તુલસી-ક્યારો/૨૭. ‘ચાલો અમદાવાદ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૭. ‘ચાલો અમદાવાદ’

આજે આંહીં સ્ત્રી-જાગૃતિની શાખા ખોલી છે, કાલે ત્યાં સભા રાખી છે, વગેરે વગેરે પ્રકારના સંદેશા છોડતું ભાસ્કરભાઈ અને કંચનબહેનનું જોડલું દૂરદૂરનાં શહેરોમાં ઘૂમી રહ્યું હતું. અને કંચન ઉપર ભાસ્કરે પોતાની સત્તા એટલી બધી જમાવી દીધી હતી કે કંચનની ટપાલ પણ પહેલી ફોડીને વાંચ્યા પછી જ ભાસ્કર આપતો. શરૂશરૂમાં થોડો વખત વાંધો લેતી કંચનને એણે ખુલાસો કરેલો કે, “તું ન સમજ, બાપા, ન સમજ એમાં! તારા ઉપર કૈંક માણસો દુષ્ટ કાગળો લખે, લોહી તપાવનારા કાગળો લખે; તે બધા જો તને આપું તો તો તું ઉશ્કેરાઈને અડધી જ થઈ જા ને!” “પણ આવું બંધન તો વીરસુતે પણ નહીં રાખેલું.” એક વાર પોતાનો કાગળ ટપાલમાં નાખવા દેતી વખતે જ્યારે ભાસ્કરે વાંચવા માટે ખોલ્યો ત્યારે કંચને લગભગ રડું રડું થઈને કહેલું. “હવે એ બેવકૂફના વખતની વાત શીદ કરતી હઈશ? મને મારી રીતે તારું શ્રેય કરવા દે ને, બાઈ!” એ જવાબ ભાસ્કર તરફથી મળ્યા પછી કંચન વધુ ને વધુ બીતી ને ક્યારે, કયા પ્રકારે ભાસ્કરથી છૂટીને અન્ય સ્નેહીઓનાં ઘર ભેગી થઈ શકાય તેના વિચારો કરતી. પણ ભાસ્કરની ઉઘાડી દુશ્મનાવટ કરવાનું સલામત નહોતું. ભાસ્કર એની ખુશામત કરે અને એ ભાસ્કરની કરે – એમ પરસ્પર ખુશામતને હલેસે હલેસે જ બેઉની નાવ ઠેલાયે જતી હતી. હવે કોઈ કોઈ વાર કંચનની કલ્પનામાં અણધારી એક તુલના, એક સરખામણી, ઊભી થઈ જતી : ‘હું જ્યાં હતી ત્યાં જેટલી દુ:ખી હતી તેથી હવે ઓછી દુ:ખી છું કે વધારે? વીરસુતે અમુક વખતે અમુક પૂરતી સગવડ મને આપી હોત તો શું આટલું બધું પરિવર્તન કરવું પડ્યું હોત? વીરસુતે મને શાંતિપૂર્વક અમુક પ્રસંગમાં સમજાવી લીધી હોત તો શું મારું મન કૂણું ન રહ્યું હોત? ‘ના રે ના; વીરસુત સાથેનો સંસાર તો કદાપિ ન ચાલી શક્યો હોત. મેં કર્યું છે તે તો કર્યા વિના છૂટકો જ નહોતો ત્યારે જ કર્યું. ને હું હવે મુક્ત જ છું. એ તો હું ભાસ્કરભાઈને મારી સ્વેચ્છાથી મારા પર આ સ્નેહાધિકાર આપી રહી છું. નહીંતર એ મને ક્યાં મારી નાખે તેમ છે! એને તો હું એક સપાટે ઉઘાડા પાડી દઈ પછાડી શકું. હું તો સ્વાધીન છું.’ મનને આવા હાકોટા મારીમારીને કંચન પોતાના જીવન-પરિવર્તનનો બચાવ કર્યે જતી. અને ‘આ બધું પોકળ સાંત્વન શીદ લઈ રહી છે? તું તો હતી તેથી સવાઈ ગુલામ છે!’ એવી કોઈ આતમવાણી અવાજ ધરીને ઉપર આવે તે પૂર્વે જ કંચન, નાનું બાળક બીજાની સ્લેટના લીટા ભૂંસી નાખે તેમ, ભેજામાંથી એ વાણી ભૂંસવા મથતી. એક દિવસ ટપાલ આવી તેમાંનો એક કાગળ વાંચીને મોં મલકાવતાં ભાસ્કરે એ કાગળ કંચન તરફ ફેંક્યો : “લે, લેતી જા! તારું સામ્રાજ્ય તો બીજાંઓએ સર કરી લીધું! તું રહી ગઈ! દોડ દોડ, જલદી દોડ!” પણ ભાસ્કરની વિનોદધારા એ કાગળ વાંચતી કંચનના મોં પર મસળાતા લોહીના લેપને ન ધોઈ શકી. કાગળ એણે ફરી વાંચ્યો. ઘડીક મોં પર લોહી ધસી આવ્યાં તો, ઘડી પછી પાછું, હતું તે લોહી પણ ઓટનાં પાણી પેઠે પાછું વળી જઈને એના ગાલની વિસ્તીર્ણ રેતાળ ભૂમિને ઉઘાડી કરવા લાગ્યું. જે કાગળ કંચન વાંચતી હતી તે અમદાવાદથી આવેલો હતો; એ એક સખીનો હતો. તેમાં લખ્યું હતું કે – વીરસુત કંટાળીને નોકરી છોડી નાસી જશે અથવા તને શોધતો આવશે એવી આપણી ધારણા ખોટી પડી છે. તારા ઘરની પાસે ફરવા જતાં અમે ત્યાં બે ડોસાઓને બેઠા બેઠા ચોગાનમાં તડાકા મારતા જોઈએ છીએ. એક મોટી ઉંમરનો છોકરો એક નાની છોકરીને રમાડ્યા કરે છે. ને બે તો જુવાન બૈરાંઓ ત્યાં નજરે પડે છે. એમને બેઉને સાથે લઈને વીરસુતને કાંકરિયા તળાવે મોટરમાં આવેલો પણ અમે જોયો હતો. અમને લાગલી જ શંકા ગયેલી કે આ બેમાંથી એકે જે સાડી પહેરેલી તે તારી જ હશે. પછી તો અમે તારા ઘરની ચાકરડીને બોલાવીને ખાનગીમાં બધું પૂછી જોતાં જાણી શક્યાં છીએ કે તારાં કબાટો ને ટ્રંકો, તારી બૅગો અને પેટીઓ ખોલી ખોલી બધાં કપડાં ઉપાડી જવામાં આવ્યાં છે. વીરસુત પણ કૉલેજના કામકાજમાં ખૂબ ચિત્ત પરોવીને કામ કરે છે, તેથી સૌને કશુંક અનિષ્ટ થયું હોવાની શંકા પડી છે. એના વર્ગના છોકરાઓ પણ વાતો કરે છે કે, વિજ્ઞાનનો પ્રોફેસર વનસ્પતિશાસ્ત્ર વિશે શીખવતો શીખવતો વૃક્ષોના કુટુંબ-જીવનની સાથે માનવીનાં કુટુંબ-જીવનની ઝીણી ઝીણી સરખામણી કરવા માંડે છે. આટલો મોટો આનંદ એ ક્યાંથી મેળવે છે? તારા પરના જુલમોની વાત ઉચ્ચારતાં જ એ ખિજાઈ સળગી ઊઠતો, તેને બદલે હવે કેમ પરવા કર્યા વગર સાંભળી લે છે? કોઈ કહે છે કે એનાં એક વિધવા ભાભી તારા ગયા પછી એના ઘરમાં એકલાં રહ્યાં હતાં. તેની સાથે વીરસુતનો સંબંધ સારો બોલાતો નથી. આ તો સહેજ જ લખ્યું છે. તારે ને આ વાતને શો સંબંધ છે! આનંદ કરજે – ને જ્યાં જાય ત્યાં ક્રાંતિ કરજે! કાગળ વાંચી રહ્યા પછી મોંની કરચલીઓનો તંગ ઢીલો કરીને એણે ભાસ્કર પ્રત્યે કાગળ સામો ફગાવ્યો. ભાસ્કરે ટોળ કર્યું : “કાં...