તુલસી-ક્યારો/૩૭. અસત્ય એ જ સત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૭. અસત્ય એ જ સત્ય

દેવુને દવાખાનું છોડવાના પ્રભાત પૂર્વેની સાંજ આવી પહોંચી. તે દરમિયાન એ અને કંચનબા બેઉ દોસ્તો જેવાં બની ગયાં હતાં. કંચન પોતાની નોકરી છોડી દઈને દવાખાને જ પડી-પાથરી રહેતી હતી. પગથિયે પગ મૂકતાં જ એના ટાંટિયા ધ્રૂજતા, છતાં તે ત્યાં ને ત્યાં જ આવ્યા કરતી; કારણ કે એને જવાનું કોઈ ઠેકાણું નહોતું. ઉપરાંત, એને એમ લાગ્યા કરતું કે અમુક ચોક્કસ ચહેરાનો માણસ એ જ્યાં જાય ત્યાં એની પાછળ ભમી રહ્યો છે. સ્નેહીઓનાં ને શુભચિંતકોનાં ઘરોને ઉંબરે એનું જવું અણપરવડતું બની ગયું હતું તેનું પણ એક કારણ તો આ જ હતું. જે ઘરમાં એ પેસતી એની સામેના કોઈ ઓટલા પર, કોઈક ઝાડની છાંયડી નીચે, અથવા સામી સડક પર એ-નો એ આદમી આંટા દેતો. જે સ્નેહી-કુટુંબો કંચનની શરીર-સ્થિતિથી અજાણ હતાં તેમને કંચનની પાછળ કોઈ મવાલીઓ ભમતા લાગ્યા. પણ તેમણે એ માનેલા મવાલીને ઠેકાણે લાવવાની હિંમત બતાવવાને બદલે કંચનનો જ સત્કાર ઓછો કરી નાખ્યો. ‘આવો!’ એટલો બોલ બોલાતો બંધ પડ્યો એ તો ઠીક, પણ ‘તમે છો જાણે નવરાં! એટલે અમેય શું હાથપગ જોડીને બેઠાં રહીએ!’ એટલી હદ સુધીનો જાકારો સાંભળ્યો. જેને પોતે ગાઢ સ્નેહી-સંબંધી સમજતી તેવા એક દિલખુશભાઈના કુટુંબમાં જઈને કંચને ધ્રુસકાં મેલી રડતે રડતે પોતાની સ્થિતિ પ્રગટ કરી. આ ઘરનાં સ્ત્રી-પુરુષ બેઉ શહેરના સંકટ-આશ્રમ સાથે સંબંધ ધરાવતાં હતાં અને તેના સમારંભોમાં આવાં ભાષણો પણ કરતાં હતાં કે, ‘માતાએ ગુનો કીધો હોય, પિતાએ ગુનો કીધો હોય, પણ નિર્દોષ જે બાળક ગર્ભમાં આવી બેઠું હોય તેનો શો અપરાધ? એવાં બાળકોની ગર્ભધારિણીઓએ તો છાતી કાઢીને પ્રકટ થઈ જવું જોઈએ. એવી સગર્ભાઓને કલંકિત કહી કહી બાળહત્યાને માર્ગે ધકેલવાને બદલે આશ્રય આપી પ્રસવ કરાવવો જોઈએ…’ વગેરે વગેરે. “હું પ્રકટ થઈ જવા માગું તો?” કંચને એ વહુવારુના ઊતરી ગયેલા મોં સામે દયામણી આંખે તાકીને પૂછ્યું. “તે તો તમે જાણો, બા! અમે કશીયે સલાહ ન દઈએ!” ઘરધણીએ બેઉ હાથને બની શક્યા તેટલા પહોળાવીને કહી દીધું. “હું બીજું કંઈ નથી માગતી;” કંચને ગદ્ગદિત કંઠે કહ્યું : “મને આ પોલીસના છૂપા પહેરામાંથી બચાવો.” “અમે શી રીતે બચાવીએ!” સ્ત્રી પણ અકળાઈને બોલી ઊઠી : “અમને જ તરત છાંટા ઊડે કે બીજું કંઈ!” “હું જરા બહાર જઈ આવું;” કહીને દિલખુશભાઈ પોબાર ગણી ગયા, અને સ્ત્રી નહાવા ગઈ ત્યાંથી કલાકે પણ પાછી નીકળી નહીં. કંચને એ ઘર છોડ્યું ત્યારે પાછાં પતિ-પત્ની મળીને પોતાનું વ્યાવહારિક જ્ઞાન મીંડવવા લાગ્યાં, એ વાતો કંચને બહાર બારી પાસે ઊભીને સાંભળી. પતિએ કહ્યું : “આપણને કંઈ બીજો વાંધો નથી, આપણે કંઈ એને પાપણી કહેતાં નથી; પણ આપણી સાથેનો જૂનો સંબંધ રહ્યો, એટલે તો આપણે જ ઝપટાઈ જઈએ ને!” પત્ની બોલી : “અરે, તમે લગાર વધારે રસ લેવા લાગો એટલે સૌ કોઈ એમ જ માની લેશે કે તમે જ જવાબદાર હશો!” “બીજા તો ઠીક, પણ તું પોતેય વહેમાઈ પડે ને ક્યાંક! મને કંઈ બીજાનો ડર નથી.” “બળ્યું! આપણે સ્નેહીસંબંધીના પ્રશ્નોથી છેટા જ રહેવું સારું. સેવા કરવી તો અજાણ્યાંની જ કરવી.” “એ તો મેં પહેલેથી જ એ ધોરણ રાખેલ છે. જે આવે તેને કહી દઉં છું કે, ‘હું કશું ના જાણું. તમને સૂઝે તેમ કરો. ઓ રહ્યો સંકટ-આશ્રમનો રસ્તો.’ બીજી કશી લપછપ નહીં. ધરમ કરતાં ધાડ થાય, બા!” વાત પૂરી થઈ એટલે કંચને પોતાના દેહને ધકેલી રસ્તે ચાલતો કર્યો. ‘ધરમ કરતાં ધાડ થાય માટે ધરમ કરવો તો આવડતભેર કરવો’, એવા સ્નેહીજનોના સિદ્ધાંતની નક્કર ભૂમિને આશરેથી પાછી વળેલી કંચન દેવુની પાસે જતી, અને દાદા તથા ભદ્રા બેઉ જ્યારે સાંજે ઘેર ચાલ્યાં ગયાં હોય ત્યારે દેવુના બિછાનાને પાછલે ખૂણે બેસીને પોતાની થેલીમાંથી છાનીમાની કંઈક ખાતી. એ વખતનો એનો દેખાવ કોઈ નીંભર, આત્મવિસ્મૃત, જડ ખાઉધરીનો બની જતો : જાણે કોઈ દુકાળિયું! પોતાની પાછળ ખૂણામાંથી દેવુને કોઈ વાર જમરૂખની ગંધ આવતી તો કોઈ વાર મૂળાની. કોઈ કોઈ વાર ભજિયાં પણ ફોરતાં. ખાતી કંચનના મોંના ભયાનક બચકારા સંભળાતા. દેવુને નવી બાના આ વિલક્ષણ સ્વાદોનું કુદરતી રહસ્ય સમજવાને વાર હતી. દાદા કે ભદ્રાબા આવે ત્યારે દેવુ છાનોમાનો કહી દેતો કે, “કંચનબા બહુ ભૂખ્યાં થતાં લાગે છે.” ડોસાનું મગજ જ્યેષ્ઠારામની સલાહ અને કંચન પ્રત્યેના તિરસ્કારની વચ્ચે હાલકલોલ હતું, એમાં જ્યારે એણે દેવુ પાસેથી આ સમાચાર જાણ્યા ત્યારે એને કાળ પણ ચડી ગયો : આટલી બધી નિર્લજ્જ! આંહીં બેઠી બેઠી આવી ચીજો ચાવે છે! પોતાના આચરણની એને લજ્જા કે સંતાપ પણ નહીં હોય? પણ એક દિવસ ડોસા કવેળાએ આવી ચડ્યા. કંચન ખૂણામાં પીઠ વાળીને બેઠી બેઠી કશુંક બુચકાવતી હતી. ડોસા સ્તબ્ધ બનીને નિહાળી રહ્યા. એણે જગતની સકળ કરુણતાઓની અવધિ દીઠી. ગર્ભધારિણી યુવતી જાણે કોઈ ચોર, બદમાશ, ડાકણ હોય તેમ ચકળવકળ જોતી જોતી, ફડકો ને ફાળ ખાતી ખાતી શું ચાવતી હતી? – ગાજર અને મોઘરી. એકાએક એણે ડોસાનો શ્વાસ સાંભળ્યો. ઝબકીને પાછળ ફરી. ડોસાએ સન્મુખ નિહાળી. કંચન સીધીસટ સામે જોતી બેસી રહી. એના ચહેરા પર જે શૂન્યતા હતી, જે જડતા ને નિષ્પ્રાણતા હતી, જે મરણિયો ભાવ હતો, તેણે જ ડોસાને પરાસ્ત કર્યો. વૃદ્ધ સોમેશ્વરે તે દિવસ રાતે વીરસુતની ગેરહાજરીમાં ઘર આગળ ભદ્રા વહુને પોતાની નજીક બોલાવીને બનાવટી હાસ્ય છેડતે છેડતે કહ્યું : “તમે આટલાં ડાહ્યાં, આટલાં સુજાણ, પણ મને વાતેય કરતાં નથી ના?” “અનસુ!” ભદ્રાએ લાજનો ઘૂમટો આડો રાખીને, દૂર રમતી, પૂરી બોલી પણ ન જાણતી અનસુના ઓઠાને આશરે સસરાને જવાબ વાળ્યો : “પૂછ તો દાદાજીને – શેની વાત?” “વીરસુત કંચન વહુને આંહીં ક્યારેક ક્યારેક બોલાવે છે તેની! – બીજા શેની વળી? તમે જ બેઉનાં મનનો મેળ જોડો છો ને મને છેતરો છો કે, બેટા? હે-હે-હે-હે.” ભદ્રાને ખબર ન પડી કે સસરાના આ ઉદ્ગારો પાછળ શી મતલબ છે, શું તથ્ય છે; ઠપકો છે કે ધન્યવાદ છે! “આ, અહીં તો કોઈ દા’ડો કંચન આવ્યાં નથી.” એણે હેબતાઈને કહ્યું. “નાદાન છો નાદાન, બેટા!” સસરા પોરસ ચડાવી રહ્યા : “તમે તો ઊંઘણશી છો કુંભકરણની બેન જેવાં! ઠીક, મૂકો હવે એ વાત, ને મન સંકોડ્યા વગર મને વધામણી આપો, બચ્ચા!” “પણ શાની વધામણી – બાપુને પૂછ ને, અનસુ!” “વહુને મહિના ચડે છે : છુપાવો છો શીદ ને! એમ મારાથી છુપાવ્યું છૂપશે કે? મારી તો શકરા-બાજની આંખો છે, બચ્ચા! તમારે તો ઘણીય દેરાણીને વાજતેગાજતે ઘેર લાવી કરીને પછી મને કહેવાની ગણતરી હશે. પણ હું કાંઈ ઓછો ખેપાન છું? હું તમારો બાપ : જેવી દીકરી દુત્તી એવો જ બાપ ખેપાન! હે-હે-હે-હે. હવે જુઓ જાણે, મારા મનમાં જે છે તે તમને કહી દઉં છું. મારા હૈયામાં એક સજ્જડ વહેમ ગયો છે કે કંચનની આગલી બે કસુવાવડો આંહીં થઈ ગઈ છે – આ ત્રીજીયે મારે બગડવા નથી દેવી. મને આ ઘરનો વહેમ છે. ગમે તેમ તોય બેય જણાં અણસમજુ કહેવાય. વીરસુતનીય વિદ્વત્તા તો પોથાંથોથાં