તુલસી-ક્યારો/૩૬. કંચનને હમેલ!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૬. કંચનને હમેલ!

કંચન તે દિવસે ચાલી ગઈ. અને સાંજે જ્યારે ડોસા ઘેર જમવા ગયા ત્યારે તેણે એક પોલીસ-ઑફિસર જેવા દેખાતા માણસને ઘરની બહાર નીકળતો જોયો. “આ તમારા પિતા કે?” બહાર નીકળતે નીકળતે એણે વીરસુતને પૂછ્યું. “હા.” “એમને પણ ચેતવી રાખજો.” “વારુ.” વીરસુત એને વળાવી પાછો ફર્યો ત્યારે ડોસાએ હાથપગ ધોઈ કરીને પાછલી પરસાળની બેઠકમાં બેઠે બેઠે પુત્રને વાત કરી. “તેં સાંભળ્યું ને, ભાઈ? વહુ હમણાં હમણાં દવાખાને રોજ બે વાર આવે છે.” “હા!” “શરીર બહુ નખાઈ ગયું છે.” “હા!” “મેં કહ્યું કે, હવાફેર કરવા દેશમાં હાલો, તો કહે કે, વીરસુતની રજા જોઈએ.” “તમારે શા માટે એ વાતમાં ઊતરવું જ જોઈએ?” “ના – એમ કાંઈ નહીં – મારે તો કાંઈ નથી – પણ ... નરમઘેંશ જેવી થઈ ગઈ છે, હો ભાઈ! ને તારો જનમારો આમ એકલપંડે ક્યાં સુધી કપાશે?” “બાપુજી, એની વાત પર ચોકડી મારો.” “એકડો મૂકી શકાય એવી મને આશા છે, ભાઈ!” “વધુ વાત નથી કરવી. આંહીં હમણાં જ પોલીસ-અમલદાર આવેલો. તેણે શું કહ્યું – ખબર છે?” “શું?” “ભયાનક! બાપુજી, છેટે રહેજો એ સ્ત્રીથી – નીકર ફસાઈ પડશો.” વીરસુતે પોતાના બે હાથનો ખોબો વાળી મોં પર ઢાંકી દીધો. “પણ શું છે એવડું બધું?” “એને ઓધાન છે ચાર મહિનાનું. ને એ પડાવવા મથે છે.” વૃદ્ધનું મસ્તક, ગરદન પર કોઈકે ઝાટકો લગાવ્યો હોય તેમ, છાતીએ ઢળ્યું. એકાએક આંખો પરથી હાથ ઉઠાવી લઈને વીરસુતે ઊંચે જોયું. એના મોં પર કુટિલ ઉલ્લાસ હતો. એ ઊભો થઈ ગયો. એણે ખીંતી પરથી કોટ ઉતારી પહેરવા માંડ્યો. “ક્યાં જવું છે, ભાઈ?” પિતાએ ચિંતાભેર પૂછ્યું. “વકીલ પાસે. હવે મોકો આવી ગયો, બાપુજી! મારા છુટકારાની ઘડી આવી પહોંચી! હું એની સાથેના લગ્નબંધનથી હવે કાયદાની મદદ લઈ છૂટો થઈ શકીશ. છૂટાછેડાનો કાયદો જે એક જ વાત માગે છે તે મળી ગઈ.” “ઊભો રહે. જરા થોભ. થોડી વાર હેઠો બેસ, ભાઈ!” “શું છે – કહો.” “આપણે વિચાર કરીએ.” “વિચાર તો હું એક વર્ષથી કરતો હતો.” “એક-બે દિવસ વધુ વિચાર કરીએ. આનાં પરિણામ વિચારીએ. આમાં કોની જાંઘ ઉઘાડી થાય છે – આપણી પોતાની કે બીજા કોઈની – તે વિચારીએ.” “સડેલી જાંઘ હરકોઈની હોય – આપણી પોતાની હોય તો પણ ઉઘાડી કર્યે જ આપણું શ્રેય છે.” “તારી ભૂલ છે, ભાઈ! સડેલી જાંઘના ભવાડા ને દેખાડા ન કરાય. એના ઉપચાર એકાંતે અને ગુપ્તપણે જ શોભે.” “હું આવાં લગ્નોની આખી સંસ્થા પર