જેલ-ઑફિસની બારી/જેમલાનો કાગળ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જેમલાનો કાગળ


જેમલો રાજકેદી ભાઈ પાસે પોતાનું ત્રૈમાસિક પત્તું લખાવવા બેઠો છે. પણ શું લખાવે? સૂઝતું નથી. લખાવે છેઃ

‘ચોમાસું માથે આવે છે. એકઢાળિયાનાં નળિયાં ચળાવી લેજો, નીકર પાડી ને વોડકી (વાછડી) પલળશે. નળિયાં ધરમશી કુંભારનાં લેજો; બીજાના લેશો નહિ. ભૂલશો નહિ. એકઢાળિયું ચળાવજો. આ બાબત ભૂલશો નહિ. ધરમશી ધીરવાની ના પાડે તો આપણા ખાવાના દાણામાંથી આલજો. પણ જરૂર એકઢાળિયું – ‘

પત્તુ પૂરેપૂરું ભરાઈ ગયું. જેમલો આટલો જુવાન છતાં વહુને કે છોકરાને મીઠી લાગણીનો એક શબ્દ પણ નથી લખાવતો. એ તો એકઢાળિયાની વાત પાંચ વાર ફરી ફરીને લખાવે છે. ભૂલશો નહઃ ઢીલ કરશો નહઃ કેમ કે ચોમાસું માથે આવે છેઃ મોડું કરશો નહઃ આમાં ગફલત રાખવી નહઃ વગેરે, વગેરે.

બીજું કેટલુંક જેમલાને લખાવવું હતું, પણ તે તો રહી ગયું. કડબની ગંજી ઉપર સરખું છજું કરાવવાનું, વાછડીને છાશ પાવાનું, પાડીને ખરીમાં જીવડાં પડયાં હતાં તેને માથે ઘાસલેટને બદલે જીવડાંની ગંધારી દવા (ફિનાઈલ) ચોપડવાનઃં આવું આવું લખાવવાનું રહી ગયું. રાજકેદી ભાઈએ છૂટા મોટા અક્ષરો પાડવાની ધૂનમાં એટલું યાદ ન રાખ્યું કે જેમલાનું પત્તુ તો એક નાના પાનાનું પત્તું હતું. રાજકેદી ભાઈને દૂધિયા નોટ-પેપરની એક જ બાજુએ દર પત્રમાં પંદર શીટ ભરવાની આદત હતી. પ્રત્યેક અક્ષરના ચીપેલા મરોડમાં એ પોતાની ઊર્મિ આંકતો હતો એવી એની માન્યતા હતી. પોતે થોડો ચિત્રકાર પણ છે ખરો ને, એટલે વચ્ચે વચ્ચે કાગવમાં ફૂલો આલેખતો, કાગળને છેડે સહી કરવાને બદલે બે આંખો ચીતરતો, અને આંખોના ખૂણામાં અક્કેક આંસુનું ટીપું બતાવવા કોશિશ કરતો.

‘જેમલા!’ એણે પોતાના નવા તૈયાર થયેલા પત્રને છેડે આ રીતે ચીતરેલી આંખો જેમલાને બતાવીઃ ‘આ કેવું લાગે છે?’

જેમલો જોઈ રહ્યો. એણે કહ્યું: ‘મારી વોડકીની આંખ્યો બરાબર આવી જ છે. મારા વન્યા એોણે આવાં જ આંસુ પાડયાં હશે!’

રાજકેદી ભાઈના મનમાં આ વાતથી ખૂબ રસક્ષતિ થઈ. એણે પંદર પાનાંનો પત્ર બીડી દીધો. પછી એણે પોતાની ‘ડોલર’ નામની પુત્રી પર લખેલું ગીત જેમલાને સંભાળવવાની ઇચ્છા છોડી દીધી. બીજા કોઈ સાથી પાસે વાંચવામાં એને શરમ આવે છે. પોતાનું એ સર્જન કોઈને બતાવ્યા વગર તો એને જંપ નથી. જેમલાને તો કેદીભાઈની ડોલર અને પોતાની વોડકી વચ્ચે કશો ભેદ જ સમજાતો નથી. હાય! કેવી વિધિવક્રતા! જેમલાએ એ કાવ્યભરી બે અશ્રુમય આંખોના ચિત્રને એની વોડકીની સ્મૃતિ સાથે જોડયું!

