ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/ત્યાગ-વીર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્યાગ-વીર

પીંજરે પડેલો રાજહંસ ઉઘાડું દ્વાર દેખીને માનસરોવરના પંથ પર ધસવા માંડે તેમ મૂળશંકરે પોતાનાં માતાપિતાના પ્રેમપીંજરમાંથી છૂટીને જે દિવસ સતધામના કેડા ઉપર વેગવંત ડગલાં ભરવા માંડ્યાં હતાં, તે દિવસની આ કથા છે. દિવસ બધો નિર્જન અટવીઓ વીંધતો વીંધતો એ ધસ્યે જાય છે અને રાત્રિએ કોઈ હનુમાનનાં કે દેવીઓનાં ઉજ્જડ મંદિરોમાં લપાઈ રહે છે. ત્રીજે દિવસે માર્ગમાં એને એક સાધુવેશધારી ધુતારાઓનું ટોળું મળ્યું. આ એકલ વિહારનું કારણ પૂછતાં ભગવાં વસ્ત્રો પ્રત્યે પૂજ્યભાવ જોનારા એ બાળકે પોતાનો સાચો મનોભાવ કહી બતાવ્યો. 'જોઈ લેજો આ મહેરબાનને!' સાધુવેશધારીઓએ ટોણો માર્યો, ‘ભાઈ સાહેબ જાય છે તો ત્યાગી બનવા, અને શરીર ઉપરથી હજુ સોનાનાં વેઢવીંટી તો છૂટતાં નથી!' 'આ લ્યો ત્યારે, પહેરજો હવે તમે!' એમ કહીને બાળકે પોતાનાં વીંટીઓ અને વસ્ત્રાભરણો ઉતારી એ ટોળીની સામે ​ફગાવી દીધાં. છાતી ઉપરથી પ્રચંડ શિલાઓનો બોજો ઉતરી ગયો હોય તેવા સુખનો નિઃશ્વાસ મેલીને મૂળશંકરે મહાપંથ પર ધસવા માંડ્યું.

સંન્યાસી જીવનની શરૂઆતમાં ભટકતાં ભટકતાં આ તરૂણ ત્યાગીએ એક દિવસ ઓખી મઠમાં મુકામ કીધો. મઠની છાકમછોળ સમૃદ્ધિ ત્યાંના સાધુઓના વિલાસોની ઉપર ઢોળાતી ભાળી. રજવાડી ઠાઠમાઠમાં મ્હાલતો મહંત્ આ તેજસ્વી બ્રહ્મચારીને દેખી મોહાયો. એણે કહ્યું. 'બેટા, જો તું મારો ચેલો બની જા તો તને ગાદીનો વારસ બનાવું, લાખોની સંપત્તિ તારા ચરણોમાં લેટશે.' આ દરખાસ્તને દયાનંદે તત્કાળ તિરસ્કારથી વધાવી. કાચા સૂતરને તાંતણે એ ઐરાવત બધાયો નહિ.

વડોદરા રાજ્યના દિવાન બહાદૂરે એક દિવસ સ્વામીજીને જમવા બોલાવ્યા. જમાડીને વિદાય દેતી વખતે દિવાને એક હજાર રૂપિયા સ્વામીજીના ચરણોમાં ભેટ ધર્યા. સ્વામીજીએ થેલીને પાછી ઠેલી કહ્યું “ભાઈ હું તો આવી કુરીતિઓનું ખંડન કરી રહ્યો છું, હું પોતેજ ઊઠીને જો આ સ્વીકારીશ તે પેલા ગોંસાઈઓને પોતાની પધ૨ામણીઓનો કેવો મઝેનો બચાવ મળી જશે!'

<cetner>૪

સ્વામીજીના પ્રભાવમાં અંજાયેલા તે કાળના એક વાઈસરાય સાહેબે સ્વામીજીની કથા જ્યારે સાંભળી ત્યારે સ્વામીજીના રક્ષણ માટે કાયમી સિપાહીઓ નીમવાની તેમજ રેલગાડીની મુસાફરી માટે પહેલા વર્ગનો પાસ કઢાવી આપવાની એ નામદારે ઈચ્છા બતાવી. સ્વામીજીએ આભાર માનીને ઉત્તર દીધો ​કે ‘એ સહાયને હું નહિ સ્વીકારી શકું. એથી તો લોકો મને રાજસત્તાનો નોકર અથવા તો ખ્રિસ્તીઓનો પાદરી માની બેસે! વાઈસરોય : તો શું આપ રાજ્યની નોકરીમાં કાંઈ બુરૂં સમજો છો? સ્વામીજીઃ હું તો સંન્યાસી છું, મેં તો પરમેશ્વર રૂપી સાચી સરકારની નોકરી જ સ્વીકારી લીધી છે. વાઈસરોય : ત્યારે શું અત્યારની સરકારને આપ સાચી નથી માનતા? સ્વામીજી : એટલે કે આ સરકાર પરિવર્તનશીલ છે. મને મારી ઈશ્વરી સરકારનો નિયમ તો અટલ અને એનો ઈન્સાફ અદલ છે. મનુષ્યના ન્યાયનિયમ તો સમયાનુસાર બદલે છે.

ઉદેપુરમાં મહર્ષિજી એકાન્તમાં બેઠા છે, ત્યાં મહારાણા પધાર્યા. એમણે આવીને કહ્યું ‘સ્વામીજી, જો ફક્ત મૂર્તિપૂજાનું ખંડન છોડી દો તો એકલિંગ મહાદેવના મહંતની ગાદી હું આપને સાંપી દઉં. આપ લાખોની નીપજના ધણી થશો. આખું રાજ્ય આપને ગુરૂ કરી માનશે.” દુભાએલા મહર્ષિજીએ ઉત્તર દીધો, “રાણાજી, આવી લાલચ બતાવીને આપ શું મને મારા પ્રભુથી વિમુખ બનાવવા ચાહો છો? આપનું નાનકડું રાજ્ય અને કુબા જેવડો એ શિવ-મઠ, કે જેમાંથી તો હું એક જ દોટ દઈને બહાર નીકળી જઈ શકું છું. તે શું મને અનંત ઈશ્વરની આજ્ઞા ઉથાપવા જેટલા નિર્બળ બનાવી શકશે? ફરીવાર મને આવું કહેવાનું સાહસ ન કરતા. લાખો મનુષ્યોનો પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ કેવળ મારા વિશ્વાસ પર જ ટકી રહ્યો છે, જાણો છો રાણાજી?' તે ઘડીથી રાણાજી સ્વામીજીના પરમ ભક્ત બની ગયા.

લાહોરમાં આર્ય-સમાજનું અધિવેશન ભરાયું, સમાજીઓએ દરખાસ્ત કરી કે આર્ય-સમાજના સંસ્થાપકને કંઈક પદવી આપવી, બીજાઓએ અનુમોદન પણ આપ્યું. હસીને સ્વામીજી બોલ્યા ‘ભાઈઓ, મેં કોઈ નવો પંથ ચલાવવા માટે ગુરૂ-ગાદીનો મઠ નથી સ્થાપ્યો, હું તો ઉલટું ભોળા મત-વાદીઓને મઠોથી અને મહંતોથી સ્વતંત્ર બનાવવા મથું છું. મને કે અન્ય કોઈને પણ પદવીઓ ન ઘટે. પદવીઓનાં પરિણામ બુરાં જ સમજવાં.' બીજી દરખાસ્ત પડીઃ તો પછી એકલા સ્વામીજીને આ સમાજના ‘પરમ સહાયક' સ્થાપવા. સ્વામીજી કહે ‘તો પછી પરમ પિતા પરમેશ્વરને ક્યા પદે સ્થાપશો? પરમ સહાયક તો એ એક જ છે. મારું નામ લખવું હોય તો ફક્ત અદના સહાયકોના પત્રકમાં જ લખજો.'