જયંતીલાલ મફતલાલ આચાર્ય
આચાર્ય જયંતીલાલ મફતલાલ, ‘પુંડરિક’ (૧૮-૧૦-૧૯૦૬, ૧૯-૭-૧૯૮૮): કવિ, સંપાદક, અનુવાદક. જન્મ કડી (જિ. મહેસાણા)માં. વતન અમદાવાદ. ૧૯૨૫માં મૅટ્રિક. ૧૯૨૯માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૧-૩૪ દરમિયાન શાંતિનિકેતનમાં આચાર્ય ક્ષિતિમોહન સેન પાસે મધ્યકાલીન સંતસાહિત્ય, યોગસાધના અને બંગાળી ભાષા-સાહિત્યનું અધ્યયન. ૧૯૩૫થી ૧૯૭૦ સુધી અનુક્રમે સી. એન. વિદ્યાલય, શારદામંદિર, ભારતીય વિદ્યાલય, ગુજરાત વિદ્યાસભા, શ્રેયસ્ હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. એમણે ક્ષિતિમોહન સેનકૃત બંગાળી ગ્રંથ પર આધારિત ‘ગુજરાતના સંતકવિઓ અને બાઉલપંથ' (૧૯૭૩), ‘શ્રી શારદાદેવી' (૧૯૪૩), રવીન્દ્રનાથના જીવનપ્રસંગો પર આધારિત વાર્તાઓનો સંગ્રહ ‘ઠાકુરદાની વાતો' (૧૯૪૦), ‘મરમી સંતોનું દર્શન' (૧૯૮૨) જેવા ગદ્યગ્રંથો; ‘ગોરસ' (૧૯૩૯), ‘દીવડા’ (૧૯૩૯) તથા રવીન્દ્રનાથનાં કાવ્યોના અનુવાદ સહિત મૌલિક કાવ્યોનો સંગ્રહ ‘દીવાટાણું’ (૧૯૭૩) જેવા કાવ્યસંગ્રહો; અંબુભાઈ પુરાણી તથા માણેકલાલ દેસાઈના સ્મૃતિગ્રંથો અને ‘મીરાં જન્મ શતાબ્દી ગ્રંથ' જેવાં સંપાદનો આપેલાં છે. આ ઉપરાંત એમણે બંગાળી ભાષામાંથી રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ અને ગૌરીશંકર ઓઝાનાં તેમ જ અંગ્રેજીમાંથી માતાજીનાં પુસ્તકોના ગુજરાતી અનુવાદ પણ આપ્યા છે, જે પૈકી ‘માનવધર્મ’ (૧૯૩૮), ‘બ્રહ્મચર્ય’ (૧૯૪૭), ‘સાહિત્ય’ (૧૯૪૦), ‘મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ' (૧૯૩૩), ‘ગીતાની ભૂમિકા અને આપણો ધર્મ' (૧૯૪૭), ‘મધ્યયુગની સાધનાધારા’ (૧૯૫૬) વગેરે નોંધપાત્ર છે.