પોતાની રોજનીશીમાં ‘જેમલાની વોડકી’ વિષે કંઈક ભાવનાભર્યું લખવા આજે રાજકેદી ભાઈએ ઘણી મહેનત કરી. પણ લખવા બેસતાં જ એની આંખો સામે દીકરી ડોલર તરવરી રહેતી. ડોલર સિવાય બીજા કોઈ વિષય પર એમની ઊર્મિઓ ફૂટતી નથી. મુલાકાતે આવેલી ડોલરને દરવાજા પરના પહેરેગીરો ગેલ કરાવે છે, જેલરની બદામડી ઉપરથી પાકેલી બદામો આણીને ડોલરનું ગજવું ભરે છે, તે દેખીને જેમલો કેદી તાકી રહે છે. પંખો ખેચતાં એના હાથની દોરી ઢીલી પડે છે, કેમ કે જેમલો એને ખેતરે રાતવાસો જતો ત્યારે બાવળી કૂતરી સાથે આવતી; એ બાવળીને એક વાર સાત-નારીએ (સાત વરુઓના ટોળાએ) ચૂંથી હતી; એનાં કુરકુરિયાં પોતે પકડાયો તે વેળા પંદર જ દા’ડાનાં થયેલાં. કુરકુરિયાનીં આંખો તાજેતરમાં જ ઊઘડેલી. એ કુરકુરિયાં અત્યારે એને યાદ આવે છે. શિયાળાની ઊઘડતી તડકીમાં જેમલો અમાસના અગતાને દા’ડે એ કુરકુરિયાંને થાબડતો થાબડતો કહેતો હતોઃ ‘ઝટ મોટાં થઈ જાવઃ પછે આપણે માનું વેર લેવું છે. સાત-નારીને સામટૂ ચૂંથી લાખવી છે. તમે ઝટ મોટાં થાવ. હું તમને કાળા ભરવાડના બોકડા ચોરી ચોરીને ખવરાવવાનો છું. એ સાત કુત્તા નારડાની સામે તમને સાત સાવઝ જેવા બનાવવા છે, હો કે ભેરુડાઓ!’

આવી ભવ્ય યુદ્ધ-યોજના એના ભેજામાંથી જન્મ પામી એને વળતે જ દિવસે જેમલો પકડાયો. અત્યારે રાજકેદી ભાઈની ડોલરને કારાગારનાં દ્વાર પર રમાડાતી દેખીને જેમલાને એની બાવળીનાં સાત કુરકુરિયાં સાંભરે છે. સારું છે કે ડોલરની બાને આ વાતની ખબર નથી તેમ જ જેમલા કેદીની રોજનીશી કદાપિ છપાવાની નથી.

જ્યારે જ્યારે નાનકડી ડોલર દરવાજે આવે છે ત્યારે ત્યારે જેમલો આમ જ ટાંપી રહે છે. ડોલરની બાને જેમલાની આ ટાંપ નથી ગમતી; જેમલાની નજર એને મેલી લાગે છે. કેમ જાણએ જેમલો ડોલરની ગળચી દાબવા તત્પર થતો હોય તેવી રીતે તેના હાથનાં આંગળાં પંખા-દોરીને પડતી મૂકે છે ને ડોલર તરફ ખેંચાય છે.

જેમલાનો દેખાવ જાણે હિંસા ધરે છે. પણ ડોલરની બા! તમે ડરશો નહિ. એને તો એની બાવળી કૂતરીનાં સાત કુરકુરિયાં સાંભરે છે. પણ જેમલાનું દુર્ભાગ્ય એ છે કે હિંસાની તેમ જ હેતની, બેઉ પ્રકારની લાગણીઓ બતાવવાની એની રીતે એક જ સરખી છે.

જેમલાની હિંસા તો પેલા સાત નારડા ઉપર ટાંપી રહી છે; ને બીજી દાઝ એને આ વાતવાતમાં ‘સાલા!’ કહેનાર પાન ચાવતા કારકુન ઉપર ચડેલી છે. મનમાં મનમાં એ મનસૂબો ઘડે છે કે બાવળીનાં સાતે ય સાવઝડાંને મોટાં કરી એક વાર આંહીં લાવું, ને પછી આને એવો ફાડી ખવરાવું કે આજ એ પાનપટ્ટીની પિચકારીઓ ઉડાડે છે તેવા જ રાતા રંગના કોગળા એના મોંમાંથી નીકળી પડે!