પૂરતી. કેમ વર્તવું, કેમ પાળવું એ એને રેઢિયાળને કાંઈ સૂઝે નહીં. માટે હું તો વહુને ઘરમાં પગ પણ મુકાવ્યા વગર કાલે બારોબાર આપણે ગામ લઈ જવાનો છું. છોકરાને મારે માથે ખિજાવું-રિસાવું હોય તો ખિજાય – ખવરાવજો બે રોટલીઓ વધારે અહીં રહીને! કંચનનું તો મારે બાકીના પાંચ-છ માસ શાસ્ત્રીય પદ્ધતિપૂર્વક જતન કરવું છે. જરૂર પડશે એટલે તમને તાર મૂકીશ. તે પૂર્વે તમારે આવવાનું નથી. મને ફક્ત એને માટે ઓસડિયાં તૈયાર કરાવવાનો ખરડો ઉતારી દો એટલે હું મારી જાણે બધું કર્યા કરીશ. બાકી તો કહી રાખું છું તમને ને વીરસુતને – કે, આવેલી વહુને મારે ખોઈ નાખવી નથી. મારે હજુ દેવુને ને અનસુને વરાવવાં-પરણાવવાં છે. મારે આપણી આબરૂ ઉપર થૂંકનારી જ્ઞાતિની આંખો અમીથી આંજવી છે. ભલે ને બધાં સ્ટેશનથી માંડી દવે-ખડકી સુધી ફાટી આંખે જોઈ રહેતા કે, દીકરાની વહુને ક્ષેમકુશળ લઈને આવ્યો છે સોમેશ્વર ડોસો! ભલે સૌ આંખો ઠારતાં. દીકરાની વહુ મશલમાનને ગઈ ને કિરસ્તાનને ગઈ વગેરે વગેરે ગપ્પાં ઉરાડનારાં આપણાં વાલેશરી બધાં ભલે ને ખાતરી કરી લેતાં, કે મારી દીકરાવહુને તો તુલસીમાએ સમા હાથે દીધું છે, ને વંઠે-ફીટે તે મારી પુત્રવધૂ નહીં – કોઈક બીજાની.” સસરાના વિચિત્ર લપસિંદરથી ભદ્રાની તો જીભ જ તાળવે ચોંટી ગઈ. ભદ્રાને સસરા પાસેથી પહેલી જ વાર આ સમાચાર લાધ્યા, એની અસર ભદ્રાના અંતર પર જુદા જુદા કૈંક પલટા લગાવી ગઈ. પ્રથમ તો એના કપાળ પર કરચલીઓના લિસોટા પડ્યા : કંચનને ને વીરસુતને સુમેળ? કોણે કરાવ્યો? ક્યારે? રાતમાં કંચનનો ઘરમાં પ્રવેશ? હોઈ જ કેમ શકે? હું કદી એવી કુંભકરણ-નિદ્રામાં ઘોંટી નથી, બૈ! દેર તો એને મકાને નહીં ગયા હોય? ગયા વિના આમ બને પણ કેમ? બનાવટ? બનાવટ હોય તો સસરા જેવો સસરો કેમ સપડાયા! સસરા છેતરાયા હશે? દેરે છેતર્યા હશે? દેરને એવી શી જરૂર? પોતાની આબરૂ ઢાંકવાની? મારે કંઈ નૈ, બૈ! મંછા ભૂત ને શંખા ડાકણ! મારે રાંડીમૂંડીને વળી આ બધી લપાલપી શી? સસરો ઢાંકતા હોય, દેર પણ ઢાંકતા હોય, કંચન પોતે જ ઢાંકતી હોય, તો તારે રાંડને ઉઘેડીને શી કમાઈ કરવી છે, મૂઈ! ઉઘાડાં ઢાંકીએ, ઢાંક્યાં તે કોઈનાં ઉઘેડાય, મૂઈ! ઉઘેડ્યાં કેનાં સધર્યાં છે જે! ઉઘેડ્યે શી બહાદુરી બળી છે, બૈ! ઘૂમટાની આડશે પટ પટ થતા ભદ્રાની આંખોના