તુલસી-ક્યારો/૨૩. દિયરની દુ:ખભાગી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૩. દિયરની દુ:ખભાગી

ભદ્રા હજુ દિયર પાસે અમદાવાદ જ હતી. એની એક આંખમાં અનસુ તરવરતી હતી, બીજી આંખમાં દિયરજીની દુ:ખમૂર્તિ હતી. જણ્યું તો જીવશે જીવવું હશે તો, પણ આ કુટુંબની રોટલી રળનાર પુરુષ જો ભાંગી પડશે તો અમને જ ખોટ બેસશે, એવું ચિંતવતી ભદ્રા વીરસુતને સાચવીને બેઠી હતી. એને રોજેરોજ ફેરવીફેરવીને ફરસાણ ઇત્યાદિ ખવરાવતી. એને પૂછ્યા વગર જ પોતે એની ખાવાપીવાની ઇચ્છા કળી લેતી. સારું સારું કાંઈક શાકપાંદડું અને ઢોકળું-પતરવેલિયું પોતે કરતી ત્યારે નાની અનસુ યાદ આવી જતી, આંખો ભરાઈ જતી, પણ બીજી જ ક્ષણે આંખો લૂછીને એકલી એકલી બોલી લેતી : ‘ઈમાં શું રોઈ પડવાનું હતું, બૈ? આ બાપડા દેરને બાયડી જેવી બાયડી ચાલી ગઈ, તેના જેવો તો તારો દુ:ખ-ડુંગરો નથી ને, બૈ? રાંડેલી અસ્ત્રી તો બધું જ વેઠે; એ તો જોરદાર જાત વદે; પણ રાંડ્યો નર ન સહી શકે, બૈ! ઈ તો ધન્ય છે સસરાજીને, કે રાંડ્યા કેડે એકલે હાથે અડીખમ જેવા રહી છોકરા બે મોટા કર્યા, પરણાવ્યા-પશટાવ્યા, ને વળી મારા જેવી મૂંડીને પણ પાળે છે. બાકી, આ બાપડા દેરની કાંઈ તાકાત છે, બૈ! રાત બધી પથારીમાં લોચે છે. નિસાસા નાખે છે. સ્વપ્નામાં લવે છે. હું શું કાંઈ નૈ સાંભળતી હોઉં એ બધું? મને થોડી ઊંઘ આવે, બૈ! એકલવાયા એકલવાયા અસ્ત્રી વગરના ઘરમાં રે’વું ને રાતે ઊંઘવું એ થોડું ઠીક કહેવાય! કોને ખબર છે, બૈ, બેમાંથી કોનું હૈયું વહેલું હારી બેસે ને કોણ ખોટ ખાઈ બેસે! પછી આ આને દોષ દે ને આ આને માથે આળ ચડાવે એ કંઈ ચાલે? માટે ચેતતાં રે’વું, બૈ! બૈરાવ્હોણું ઘર છે ને પોચા હૈયાનો પુરુષ છે. કોઈનો દોષ ના કાઢીએ, આપણે પંડ્યે જ આપણાં વસ્તર સંકોડીને રહીએ, બૈ!” પત્નીને હારી બેઠેલો વીરસુત પોતાની ભોજાઈનો આ છૂપો ભય થોડેક અંશે તો પારખી શક્યો હતો. શરૂશરૂમાં કેટલાક દિવસ એ પોતાના સંસારના આ સત્યાનાશ ઉપર ટટ્ટાર ને પડકાર કરતો રહ્યો. રેશમના સૂટ, ઊંચા ચામડાના બૂટ, જુદી જુદી જાતની હૅટ, ટોપી, સાફા વગેરે શોખની માત્રા ઊંચી ચડી. ને કંચન ગઈ તો તેના નામ પર ઝાડુ મારવાનો તૉર તેણે થોડા