ડોલર બોનને તો એક કુરકુરિયું ભેટ દેવાનું દિલ થાય છે જેમલાને. પણ સાતેય જીવતાં રહ્યાં હશે? કાગળમાં પુછાવતાં તો ભૂલી જ ગયો. ઘણુંય રાજકેદી ભાઈને કહેવાનું તો મન થાય છે કે તમારા આટલા થોથારિયા કાગળ ભેળી મારીય એક ટાંક મારી દો ને, ભાઈ, કે મારી બાવળીનાં સાતેય જીવે છે કે નહિ? કેવડાંક થયાં છે? કેવાંક ભસે છે? દાંત કેવાક બેસારી શકે છે? માલા ગોવાળના બોકડાને પકડે એવાં થયાં છે કે નહિ? સાત નારડા આપણી સીમમાં હવે આવે છે કે નહિ?

પણ રાજકેદી ભાઈના ભાવભર્યાં કાગળમાં બાવળીનાં કુરકુરિયાંની વાત કોણ લખે?

જેમલો ઝબકે છે – એને કાને અવાજ પડે છેઃ ‘સાલા, પંખા ક્યું બંધ કરકે બેઠા હૈ? ફટકા ખાના હૈ ક્યા? સાલા ઑફિસમેં રે’ કર તગડા હો ગયા!’

એ સ્વર કારકુન સાહેબનો છે. જેમલાના હાથ પંખા-દોરી ખેંચવા લાગ્યા છે અને રાજકેદી ભાઈ નવા આવેલા કેદીઓની હિસ્ટરી-ટિકિટો (નોંધપોથીઓ) લખતા લખતા એક એક હિસ્ટરી-ટિકિટનાં ખાનાં અત્યંત લહેરથી પૂરી રહ્યાં છેઃ

કેદીનું નામઃ પીથલ (લાલ અક્ષરે)

ગુનોઃ ખૂન

સજાઃ Death મોત

લાલ લાલ અક્ષરેઃ ચીપી ચીપીનેઃ સરસ, મરોડદાર, ટૂંકો રસભર્યો ભવ્ય, એક જ શબ્દઃ પાંચ મોતીના દાણા જેવા અક્ષરોઃ

Death: મોત.

બીજી હિસ્ટરી-ટિકિટો કરતાં ફાંસીવાળાઓની નોંધપોથીઓ લખવાનું એને સહેલું લાગતું હતું. એમાં એને લાંબી લાંબી વિગતો પૂરવી નહોતી પડતી. રાતા અને કાળા, ચોખ્ખા અને છૂટાછવાયા, ચારેય જાતની એ-બી-સી-ડીના જૂજવા અક્ષરો વેરીને એ પોથીઓમાં જાણએ એ ફૂલછાબ ભરતા અને મૃત્યુદેવને છૂપી ઊંડી કોઈ ભક્તિભરી ઊર્મિથી અર્પણ કરતા.

આ જાતનો છૂપો આનંદ ઘણો સૂક્ષ્મ છે. પ્રત્યેક માનવીના દિલની ક્યારીમાં ફૂટેલો એ હિંસાનો અંકુર છે. એમાંથી જ વૃક્ષો વધે છે – એ સૂબેદારો, જેલરો, સુપરિન્ટેન્ડેન્ટો અને ફાંસીનાં પાટિયાંનો હાથો ખેંચનારા જલ્લાદો, રાજકેદી ભાઈ! એ બધાંને ઘડનારાં કોઈ કારખાનાં નથી ચાલતાં મને તો એક લાગે છે કે તમારા જેવાની કાવ્ય શણગારેલી આ છૂપી કુતૂહલવૃત્તિ કરતાં, થાંભલા ઉપર ચડી ચડી ફાંસીઓ નીરખવાની નઃશ્વાસ-ઢાંકી ગલીપચી કરતા જેલવાળાઓને બે-પાંચ ક્ષણોનો ગમગીન વર્તાવ વધુ કરુણામય છે. આઠ વાગ્યે ફાંસી આપીને બાર વાગ્યે જમવા બેસનાર એ જેલવાળાઓ પાસે પોતાની રોજનીશી લખવાને ભાષા નથી. ને ભાષ વિનાની લાગણી ક્યાં જઈ પોતાનું રૂપ દેખાડે?

