તુલસી-ક્યારો/૨૨. જનતા અને જોગમાયા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. જનતા અને જોગમાયા

એટલામાં તો ગામના વ્યાયામ-મંદિરના ઉત્સાહી સંચાલક પોતાના મંદિરના મેળાવડાની અધિષ્ઠાત્રી ‘દેવીજી’ને સભાસ્થાને તેડી જવા હાજર થયા. ને તેમણે આવીને પહેલું જ આ કહ્યું : “અમારા વાર્ષિક ઉત્સવનાં પહેલાં જ સ્ત્રી-અધ્યક્ષ તમે હોવાથી ગામલોકોનાં તો ટોળાં વળ્યાં છે. સ્ત્રીઓ તો ક્યાંય માતી નથી. જાગૃતિનું અદ્ભુત મોજું આજે શહેરમાં આવી ગયું છે. આ ગામ પચીસ વર્ષ પછાત હતું તે આજે સૌ ગામોની જોડાજોડ આવી ગયું છે.” આવા આવા ઉત્સાહભરપૂર શબ્દો શ્વાસભેર ફેંકી રહેલા ગામના અખાડા-સંચાલકો કંચનના નારીદેહની જાણે કે મનોજ-પુષ્પોથી પૂજા કરતા હતા. “બહેન પણ આવા મેળાવડાનું જ પ્રમુખસ્થાન લે છે,” ભાસ્કર બોલ્યો : “કેમકે એને તો મર્દાનગીનો આદર્શ ઊભો કરવો છે.” ભાસ્કરના આ શબ્દો કંચનનાં લેબાસ, પોશાક અને સૌંદર્ય ફરતી ફ્રેમરૂપ હતા. પણ તેડવા આવેલાઓ ફ્રેમની પરવા કર્યા વગર, હજુ તો ભૂખ્યા ડાંસ જેવા, મૂળ તસવીરને – કંચનની દેહ-છટાને – જ જોવામાંથી નવરા નહોતા થતા. તેઓને કંચનના દર્શન માત્રથી જ આજના મેળાવડાની સોળ આના ફતેહની ખાતરી થઈ ચૂકી હતી. “અમારે પણ આ પછાત ગામનાં લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને, સ્વાધીન નારીનો આદર્શ બતાવવો હતો, તે ઉમેદ આજે પૂરી થશે.” તેડવા આવેલાઓ પૈકીનો બીજો અંદરખાનેથી પાણી પાણી બનીને બોલી રહ્યો. પછી સૌ ગાડીમાં બેઠા ત્યારે કંચનની સામેની બેઠક પર બેસવા માટે સંચાલકો પૈકીના બે જણાઓમાં ઘડીભર તો ગુપ્ત એક બાજી રમાઈ ગઈ. પેલો કહે : હું નહીં. બીજો કહે : નહીં, હું નહીં. “અરે શું ‘હું નહીં’ ‘હું નહીં’ કરો છો!” એમ બોલીને કંચને એ બેમાંથી એક બડભાગીનો હાથ ઝાલી પોતાની સામે ખેંચી લીધો. પછી સફાળા જ કાંઈક યાદ આવતાં તેણે બાજુમાં બેઠેલ ભાસ્કર સામે જોયું. પણ ભાસ્કર જાણે જાણતો જ ન હોય તેમ બીજી દિશામાં જોઈ બેઠો હતો. ગાડી સભાસ્થાન પર આવી પહોંચી ત્યારે ‘ઢરરર... ઢમ! ઢમ : ઢમ : ટી-કી-ટી-કી-ટી-કી ઢમ’ એવા સ્વરે વ્યાયામ-બૅન્ડે સલામી આપી. પ્રવેશ દ્વારથી મંચ સુધી યુવાનોએ લાઠીઓની કમાનવાળો માર્ગ રચી દીધો. ને શ્રોતાઓમાં અગાઉ જઈ કોઈએ કહ્યું : “દેવીજી આવે છે; શાંતિ રાખો.” લાઠીઓની કમાન વચ્ચે થઈને કંચન ગૌરવયુક્ત ગતિએ રંગમંચ તરફ ચાલી ત્યારે પ્રેક્ષકો એને તાકીતાકીને જોઈ રહ્યા : “અહાહા! એની તાકાત તો જુઓ!” “બહુ દુ:ખી થઈ લાગે છે બાપડી!” “સિંહણ જેવી છે ને!” “જુઓ : ક્યાં આ શક્તિ-ભવાની, ને ક્યાં આપણાં કચકી ગયેલાં સડેલાં બૈરાં! જુઓને – બધી ભાવઠ્યો આ બેઠી!” “ભાવઠ્યો વરસોવરસ છોકરાં જણવા સિવાય બીજો ધંધો જાણતી નથી.” એવા ચિત્રવિચિત્ર ગણગણાટ વિરમી ગયા, અને રંગમંચ પર ફૂલોના ઢગલેઢગલા ખડક્યા હોય એવા એક અગ્રણી-વૃંદ વચ્ચેથી સંસ્થાના ‘મંત્રીજી’ ઊઠ્યા. તેમણે પોતાની કાવ્યમય બાનીમાં ‘નૂતન ભારતનાં યુગપૂજક સંતાનો!’ એવા શબ્દો વડે શ્રોતાઓ પ્રત્યે સંબોધન કરીને ઓળખાણ આપી : “આજે પધારેલાં આ દેવીશ્રીનો પરિચય તો હું આપને શું આપું? એ એક વીર નારી છે, સ્વાધીનતાની મૂર્તિ છે ...” વગેરે વગેરે. ત્યાં તો ગામના એક ગૃહસ્થ નૂતન યુગના સંસ્કારમૂર્તિ બનવા પ્રયત્ન કરતાં કરતાં વચ્ચે બોલી ઊઠ્યા : “આપણા ગામની બાયડીઓને કહીએ કે – એ જુઓ, આમ જુઓ, આંખ્યો ઉઘાડો!” એ શબ્દોએ સભાને હાસ્યરસની એક જબરી લહરી પૂરી પાડી,ને કંચન પણ ગાફેલ બનીને ખડખડાટ હસવા લાગી. ત્યાં તો એની નજીક બેઠેલા ભાસ્કરે એની સામે ડોળા ફાડી એને એના સ્થાનને યોગ્ય ગૌરવમાં પુન:પ્રતિષ્ઠિત કરી દીધી. પછી વ્યાયામવીરોના ખેલો થવા લાગ્યા, ને દરેક વ્યાયામવીર આગળ આવીને શરૂમાં તેમ જ અંતમાં કંચન તરફ જે ‘નમસ્તે’નો અભિનય કરતો હતો તેનો ઉન્માદ કંચનના ફાટ ફાટ થતા કલેજાને ફુલાવી ઢોલ કરતો હતો. ને એ વખતે સભામંડપની છેલ્લી બે-ચાર હારોમાંથી બે ડોસાઓ ને એક બાળક ઊંચા થઈ થઈ આ દૃશ્ય જોતા હતા. એક ડોસો હસતો હતો. બીજો ડોસો કોણ જાણે લજ્જાની કે પછી કોણ જાણે આનંદની ઊર્મિથી વારંવાર ડૂસકાં ખાતો હતો. ને છોકરો તો ગોઠણભેર થઈ થઈ આભા જેવો આ તમાશાને જોઈ રહ્યો હતો. કોઈ ન સાંભળે – અથવા સાંભળે તો પણ ન સમજે – તેવી આવડતથી બેઉ ડોસા પરસ્પર વાતો કરી લેતા હતા : “હા, હા, જ્યેષ્ઠારામ, હવે આશા નથી. આપણા ઘરમાં હવે શે સમાય!” “જોઈને તો ન્યાલ થઈ લો!” “પણ હું શું જોઉં! અરે દીકરી–દીકરી–દીકરી–” “જોજો, સાદ ન ફાટી જાય!” “આ હા હા! હજારો લોકોની દેવી : મારા ઘરમાં શે સામે?” એવી વાતોના ક્ષુદ્ર ગણગણાટ પર મેઘ-ગર્જના છવરાઈ જાય તેવો ભાસ્કરનો ભાષણરવ ગુંજી ઊઠ્યો : “શ્રોતાજનો, તમે જાણો છો – તમારી સૌની માતાઓ-બહેનોની સ્વાધીનતા પ્રાપ્ત કરવા આ ‘દેવી’એ શું શું સહ્યું છે? એના ચહેરા પર દુ:ખનાં હળ હાલેલાં છે, એના ચાસ જુઓ છો? ને હું તમને કહું છું ત્યારે ધ્રાસકો પડશે, તમારી છાતી બેસી જશે, કે આજે અત્યારે આ જ ક્ષણે, આ સભામંડપની અંદર જ એક સ્થળે, આ તમારી ‘દેવી’નું કાસળ કાઢી નાખવાનું કાવતરું ચાલી રહ્યું છે.” એ થંભ્યો. સભાવૃંદ ખળભળ્યું. ખુદ ‘દેવી’નો ચહેરો પણ ચોંકી ઊઠ્યો. ચહેરેચહેરા એકબીજાની સામે ફર્યા. આંખેઆંખને પગ આવ્યા, પ્રત્યેક આંખ શોધવા લાગી કાવતરાખોરોની