દિવસ બતાવ્યો ખરો. એનાં સ્નેહીજનો હતાં તેઓ, તેમ જ ભાસ્કરના વિરોધીઓ હતા તેઓ, એને ઘેર આવતાં-જતાં પણ રહ્યાં ને એ સર્વેને ભોજાઈના અથાક શ્રમને જોરે પોતે ચા, પૂરી ને ભજિયાં-મુરબ્બો ખવરાવતો પણ રહ્યો. પણ રફતે રફતે સ્નેહીજનોનો અવરજવર ઓછો થયો. કેમકે, એક તો, વીરસુત આખો સમય પોતાનો ને કંચનનો જ વિષય લઈ પીંજણ કરવા બેસતો; ને, બીજું, એ સૌને પૂછતો : ફરી લગ્નનું પાત્ર શોધી આપશો? વકીલ મિત્રોએ એને ચેતવ્યો : “તારું તો ‘સિવિલ મૅરેજ’ હતું. એક સ્ત્રી હયાત છે ત્યાં સુધી ફરી પરણાય જ નહીં. ‘મિસ્ટ્રેસ’ રાખવી હોય તો રાખી લે. પણ ચેતજે – પેલા લોકોના હાથમાં પુરાવો ન પડી જાય.” આ માહિતી કાંઈ નવી નહોતી, છતાં પોતે કોણ જાણે શાથી આત્મવિસ્મૃત થઈ ગયો હતો. એ વિસ્મૃતિ પર આ ખબર એક વજ્રપાત-શા નીવડ્યા, અને તે પછી તો એણે કંચનનું કોઈ અકસ્માતથી મૃત્યુ જ સતત વાંછ્યા કર્યું. ‘કંઈ પરવા નહીં!’ એ થોડીક કળ વળી ગયા પછી વિચારતો : ‘સ્વતંત્ર જીવનમાંથી ઊલટાનું વધુ સુખ મળી રહે.’ એવું સુખ મેળવવાના માર્ગો પોતાને મળતા રહે છે એવું પોતે માનતો હતો. મિત્રો પોતાની પત્નીઓ સાથે એની જોડે એને ખર્ચે સિનેમામાં આવતા થયા, ને ત્યાં મિત્ર-પત્નીઓ પતિની તેમ જ પતિના આ મિત્રની વચ્ચે બેસતી થઈ. થોડા દિવસોમાં જ આ વાતની જાહેર વગોવણી ચાલુ થઈ, એટલે મિત્રો ને મિત્ર-પત્નીઓ એને આવો સમાગમલાભ આપતાં અટકી પડ્યાં. પ્રણય કરવાના પરાક્રમ માટે એ ઘણી વાર નીકળતો થયો. પણ એ પરાક્રમ માટે ખપતું જિગર એની પાસે કદી જ નહોતું સંઘરાયું. નફટાઈ એનામાં ન જ આવી શકી. છતાં પોતે નાહકનો એવા દેખાવો કરી સારા વર્ગમાં પણ અળખામણો બન્યો. નહીં પૂરા નફટ ને નહીં પૂરા સંયમી એવા પુરુષની જે દશા થાય છે તે વીરસુતની બની. બહારના જગતનાં આવાં બધાં જ સાહસોમાં એના હાથ હેઠા પડ્યા ત્યારે એ ઘેર આવીને વિચાર કરવા બેઠો : સ્ત્રી મળવી દુર્લભ છે. મિત્ર-પત્નીઓનાં મલકાતાં મોઢાં અને એ મોંઢાંમાંથી ટપકતી દિલસોજી મારી સ્ત્રી બાબતની ભૂખને ભુલાવવાને બદલે પ્રદીપ્ત કરે છે. ને હું જો વધુ અગ્રસર બનું તો એનાથી સૌ ભડકે છે. આટલા બધા પવિત્ર રહી ગયેલા જગત પર એને તિરસ્કાર છૂટ્યો. એક વાર મોટર લઈને સીમમાં ફરવા ગયેલો. ઘાસની ભારી લઈ શહેર તરફ વળતી મજૂર સ્ત્રીને એણે કહી જોયું કે, “બાઈ, બેસી જાઓ આ મોટરમાં, ને ભારી પણ અંદર ગોઠવી દ્યો; તમને શહેર સુધી પહોંચાડી દઉં.” “ના...