એક તત્ત્વ છે. આમ જુઓ તો એનાં કેટલાં રૂપ છે! દીપની સ્થિર જ્યોતને ભેટતો પવન, લજ્જાળ યુવતીના પાલવમાં ભરાઈને એને સઢમાં ફેરવી નાખતો પવન, બંધ કરેલાં દ્વારની ફાડમાંથી અંગને સંકોચીને ચોરપગલે દાખલ થઈ જતો પવન, અવાવરું વાવના અંધારાના લેપવાળા પાણી પરની લીલની ઝૂલને હલાવી જતો પવન, બે મૂઢ પ્રેમીની વચ્ચે ઘૂઘવાતો પવન, સૂકાયેલાં પાંદડાં વચ્ચેથી સાપની જેમ સરરર સરી જતો પવન, આકાશની નીલ જવનિકાને ઊડાડતો પવન, ઘણી વાર બેઠા બેઠા આ પવનને જોયા કરવાનું ગમે છે.

પણ ઘણી વાર એ જોયું જીરવ્યું જતું નથી. આપણે સ્પર્શેન્દ્રિયને લગભગ જૂઠી કરી નાખી છે. ઋતુઋતુએ, દિવસને જુદે જુદે સમયે પવનના સ્પર્શ માણવા જેવા હોય છે. લાંબે ગાળે બહારથી આવીને ઘર ખોલીએ ત્યારે બારણું ખૂલતાંની સાથે જ આપણને ઘસાઈને ત્વરાથી બહાર છટકી જતો પવન, મુંબઈ જેવા શહેરના અંધારિયા ને ભેજવાળા ભોંયતળિયે આળસુ થઈને પડયો રહેતો પવન, ફેંકી દીધેલા કાગળના ટૂકડા સાથે પકડદાવ રમતો શિશુપવન, ઐતિહાસિક ઈમારતના ખંડેરમાં ઘૂમરાઈને કોઈ મહાકવિના આખ્યાનકી અનુષ્ટુપમાં ભૂતકાળના સર્ગબદ્ધ મહાકાવ્યનો પાઠ કરતો પવન, પ્રિયતમાના મુખમાંથી સખીના કાનમાં ચોરી છૂપીથી સરી જતા પ્રિયતમના પ્રથમ નામોચ્ચારનો ઉષ્ણ ઉચ્છ્વાસરૂપ પવન, નીલિમાના કપોલને છેડીને એના આનંદવિહ્વળ સ્પર્શના રોમાંચથી આપણા લોહીમાં ભરતી રેલાવી દેતો પવન…

બસ, પવન જોડે હરીફાઈમાં નહીં ઉતરાય. આપણા કાવ્યસાહિત્યમાં પવનને રૂપ આપતી કવિતા કેટલી છે વારુ?

માગશરના ઠંડીના દિવસો છે. ઘરમાં તાપણું કર્યું છે. સળગતાં લાકડાંની ઝાળ ભીંત પર બિહામણા પડછાયા પાડે છે. દાદીમા જે રાક્ષસની વાત કરી રહ્યાં છે તેની ‘માણસની ગંધ આવે, માણસ ખાઉં’ કહીને લપકારા મારતી જીભ જ જાણે! ભયનો રોમાંચ પણ માણવા જેવો હોય છે. દાદીમા વાત શરૂ કરે : ઘોર અંધારું વન છે, સૂરજદાદાને ય પેસવા નહિ દે એવું – ને પછી દાદીમાનો મંદ કંપવાળો અવાજ કેટલાય અવાજોની સૃષ્ટિ ઊભી કરી દે છે – વનનો રાક્ષસી વીંઝણો વીંઝાય તેનો અવાજ, તમરાંનો અવાજ, રાજકુંવરીના ઝાંઝરનો અવાજ, રાજકુમારના પુરપાટ દોડ્યે જતા નીલપંખ ઘોડાના દાબડાનો અવાજ, ને વાતાવરણ રચાઈ જતું, રજાઈની હૂંફમાં સુખથી ઢબુરાઈને અજાણ્યા ભયથી ફફડી ઊઠવાની શી લિજ્જત હતી! ઝાડની ડાળી હાલે ને જાણે રાક્ષસે હાથ લંબાવ્યો. બારીમાંથી પવન સૂસવાટો કરતો વાયને જાણે ઊંઘતા રાક્ષસના નસકોરાં બોલ્યાં, બા બારણાની સાંકળ ચઢાવે ને જાણે રાજકુંવરીના ઝાઝર રણક્યાં! વૃદ્ધાવસ્થાની એક નિશાની કદાચ એ છે કે આ અવાજની સ્મૃતિની તાદૃશ્યતા ઝાંખી થતી જાય છે ને બાળક? એને તો એમ જ થયા કરતું હોય છે : પતંગિયું થાઉં તો, મોર થાઉં તો, વાદળ થાઉં તો! – ને આખરે એ ક્યાં અટકે તે જાણો છો? – હું ભગવાન થાઉં તો! આપણને બધાને તો જીવવાની ટેવના બખિયા મારીને કોઈએ સીવી દીધા છે. બાળકને હજુ કોઈ એવા બખિયા ભરી શકતું નથી. જીવનથી એવું તો ફાટું ફાટું થઈ રહે છે કે એને કોણ બખિયા મારવાની હિંમત કરે? કોઈ વાર અધરાતેમધરાતે ચન્દ્રકિરણની આંગળીઓ આપણા આ બખિયાને ઉકેલી નાખે છે ને ત્યારે ઘણા વખતથી આપણામાં પૂરાઈ રહેલો પેલો શિશુ ‘એન ઘેન’ ‘રમવા જમવા’ છુટ્ટો થઈ જાય છે.

આવી તિથિઓ પંચાંગમાં નોંધાતી નથી. પણ જીવનમાં આવે છે ખરી. ને ત્યારે શિયાળાની ઠંડી રાત પ્રાત:કાળ તરફ વળતાં એની નાડીમાં જે ક્વોષ્ણ કંપનો આછેરો સંચાર થાય છે તેમાં ભળી જવાનું મન થાય, અન્યમનસ્ક બનીને આંગળીને ટેરવે સાડીનો છેડો વીટાળ્યા કરતી મુગ્ધાની દૃષ્ટિના દોરમાં ગૂંથાઈ જવાનું મન થાય, સ્થિર પાણીમાંથી એકાએક ઉછળી આવતી માછલીની આર્દ્ર રૂપેરી કાયા પર સહેજને માટે સૂર્યકિરણ બનીને ચમકી ઊઠવાનું મન થાય, ઉનાળાની બપોરની ઉષ્ણ નિસ્તબ્ધતાને અર્કરૂપે સારવી લઈને ઘૂઘવતા હોલાને કણ્ઠે ઘૂઘવી ઉઠવાનું મન થાય, શિશુના નાનકડા મુખમાં ન સમાતાં રેલાઈ જતી દૂધની ધાર બનવાનું મન થાય…

ઊંઘના ભારને અળગો કરીને શરીરને વળી ટટાર કરીને સવારે આપણે ઊભા થઈ જઈએ છીએ, કેમ જાણે કશું જ બન્યું નથી. પણ એક દિવસે એ ભાર અળગો કરી શકાતો નથી, ત્યારે આ કાયાને કોઈ સંકેલી લઈને ચાલતું થાય છે, ત્યારે બાળપણની પેલી પાંખાળી સોનાપરી કદાચ ફરી મળતી હશે., પણ એના નાજુક ખભા પર આપણો ભાર ટકી શકે ખરો? પણ ત્યારે કદાચ આપણને ય નાજુક થવાનો કીમિયો હાંસલ થતો હશે. ને તેથી જ જૂઈની કળી બનીને એકાદ દિવસ પૂરતું ખીલી જવાનું આપણે મંજૂર રાખતા હોઈશું.