તુલસી-ક્યારો/૩૨. રૂપેરી પરદો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૨. રૂપેરી પરદો

ઑપરેશન પછી પહેલી વાર દેવુએ જ્યારે દવાખાનાના ઓરડામાં આંખો ઉઘાડી ત્યારે એના ઓશીકા પર ભદ્રાભાભુનું વાળ વગરનું માથું દેખાયું ને એના કપાળ પર ચૂડલી વગરના સ્વચ્છ, ભૂરી રુવાંટીવાળા ઘઉંવરણા હાથ ફરતા હતા તે દેખાયા. ઊંચકેલી પાંપણો નીચી કરીને એણે બાજુએ જોયું તો ભદ્રાના કરતાં વધુ શ્વેતવરણી દક્ષિણી નર્સ એક હાથે એના હાથની નાડ દબાવતી ને બીજા હાથે થરમૉમીટર મોંમાં મૂકતી ઊભી હતી. ઘણી લાંબી મજલ ખેંચીને પોતે અનંત વેરાનમાંથી જાણે સૃષ્ટિમાં પહોંચ્યો હતો. આ દવાખાનાની દુનિયા એણે કદી દીઠી નહોતી. દવાખાનામાં માનવીઓ રૂપે-રસે ને ગંધે-સ્પર્શે સામાન્ય જગતથી જુદાં પડતાં હતાં. માંદગી અને અશક્તિને બિછાને પડ્યાં પડ્યાં આટલા હસતા ચહેરા, આટલો બધો ઉજાસ, આટલી રસાયેલી સંધ્યા, ને આટલી ઊજળી, સમંદરનાં ફીણ-શી પથારી મળે છે એવો અનુભવ અગાઉ કદી માંદા ન પડેલા દેવુને પહેલી જ વાર થયો. પણ તેણે ફરીથી ચોમેર જોવા માંડ્યું. બારણા બહારથી પરસાળમાં પસાર થતી સ્ત્રીઓના ચહેરા શોધતો એ આંખો ખેંચવા લાગ્યો. “શું જોઈએ છે, દેવ? આ રહી હું તો!” ભદ્રાએ ઊઠીને એની બાજુએ બેસી કહ્યું. “ક્યાં... ક્યાં ગયાં?” દેવુનો દૂબળો સ્વર નીકળ્યો. “કોણ, હેં ભૈ?” પોતાના અંતરમાં જે નામ રમતું હતું તે લેવામાં કોઈ અપરાધ હતો? કે પછી પોતાને જે યાદ આવતું હતું તે કોઈ ભ્રમણાજન્ય માનવી હતું? તેની ખાતરી હજુ થતી ન હોય તેમ ભદ્રાના પ્રશ્નનો જવાબ દીધા વગર દેવુએ ચોમેર જોયે રાખ્યું ને પોતાના સુકાયેલા હોઠ જીભ વડે વારંવાર ભીંજાવ્યે રાખ્યા. રાત પડી. યાદ કરવા મથતો દેવુ માથાનો દુખાવો અનુભવતો અનુભવતો ઊંઘી ન શક્યો. રાતવાસો રહેવા આવેલા દાદા, ભદ્રાવહુ વહેલાં પ્રભાતે દવાખાને આવી પહોંચ્યાં એટલે, એને હવાલો સોંપીને ઘેર જવા નીકળ્યા. નીકળતે નીકળતે એણે ભદ્રાને ‘આ તરફ આવજો તો, બેટા!’ કહી બહાર બોલાવી, લાજ કાઢેલ વિધવા પુત્રવધૂ પ્રત્યે પોતાની અરધી પીઠ વાળીને કહ્યું : “હમણાં એને કશું પૂછતાં નહીં; કેમકે નહીં તો માથામાં લીધેલ ટેભા પર બોજો થશે.” “વારુ!” ભદ્રાએ કહ્યું. કોણ જાણે શાથી પણ એ વૉર્ડની તેમ જ અન્ય વૉર્ડોની નર્સ બાઈઓ આ દેવુના ખંડમાં અક્કેક આંટો દઈ જવા લાગી. જુવાન અને આધેડ ડૉક્ટરો પણ પોતાની ‘ડ્યૂટી’ હોય કે ન હોય તો પણ એ ખંડની અંદર જઈ આંટો મારી આવવાની ફરજ માનતા થઈ ગયા. એ સર્વને કૌતુક કરાવનાર પોતાનું વૈધવ્યવીંટ્યું રૂપ છે એવી ખબર ભદ્રાને જો પડી હોત તો એ કદાચ દવાખાને ફરી વાર આવવા ન ઇચ્છત. પણ ભદ્રાનું એ સુખ હતું. પોતાના રૂપમાં