જનાન્તિકે/બેતાલીસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બેતાલીસ

સુરેશ જોષી

અહીં સૂર્યનો સમૂળો બહિષ્કાર કર્યો છે. બહારની હવા પણ કોઈક અંદર પ્રવેશે ત્યારે એની પાછળ લપાતી સંતાતી ઘડીક ડોકિયું માત્ર કરી જાય છે. ‘એર કન્ડિશનિંગ’ બધી ઋતુઓને એક કરી નાખે છે – અથવા એક નવી જ ઋતુની આબોહવાનો એમાં અનુભવ થાય છે. વિદ્યુતના દીવાનું તેજ ખંધા માણસની આંખની જેમ પોતે બહુ પ્રકટ થયા વિના બીજાને બતાવવા પૂરતું હાજર છે. આથી બધાં વચ્ચે જાહેરમાં બેઠા હોવા છતાં એક પ્રકારના આભાસી વિશ્રમ્ભનું, એકાન્તનું વાતાવરણ ઊભું થતું લાગે છે. ક્રીમ કૉફીનો ઘૂંટડો પીતાં પીતાં હું આજુબાજુની દુનિયાને જોઉં છું. આ વિશ્રમ્ભ અને એકાન્તનું લોકો શું કરવા માગે છે? એક ખૂણામાં આંખ પટપટાવતી એક ષોડશી(કે વીશંતિકા?) ની આજુબાજુ થોડાક જુવાનિયાઓનું ઝૂમખું બેઠું છે. સહેજ સહેજમાં હાસ્યની છોળ ઉછળે છે. પોતે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે. એનું ગૌરવભર્યું ભાન ધૂંધળા વાતાવરણમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. વેઈટર (કે બેરર?) ચાવી આપેલા રમકડાની જેમ મૂંગા મૂંગા ફરે છે, અદબથી ઝૂકે છે. બધે સભ્યતાનું ચળકતું વાર્નિશ દેખાય છે. આ દ્વીપ રણદ્વીપ જેવો જ લાગે છે. એની ચારે બાજુ મૃગજળ છે. મૃગજળથી ઘેરાઈને સપનાં જોતાં બેસવું – એ કાંઈ જેવી તેવી વાત છે?