પાંપણ-પડદા જોતો ડોસો પોતે જેમાં ચાલી રહેલ છે તે પાણી કેટલાંક ઊંડાં છે તેનું જાણે માપ લઈ રહ્યો હતો. મનમાં તો ફડક ફડક થતું હતું. પોતે વેશ ભજવતો હતો તેનું ભાન જો આ યુવાન વિધવાને સવળી રીતે થઈ જાય તો તો તરી જવાશે; પણ એ જો અવળી રીતે વિચારશે તો તો પછી ઘરના સુખસંરક્ષણનો રહ્યોસહ્યો ખૂણો પણ જમીંદોસ્ત થશે તેની પોતાને ખબર હતી. “એમાં ઉચાટ શા માંડી દીધા તમે, દીકરા!” ડોસાએ વાતને પછી બીજા પાટે ચડાવી : “વીરસુત ધૂવાંફૂંવાં થશે તેનો ડર રાખો છો? રાખ્યો રાખ્યો એવો ડર! એ બેવકૂફ બધું પરવારી કરીને જ બેઠો હતો. એ તો તમે પાછું છાંદ્યું-બૂર્યું. એને ક્યાં સંસારનું ભાન છે? એ થોડો કબૂલ પણ કરવાનો કે, ‘જે બન્યું તે બન્યું જ છે! વટમાં ને વટમાં મરડાઈ જશે મરડાઈ! તીન-પાંચ કરે, તો કહી દેજો એને – કે, હવે ઢાંકણ ઢાંકવાની તક જડી છે તો ઢાંકવા દે, બાપ! હવે ઉઘાડવું રહેવા દે. અત્યારથી મારા દેવુના અને મારી અનસુના સંસારમાં આગ લગાડ મા.’ ઢાંક્યે લાભ છે તેટલો ઉઘાડ્યે નથી, દીકરી ભદ્રા! સાચું કહેજે.” કડી મળી ગઈ : સસરો ઢાંકવા જ મથી રહેલ છે. ડોસો પોરસના પૂરમાં તરી રહેલ છે! “ગામની બજારમાં ઘોડાગાડી કરીને વહુને લઈ જઈશ ત્યારે અદાવતિયાના ડોળા ખેંચાઈને બહાર નહીં નીકળી પડે! વાર ક્યાં છે ઝાઝી! કાલ સાંજે ભલે ને આભના તારા જેટલી આંખો કાઢીને ગામ જુએ. મારે મોંએ શું હું શાહી ઢોળીને ગામસોંસરો નીકળીશ! વાર છે વાર! એક વાર જેણે મને ગામમાંથી નીકળતે ગાળ સંભળાવી છે, તેને ખોંખારો સંભળાવું ત્યારે જ હું ખરો તારો સસરો, બચ્ચા! બાકી તો ઢાંક્યામાં જ બધો સાર છે.” સસરો અને પુત્રવધૂ – બેઉએ સમજી લીધું કે આખી ઘટના બનાવી કાઢેલી હતી. ભદ્રા સસરાની બનાવટ પામી ગઈ છતાં અજાણી અને અનુમોદન દેનારી બની રહી. સસરો પણ સમજીને જ બેઠો હતો કે વહુ પોતાની બનાવટને પામી ચૂક્યા પછી જ સહમત બની રહી છે. આ રીતે બેઉ પક્ષે છેતરપિંડી તો રહી જ નહીં. સાચી વાતની બેઉ પક્ષે સમજ પડી ચૂક્યા પછીનો જ આ સભાન તમાશો હતો. જીવનનો આખરી નિષ્કર્ષ જ આ તમાશો હતો. કોઈ કોઈને છેતરતું નહોતું, બન્ને પાઠ ભજવતાં હતાં, ને બન્ને પરસ્પર એ કયો પાઠ ભજવાય છે તે જાણતાં હતાં. પ્રવંચના પોતે જ વસ્તુસ્થિતિ બની રહી. છેતરપિંડી પોતે જ પરમ પ્રમાણિકતા બની રહી.