આટલાં બધાં માણસોને જોવા જેવું કાંઈ હોઈ શકે તેમ એ સ્વપ્ને પણ ખ્યાલ કરતી નહોતી. આવેલ દાક્તરો ને નર્સો – સૌ એને તો પોતપોતાની ફરજ બજાવતાં લાગતાં હતાં. દવાખાના સાથે તબીબી વિદ્યાલય પણ જોડાયેલું હતું ને તેમાંથી ટોળાબંધ મેડિકલ વિદ્યાર્થીઓ આંહીં ઘૂમતા હતા. આ દેવુના માથાના ફ્રૅક્ચરનો સાદો કિસ્સો કોણ જાણે કેમ પણ તેમને ‘એ વેરી ઇન્ટરેસ્ટિંગ (ઘણો જ રસિક) કેઈસ’ લાગી ગયો ને તેઓ આ ખંડમાં આવી આવી દેવુ કરતાં ભદ્રાનું વિશેષ નિરીક્ષણ કરીને ચાલ્યા ગયા. ત્યાં ઊભા ઊભા અને બહાર જતે જતે તેમાંના બે-ત્રણ જણાએ અંદર અંદર અંગ્રેજીમાં વાતો કરી. એ વાતો આ વિધવાને વિશે જ હતી. એ વાતોમાં ભદ્રાએ પ્રો. વીરસુતનું નામ સહાસ્ય લેવાતું સાંભળ્યું. વાતોનો મર્મ એટલો જ હતો કે પ્રોફેસર વીરસુતની સ્ત્રી ચાલી ગયા પછી એના હૃદયનું સ્નેહસ્થાન લેનાર જે એની વિધવા ભાભી છે તે પોતે જ આ! આ રહસ્ય-કથામાં વિદ્યાર્થીઓને રસ હતો તે સકારણ હતો. તેઓ કૉલેજમાં વીરસુતના હાથે રસાયણશાસ્ત્ર ભણીને હજુ તાજા જ આ ‘લાઇન’માં આવેલા હતા. પ્રો. વીરસુતની ભણાવવાની શૈલીમાં નવીન રસ તેમ જ ઊંડાણ નિપજાવનાર જે એક નારી વિશે તેમણે સાંભળ્યું હતું તે આ પોતે જ હતી! પણ એ નારીને પોતાને જ ખબર નહોતી કે પોતાની આટલી બધી મહત્તા આ હાડચામ ચૂંથનારા નિર્મમ દાક્તરી જગતમાં પણ અંકાઈ ગઈ છે! વીરસુત આવીને જોઈ ગયો. સાંજે ડોસાએ આવીને ભદ્રાને છૂટી કરી. ફરી પાછી ભદ્રાએ બપોરે આવી ડોસાને ઘેર મોકલ્યા. બપોર પછી મુલાકાતો શરૂ થઈ ત્યારે પાછો દેવુ બારણા બહાર ચાલી જતી માનવ-ધારા પર નજર ખેંચતો રહ્યો. ભદ્રા દેવુના આ મૂંગા તલસાટનું કશું કારણ સમજતી નહોતી તેથી દેવુને વારતી રહી. મુલાકાતનો સમય પૂરો થવા આવ્યો. ટોળાંનાં પૂર ઓસરતાં ગયાં. ભદ્રાને ધરાઈ ધરાઈને જોઈ ગયેલા દાક્તરો પણ ચાલ્યા ગયા. દીવા પેટાયા. દૂર કે નજીકના ખંડોમાંની કોઈ કોઈ રોગી-ચીસો દીવાલોમાંથી ગળાઈને આવતી હતી. ‘મેતરાણી’ ‘મેતરાણી’ની કોઈક કોઈક બૂમો પડતી હતી. ‘વૉર્ડ બૉય’ને બોલાવતી અથવા તો પરસ્પર સાદ કરતી નર્સોના, કોઈક મોટા વાજિંત્રમાંથી છૂટા પડી ગયેલા સૂર સમા, સ્વરો છૂટતા હતા. તેમજ તેમનાં બૂટ-ચંપલના ટપાકા લાંબી લાંબી પરસાળની ફરસબંધી પર વાણી કાઢતા કાઢતા ચાલ્યા જતા હતા. એ ટપાકા પૈકીના કેટલાક થાકેલા હતા. બીજા કેટલાક નવું કૌવત પુકારતા હતા. થાકેલા પગો દિવસભરની આકરી નોકરી પરથી ઊતરીને પોતપોતાની ઓરડીએ જતા હતા, ને જોરદાર ટપાકા કરતા પગો દિવસભરની નિવૃત્તિ પામ્યા હોવાનું સૂચવતા હતા. એ અસૂરી વેળાએ જે એકાકિની સ્ત્રીનું મોં આ બારણામાં દેખાયું તેને જોવા દેવુ જાગતો નહોતો; થાકીપાકીને સહેજ જંપી ગયેલો. ખંડનો દીવો ઓલવી નાખીને ભદ્રા પણ, સામી બારીએ ઊભી ઊભી, સામે ઝૂલતા આકાશ-ચંદરવા ઉપર એક પછી એક ટંકાતા તારાને નિહાળી રહી હતી. આકાશ પરથી ઊતરતી ઊતરતી એની આંખો દૂરનાં મકાનોની મેડીઓમાં થંભી રહી : કોઈ કોઈ ઓરડામાં વીજળી-દીવા ચેતાતા હતા, કોઈકમાં વળી બુઝાતા હતા. કોઈ કોઈ એકાએક અજવાળાતા ખંડોમાં પતિ-પત્નીનાં યુગલો પાસોપાસ ઊભેલાં નજરે પડતાં હતાં, તો કોઈ કોઈ ઠેકાણે એવાં મિલનોને વધુ ગાઢ બનવાનું હોઈ દીવા ઓલવાતા હતા. ક્યાંક પલંગોની સજાવટ થઈ હતી, ક્યાંક સંધ્યાના શણગાર ચાલુ હતા. કોઈ કોઈ નાની ઓરડીમાં બહારથી આવેલો પતિ કપડાં ઉતારતો હતો, ને છોકરું એને ખભે ચડી બેસવા ધમપછાડા કરતું હતું તેથી અધૂરા ઊતરેલ પાટલૂને બાળકને તેડી લેવાની એને ફરજ પડતી. કોઈ ઠેકાણે બહારથી આવેલા પતિ અને એની સામે ઊભેલી સ્ત્રી વચ્ચે સામસામા જુસ્સાભેર હાથ લંબાતા હતા તે બતાવતા હતા કે બે વચ્ચેનું આખા દિવસની જુદાઈ પછીનું મિલન પણ સમરાંગણ પરનું શત્રુ-મિલન હશે! દૂરદૂરનાં મકાનોની અંદર ચાલતી ક્રિયાઓનાં અવાજો નહોતા સંભળાતા, પણ દૃશ્યોની દરેક નાનીમોટી ચેષ્ટા સ્પષ્ટ દેખાતી હતી : જાણે એ જગતનો સાચો ને સર્વશ્રેષ્ઠ રૂપેરી પરદો હતો. કોઈ દિવસ ન જોવા મળેલું આ એકસામટા અનેક ગૃહસંસારોનું આંતરદૃશ્ય નિહાળવામાં ભદ્રા એટલી તો તલ્લીન થઈ હતી કે તેણે પોતાની પીઠ પાછળ પ્રવેશ કરનારી સ્ત્રીનાં હળવાં પગલાંની મખમલિયા ચંપલો સાંભળી નહીં. એ સ્ત્રી છેક બિછાના પાસે આવીને સૂતેલા દેવુને નિહાળતી નિહાળતી ભદ્રા જે દૃશ્ય જોતી હતી તે પોતે પણ જોવા લાગી. એક મેડીમાં મચેલા મામલા ઉપર બેઉની આંખો ખૂતી ગઈ : પત્ની એક લાંબા અરીસા સામે ઊભી ઊભી શણગાર કરી રહી છે; પતિ તેની પાછળ તેના ખભા ઝાલી ઊભો ઊભો પોતે ઊંચો હોઈ કરીને આયનામાં પોતાનું પ્રતિબિંબ ભરચક કરી મૂકે છે : પત્ની એ તોફાન કરનાર ઊંચા મોંને પાછળથી બે હાથે ઝાલી, મરચક દઈ પોતાના ગાલ ઉપર નમાવે છે. “હા-હા-હા-માડી રે!” ભદ્રા આંહીં ઊભી ઊભી હસી પડી. હજુ પાછળ જોયું નથી ત્યાં સુધી સલામત ઊભેલી પાછળની સ્ત્રી પણ એકીટશે જોઈ તો રહી હતી એ જ દૃશ્ય, પણ તેના મન પર એ જોવાની અસર ભદ્રાને થયેલ અસરથી ઊલટી હતી : એના મોંમાંથી નિશ્વાસ નીકળી પડ્યો. ને ભદ્રા ચોંકીને બારી પરથી પાછી ફરી ગઈ ત્યારે એ બીજી સ્ત્રીની હાજરી જોઈ પોતે લજ્જિત બની. પછી પૂછ્યું : “કેમ?” પૂછતી પૂછતી પોતે ઓલવી નાખેલ દીવાની ચાંપ દબાવી, ને કંચનની મુખમુદ્રા સ્પષ્ટ થઈ. પણ દિગ્મૂઢ ઊભેલી એ બેઉ સ્ત્રીઓની વચ્ચે વધુ કશો વ્યવહાર થાય તે પૂર્વે જ ખંડમાં બે જણાએ પ્રવેશ કર્યો : ડોસા સોમેશ્વર અને વીરસુત : પિતા અને પુત્ર.