તારાપણાના શહેરમાં/આ મૂંગા શહેરમાં
આ મૂંગા શહેરમાં
આ મૂંગા શહેરમાં કોઈને કંઈ પુછાય નહીં
ને લાગણીના ચહેરાઓ ઓળખાય નહીં
હવા ધીમેથી ચલો કે નગર પુરાણું છે
દીવાલ પરની સુગંધો ભૂંસાઈ જાય નહીં
અહીં તો આપણે એ શબ્દની નિકટતા છે
કે જેને કાનમાં કહેતાંય સંભળાય નહીં
હું શ્વાસના આ સંબંધો ગલીમાં વેરી દઉં
પણ આસપાસનું ધુમ્મસ તો વિખરાય નહીં
અધૂરી ઊંઘનું જાદુ છે - ઊંચકાય નહીં
ને મૂંગા શહેરથી તો આંખ પણ મીંચાય નહીં