આજે તો તમે જાઓ છો, રાજકેદી ભાઈ! ફૂલમાળા પહેરીને મોટરો તમને તેડવા આવી છે. પા-અર્ધી કલાકની સબૂરી તો રાખો, ભાઈ! હમણાં જ તોગાજી સિપાહી દરવાજો ઉઘાડીને તમારાં વહાલાં સગાંઓને દાખલ કરશે. પણ આજ તમારું હૃદય સબૂરીને માનશે નહિ. તમે મારી પાંસળીઓની આરપાર જાણે શારડી ચલાવી રહ્યા હો એવી એ તમારી નજર મને આજ લાગે છે. તમારી આંખોનાં મિલન, હાસ્યના સામસામા પરસ્પર કલેજાંના થડકાર, એ બધાં જ મારા પિંજરને આજ પ્રભાતે શૂળોની માફક વીંધી રહેલ છે. તમારી પત્નીની હથેળીમાં હથેળી મૂકી તમે મોટરમાં બેસો છો ત્યારે ઈર્ષાથી મારું અંતર ભડકે બળે છે. આ જેમલો કેદી અને આ બહાર-પાટીમાં જતી આખી ફેલ તમારા ઉપર ટાંપી રહી છે. બે ક્ષણોની પણ સબૂરી ન રાખી શક્યા, ભાઈ?

અને તમારી પત્નીના કપાળ પરનો એ લાલ લાલ ચાંદલો! મારા માટે એ કેમ કંકુ ન લાવ્યાં? મારા નસીબે શું કારકુનોનાં મોઢાંની પાનપિચકારી જ રહી? હી-હી-હી!

ઓ તોગાજીભાઈ! ડંકા બજાવો. દોરી ખેંચવા મંડો. ફાંસીના ડંકા બજાવો. આજે બાર ટકોરે અટકવું નથી. રાજકેદી ભાઈને પ્રિય હતા તે કાળ-ઘંટા એની વિદાયઘડીએ વગાડી લ્યો. આપણી પાસે બીજું કોઈ વાદ્ય નથી. ને છેલ્લી વિદાય આપવા સિવાય આપણે માટે કોઈ બીજો ઉત્સવ નથી. દરવાજાના ઊંચા મિનારા જેટલું પ્રચંડ આપણું ઈસરાજ એક જ જાડી રસીના તારનું બનેલું છે. તોગાજીભાઈ! એ ઈસરાજને આજે પૂરબહારમાં બજાવો.

નથી કાં બજાવતા? તમે ડરો છો? રાજકેદી ભાઈનું અમંગલ બની જશે શું? તમે અચકાતા હો તો લાવો રસી મારા હાથમાં. મારે રાજકેદી ભાઈને આપણું એવું સંભારણું આપવું છે કે જેના ભણકારા એને જીવનભર સંભળાતા રહે. દયાળજીની આખરી દુર્બળતા ઉપર હસી પડનાર રાજકેદી ભાઈ, આ તોગાજી સિપાહી મારી વાત સાંભળતો નથી; પણ મને થાય છે કે હવે તો દીવાલને હચમચાવી નાખું, મારા આઠેઆઠ સળિયા બહાર ખેંચી કાઢું ને મિનારા પર જઈ ડંકા પીટવા મંડું. તમારી વિદાયમાં આ મૃત્યુ-ડંકાનું વાજિંત્ર અને મારા જેવી બજાવનારીઃ એ મોત-ડંકાની અંદર ઓછામાં ઓછા એક હજાર ફાંસી ખાધેલાઓની આહ ગુંજે છે, એના કંદનમાંથી ચાર હજાર બાળકોનો ‘બાપો ક્યાં? બાપો ક્યા?’ એ પ્રશ્ન પોકારી રહેલ છે ને કોણ જાણે કેટલીય માતાઓ પૂછી રહી છે કે ‘લાશ લેવા ક્યારે આવું?’