ડોશીમાની વાતો/9. નિર્દય અપ્સરા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
9. નિર્દય અપ્સરા


નાનું સરખું એક શહેર, અને તેમાં એક રૂપાળો રાજમહેલ. પૂનમનો દિવસ હતો. મધરાત જામી હતી. તે વખતે એ રાજમહેલની ઉપર આકાશમાં એક વિમાન આંટા મારતું હતું. એ વિમાનની અંદર ટોકરીઓના ઝંકાર થતા હતા.

કોનું એ વિમાન? કેમ ત્યાં થંભ્યું હતું? દેવલોકની એ અપ્સરા એ વિમાનમાં બેસીને ઇંદ્રરાજાની કચેરીમાં જતી હતી. જતાં જતાં આ શહેર ઉપર વિમાન આવ્યું. અપ્સરાએ આઘેથી જોયું. રાજા અને રાણી રાજમહેલની અગાસીમાં સૂતાં હતાં. ઓહો! મૃત્યુલોકની અંદર આવાં સુખી માનવી રહેતાં હશે? આ રાજા–રાણી કેવી મીઠી નીંદરમાં પોઢ્યાં છે! હાય! હું અપ્સરા, પણ આવું સુખ મારા નસીબમાં ક્યાંથી હોય? આવું આવું એ અપ્સરાના મનમાં થવા લાગ્યું. એનાં મનમાં રાણીના સુખની અદેખાઈ આવી. તુરત જ એણે વિમાનને અગાશી ઉપર ઉતાર્યું અને રાજાને ઊંઘમાં ને ઊંઘમાં ઉપાડી લીધો. રાણીને એકલી મૂકીને વિમાન આકાશમાં ઊડ્યું. સવાર પડ્યું. રાણી જાગી. જુએ તો રાજા ન મળે. રાજા બહાર ગયા હશે! દરબારમાં ગયા હશે! એમ વાટ જોતાં જોતાં બપોર થયા. સાંજ પડી. પણ રાજાજી આવ્યા નહીં. રાણીના પેટમાં ફાળ પડી. દસેય દિશામાં માણસો દોડાવ્યા. પણ રાજાનો પત્તો મળે નહીં. ઘણા દિવસ વાટ જોઈને રાણી ચાલી નીકળી. સાથે કોઈ માણસ નહીં, ક્યાં જવું તે તો ખબર નહોતી. ડુંગરા વટાવ્યા, વનેવન વીંધ્યાં, નદી–તળાવ જોયાં. ઝાડવે ઝાડવે તપાસ કરતી જાય કે ક્યાંય રાજા મળે! એમ કરતાં કરતાં એક અઘોર જંગલ આવ્યું. ત્યાં કોઈ માણસ ન મળે. એ જંગલની અંદર એક ઊંચો ઊંચો કોઠો. કોઠાના દરવાજા બંધ. અને ઉપર ચઢાય એવું ક્યાંય નહોતું, પણ કોઠાની દીવાલ ઉપર ઝાડના વેલા ચડેલા એ વાત રાણીને યાદ આવી. વેલાને ઝાલીને રાણી ધીરે ધીરે ચડવા લાગી. વચમાં એમ થાય કે જાણે હમણાં વેલો તૂટશે! નીચે નજર કરે તો ચકરી આવે. જાણે પડી કે પડશે! પણ રાણી તો ભગવાનનું નામ લેતી લેતી છેવટે કોઠા ઉપર પહોંચી. ઉપર જાય ત્યાં તો રૂપાળા ઓરડા જોયા, ચારેય તરફ ભાત ભાતની શોભા જોઈ. પણ ઓરડાને તાળાં દીધેલાં. જોતાં જોતાં એની નજર એક ચાવીના ઝૂમખા ઉપર પડી. ચાવી લઈને એ પહેલો ઓરડો ઉઘાડવા લાગી. ઉઘાડતી જાય ને એની છાતી થરથર ધ્રૂજતી જાય. ઉઘાડીને જુએ તો જાતજાતનાં સુંદર મેવા અને મીઠાઈ. બીજો ઓરડો ઉઘાડ્યો. અંદર જુએ તો જાતજાતનાં ફૂલ અને તેલ–અત્તર. એના જેવી સુગંધ મૃત્યુલોકની અંદર રાણીએ કોઈ દિવસ નહોતી જોઈ. એ બંધ કરીને ત્રીજો ઓરડો ઉઘાડે ત્યાં તો જાતજાતના પોશાક. એવા કીમતી પોશાક તો પરીઓ જ પહેરી શકે. એમ કરતાં કરતાં સાતમો ઓરડો જ્યાં ઉઘાડે ત્યાં તો રાણી થંભી ગઈ. એના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એનાથી ચીસ પડાઈ ગઈ. એણે શું જોયું? રૂપાળા એક પલંગ ઉપર એનો સ્વામી, પેલો રાજા પડ્યો છે. મોઢું સુકાઈ ગયું છે, શરીર તદ્દન દૂબળું પડી ગયું છે, રાજા બેભાન બનીને સૂતેલો છે. રાણી રોતી રોતી રાજાના શરીર ઉપર હાથ ફેરવતી હતી. ત્યાં તો ‘ઘરરર, ઘરરર’ એવો અવાજ સંભળાયો. આકાશમાંથી એક વિમાન ઊતરવા લાગ્યું. રાણીએ તો તરત જ ઓરડો બંધ કરી દીધો અને ચાવી જ્યાં હતી ત્યાં મૂકીને પોતે સંતાઈ ગઈ. વિમાન કોઠા ઉપર ઊતર્યું. અંદરથી એક અપ્સરા બહાર નીકળી. રાજાને ઉપાડી જનાર તે જ અપ્સરા. રાત પડી ગઈ હતી. અપ્સરા આવી ત્યાં તો આખા કોઠાની અંદર એની મેળે દીવા થઈ ગયા. અપ્સરાએ એક પછી એક ઓરડા ઉઘાડ્યા. ખાધું પીધું, શણગાર સજ્યા. ફૂલની માળા પહેરી, માથે સુગંધી તેલ લગાવ્યાં, અને સાતમા ઓરડાની અંદર ગઈ. જઈને સૂતેલા રાજાને પગે કાળો દોરો બાંધ્યો હતો તે છોડી નાખ્યો. રાજા ઊંઘમાંથી ઝબકી ઊઠ્યો. વિલાપ કરતો કરતો રાજા કહે છે કે “રે અપ્સરા! મેં તારો શો અપરાધ કર્યો છે? તું મને આંહીં લાવી છો, પણ મારી વહાલી રાણી શી રીતે દિવસો વીતાવતી હશે? એ મરી ગઈ હશે કે જીવતી હશે?” અપ્સરા બોલી, “રાજા! એ રાણીને હવે ભૂલી જા, મારી સાથે લગ્ન કર. જો મારું રૂપ, મારી માયા, મારી શોભા.” રાજા તો ઝંખે છે કે ‘મારી રાણી વિના બીજું કંઈ ન જોઈએ’. અપ્સરા કહે, “હું તને નહીં છોડું. તું નહીં માને તો તને રિબાવી રિબાવીને મારીશ”. આખી રાત આવી રીતે અપ્સરા મનાવે ને ધમકાવે. પણ રાજા માને નહીં. સવાર થયું એટલે ફરીવાર રાજાને પગે કાળો દોરો બાંધ્યો. રાજા બેભાન બનીને પલંગમાં પડ્યો. અપ્સરા વિમાનમાં બેસીને ઇંદ્રલોકમાં ચાલી ગઈ. આખી રાત રાણીએ છાનીમાની આ વાતો સાંભળી. પોતાના સ્વામીનું દુઃખ જોઈને એનું હૈયું ફાટી જતું હતું. એના મનમાં થયું કે ‘ઓહો! કેવો મારા પતિનો પ્રેમ! અપ્સરા ઉપર પણ મોહ્યો નહીં! વાહ રે મારા પતિ!’ પછી દિવસ આથમ્યો એટલે રાણી સાતમા ઓરડામાં ગઈ. રાજાને ઉઠાડવો શી રીતે? શરીર ઉપર હાથ ફેરવતાં એના પગના અંગૂઠા ઉપર કાળો દોરો જોયો. રાણીએ દોરો છોડ્યો. તુરત જ રાજા જાગ્યો અને રાણી સામે જોઈ રહ્યો. પણ ઘણા દિવસની ભૂખને લીધે એને બરાબર દેખાયું નહીં. રાણી કહે, “ઓળખો છો?” રાજાએ રાણીનો સાદ ઓળખ્યો. બેઉ જણાં ભેટી પડ્યાં. રાજા રાણીને કહે કે “વહાલી રાણી! તમે આંહીંથી ભાગી જાઓ. અપ્સરા તમને મારી નાખશે. મારી આશા રાખશો નહીં.” રાણી કહે, “મરીશ તો તમારી પાસે જ મરીશ. તમને સાથે લીધા વગર આંહીંથી નથી ખસવાની”. રાજા કહે, “રાણીજી, હું શી રીતે આવું? મારા શરીરમાં જોર નથી. આટલા દિવસ થયા મને ખવરાવ્યું નથી. આ કોઠા ઉપરથી કેમ નીચે ઊતરાય?” રાણી બોલી, “તમને હું ખાવાનું આપું. હમણાં થોડા દિવસ તમે ખાઓ–પીઓ. તમારા શરીરમાં જોર આવશે ત્યારે આપણે ભાગી જશું. પણ હું એકલી તો હવે જઈ રહી”. પછી રાણીએ પહેલા ઓરડામાંથી મેવો ને મીઠાઈ આણ્યાં. રાજાને ખવડાવ્યાં. સાંજ પડી, વિમાન ગાજ્યું, દીવા પ્રગટ થયા, એટલે રાજાને પગે દોરો બાંધીને રાણી સંતાઈ ગઈ. આવી રીતે રોજ સાંજરે અપ્સરા આવે ને પહેલે દિવસે જેમ કર્યું હતું તે પ્રમાણે કરે. પણ રાજા તો એકનો બે થાય જ નહીં. એટલે અપ્સરા એને મૂર્છામાં નાખીને સવારે પાછી ચાલી જાય. અને સવાર પડે કે તુરત રાણી રાજા પાસે આવે, ખવરાવે, પીવરાવે ને આનંદ કરાવે. સાંજે પાછી સંતાઈ જાય. એમ કરતાં થોડા દિવસ વીત્યા. અપ્સરાએ જોયું કે આ રાજાના શરીરમાં હવે નવું જોર આવતું જાય છે. આમાં કાંઈક ભેદ હશે. ગમે તેમ હોય પણ રાજાને ક્યાંકથી ખાવાનું પહોંચે છે! અપ્સરા બરાબર તપાસ રાખવા લાગી. રાજાને તો હવે દિવસનો આરામ નથી મળતો. રાત આખી પણ જાગવું પડે છે. દિવસે રાણી જગાડે ને રાતે અપ્સરા જગાડે. એવા થાકથી એક દિવસ રાતે રાજાને ઝોલું આવી ગયું અને તુરત જ અપ્સરા ચેતી ગઈ. એના મનમાં થયું કે નક્કી અહીં કોઈ માનવી રહે છે. સવાર પડ્યું કે તરત રાજાને પગે દોરો બાંધીને વિમાનમાં નાખ્યો અને ઘરરર! કરતું વિમાનને આકાશમાં હાંકી મૂક્યું. પેલી રાણી દોડતી દોડતી બહાર આવી ને બૂમો પાડવા લાગી, ‘ઓ રાજા! ઓ મારા સ્વામીનાથ!’ પણ કોણ જવાબ આપે? માંડ માંડ હાથમાં આવેલો રાજા હવે તો ગયો, ફરી મળવાનો નથી, એમ માનીને રાણી હિંમત હારી બેઠી. રખડતી રખડતી એક સરોવર ઉપર જઈને ઊભી. અંદર પડીને મરવા જાય છે ત્યાં તો અંદર હંસનાં બે બચ્ચાં બેઠેલાં જોયાં. એ બચ્ચાં માનવીની વાચામાં કહેવા લાગ્યાં કે ‘બહેન, આ સરોવરમાં અમે તને આપઘાત કરવા નહીં દઈએ. જો પેલા અમારા માબાપ આવે. એમને પૂછીને પડજે’. હંસ અને હંસલી આવ્યાં. રાણી બોલી, ‘હે રાજહંસ, હવે મને મરવા દો, મારા પતિ વિના હું શીદને જીવું?’ હંસ–હંસણી બોલ્યાં, ‘હે દુઃખિયારી રાણી! તારો રાજા હજુ જીવે છે, તે ક્યાં છે એની અમને ખબર છે. અમારી પીઠ ઉપર બેસી જા, અમે તને એ દેશમાં ઉતારી દેશું’. રાણી હંસની પીઠ ઉપર બેઠી. હંસ–હંસણી ઊડ્યાં. મોટા મોટા ડુંગર અને મોટા દરિયા વળોટીને ગાંધર્વલોકમાં પહોંચ્યાં. રાણીને ત્યાં ઉતારી. હંસ બોલ્યો, ‘રાણી બહેન! સાંભળો. આંહીં એક ગાંધર્વ છે, એને એક દીકરી હતી. તે ઘણાં વરસો થયાં ખોવાઈ ગઈ છે. તમે ત્યાં જજો ને કહેજો કે ‘હું તમારી દીકરી છું’. પછી તે તમને નાચગાન શીખવશે ને ઇંદ્રની સભામાં લઈ જશે, ઇંદ્ર ભગવાનને તમારા નાચથી રાજી કરજો અને એ વરદાન આપે ત્યારે તમારા પતિની માગણી કરજો. તમારા પતિને હરણ કરી જનારી અપ્સરા પણ ત્યાં જ હશે’. એમ કહીને હંસ–હંસણી ઊડી ગયાં. રાણી ગાંધર્વ પાસે ગઈ. રાણી કહે “બાપુ! મને ઓળખો છો?” ગાંધર્વ કહે, “તું કોણ?” રાણી કહે, “હું તમારી દીકરી.” પછી ગાંધર્વે નામ–નિશાન પૂછી જોયાં તો બરાબર વાત મળતી આવી. ગાંધર્વ બિચારો દીકરીને જોઈ ગાંડો ગાંડો થઈ ગયો. દીકરીને નાચગાન શીખવવા મંડ્યો. થોડા દિવસમાં તો રાણી બહુ જ સરસ કળાઓ શીખી ગઈ. પછી ગાંધર્વ પોતાની દીકરીને ઇંદ્રની સભામાં લઈ ગયો. એના મનમાં એમ કે મારી દીકરીને સારાં નાચગાન કરાવીને ઇંદ્રની મહેરબાની મેળવી લઉં. સહુથી સરસ નાચ કરનારી પેલી અપ્સરા હતી. એ અપ્સરા નાચે છે અને ગાંધર્વ વાજિંત્ર બજાવે છે. ગાંધર્વ જાણી જોઈને વાજિંત્ર તાલ બહાર વગાડતો ગયો, એટલે અપ્સરાનો નાચ ખરાબ થવા માંડ્યો. ઇંદ્રનું મન બહુ જ નારાજ થયું. પછી ગાંધર્વે રાણીને હાજર કરી નાચ કરાવ્યો. એવો તો અલૌકિક નાચ કે ઇંદ્ર કહે, “બેટા! માગ, માગ!” રાણી બોલી, “માગું મારા સ્વામીનાથને!” ઇંદ્ર કાંઈ સમજી શક્યા નહીં. પછી રાણીએ પોતાની આખી કથની કહી સંભળાવી. પેલી અપ્સરાને પણ ઓળખાવી. ઇંદ્રે કોપ કરીને અપ્સરાને પૂછ્યું, “સાચી વાત?” અપ્સરા શરમાઈને નીચું જોઈ ગઈ. ઇંદ્રે શાપ દીધો કે “હે નિર્દય મનની અપ્સરા! જા તું મૃત્યુલોકમાં જન્મજે. તને પણ તારા પતિનો વિયોગ થશે”. રાજાને કચેરીમાં હાજર કર્યો, ઇંદ્ર મહારાજે રાજા–રાણી બેઉને આશીર્વાદ દીધા, ઘણી ઘણી ભેટો આપી, અને વિમાનમાં બેસાડીને એમને ગામ મોકલી દીધાં.