તથાપિ/કોઈક વાર
કોઈક વાર
સુરેશ જોષી
પ્રદક્ષિણા ફરતી પૃથ્વીની ઠેબે ચઢીને
હું સહેજ હડસેલાઈ ગયો,
હડસેલાતાં મારામાંથી હું છલકાઈ ગયો.
બહાર રેલાઈ ગયો.
તે ક્ષણથી હું ફેલાતો રહ્યો છું મારી બહાર,
ઓસરતો રહ્યો છું નક્ષત્રીય અવકાશમાં.
કોઈ વાર અથડાઈ ગયો છું
ઈશ્વર સાથે
ને સાંભળ્યો છે ઈશ્વરને રણકી ઊઠતો.
તો કોઈ વાર આતપ્ત ગ્રીષ્મના ભારથી ચંપાઈને
ઊંડે ઊંડે ઊતરી ગયો છું
વૃક્ષનાં મૂળની જેમ.
કોઈ વાર વટવાગળની પાંખોમાંના
અન્ધકારની જેમ
આન્દોલિત થયો છું.
કોઈ વાર આકાશના ગર્ભમાં રહેતા
પવનનો જોડિયો સહોદર
થઈને રહ્યો છું.
પૃથ્વીનાં પોપચાં વચ્ચેની નિદ્રાનાં જળને
મેં ક્યારેક ડખોળ્યાં છે.
મારી સાથે સધાયેલી આ મારી દૂરતાના તન્તુને
હું ઊર્ણનાભની જેમ લંબાવ્યે જ જાઉં છું.
સૂકી ડાળોનાં ઝાંખરાં વચ્ચે
ફસાઈ ગયેલા પંખીની જેમ
મારું હૃદય તરફડ્યા કરે છે.
જે શબ્દો મારી નજીક વસતા હતા