રે, મારા ભાઈ! તું તારે મોટર ફેરવ્ય ને! ઠેકડી શીદ કર છ?” એમ કહેતી એ ભારાવાળી છોકરી પોતાની પાછળ ચાલ્યા આવતા મેલાદાટ મજૂરની રાહ જોઈ થંભી જતી; ને વીરસુત પાછળ ફરી ફરી જોઈ શકેલો કે બેઉ જણાં ગુલતાનમાં ચાલ્યાં આવતાં હતાં. છોકરી પોતાના ચીંથરેહાલ સાથીની અસભ્ય ચેષ્ટાઓમાંથી પણ રોનક ખેંચતી જંગલ ગજાવતી આવતી હતી. એકલવાયાપણાની અવધિ આવી રહી. વીરસુત ઘેર આવ્યો. ભાભી વાટ જોઈ ઉંબરમાં બેઠી બેઠી કામવાળી બાઈ સાથે વાતો કરતી હતી. એનો કંઠસ્વર દિયરની ગેરહાજરીમાં વણદબાયેલો ને લહેકાદાર રહેતો. વાતો કરતાં એ જાણે ધરાતી જ નહીં. કામવાળી બાઈ જોડે પણ એ અલકમલકની, અને ખાસ કરીને પોતાના સસરાની, વાતો હાંક્યે જતી. ભાભીનો સ્વર જાણે પહેલી જ વાર પોતે શ્રવણે ધર્યો એવું ધીમે ધીમે મોટર લઈ આવતા વીરસુતને લાગ્યું. એ સ્વર આટલો બધો કંઠભરપૂર અને નીરોગી હતો શું? ભાભીને અગાઉ કદી બોલતી કેમ સાંભળી નહોતી? ભાભી કોઈ વાર રસોડામાં બેઠી બેઠી પૂછતી : ‘ભાઈ, તમને મારી રસોઈ ભાવે તો છે ને, બાપા?’ ત્યારે એણે જવાબો વાળેલા કે, ‘બધું જ ભાવે; લાવો ને, બાપુ!’ આ જવાબો કઠોર હતા તેની વીરસુતને અત્યારે સાન આવી. ભદ્રાભાભીનો કંઠ પોતે કાન દઈને સાંભળ્યો નહીં. નહીંતર કંઈ નહીં તો એ કંઠસ્વરોનું ફરી ફરી શ્રવણપાન કરવા માટેય પોતે કાંઈક બોલ્યો હોત ને! જમવા બેઠો ત્યારે “ચાલો, ભાભી, આજ તો હું બહુ જ ભૂખ્યો છું. પીરસો તો!” એવા મીઠા કંઠે પોતે બોલ્યો. એને એકાએક ભાન થયું કે પોતે જેને શોધી રહેલ છે તે તો આંહીં ઘરમાં જ છે. વીરસુતનો ચડેલો ચહેરો તે સાંજથી ગોળ હસમુખો બની ગયો. જમતાં જમતાં એણે રસોઈનાં વખાણ કરવા માંડ્યાં. પોતાના ઓરડામાં ટેબલ પર ખાવાનું મગાવી લેનારો પ્રોફેસર રસોડાની સામે પરસાળમાં જ પાટલો ઢળાવતો થયો. ને ભાભી પોતાને જમતાં પહેલાં નાહી લેવાનું કહી જાય તેનો સ્વીકાર કરી લઈ પોતે બપોર પછી નહાવાની પોતાની આદત બદલાવી નાખી. “ભાઈ!” થોડા દિવસ પછી ભાભી એના ખંડ પાસે આવીને કપાળઢંક સાડી રાખી કહેવા લાગ્યાં : “તમારી ચાવીઓ મૂકતા જશો?” ચાવીઓ ભાભી શા માટે માગે છે તેનું કારણ તો પૂછવાનું રહ્યું જ નહોતું; એની માગણી જ મીઠા ઉપકાર સમાન હતી. એ દઈને ગયો. સાંજે આવીને વીરસુત જુએ છે તો એની તમામ ટ્રંકો બહાર તડકામાં ખુલ્લી તપતી હતી ને અંદર અવનવો ચકચકાટ મારતી હતી. વીરસુત ઓરડામાં આવીને જુએ તો પલંગ ઉપર એનાં કપડાંની થપ્પીઓ સરખી ગડ પાડીને ગોઠવાઈ હતી. ને બાજુના એક મેજ પર જે થપ્પી પડી હતી તેમાંનાં તમામ કપડાં કુથ્થો ખાધેલ, વાંદાએ બગાડેલ, જીવાતે ગંધવી મારેલાં હતાં. ટસરના ને ઊનના સુંદર સૂટનો ઓટલો વળી ગયો હતો. “કેમ, ભાભી! આ બધું શું?” એમ બોલતો પોતે બાજુના ખંડમાં ધસી ગયો. ભદ્રા બેઠી બેઠી એનાં ફાટેલાં ધોતિયાંને બારીક સાંધા કરતી હતી ને ઊન-ટસરનાં કપડાંમાં પડી ગયેલ કાણાંને તૂની લઈ દુરસ્ત કરતી હતી. દિયર આવતાં જ એણે પોતાનો પહોળો પાથરેલો ખોળો સંકોડી લીધો ને મોંમાં ઝાલેલી સોય હાથમાં લઈ લીધી. “કંઈ નહીં, ભૈ!” એણે ઊભાં થઈ જઈને એક બાજુએ સંકોડાઈ રહી કહ્યું : “ઘણા દા’ડાથી કપડાંની ફેરવણી થવી રહી ગઈ હશે તે – એ તો કશું નહીં. હાથે સરખાં થાય એવાં તો મેં સાંધવા લીધાં છે, પણ બાકીનાં જે મેજ પર મેલેલ છે તે સાંધવા કોઈક દરજીને બોલાવશો ને, તો હું એને સમજ પાડી દઈશ કે કેમ સાંધવાં.” “દરજીનેય તમારે સમજાવવો પડશે?” વીરસુતે હાંસી કરી. “સે’જ અમસ્તું, ભૈ! એ તો મૂઆઓ ખોટા રંગનાં થીગડાં મારી વાળે ખરા ને? એટલે હું આમાંથી જ સાવ નકામાં બનેલાં લૂગડાંનું કાપડ, ભળતા રંગનું, ગોતીને કાઢી દઈશ.” એમ બોલતી બોલતી ભદ્રા બે હાથની આંગળીઓ વચ્ચે ચમકતી નાની સોયને રમાડતી ઊભી રહી. થીગડાંની પણ રંગમિલાવટ હોય છે એ આ રાસાયણિક દ્રવ્યોની રંગમિલાવટમાં પારવધા પ્રોફેસરે પહેલી જ વાર સાંભળ્યું. “ઠીક, દરજી બોલાવી આપીશ. તમને ઠીક પડે તેમ કરજો.” “આંહીં બેસીને જ કોઈ કરી આપે તો વધુ સારું.” ભદ્રાએ જરાક દેરની સામે જોતે કહ્યું. “આંહીં ક્યાં?” “આપણો સંચો છે ને!” એક નવો-નકોર અણવાપર્યો સંચો, જે કંચને એક દિવસ બજારમાં ઊભાં ઊભાં તાતી ઘડીએ, કલહ કરીને, ખરીદાવેલો તે દીવાનખાનાના ખૂણામાં ગોઠવેલો ભદ્રાએ બતાવ્યો. આજ સુધી એ સંચો કોઠારમાં બીજા બધા ઓશિંજાળાની સાથે પડ્યો હોઈ વીરસુતે કદી જોયેલો પણ નહીં. અત્યારે એ ઠેકાણાસર ગોઠવાયેલો, ઘસીને લૂછેલો, હસું હસું કરતા જીવતા કુટુંબીજન જેવો લાગતો હતો. સંચા પાસે જઈ જીવતા જાનવરને પંપાળે તેમ પંપાળતા પંપાળતા વીરસુતે પૂછ્યું : “તમને નથી આવડતું સંચે સીવતાં?” “ના, ભૈ! ક્યાંથી આવડે, બાપા? આપણા ઘરમાં તો ...” એ સહેજ હસીને બાકીનું વાક્ય હૈયે ઉતારી ગઈ. એને કહેવું તો એટલું જ હતું કે, આપણા ઘરમાં તમારા જેવા આ રેશમી અને ગરમાઉ સૂટ કોણ પહેરતું હતું તે સંચાની જરૂર પડે? અથવા કદાચ એને એમ પણ કહેવું હશે કે, અમારાં જેવાં અભણ ગામડિયાં બૈરાં સંચા ચલાવવા જેવાં સુધરેલાં દેખાવા લાગે તો આજુબાજુનાં બૈરાં મશ્કરી જ કરે ને! ત્યાં ઊભે ઊભે વીરસુતની દૃષ્ટિ આ ઓરડાની બાજુના બીજા ઓરડામાં પડી, ને એને કશીક સુપરિચિત સુગંધ પણ આવી. “આંહીં આ શું ટાંગ્યું છે બધું?” એમ બોલતો ત્યાં જઈને જુએ છે તો ત્રણ મોટા કબાટો ખુલ્લા મૂકેલા છે, ને તેની અંદર ટરપેન્ટાઇન ચોપડેલું છે. ઓરડાની અંદર લાંબી ને પહોળી વળગણીઓ બાંધેલી છે તે રંગબેરંગી કપડાંને ભારે લચી પડી છે. એ જાણે કપડાંની હારો નહોતી પણ ફૂલોનો બાગ હતો! સાડીઓ, પોલકાં, ચણિયા, ગરાસણી-વેશના ઘેરદાર પોશાક, રબારણ-વેશનાં આભલેજડ્યાં વસ્ત્રો, સાવ સફેદથી માંડી છેલ્લામાં છેલ્લી ફૅશનની રંગીન સાડીઓ, ચોટલાનાં પારંપાર ફૂમતાં, રિબનના ઢગલા ..... જોનારનું કલેજું હાલી જાય તેટલી એ પોશાકી રિયાસત કોની હતી? કંચનની. ક્યારે આ બધું ખરીદ કરેલું? પ્રત્યેક ખરીદી વખતે વીરસુત સાથે હતો છતાં એ અત્યારે આભો બન્યો. એની આંખે જાણે ચક્કર આવ્યાં. ને એ વળગણીઓમાંની એક વળગણી ઉંદરે અને જીવાતે ચૂંથી નાખેલાં ઘણાં કીમતી અને ઊભાં ઊભાં ખરીદેલાં વસ્ત્રોની હતી. પોતે ટગરટગર જોઈ રહ્યો. આ વસ્ત્રોની પહેરનારી ચાલી ગઈ હતી– પારકી થઈ હતી. ઘરમાં રહી ત્યાં સુધી પણ આ વસ્ત્રો પર એને પોતાપણું નહોતું. એ જેમ આવે તેમ પહેરતી, પહેરીપહેરીને ફગાવતી, ડૂચા વાળીને કબાટોમાં ભરતી. કામવાળી બાઈ ન સંકેલી આપે ત્યાં સુધી દિવસોના દિવસો મહામોલાં લૂગડાં જ્યાંત્યાં રઝળતાં : નાહવાની ઓરડીની ખીંટીઓ, દીવાનખાનાની ખુરસીઓ – અરે, એકેય ખંડની ખીંટીઓ આ સ્ત્રીનાં રઝળતાં વસ્ત્રોથી મુક્ત નહોતી. જોતાં જોતાં આંખોનો બોજ બેહદ વધ્યો. એ બોજ આંખોએ હૈયા ઉપર લાદ્યો, ને હૈયાએ કંઠમાંથી ‘આહ!’ શબ્દે એ બોજો બહાર ફગાવ્યો. ‘આહ!’ બોલી પોતે બહાર નીકળ્યો ત્યારે ભદ્રા પરસાળ સુધી આગળ ચાલી ગઈ હતી. જાણીબૂજીને જ ભદ્રાએ એ કબાટોનાં વસ્ત્રાભરણો વિશે કશું પૂછ્યું નહીં. સાંધવા-તૂનવાની વાત પણ ઉચ્ચારી નહીં. સમજતી હતી પોતે – કબાટો જ્યારે ખાલી કરતી હતી ત્યારે પ્રત્યેક કપડું વાતો કરી રહ્યું હતું એને – આ રંગભભકોના અંતસ્તલમાં વહેતી છેલ્લાં બે વર્ષોના લોહીઉકાળાની નદીઓની વાતો; રસિકતાનાં ઉપલાં પડો નીચે પડેલી શુષ્કતાની વાતો; ‘આ સાડી પહેરવી નથી ને તે પહેરવી છે’ એવા નાના વાંધાઓ ઉપર મોટા કજિયા મચ્યા હતા તેની વાતો; અમુક ડિઝાઇન તો મદુરાથી પણ વળતી ટપાલે મગાવી આપવાની વાતો; અમુક સાડી તો મુંબઈથી આવ્યે આઠ જ દિવસ થઈ ગયા પછી ફૅશન બહાર ચાલી ગયાની વાતો; અરધી અરધી ને કોઈ કોઈ તો આખી રાતો પર્યંત વરસતાં રહેલાં આંસુડે ભીંજાયેલી સાડીઓની વાતો ... કલેજાંફાટ વાતો! પોતાના ખંડમાં જઈને વીરસુતે એક વાર તો દેહનો સોફા ઉપર ઢગલો કરી દીધો. એક અકથ્ય નિષ્ફળતા – ખરચાય તેટલા પૈસા ખરચીને છેલ્લાં બે વર્ષોના દાંપત્યમાં ‘કસુંબી’ પૂરવાના, અને ઊઠે તેટલી ઇચ્છાઓને સંતોષવાના, પ્રયત્નોની એક અકથ્ય નિષ્ફળતા – તેની રગેરગના તારોને ખેંચી રહી. બે વર્ષથી ઘરમાં બેઠેલી સ્ત્રીને ઘર પોતાનું લાગ્યું જ નહીં! ને આ હડધૂત, અપમાનિત, ભયધ્રૂજતી વિધવા ગામડિયણને આ ઘરની એકેય સાડી પહેરવી નથી, આ પોશાક પહેરનાર પુરુષને નિહાળી એકેય રોમાંચ અનુભવવો નથી, છતાં એ કોણ જાણે કયા મમત્વભાવે સાફસૂફી કરવા બેઠી હશે! ઊઠીને એ બહાર આવ્યો : “ભાભી!” એણે ભારી કોઈ પ્રયોજનપૂર્વક તડામાર વાક્ય ઉચ્ચારી નાખ્યું : “તમે એમાંથી શા માટે સાડીઓ ન પહેરો! પહેરો તમેતમારે.” “ના ભૈ! હું શું પે’રું, ભૈ!” એમ બોલીને ભદ્રાએ જે હાસ્ય કર્યું તે હવામાં ઊડતા આકોલિયાના રૂના તાંતણા જેવું હળવું હતું. “કેમ? શો વાંધો? તમને રંગીન ન ફાવે તો સફેદ પહેરો.” આટલાં વર્ષોનો કડકો ને