આં! લેતી જા!” “મારે એમાં શું લેતાં જવાનું બળ્યું છે? મારે એ સાથે શો સંબંધ છે?” એટલું બોલીને એ પાછી પેનસિલ લઈ પોતાનો નવો કાર્યક્રમ કાગળ ઉપર ગોઠવવા લાગી. ને ભાસ્કર પોતાની ટપાલ પર નજર ફેરવતો ફેરવતો સહેજ આટલું બોલી ગયો : “– ને એને એની ભોજાઈ મળી ગઈ તોય શું ખોટું છે? આ જગતનો મોટામાં મોટો પ્રશ્ન જ એકબીજાં માણસોએ ગોઠવાઈ જવાનો છે. જેઓ સરખાં ગોઠવાઈ શકતાં નથી તેઓ જ સમાજ-જીવનને કાયમને માટે સંક્ષુબ્ધ કર્યા કરે છે.” એ બોલતો હતો ત્યારે કંચન એની સામે તાકી રહી હતી. પણ ભાસ્કરે તો કાગળ-વાચનમાંથી માથું ઊંચું કર્યા વગર જ એ ડહાપણની વાતો ચલાવ્યે રાખી. “સારું થયું. હું તો આ વાંચીને રાજી થયો. વીરસુત જો ઠેકાણે પડી ગયો હશે તો તારો પીછો – તારા નામની ચૂંથાચૂંથ – છોડી દેશે. આપણે હળવાંફૂલ બની જશું. તારા પર હજુ પણ એનો જે માલિકીભાવ રહ્યો છે તે ટળી જશે.” “એક માલિકના હાથમાંથી છૂટીને ...” એટલા બોલ કંચનથી બોલી જવાયા. પણ એ વાક્ય ભાસ્કરે કાં સાંભળ્યું નહીં ને કાં સુણ્યું-અણસુણ્યું કર્યું. બાકીની ટપાલ એણે વાંચી. જવાબો લખ્યા. વાંચી લીધેલા કાગળોના, પોતે જાણે કશુંક રચનાત્મક કાર્ય કરી રહ્યો હોય તેટલી ઠાવકાઈ, સુઘડતા, સફાઈથી, સરખા ટુકડા ફાડ્યા. એ ફાડેલા કાગળોની ગુલાબી, વાદળી તેમ જ સફેદ રંગની ઝીણી ઝીણી કચુંબરનો ઢગલો પોતે એકાગ્ર દૃષ્ટે જોઈ રહ્યો. અને તે દિવસે જેમની સાથે વાતચીતો કરવાનો પ્રસંગ આવ્યો તે બધાંને એણે, જાણ્યે કે અજાણ્યે, બીજી ભિન્ન ભિન્ન વાતોમાંથી એક જ વાત પર લીધાં કે, ‘ભાઈ, જીવનમાં મોટામાં મોટો પ્રશ્ન ગોઠવાઈ જવાનો છે; ને જીવનનું કોઈ રૌરવ નરક હોય તો તે ગોઠવાઈ ગયા હોવાની ભ્રાંતિમાં પડ્યે પડ્યે વણગોઠવાયેલ દશાની બેહાલી ભોગવ્યે જવામાં છે.’ એકલાં પડ્યાં પછી ભાસ્કરને કંચને કહ્યું : “તમે કેમ મને દરેક માણસ સાથેની વાતોમાં એ-ના એ જ ટોણા માર્યા કરો છો? મારે એ બાબત સાથે શો સંબંધ છે? મારે ને એ બંગલાને શું ...” “મેં ક્યારે ટોણા માર્યા? ને તું પણ કેમ વારંવાર એ-નું એ પોપટ-વાક્ય પઢ્યા કરે છે?” “હું ક્યારે પઢી? મારો એવો કયો સંબંધ …?” “જો, જો, બોલી કે નહીં?” કંચનને તે વખતે તો બહુ ચીડ ચડી; પણ પછી પોતાને ઊંઘ નહોતી આવતી ત્યારે પહેલું ભાન એ થયું કે પોતે જે સંબંધમાંથી મુક્તિ મળી ગઈ માને છે તે સંબંધ જાણે કે એના પગમાં વેલો બનીને અટવાતો થયો હતો. રાતે એની આંખો મળી ત્યારે એને એવું સ્વપ્ન આવ્યું કે પોતે પોતાની જેઠાણી ભદ્રાનું ખૂન કરીને ભાગી રહી છે ને પાછળ એ આખો બંગલો પોતાના બે હાથ લાંબા કરી, હાથમાં ફાંસીનો ગાળિયો લઈ એની પાછળ દોડી રહ્યો છે. “આપણે અમદાવાદમાં બેસીને જ કેમ કામ ન કરીએ?” કંચને વળતા દિવસથી વાદ લીધો : “ત્યાં કામ કરવાની અનુકૂળતાઓ કેટલી છે! ત્યાં રહીએ તો કોઈ કશી નબળીસબળી વાતો ન કરી શકે. ત્યાં રહીએ તો, ભાસ્કરભાઈ, તમે પણ મને એકને જ સંભાળવાને બદલે બીજાં અનેક કામો સંભાળી શકો.” “તારી તો વાત જ નાદાનીભરી છે!” ભાસ્કરે કંચનને એક ઝાટકે ખતમ કરવા ઇચ્છ્યું. “પોતાના ગામમાં તું તારી છાતી પર આ આખી કર્મ-કથાનો ભાર લઈ શું કામ કરવાની હતી? એ ને એ જ બાબતો, એ જ બંગલો, એ જ બધાં ...” “એ બધાં સાથે મારે કશો સંબંધ નથી.” કંચને ઝટ ઝટ કહી દીધું. “ત્યારે આપણે આંહીં બહારગામ શું દુ:ખ છે? દુ:ખ હતું – વીરસુત તરફથી માસિક રૂપિયા અનિયમિત મળતા હોવાનું – તે પણ હવે તો ટળ્યું છે. છેલ્લા ત્રણ માસથી તો દર મહિનાની બરાબર દસમીએ મની ઑર્ડર આવીને પડે છે.” “એ વાત સાથે –” “એ વાત સાથે આપણે પૂરેપૂરો સંબંધ છે. તેના પૈસા મળે એવું કોર્ટ મારફત તને કરાવી દીધું તો જ આ મુસાફરીઓ થાય છે ને આ સાડીઓ પહેરાય છે!” કંચન સામો જવાબ ન વાળી શકી કે, ‘તારાં મુસાફરી-ખરચો પણ તેમાંથી જ ઊપડે છે.’ પણ કંચનને પહેલી જ વાર આટલું ભાન થયું કે વીરસુતનાં મની ઑર્ડરોની અનિયમિતતા એકાએક મટી જવાનું કશુંક કારણ અમદાવાદના એ બંગલામાં બન્યું હોવું જોઈએ. તે સાથે બીજું પણ એક ભાન ઊઘડતું હતું કે પોતાની આજીવિકા પોતે હજુ રળી લેતી થઈ નથી. ત્રીજું ભાન એ થયું કે પોતાનો રક્ષણહાર ભાસ્કર પણ પરોપજીવી જીવડો જ બનીને પડ્યો છે. “ચાલો, આપણે એક વાર અમદાવાદ જઈ આવીએ.” કંચને વારંવાર વાત મૂકવા માંડી, ને દરેક વખતે ભાસ્કર ‘તું નાદાની કાં કરે છે!’ એ જ બોલ બોલવા લાગ્યો. એક વાર તો એણે કહ્યું : “તારા કાકા પાસે આંટો જઈ આવ, જા; હું આડો નહીં પડું.” કાકા પાસે જવાની જે ઝંખના આટલા મહિના સુધી રોજ રોજ ભાસ્કરના શબ્દના ચાંભા (ડામ) ખાઈખાઈને લોહીલોહાણ પડી હતી, એ ઝંખનાને આજે, ભાસ્કરની રજા મળવાની સાથે જ, અવસાન મળ્યું : હવે આફ્રિકા નથી જવું; હવે તો જવું છે અમદાવાદ. ‘ચાલો અમદાવાદ!’ની આ મોંપાટ ભાસ્કરને અસહ્ય થઈ પડી. ‘ચાલો અમદાવાદ!’નો નાદ શા કારણે ઊપડ્યો હતો તે એને સમજાયું. ભાસ્કરને પોતાની ભૂલ માલૂમ પડી. કંચનની ટપાલ ઉપર ચોકી રાખનાર ભાસ્કરે એક ગફલતનું ગડથોલું ખાધું. એણે કંચનને જે કાગળ નહોતો દેવો જોઈતો તે વાંચવા દીધો. કંચનને અમદાવાદ જવાની ધૂન પોતાનાં કપડાંલતાં ને દરદાગીના હાથ કરવાની છે એટલું જ પોતે સમજી શક્યો. પોતાને શિરે જ એ કામનો બોજો આવી પડ્યો. કંચન નહોતી સ્પષ્ટ કરતી છતાં સ્વયં-સ્પષ્ટ એ બાબત હતી. અમદાવાદ જતી ટ્રેનમાં બેઠાં બેઠાં એણે કંચનને કહ્યું : “તું ભલે ને છુપાવે, પણ તારો જીવ એ ટ્રંકો-કબાટો પર ગયો છે. પણ જોઈ લેજે – ભાસ્કર એ તારાં લૂગડાં ને ઘરેણાં તને જોતજોતામાં અપાવે છે કે નહીં! માત્ર હું કહું તેમ કરતી આવજે. મારી બાજી બગાડતી નહીં, બાપુ!” કશો જવાબ વાળ્યા વગર ઊઠીને કંચન કમ્પાર્ટમેન્ટની બંધ બારીઓ ઉઘાડવા લાગી. એના શરીરમાં સ્પષ્ટ અકળામણ હતી. “પણ આ તો શિયાળાનો પવન સૂસવે છે; તું બારી ઉઘાડે છે શા માટે?” ભાસ્કરે પોતાના મોં આડા હાથ દઈ પવનને રોકતાં ચીડ બતાવી. “મને ગરમી થાય છે.” રેલવેનાં બીજાં મુસાફરો આ ઊતરતા પોષ મહિનાની ટાઢમાં ગરમી અનુભવતી સ્ત્રીને કૌતુકભેર જોઈ રહ્યાં. કંચન બારી ઉપર જ ઊભી થઈ રહી. કમભાગ્યે ઘઉંના લીલા મોલ મોટા થઈ ગયા હતા, ને તેના ક્યારામાં જબ્બર સારસ-પંખીઓની જોડીઓ ફરતી ફરતી ચણતી હતી. કંચનની એ વખતની મનોદશાને માટે આ દૃશ્યો અનુકૂળ નહોતાં. “મને તો આશ્ચર્ય થાય છે, કંચન,” ભાસ્કર ધીમે અવાજે કહેવા લાગ્યો : “કે તારો જીવ એ જૂના સંસારની સાડીઓમાં ને દરદાગીનામાં કેમ પરોવાઈ રહ્યો છે! હજુ તો કાલે જ તું સ્ત્રીઓમાં ભાષણ કરતી હતી કે, સ્ત્રીજાતિની ગુલામબુદ્ધિનું કારણ જ આ ઘરેણાં ને લૂગડાંની લાલસા છે.” ભાસ્કર કશો જવાબ ન મેળવી શક્યો. કંચન જેવી શિક્ષિતા ને પ્રાણવંત સ્ત્રી ઘરેણાં-લૂગડાંમાં મોહાઈ રહે એ એનું આશ્ચર્ય જૂઠું જ હતું, એ કંચનને ખબર હતી : શણગાર કરીને સાથે બેસતી કંચન ભાસ્કરને ગમતી હતી, ને ‘જુઓ, આ કેવું લાગે છે?’ એમ પોતે પૂછતી તે ભાસ્કરને બહુ ગમતું. નહોતું ગમતું ફક્ત ત્યારે જ કે જ્યારે કંચન શણગારો કરીને બીજા કોઈ લોકો જોડે ફરવા નીકળતી. ત્યારે ભાસ્કર બોલી ઊઠતો કે, ‘આ વધુ પડતા ઠાઠમાઠ લોકોની નજરમાં ખૂંચતા હશે, હો કંચન!’ પણ ભાસ્કરને ખબર હતી કે સભાઓમાં પોણા ભાગનાં લોકો કંચનની વેશભૂષણની છટા પર જ લટ્ટુ થઈને આવતાં હતાં એટલું જ નહીં, પણ કેટલાંય ગામોમાં તો કંચન જોડે પરિચિત થઈ જનારાં કુટુંબો કંચનને પોતાનાં ઘરેણાં-વસ્ત્રોથી શણગારવાનો શોખ કરતાં. સારાં શહેરોના ‘સ્ટૉલ’ પર જઈને વસ્તુઓ પસંદ કરી-કરાવી તેનાં બંડલો લઈ પગથિયાં ઊતરતી કંચન પોતાની જોડેના કોઈ ને કોઈ સાથીને કહી દેતી કે, ‘એને જરા પૈસા ચૂકવી દેજો ને, હું પછી આપી દઈશ.’ પછી કોની મગદૂર હતી કે આનાકાની કરી શકે! એથી ઊલટું, એ સાથી આવી તક મળવા બદલ પોતાને બડભાગી માની પૈસા ત્યાં ને ત્યાં ચૂકવી દેતો. થોડાક જ મહિનાના આવા જીવનનો કંચનને થાક લાગ્યો હતો તે સત્ય હતું. ભાસ્કરને એ સત્ય દેખાયું નહીં. ભાસ્કરનો માનેલો સાડીઓનો શોખ નહીં પણ બનાવટીપણાનો થાક જ પોતાને અમદાવાદ તરફ લઈ જતો હતો, એમ કંચન માનતી હતી. કંચન અને ભાસ્કર બેઉ જૂઠાં હતાં. કંચનના હૃદયમાં જે સળગી રહ્યો હતો તે તો વીરસુત પરનો રોષ હતો. વીરસુત ‘ગોઠવાઈ ગયો!’ એ શબ્દો ભાસ્કરના હતા. એ શબ્દો બોલી ભાસ્કરે કંચનના હૈયામાં ઈર્ષ્યાનો હુતાશન ચેતાવ્યો હતો : ‘વીરસુત ગોઠવાઈ ગયો! એ ગોઠવાઈ જ કેમ શકે? એ તો અસહ્ય છે! અક્ષમ્ય છે! મારા પ્રત્યે આચરેલા અન્યાયો ઉપરવટની આ તો કિન્નાખોરી છે! ચોરી માથે શિરજોરી છે! મને બાળી ખાખ કરવાની જ આ તો બાજી છે! એણે જે આચરણ કર્યું છે તેથી તો લજ્જિત બનીને જગતમાં મોં છુપાવી દેવા જેવું હતું. એને બદલે એણે તો આખા કુટુંબને મારી પીઠ પાછળ બંગલામાં વસાવી લઈ મને ઘા કર્યો છે’, વગેરે વગેરે. વીરસુત પર લાગેલી એની રોષ-ઝાળો આગળ ચાલીને ભદ્રા પર, ગાંડી યમુના પર, દેવુ પર, સસરા પર, મામા પર – અરે, નાની અનસુ સુધ્ધાં પર ફરી વળી : બધાં જ લુચ્ચાં! બધાં જ પહોંચેલાં! ચુપચાપ પેસી ગયાં! રાહ જોઈને જ બેઠાં હશે!