તુલસી-ક્યારો/૧. કોના પ્રારબ્ધનું?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. કોના પ્રારબ્ધનું?

સોમેશ્વર માસ્તરના મકાન પાસે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. સોમેશ્વર માસ્તરની પચીસેક વર્ષની ભત્રીજી યમુના ગાંડી હતી. ઘરથી થોડે દૂર નળની ટાંકી પાસે ઊભી ઊભી એ લાંબા હાથ કરીને રોષભર્યા અસ્પષ્ટ શબ્દો કાઢતી કાઢતી, કોઈ મવાલી પણ જાહેરમાં ઉચ્ચારવા હિંમત ન કરી શકે તેવી અશ્લીલ ગાળો કોણ જાણે અંતરીક્ષમાં કોને ભાંડી રહી હતી! પચાસ વર્ષના સોમેશ્વર માસ્તર બહાર આવ્યા અને યમુનાને ફોસલાવવા લાગ્યા. યમુનાએ એને પણ અપશબ્દો કહ્યા. આખરે સોમેશ્વર માસ્તરના પચીસેક વર્ષના યુવાન પુત્ર પ્રોફેસર વીરસુતે એક સોટી સાથે દોટાદોટ આવીને ગાંડી યમુનાના શરીર પર ફટકા ખેંચવા માંડ્યા, ત્યારે પછી આડા હાથ દેતી, ચમકતી ને ડરતી યમુના રડતી રડતી ઘરની અંદર ચાલી ગઈ. યમુનાને ઘરની અંદર લઈ જઈ એક ઓરડીમાં પૂરીને પણ વીરસુત જ્યારે મારવા અને ત્રાડ દેવા લાગ્યો, ત્યારે દસેક વર્ષનો એક છોકરો ત્યાં ઊભો ઊભો કહેતો હતો : “બા-ફોઈ, બોલો મા; બા-ફોઈ, ચૂપ રહો તો બાપુ નહીં મારે. બાપુજી, હવે બા-ફોઈને ન મારો. એ કશું બોલતાં નથી, હો બાપુજી!” “તું બહુ ડાહ્યલો ન થા!” વીરસુતે પોતાના એ પુત્રનું મોઢું તોડી લીધું. સોમેશ્વર માસ્તર એ ઓરડી તરફ ધીરે ધીરે આવી રહ્યા હતા, ત્યારે તેને તેના દીકરા વીરસુતે વઢીને કહ્યું : “તમે જ એને બહેકાવી છે. હું કહીકહીને થાક્યો કે એને ગાંડાંની ઇસ્પિતાલમાં મૂકી આવવા દો, ત્યાં એ સાજી થશે, એનો ત્યાં જ વહેલો છૂટકો થશે; પણ તમે તો અમે જ્યારે જ્યારે રજા ગાળવા આવીએ ત્યારે ત્યારે આ હૈયાહોળી અમારી છાતી પર ને છાતી પર રાખી છે!” “ભાઈ, મેં સારા માટે જ ગાંડાંની ઇસ્પિતાલની ના કહી છે. ત્યાં એ બાપડીનું પોતાનું કોણ?” “ને અહીં ક્યાંય મોટર કે ટ્રેનમાં ચગદાઈ જશે તો?” “તો તે એના પ્રારબ્ધની વાત બનશે; પણ, ભાઈ, આપણે દેખીપેખીને એને કુટુંબમાંથી કાઢીએ, તો એનો જીવ અંદરખાનેથી કકળી ઊઠશે.” “એને ગાંડા માણસને એવું શું ભાન હોય! તમે પણ કેવી ...” વીરસુત હસ્યો. “હું ઠીક કહું છું, ભાઈ; જીવ કકળે.” “તો હવે શું કરવું છે? કંઈ છૂટકો પતાવવો છે કે નહીં?” “એક વાર હું જોઉં, એને ભેરવપુર લઈ જાઉં.” “જ્યાં લઈ જતા હો ત્યાં લઈ જાવ.” “તું આજ સુધી એ વહેમમાં પડવાની ના પાડતો હતો ને?” “હવે ના નહીં પાડું. ગમે તે ફકીર-બાવા કે મેલડીના ભૂવા પાસે લઈ જાવ. નીકર પછી હું ગાંડાંની ઇસ્પિતાલે મૂકી આવીશ; હવે હું કોઈની શરમ નહીં રાખું. આપણી એ કઈ નજીકની સગી છે કે એને વેઠો છો? એની સગી બહેનો ને માસીઓ તો ભાવેય પૂછતી નથી.” “એમ ન વિચાર, ભાઈ; કોને ખબર છે કે આપણે આ આખા કુટુંબમાંથી કોના પ્રારબ્ધનો દાણો ખાતા હશું!” “આ વાત તમે મને ચોથી વાર સંભળાવી.” “મન બહુ જ દુભાય છે ત્યારે જ એ વાત યાદ આવે છે, વીરસુત!” “વારુ, હવે જે કરવું હોય તે પતાવો; નહીં તો મારે એ ગાંડીના પ્રારબ્ધનો દાણો મારા ઘરમાં નથી જોઈતો. હું ભલે ભૂખ્યો રહું.” વળતા દિવસની ગાડીમાં સોમેશ્વર માસ્તર પોતાની ગાંડી ભત્રીજી યમુનાને લઈ જ્યારે ટ્રેનમાં બેઠા, ત્યારે પેલો દસ વર્ષનો બાળક દેવુ તેમની સાથે ચાલ્યો હતો. એ બાળક સોમેશ્વર માસ્તરનો પૌત્ર અને પ્રો. વીરસુતનો પુત્ર થાય. એની પોતાની મા એને નાનો મૂકીને જ મરી ગયેલી, એટલે એ દાદા પાસે ઊછરેલો. એને એના દાદા જોડે વિશેષ બનતી હતી. એના પિતાએ પણ એને જાણી જોઈને વળાવ્યો હતો. પિતા અમદાવાદમાં સાયન્સના પ્રોફેસર હતા. નવી સ્ત્રી પરણ્યા હતા. તેમને કલકત્તાની વિજ્ઞાનની પરિષદમાં નવાં પત્ની સહિત જવું હતું. આ બાળક એનું એક જ સંતાન હતો. એને ગળે વળગાડીને પ્રવાસ કરવામાં શી મજા પડે? ભૈરવપુર નામના એ વળગાડ કાઢવા માટે જાણીતા દેવ-મંદિરમાંથી ત્રીજે દિવસે રવિવારે જ્યારે દાદા અને પૌત્ર દેવુ ગાંડી યમુનાને લઈ પાછા વળ્યા, ત્યારે દેવુ હેબતાઈ ગયો હતો. પોતે જેને બા-ફોઈ કહેતો તે ગાંડી યમુના થાકી લોથ થઈ આગગાડીના પાટિયા પર શબની સ્થિતિમાં પડી હતી. એના ટૂંકાં ટૂંકાં ઝંટિયાંમાંથી કેટલીય પૂણીઓ ખેંચાઈ ગઈ હતી. એના કપાળની ચામડી વાળના જથ્થા નજીક સૂજી ગઈ હતી. ને એના ગાલ ઉપર ઉગ્રાવેશી તમાચાનાં આંગળાં ઊઠી આવ્યાં હતાં. એ વારે વારે ચમકતી હતી. “બા-ફોઈને એ મારતો’તો કોણ, હેં દાદા?” દેવુ ભયભીત અવાજે પૂછવા લાગ્યો. “ભૂવો.” “એ ભૂવો હતો? એટલે શું?” “ભૈરવનો પૂજારી.” “એ કાળો અને કદરૂપો હતો, તે શાથી?” “ભૂવા એવા જ હોય.” “પણ એણે બા-ફોઈને ને ત્યાં બેઠેલી બાઈઓને અડબોતો કેમ મારી?” “મારવાથી ભૂત જાય.” “બા-ફોઈનું ભૂત તો ન ગયું. મને તો, દાદા, એમ લાગે છે કે, જાણે એ ભૂવો જ બા-ફોઈને ચોંટ્યો છે. હવે, જુઓ ને, બા-ફોઈ ચમકીચમકીને આમતેમ જોયા જ કરે છે. મને એ ભૂવો ન ગમ્યો. એ મંદિર પણ ડરામણું લાગ્યું. ને ત્યાં બેઠેલી બધી બાઈઓ પર આટલી બધી ચીસાચીસ ને રાડારાડ શી?” ખરું જોતાં સોમેશ્વર માસ્તરની પાસે આ પ્રશ્નોના ઉત્તર નહોતા. એમણે કદી અગાઉ ભૈરવપુર જોયેલું નહીં. ઘણાં માણસો – પારસીઓ અને મુસલમાનો પણ – પોતાનાં ગાંડાં થઈ ગયેલ કુટુંબીઓને ભૈરવપુર લઈ જતાં. ને તેમાંનું કોણ આરામ મેળવીને આવ્યું તેની નજરે સાબિતી તો નહોતી દીઠી. પણ ફરતાં ગામોમાં અજાણ્યાં અજાણ્યાં લોકો એવી વાતો કરતાં કે, ભૈરવપુરના ભૈરવ આગળ એકેય વળગાડ ઊભો રહેતો નથી. ફલાણાને આરામ થયો, ઢીંકણાનું ભૂત ભાગી ગયું, પેલા પારસીની છોકરીને વળગેલી વાઘરણ ચાલી ગઈ – અરે, એને તો ભૂવાએ ચોટલે ઝાલી ઝાલી, લપડાકો મારી મારીને કાઢી … વગેરે ખાલી વાતો જ હવામાં તરતી આવતી હતી. “આમ તે કોઈનું સારું થાય, હેં દાદા?” એ પ્રશ્ન પૂછનાર દેવુને સોમેશ્વર માસ્તર કશો જવાબ ન વાળી શક્યા. એને પોતાને પસ્તાવો પણ બહુ થયો કે, એણે ઊંડા ઊતરીને કશી ખાતરી કર્યા વગર યમુનાને ભૈરવપુર લઈ જઈ ઘાતકી માર ખવરાવ્યો. યાદ કરતાં કરતાં એને ભૂવા પ્રત્યે ઘૃણા જન્મી : આ માણસમાં શિવજીનો સદંશ હોઈ જ કેમ શકે? “આવી ક્રૂરતા ગાંડાં માણસો પર કરાય, હેં દાદા? મને તો દયા જ આવે છે!” એવું બોલતો દેવુ હસવાનો પ્રયત્ન કરી રડવું રોકતો હતો. સૂતેલી યમુનાની નજીક પોતે ‘બા-ફોઈ, કેમ છે? હવે દુખે છે?’ એમ કહેતાં ગાલ પંપાળવા ગયો, ત્યાં યમુના ટ્રેનના પાટિયા પરથી ચમકી ઊઠી બારી વાટે બહાર કૂદી પડવા દોડી. દાદાએ એને પાછી સુવાડી ત્યારે એનો ચહેરો ખૂબ દયામણો લાગતો હતો. દેવુ એ ભૈરવપુરના શનિવારની ધુણાવવાની ક્રિયાને વારંવાર યાદ કરતો કરતો પોતાની આંખો આડે હાથ ચાંપી દેતો હતો; ને મનમાં મનમાં બોલતો : ‘ભયંકર! બહુ ભયંકર, દાદા! બહુ નિર્દય!’ ઘેર પાછા આવ્યા પછી સોમેશ્વર માસ્તર પોતાના પ્રોફેસર પુત્રથી શરમિંદા બન્યા. એણે દેવદેવલાં અને ભૂતપ્રેતના વહેમો પર સારી પેઠે મેણાંટોણાં સાંભળ્યાં. ને છેવટે એક દિવસ ગાંડાંની ઇસ્પિતાલે યમુનાને મૂકી આવવા ડોસા કબૂલ થયા. પણ ધીમે ધીમે બબડ્યા જ કર્યું : “કોને ખબર છે – આપણે એના પ્રારબ્ધનો રોટલો ખાતા હશું તો!” આ વાક્ય ફક્ત દેવુ જ સાંભળતો હતો. એને બીજું તો કાંઈ સમજાતું નહોતું, પણ ‘રોટલો ખાવા’ની વાત બાળક તરીકે એને પરમ મહત્ત્વની લાગી. “તમારે ત્યાં જોડે આવવાની જરૂર નથી. પાછા તમે ત્યાં પોચા પડી જશો.” એટલું કહીને પ્રોફેસર વીરસુતે ખભે ખેસ નાખીને તૈયાર થયેલા પિતાને અટકાવ્યા ને યમુનાને પોતે હાકોટાવતો તેમ જ ધકાવતો ગાડીમાં નાખીને લઈ ગયો. સરકસનાં ચોપાનિયાં જેમ ઘોડાગાડીમાંથી ફરફરાટ કરતાં વેરાતાં હોય છે, તે રીતે આ ઘોડાગાડીમાંથી યમુનાના અપશબ્દો વેરાતા હતા. ગાંડીની ગાડી પાછળ લોકો પણ દોડતાં હતાં. પ્રોફેસર વીરસુતની રજા પૂરી થઈ તે પૂર્વે જ એણે પિતાએ ભેગી કરેલી આ કુટુંબીઓની વેજામાંથી નાસી છૂટવા તથા પુત્રને પણ આ વાતાવરણમાંથી ઉઠાવી લેવા ઇચ્છા કરી. પણ પિતાએ પુત્ર પાસેથી દેવુને માગી લીધો : “શરીરે સુકલકડી છે. અહીં ભલે રહ્યો. અમે દાદો–દીકરો જોડીદાર થઈને રહેશું. તારે કશી ચિંતા કરવી નહીં.” “ઠીક, તો રાખો.” પ્રોફેસર વીરસુત અને એનાં પત્ની (દેવુનાં સગાં માતા નહીં પણ પ્રોફેસરનાં નવાં પત્ની) અમદાવાદ ઊપડી ગયાં.