જ આક્રમણ કરવા માગું છું, બાપુજી! હું મારી જાતને જ દૃષ્ટાંત બનાવીને સૌને ચેતવનાર છું. આ સ્વયંવરની માછલાંજાળ, આ મિત્રધર્મની હરામખોરી, આ મુક્ત જીવનની દાંભિકતા – એ તમામ હું ઉઘાડાં પાડીશ.” “રહેવા દે, ભાઈ, રહેવા દે! એ વીરતા અહીં ઘરની અંદર જ સારી છે! દુનિયા વચાળે જઈને જેવો તું ઊભો રહીશ ને, તેવાં જ તારાં શૌર્ય હેઠાં બેસી જશે. ને મને તું મારી રીતે કામ કરી લેવા દે. તારા જ્યેષ્ઠારામ મામાને પણ પૂછી જોવા દે. એ ડાહ્યું માણસ છે : એ માર્ગ દેખાડશે. બાકી, બાંધી મૂઠી ઉઘાડી પડી ગઈ પછી દુનિયા તો ફરી પાછી તારી છાતી માથે જ ચડી બેસશે, ભાઈ! એક વર્ષ પૂર્વેનો અનુભવ યાદ કર. આપણે જ્યેષ્ઠારામને પૂછીને પાણી પીએ.” પાછલી પરસાળના જમણા પાર્ટિશન પાછળથી એક અવાજ આવ્યો : “ગમ ખાવાની ટેવ નહીં ના! હે-હે-હે-હે. બધી વાતમાં તડ ને ફડ કરવાની જ ટેવ! હે-હે-હે-હે.” આ હાસ્યભર્યો સ્વર અંધા જ્યેષ્ઠારામ મામાનો હતો. “ઓ જો બોલ્યો તારો મામો. સાંભળી ગયો લાગે છે. બોલાવું?... ... અલ્યા જાની, જરા આંહીં આવ તો.” @BODY- = જ્યેષ્ઠારામે હળવે પગલે, કશી જ ઉતાવળ વગર, ખોટો ખોટો હાથ દીવાલે મૂકતે મૂકતે, ને એક-બે લથડિયાં ખાતે ખાતે આવી પહોંચીને નીચે બેસી જઈ, અંધાપાનો વેશ કરતી આંખોના મચકારા મારીને પરભારી એક વાર્તાની શરૂઆત કરી દીધી : “અમારા ગામમાં જુગલકિશોરની દીકરા-વહુને, દીકરો પાંચ વર્ષથી આફ્રિકા ગયેલો તેની ગેરહાજરીમાં, આ જ રીતે પગલાં આઘાંપાછાં પડી ગયેલાં. પછી મને તેડાવેલો. આવી બાબતમાં આંધળા માણસનું ધ્યાન વિશેષ પોં’ચે. મને તેડાવ્યો ફાગણ સુદ પાંચમની રાતે, મારે જે સલાહ દેવી’તી તે દઈને હું ઘરે આવ્યો. ને વળતા દીને પરોડિયે તો, ભાઈ વીરસુત, તારી મામીને બાયડીઓ તેડવા આવી કે, હાલો આભડવા : જુગલકિશોરના દીકરાની વહુ પાછી થઈ! મેં ઉચ્ચાર્યું કે, ‘શિવ! શિવ! કેવી દૈવગતિ! બાપડીને પૂનમે તો ધણી પાસે આફ્રિકા મોકલવી હતી. પોટુગરાપ પણ લેવરાવી લીધો’તો, ને પાસપોર્ટ પણ કઢાવી વાળ્યો’તો.’ આમ બોલીને હું પણ જુગલકિશોરને ઘેર જઈ પોકે પોકે રડ્યો’તો. બાઈ બાપડી મારેય નજીકની ભત્રીજી થતી’તી! શું કરીએ, ભાઈ! માનવ-દેહ તો રામચંદ્રજીના કાળમાંય ક્ષણભંગુર હતો ને! જુગલકિશોરને પડકારીને મેં ઊભો કર્યો’તો તે દા’ડે કે, ‘દીકરા, જેવું વહુનું જીવતર ઊજળું હતું તેવું જ હવે તું બાપ ઊઠીને તેનું મૃત્યુ ઉજાળ. મૂરખા! ખબરદાર – જો વહુની ચેહ પર છાણું પણ લગાડ્યું છે તો. ઘીએ ને સુખડે બાળવાં છે. અને પુણ્ય કરવામાં પાછું ન જોતો, હો જુગલા જાની!’ આ એમ કહી બે ડબા બાઈની ચિતા પર બળાવ્યા મેં – ને બે ડબા પોલીસ-થાણે પહોંચાડ્યા. તેરમાને દા’ડે તો આફ્રિકે બેઠેલ દીકરાનું મોં સરખુંય જોયા વગર પચીસ ઘરનાં શ્રીફળ આવી ઊભાં. આમ, ભાઈને કહું કે, રસ્તા તો અનેક છે ... સમતાનાં ફળ મીઠાં છે. મૂળ વાત તો આપણા ઘરના માણસને હાથ કરી લેવાની છે. તે પછી આપણા ઘરને ખૂણે આપણે શું કરવું ને શું ન કરવું તે તો આપણા હાથની વાત છે ને! રસ્તા અનેક છે : એક જ રાતમાંય માર્ગ નીકળે, ને પંદરવીસ દા’ડાની મુદત પણ નાખી શકાય.” આટલું વક્તવ્ય, બજારની વસ્તુના ભાવતાલની વાત કરતા વેપારીની ઠાવકાઈથી, એકસામટું પૂરું કરીને જ્યારે જ્યેષ્ઠારામ મોંના દાંત ભીડીને હસતો હસતો ઊંચે જોઈ રહ્યો ત્યારે એનાં ગલોફામાં દેખાતા રહ્યાસહ્યા દાંત ભોંયરામાં લપાયેલા ડાકુઓ જેવા ભીષણ ભાસ્યા. “ઠીક, જાની! બહુ થયું! જા, ભા, જા!” વીરસુતના પિતાએ મૂંગો ઠપકો દઈને સાળાને વળાવ્યો. “ના રે ના, કાંઈ ફકર નહીં. એમાં ક્યાં હું દૂબળો પડી જાઉં છું, બાપા! ને વળી મેં એક નીંદર તો કરી પણ લીધી છે. જરૂર પડે તો બોલાવજો. હું તો નાખોરાં ઘરડતો હોઉં ત્યારેય સાદ સાંભળી શકું છું. બિલાડીનાં પગલાંય મને ભરનીંદરમાં સંભળાય છે. ને કશી ફિકર નહીં. માણસને માણસનું કામ ન પડે ત્યારે કોનું – ઢોરનું પડે? યાદ કરજો તમતમારે. મારી ઊંઘની ચંત્યા કરશો નહીં – કહી રાખું છું.” “ચાલ, ભાઈ, ચાલ; તને ઠેકાણે પહોંચાડી જાઉં, નીકર ક્યાંય અથડાઈ પડીશ.” એમ કહીને સોમેશ્વર સાથે ગયા. પોતાને સ્થાને પહોંચીને અંધાએ બનેવીને કહ્યું : “નરાતાર જૂઠ, હો દવેજી! અક્ષરેઅક્ષર ગોઠવી કાઢેલો. પણ ભાણાને તો મધ જેવું લાગ્યું હશે ને!” “જા-જા, રાક્ષસ! એ તારા ભણેલાગણેલા ભાણેજમાંથી મનુષ્યત્વ નીકળી ગયેલું કલ્પછ?” “કલ્પતો નથી. એ ભણેલો છે એટલે જાતે હત્યા કરી કે બીજા પાસે કારસ્તાન કરાવી શકતો નથી, પણ એના અંતરમાં તો ખૂન જ વરસતું હશે, હો દવેજી! પૂછો જઈને – કરો ખાતરી.” “પછી?” “ફક્ત કોરટે જતો અટકાવો. આપણે વહુને લઈને વતનમાં પહોંચીએ. પછી જોયું જશે.” “તારી મતલબ શી છે?” “પુત્રવધૂને પાછી સ્વસ્થાને સ્થપાયેલી જોવાની.” “પણ આ એનું પાપ?” “આ કાંઈ પૃથ્વી ઉપર પહેલું જ પાપ થોડું છે, દવેજી! મનુ મહારાજે સમાજરચના બાંધી તે પછીનું તો આ એક કરોડ ને એકમું પાપ હશે! એમાંય પાછાં ઘણાંખરાં તો બામણવાડા ખાતે જ જમે સમજવાં! વધુ પાપમાંથી