જમાતને. “એ કાસળ કાઢી નાખનારાઓ –” ભાસ્કરનો અવાજ એરણ પર ઘણના પ્રહાર સમો પડ્યો : “ચેતી જાય. અહીંથી ચાલ્યા જાય. નહીંતર હું તેમના તરફ આંગળી ચીંધું તેટલી જ વાર છે. આખું કાવતરું બહાર પડી જશે – ને તેમના હાથમાં હાથકડીઓ પડશે.” થોડીઘણી ખામોશી ધરીને પછી એ બીજા મુદ્દાઓની ચર્ચામાં આગળ વધ્યો. થોડી વાર ઊંચાનીચા થઈને જોવા માંડેલા શ્રોતાઓ ભાસ્કરના શબ્દપ્રભાવમાં ફરીથી લુપ્ત થયા. અને શ્રોતાસમૂહને એક છેવાડે ખૂણેથી બે બુઢ્ઢાઓ એક બાળકને હાથ વડે લપેટતા, ધ્રૂજતા, વિમાસતા ધીરે ધીરે સરી જઈને બહાર નીકળી ગયા. ભાસ્કરની ધમકી તેમને ઉદ્દેશીને હતી એ તેઓ સમજી શક્યા હતા. તેમનો સૌથી મોટો ભય દેવુનો જીવ જોખમાઈ જવાનો હતો. ઉતારે જઈને દેવુને પૂછતાં તેણે પોતાની તે સાંજની ભાસ્કર સાથેની મુલાકાતનું પૂરું વર્ણન કર્યું તે સાંભળી બેઉ બુઢ્ઢાના શ્વાસ ચડી ગયા. છોકરો કોઈ રાક્ષસની ગુફામાંથી હેમખેમ પાછો આવ્યો લાગ્યો. તેમણે બેઉએ મસલત કરી. ભય લાગ્યો કે, વહુને લેવા આવતાં ક્યાંઈક છોકરો ખોઈ બેસશું. તેઓએ રાતની ગાડીમાં લાગુ પડી આ ખુવારીનો માર્ગ છોડ્યો. રસ્તામાં દેવુના દાદા સૂનકારની સાક્ષાત્ મૂર્તિ બનીને બેસી રહ્યા. “પહેલી જ વાર હું હાર્યો આ જિંદગીમાં, જ્યેષ્ઠારામ! પહેલી વાર અને છેલ્લી વાર!” એટલું જ એ એકાદ વાર બોલ્યા. એ એક જ ઉદ્ગાર અંતરમાં ભારીકરીને પોતે પાછા પોતાના વતનમાં સમાઈ ગયા. ગામના સ્ટેશને દિવસની ટ્રેનમાં ન ઊતરવું પડે તે માટે રસ્તે એક ગાડી છોડી દીધી. મધરાતે પોતાને ગામ ઊતરી ઘરમાં પેસી ગયા, ને જ્યેષ્ઠારામે પણ ફરી વાર પાછો પોતાનો અસલ અંધાપો ધારણ કરી લઈ પછવાડેની પરસાળમાં પોતાનું અસલ સ્થાન સંભાળી લીધું. દાદા પોતાનો થીગડાં મારેલો જૂનો કામળો ઓઢીને વહેલી પરોઢે બેઠા છે. ત્યાં કોઈકના શબ્દ સંભળાયા : “અનસુ રડતી નથી. અનસુ ઊંઘે છે. ને તુલસી-ક્યારો લીલો છે–લીલોછમ છે–રોજ દીવો કરતી’તી–કરતી’તી.” ઓરડાની બહાર ઊભી રહીને બોલતી એ ગાંડી ભત્રીજી યમુના હતી. ઘણા દિવસે ઘેર આવતા ડોસા, વહુને ગુમાવી બેઠાના વલોપાતમાં, એ ગાંડીને ભૂલી ગયા હતા. છોકરી અનસુ જાણે એના જગતમાંથી જ ભૂંસાઈ ગઈ હતી. યમુનાએ અનસુને ચૂલામાં બાળી હશે, કે ક્યાંક કૂવામાં ફેંકી દીધી હશે, એવી બીક વચ્ચે વચ્ચે લાગેલી. પણ પછી તો વહુને હાથ કરવા જતાં યમુના, અનસુ અને ઘરબારનું ભાન રહ્યું નહોતું. વહેલી પરોઢના પંખીના ચીંચીંકાર વચ્ચે ગાંડીનો અવાજ કાને પડ્યો. ‘તુલસી-ક્યારો લીલો છે’ એ સમાચાર ગાંડીએ શા સારુ આપ્યા? તુલસી-ક્યારો સુકાયો નથી એટલે શું નવી વહુ પાછી મળવાની આશા રહી છે એમ સમજવું? વહેમી અને શ્રદ્ધાળુ દિલનો કુટુંબપતિ આવા સાદા સમાચારને પણ સાંકેતિક વાણીમાં ઘટાવતો રહ્યો. “બેટા!” એણે કામળામાં લપેટાયેલું મોં સહેજ ઊંચું કરીને કહ્યું : “તુલસી-ક્યારો તેં લીલો રાખ્યો એ જ બતાવે છે કે તારું ડહાપણ લીલું છે; તું ગાંડી નથી.” “હું ગાંડી નથી. પૂછી જોજો અનસુને – ગાંડી નથી. ગાંડી તો કંચનભાભી. ગાંડી! ગાંડી! ખબર છે. તુલસી-ક્યારે આવી નથી. અનસુને રમાડી નથી. ગાંડી! બાપા, ગાંડી થઈ ગઈ ભાભી!” એમ બોલતી બોલતી યમુના રડી પડી : “ગાંડી ભાભી!” ઘરમાં પુરાઈને બેઠેલી આ ગાંડી આશ્રિતાના રુદનમાં કૌટુંબિક જીવનની ભૂખના સ્વરો હતા. કંચનને એ આજે ક્યાંય જુએ તો ઓળખી પણ ન શકે. એક વાર લગ્ન પછી કંચન જ્યારે ઘેર આવેલી ત્યારે જ એણે સહેજ જોયેલી. ત્યારે તો યમુના પૂર્ણ ગાંડપણના સપાટામાં પડેલી હતી. તે છતાં જરીક જોયેલી નવી ભાભી કંચનને એણે આજે પોતાના અશ્રુજળના પરદાની આરપાર ઊભેલી નિહાળી. રડતી રડતી ગાંડી એને ઠપકો આપતી હતી કે, “ગાંડી ભાભી! ભાભી ગાંડી!!” “તું ન રડતી, બાઈ!” થીગડાં મારેલા કામળામાં પોતાનું મોં ફરી વાર લઈ જઈને વૃદ્ધ માંડ માંડ બોલ્યો : “તું શાંતિ ધર.” “તુલસી-ક્યારે એક વાર પણ ન આવી ગાંડી ભાભી! તુલસી-મા સુખદુ:ખ સાંભળત. તુલસી-મા ધીરજ આપત.” કહીકહીને યમુના વિશેષ ધ્રુસકાં ભરવા લાગી. “ચાલ, બચ્ચા, આપણે તુલસી-ક્યારે જઈએ. ચાલ, દીવામાં ઘી ને વાટ લેતી આવ.” પ્રભાતના તેજ-તિમિરના સંધિકાળે નાના એવા તુલસી-છોડને નમન કરતો, મોટા દેહવાળો ડોસો ઊભો રહ્યો. ગાંડી યમુના ઘીના ચેતાવેલા દીવાને પોતાના બે હાથની છાજલી વચ્ચે ઢાંકીને લઈ આવતી હતી ત્યારે ડોસો નિહાળતો રહ્યો. એ છાજલીમાંથી યમુનાના મોં પર લીંપાતું દીવાનું કંકુવરણું તેજ યમુનાની આંખોમાં ભરેલી સજળતા સ્પષ્ટ દેખાડતું હતું. યમુનાના તાજા રોયેલા મોં પર એક ગુપ્ત ગર્વ તરવરતો હતો કે પોતે તુલસી-ક્યારાને સુકાવા નથી દીધો અને અનસુને રડવા નથી દીધી. “તુલસી-મા!” વૃદ્ધે હાથ જોડ્યા : “તમે મારી યમુનાને ડાહી કરી, પણ મને તો ક્યાંક ગાંડો નહીં કરી મૂકો ને?” “તુલસી-મા એવું નહીં કરે – કદી ન કરે.” યમુના હસીને બોલતી હતી. “તું મારા માટે પ્રાર્થના કરીશ, યમુના?” “સૌને માટે – ગાંડી ભાભીને માટેય!” ને પછી એ તુલસી-છોડની સામે હાથ જોડી ઘણું ઘણું બબડી. અનસુ ઊઠીને બહાર આવી. હવે એ ચાલી પણ શકતી હતી. એણે દાદાને દીઠા. “દાદા, ઘોલો ઘોલો!” એ એક જ એની માગણી હતી. વૃદ્ધ માસ્તરે બેના ચાર પગ કરી જૂનું પશુત્વ ધારણ કર્યું ત્યાર પછી અનસુને પરવા જ ન રહી કે કંચનકાકી કોણ છે, એનું શું થયું છે, ને પોતાની સગી બા ભદ્રા પણ કેમ ગેરહાજર છે?