ટોળાં અવાજ ઘોઘાટ/૨૨- લાગણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨- લાગણી

લાગણીને પાણીમાં પલાળીને ફણગાવી શકાય લાગણીને વાટી શકાય ચીરી શકાય નીચોવી શકાય લાગણીને કચડી–મચડીને તોડી શકાય. લાગણીને વાવી શકાય ને વેચી શકાય. લાગણીને ગટરમાં પધરાવી શકાય. ને બાળી પણ શકાય. લાગણીનું બધું જ થઈ શકે એનું કાવ્ય બનાવીને કાન પર લગાડી શકાય ને બામ બનાવીને કપાળ પર લગાડી શકાય. એનો જામ બનાવીને દારુ ભરી શકાય. ને રામ બનાવીને દામ પામી શકાય. એનો કાન બનાવીને આમળી શકાય. ને પાન બનાવીને ચાવી શકાય. એ ધીરજ પણ છે અને ધતિંગ પણ છે એ આખી પણ છે અને રાખી પણ છે એ ખાલી પણ છે અને ખખડે પણ છે એનો હાથ લંબાય તો હિમાલય જકડાય બથોબથ અને ઓગળવા માંડે ઉષ્માથી – અને આંખ તરડાય તો...બાંગલાદેશ એ વેશ કાઢે વિચિત્ર મનની લકડિયા રંગભૂમિ પર ઠિચુકઠંગ એ અડે તો ફૂલની જેમ ને પડે તો ઊલ્કાની જેમ– એમ લાગે જાણે આપણા હાથમાં પીંછી ને તેમ લાગે જાણે સાથળ પર વીંછી– ને રુંવે રુંવે એના ઝેરથી બળું બળું થયાંના સ્મરણ... ને આમને આમ લાગણીની લપછીપમાં આવવાનાં મરણ. અરેરે આપણે પાણીમાં પલળીને ફણગવું નથી, ચીરાવું નથી, નીચોવાવું નથી નથી આપણે કચડાવું કે નથી આપણે મચડાવું આપણે વવાવું પણ નથી ને વેચાવું પણ નથી. અને છતાં ભરબજારમાં બેઠા છીએ હારબંધ વેચાવા માટે લાગણીનું કૂંડું બનીને– થાય છે ગબડી જઈએ, તૂટી જઈએ, ફૂટી જઈએ– પણ કોણ ધક્કો મારે ? અંદર જે છે તેને તો હાથ જ નથી, પગ જ નથી, કોણ ધક્કો મારે– અને ગબડી જઈએ ?