બચીએ છીએ તે તો અકસ્માત છે, સંજોગોના અભાવનું પરિણામ છે. સંજોગો મળે તો તો તારો વીરસુત પણ વિચારવા રોકાય તેમ નથી.” “શું કહે છે, જૂઠાડા!” “ઠીક કહું છું, દવેજી! મારી આંખોનો ઉજાસ કુદરતને હવાલે કરીને મેં ખોટનો વેપાર નથી કર્યો. શંભુએ મને અન્ય પ્રકારે જરૂર કરતાં વિશેષ ઉજાસ દીધો છે. હું જાણું છું કે તારી ભદ્રામાં જો જરીકે કચાશ આવી જશે તો તે દિવસે વીરસુત શું કરી બેસશે.” “શું કહે છે!” “ચમકવું શીદ પડે છે? મેં કાંઈ દુનિયાને પૂરી જોયા-તપાસ્યા વગર આંખો મીંચી હશે! મેં ન કહ્યું તે દા’ડે? કે આ કંચન વેશ્યાના ગોખે નથી પહોંચી એ જ એની બલિહારી છે! એને હમેલ રહી ગયા એ તો, મારા બાપલા, એક કુદરતના ઘરનો અકસ્માત છે! બાકી તો તું ને હું પણ કાંઈ ઓછા ઊતરીએ તેવા નથી!” “અધમ નહીં તો!” “અધમપણાની તો હું વાત જ કરું છું ને!” “મુદ્દાની વાત કરને ઝટ, ભાઈ! શું કરવું? તું શું ત્યારે એમ ઇચ્છે છે કે વહુને હજુય બચાવવી?” “જો એ ફરીને સાચેસાચ વહુ બનતી હોય તો.” “ને વીરસુતનો વિફરાટ ન શમે તો?” “એટલે એ શું કરે?” “અદાલતે ચડે.” “તો આપણે સાહેદી દઈએ.” “કે?” “કે આ બાળક બીજા કોઈનું નહીં પણ અમારા વીરસુતનું જ રહ્યું છે.” “જૂઠી સાહેદી?” “જગતમાં કશું જ સત્ય છે ખરું? આપણે તો વીરસુતને આટલો ડારો જ દેવાનો છે ને!” “હું શું પૂછું, હેં જાની? તને કંચન વહુની આટલી દયા કેમ આવે છે?” “દયા મને કદી આવે એમ તમે મારાં કામો ઉપરથી કલ્પી શકો છો, દવેજી?” “નહીં.” “તો હાંઉં! આ તો બધા, બાપા, દિલને બહલાવવાના ખેલ છે! બાકી તો તમને ખબર નહીં હોય, દવેજી, પણ એક વાત કરું – પેટમાં રાખજો, એમ કહેવાનું કાંઈ કારણ નથી, કેમકે ઘણા જાણે છે : વીરસુતની મામીને હું પરણી આવ્યો ને, તે દા’ડે એનેય બાપડીને ત્રણ મહિના ચડેલા હતા. મારા બાપે જ મને કહેલું કે, ‘મૂંગો મૂંગો પરણી આવ ને, ભાઈ! બામણની દીકરીનો આત્મા આશિષ દેશે તો ઘરનાં તુળસી લીલાં રહેશે.’ આ એમ છે બધી બાબસ્તા. મને કે એને કોણે – કોઈએ માર્યાં-ઝૂડ્યાં? વગોવ્યાં? ગાળભેળ દીધી? નાતમાંથી તારવ્યાં? ચોળીને ચીકણું તો આપણે જ કરીએ, ને પછી કહીએ કે – અધધધધ....!” “ઠીક! મૂંગો મરી રે’જે હવે, ભાઈ! ને વીરસુત ન માને તો મારી ભેરે રે’વા તૈયાર બેસજે.” “બીજી કઈ તૈયારી મારે કરવી છે? આંહીં થૂંકું છું તેને બદલે વળી તું લઈ જઈશ તે જગ્યાને થૂંકી બગાડીશ. મારે થોડું ઉપાડવું છે! મને ક્યાં મુતરાળા ગોદડામાં નીંદર નથી આવતી! તૈયાર છું.”