ખિજાળ દિયર પોતાની નાસી ગયેલી પત્નીનાં હીરચીર મને મૂઈ કાળમુખી રાંડીને પહેરવા કહે છે! કેવી વિસ્મે વાત! બાપડાને વે’વારની ગતાગમ નથી, પણ ભોજાઈની દયા આવે છે. હવે વાંધો નહીં – હવે તો સસરાનું આંખમાથું દુખે તોય શી ફિકર છે! ઘરના મોભીની દૃષ્ટિ અમિયલ બન્યા પછી હવે વાંધો નહીં. ભદ્રાનું દિલ આવા ભાવે ભીંજાયું. એણે જવાબ વાળ્યો કે, “ભાઈ! મારે તો માદરપાટની આ બે સાડીઓ પોગે છે. નહીં હોય ત્યારે પે’રીશ, ભાઈ! એમાં શું! એક તમને ભોળો શંભુ હીમખીમ રાખે એટલે હાંઉં –લૂગડાં જ છે ને, ભૈ!” ને પછી ઇશારારૂપે સહેજ ઉમેર્યું : “કાંઈ વલોપાત ના કરશો, ભૈ! એ...ઈને સદૈવ આણંદ-ઉછાહમાં રહીએ, ને સૌનું ભોળાદેવ જ્યાં હોય ત્યાં કલ્યાણ કરો એવું માગીએ, હોં ભૈ! સૌની વાંછા ફળો, ભૈ! બાકી સંસાર તો તરવો દોયલો જ છે, ભૈ!” સંધ્યા થઈ ગઈ, ટ્રંકો ઘરમાં ગોઠવાઈ ગઈ. તેની અંદર કપડાં પણ અકબંધ ગડી પાડીને ભદ્રાએ ગોઠવ્યાં. જે કોટ-પાટલૂનના પોશાકની રચનાને પોતે જાણતી નહોતી તેનો પણ સાદી અક્કલ પ્રમાણે ઉકેલ કરીને ભદ્રાએ સૂટ ગોઠવ્યા. એ ગોઠવણીમાં દોષ નહોતો. વળતા દિવસે વીરસુતની ગેરહાજરીમાં એણે પ્રત્યેક ટ્રંક અને બૅગ ઉપર ગુંદર વતી ચિઠ્ઠીઓ ચોડી, જેના ઉપર પોતાને આવડ્યા તેવા અક્ષરે ‘ગરમ પોશાક’, ‘સુતરાઉ’, ‘રેશમી’, ‘અંગરેચી પોશાક’, ‘દેશી પોશાક’ એવાં લેબલ લગાવ્યાં. બપોરે વીરસુતે આવીને એ દીઠું, ને એની દૃષ્ટિ ભાભીના હસ્તાક્ષર પર ઠરી. અક્ષરો બાયડીશાહી હોવા છતાં તેની જોડણી જરીકે ખંડિત નહોતી. “ઓહો, ભાભી! આ તો ઠીક કર્યું!” એ પાટલૂનના સસ્પેન્ડરને ખભેથી ઉતારતો ઉતારતો બીજા ઓરડામાં દોડતો જઈને અભિનંદી ઊઠ્યો : “પણ આ તમને સૂઊ્યું શાથી?” ભદ્રા મોં મલકાવીને શરમિંદી બની નીચે જોઈ ગઈ; જવાબ ન વાળ્યો. વીરસુતે ફરી પૂછ્યું : “ત્યાં બાપુજીને આવું કરી આપો છો?” “એટલી બધી ટ્રંકો ને લૂગડાં ત્યાં ક્યાં છે, ભૈ!” ભદ્રાએ જવાબ દીધો – પણ ઊંચે જોયા વિના. “ત્યારે?” “અનાજના ડબાને અને અથાણાં-મરચાંની બરણીઓને …” એટલા જ જવાબથી એણે સસરા-ઘરના કોઠારમાં રહેતી સુવ્યવસ્થાનો ખ્યાલ આપ્યો. વીરસુત તરત પોતાના કોઠારમાં ગયો. જુએ તો પ્રત્યેક ડબાડૂબી પર લેબલ હતાં