જેલ-ઑફિસની બારી/ફાંદાળો ભીલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ફાંદાળો ભીલ

તે દિવસની સંધ્યાએ તું થરથરી ઊઠેલો, ખરું? ફાંસીની તુરંગમાંથી પેલા મોટી ફાંદવાળા જુવાન ભીલને લાવવામાં આવ્યો અને જેલરે એને ત્રાડી મારી કહ્યું કે ‘તુમકો કલ ફજરમેં ફાંસી મિલેગા, તુમારે વાસ્તે હુકમ આ ગયા હૈ. તુમકો કુછ કહેના હૈ?’

ફાંદવાળો ભીલ જેવો ને તેવો ઊભો રહ્યો.

‘તુમ સુના? કાન હે તો? કલ સબેરે તુમકો ગલેમેં રસી ડાલ કે ફાંસી દેનેવાલી હૈ’

ભીલની સમાધિ તોયે ન છૂટી.

પછી જેલરી હસીને સંભળાવ્યું

‘દેખો, તુમારી ફાંસીકી સજા નિકલ ગઈ. તુમકો છુટ્ટી દેને કા હુકમ આયા હૈ. યે તુમારે કપડે લો, પહેન લો, ઔર જાઓ દેસમેં. મગર દેખો, અબ વો તુમારી ઓરત કે પાસ મત જાના. ગલા કાટ કે માર ડાલેગી તુમકો!’

ફાંદવાળો ભીલ તો આ ખબર સાંભળીને પણ બાધાની પેઠે થીજી ગયેલો ઊભો છે. એને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવી ફાંસી ફરમાવી હતી, અને આજ વળી એક ઉપલી અદાલતે એ-ની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો.

ફાંદવાળા ભીલના પેટમાં વિચારો ચાલતા હશે કે ‘આ બધું આમ કેમ? હું તે મનુષ્ય છું કે માજિસ્ટ્રેટોના હાથમાં રમતું રમકડું છું? મારું જીવતર શું આવા ઝીણાં તાંતણા પર ટિંગાઈ રહ્યંૅ છે?’ જેલર બોલે તેમાં મશ્કરી કઈ? પહેલું બોલ્યાં એ? કે પાછલું? મને ઠેકડીમાં ને ઠેકડીમાં દરવાજાની બહાર જવા દીધા પછી પાછો પકડીને લાવવાનો, મારું ટીખળ કરવાનો, સાંજ વેળાને જરી મોજ માણવાનો આ નુસખો તો નહિ હોય ને?’ ફાંદવાળો ભીલ આવી ઠેકડીનો પાઠ પહેરવા તૈયાર નહોતો. એ દિગ્મૂઢ ઊભો રહ્યો.

પછી સહુએ કહ્યું: ‘સચમુચ તુમ છૂટ ગયા. તુમ ગભરાઓ મત. યે હાંસી મત સમઝો.’

છ-બાર મહિનાની સજાવાળાઓને પણ છૂટતી વેળા જે હર્ષાવેશની કૂદાકૂદ હોય છે, તેમાંનું કશુંયે આ મોતના ઉંબરમાંથી પાછા વળતા ફાંદવાળા ભીલને હૈયે નહોતું થતું. એ પોતે જ પોતાના પિંડ ઉપર નિહાળી રહ્યો હતો – પોતે પોતાના જ જાણે કે પૂછતો હતો કે હું તે જીવતો છું કે મરી ગયેલો?

બહુ સમજાવટ તેમ જ પંપાળને અંતે એણે મૂંગા મૂંગા કપડાં બદલાવ્યાં. અને પછી એણે મારી આરપાર બહાર નજર નાખી; બીજી બારીઓની આરપાર જોયું.

કોઈ એને લેવા નહોતું આવ્યું. જગતમાં એની જિંદગી કોઈને કશા કામની નહોતી. આખી દુનિયાએ ત્યજેલાને પણ જે એક ઠેકાણે આદર હોય છે તે ઠેકાણું – તે પરણેલી ઓરતનું હૈયું – ફાંદવાળા ભીલને માટે ઉજ્જડ હતું. કેમ કે એ હૈયામાં કોઈ બીજાનું બિછાનું બન્યું હતું. એ બિછાનાની આડે આ ફાંદવાળો ભીલ તો કદાપિ નહોતો આવતો, પણ એની બુઢ્ઢી માતા હંમેશની નડતરરૂપ હતી. ફાંદાળા ભીલની ઓરતે પોતાના આશકની મદદથી આ બન્ને નડતરોને એકસામટાં કાઢવા માટે જ સાસુની હત્યા કરીને પછી એનો ગુનો ધણી પર ઠોકાવી દીધો હતો. એટલે હવે ફાંદાળો ભીલ ક્યા જઈ, કઈ ધરતી પર પગ મૂકશે એ એની મૂંઝવણ હતી.

ભાઈ ફાંદાળા ભીલ! તું જીવતો જગતમાં જાય છે તે તો ઠીક વાત છે. મને એ વાતનો કશો આનંદ નથી. પણ હું રાજી થાઉં છું તે તો એક બીજે કારણેઃ ફાંસી-તુરંગના વૉર્ડરો અત્યારે આંહીં વાર્તા કરી રહ્યા છે કે બાપડો ફાંદાળો રોજેરોજ બેઠો બેઠો ભગવાનને વીનવી રહ્યો હતો કે ‘હે ભગવાન! મેં મારી માને મારી નથી. માટે જો હું નિર્દોષ હોઉં તો મને આમાંથી છોડાવજે.’ હવે તું છૂટયો, એટલે અનેક મૂરખાઓને નવી આસ્થા બેઠીઃ ‘જોયું ને? ભગવાનને ઘેર કેવો ન્યાય છે!’

આ આસ્થાના દોર ઉપર અનેક નાદાઓ નાચ માંડશે. જગતમાં ઈશ્વર છે, ને એ ઈશ્વર પાછો ન્યાયવંતો છે, એવી ભ્રમણામાં થોડાં વધુ લોકો ગોથાં ખાશે, ને એમાંથી તો પછી અનેક ગોટાળા ઊભા થશે! છૂટી જનારા તમામ નિર્દોષો લેખાશે તે લટકી પડનારા તમામ અપરાધી ઠરશે! આવી અંધાધૂંધી દેખીને મારા જેવી ડોકરી ખૂબ લહેર પામશે. એમાંથી તો મને આંસુઓને ભક્ષ ઘણો મળી રહેશે. ખી – ખી – ખી – ખી – ખી!