દરિયાપારથી.../નિર્વિવાદ, અમદાવાદ 1

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિર્વિવાદ, અમદાવાદ 1

જે મારું છે, મારા જીવનું જીવન છે, ને જે મારા જીવનનું મૃત્યુ હશે; જે મારા જીવનનો આરંભ છે, મારી ચેતનામાં પ્રથમ છે, જે મારી સભાનતામાં મુખ્ય છે, ને મારા વિચારોમાં સતત છે તે. નિઃશંક, અમદાવાદ. જેવું મારે જોઈએ છે – બરાબર તેવું જ જીવન આપનાર એ છે. જેવું મારે જોઈએ છે તેવું જીવન નહીં આપી શકનાર પણ તે જ છે. જે સારથક હતું, ને હવે જે સ્વપ્ન છે તે. સંવેદનો દ્વારા મનમાં જે શાશ્વત છે, ને વાસ્તવિકતાને કારણે વારંવાર જે આઘાતરૂપ બને છે તે. નિર્વિવાદ, અમદાવાદ!!

* * *

મનમાં થાય છે કે પહેલાં તો એક નદી હશે. વિશાળ પટ, પાણીથી બે કાંઠે ભરપુર – આકંઠ સાબરમતી. પણ કેટલે દૂર સુધી પહોંચી શકે કલ્પના? ખરેખર શું હશે એ જમાનામાં? શું ખરેખર નદીના ભાઠામાં સસલું ધસી આવ્યું હશે શિકારી કૂતરા પર? શું સાચેસાચ ‘પાણી’ હશે એ જગ્યામાં? ત્યાંનાં હવા-પાણીમાં? સદીઓ પહેલાં કદાચ હોય પણ ખરું. પણ પછી? પછી તો નદીમાં ય પાણી ક્યાં રહ્યું? નદીની વ્યાખ્યાપર હાંસી થવા નહતી લાગી પછી તો? ત્યારે ધોબીઘાટનો ય કોઈ અર્થ હતો. એલિસબ્રિજની નીચે સૂકવાતાં કપડાંની પણ એક તસ્વીર બનતી. પુલ પર ચાલવા જવાની પણ કેવી મઝા હતી. શહેર ભલેને જતું હોય ધસમસતું – આગળ ને પાછળ. કેટલાં બધાં દૃશ્યો જાણે સ્વપ્નવત્ થઈ ગયાં છે. એક જમાનામાં નદીની આસપાસ હશે વૃક્શઘન, શાંતિસિક્ત જંગલ. ને પછી? એમ તો મારી આંખોએ જન્મથી જોયાં છે જંગલ, પણ કેવી જુદી જાતનાં. વસ્તીનાં જંગલ, હસ્તીનાં જંગલ, વાહનોનાં જંગલ, ગીચોગીચ ઘરોનાં જંગલ, રસ્તે રખડતાં ઢોરનાં જંગલ. વધતાં જોયાં છે, જોયાં કર્યાં છે આવાં જંગલ. અડાબીડ, ગીચ, હવાવિહીન થતાં ગયાં છે આ આધુનિક, શહેરી જંગલ. મન ગુંગળાય છે વિચારોના ભારથી. મારા જીવનના આરંભથી શરૂ થયું આ શહેર મારે માટે. શું એ અકાળે અંત લાવશે એનો પોતાનો મારા મનમાં? મારા શબ્દોમાં મારા શહેર માટેનો અનુરાગ દેખાઈ આવે છે ખરો? કંઈક રંજ પણ? કોઈ પણ સ્થળ પોતાનું ક્યારે બને? કઈ રીતે બને? ત્યાં લાંબો સમય રહેવાથી? ત્યાં વારંવાર જવાથી? કે કેવળ ત્યાં જન્મવાથી? સ્થળ આપણને એનાં પોતાનાં ક્યારે બનાવે? કઈ રીતે બનાવે? એ પણ આપણી પાસે કાંઈ માગતું હશે ને? પોતાપણું પરસ્પર જ હોય ને? લેવાનું હોય તેમ આપવાનું પણ હોય જ ને? શહેરમાં જે રીતે જંગલો વધતાં ગયાં છે, તે જોઈને લાગે છે કે આપણે શહેરનો મન ફાવે તેમ ઉપયોગ કર્યા કર્યો છે. દુરુપયોગ, ખરેખર તો. એ આપણું પોતાનું હોય એવો ખ્યાલ જાણે કોઈ કરતું નથી. કોઈ એક વામનના નહીં, બલ્કે અગણ્ય માનવોનાં પગલાંથી એ ચંપાતું ગયું છે. એ સળવળી શકતું પણ નહીં હોય. અમદાવાદ મારું છે એમ હું માનું છું. રસ્તાઓ પરની મેદની જોઈને વિચારતી રહેતી હોઉં છું કે એમાંનાં કેટલાં એને સાવ પોતાનું માનતાં હશે? એવી રીતે પોતાનું, કે એને હાનિ થાય એમ વર્તે નહીં? અલબત્ત, એ આપણા દરેકનું છે, પણ કેવું કરી મૂક્યું એને કે જાણે કોઈનું ય ના હોય. અમદાવાદની ધૂળ જ્યારે શ્વાસમાં ગુંથાઈ જાય છે, એની હવાથી નસો પોષાતી જાય છે, એના સંપર્કથી જ ધરતીને છેક છેડે પહોંચી ગયાંની ખાતરી હૃદયમાં અનુભવાય છે, ત્યારે એ આપણું પોતાનું બન્યું હોય છે, અને આપણે એનાં પોતાનાં.

* * *

વર્ષો પછી પણ મારી વિચારસરણી બદલાઈ નથી. બલ્કે, કદાચ વધારે આગ્રહપૂર્વક માનતી થઈ છું કે સ્થાનનું સન્માન કરવું જ જોઈએ. દરેક વાતાવરણનું નિજી આભા-મંડળ હોય છે. અમુક જગ્યાઓને કેમ આપણે જાત્રા-સ્થાન ગણીએ છીએ? ખરેખર તો, દરેક જગ્યાને યથાયોગ્ય ભક્તિ-ભાવથી જોવી જોઈએ. વિશેષ રીતે, જન્મના અને વસવાટનાં સ્થાનોને. સ્થળને કેટલી હદ સુધી ચાહી શકાય? ઘરની વાત કરીએ ત્યારે ખરેખર શેની વાત કરતાં હોઈએ છીએ? શા માટે ના બદલાવું જોઈએ એક સ્થળ? આપણે સ્મરણોની સુનિશ્ચિતતા ઝંખતાં હોઈએ છીએ. અતીતના કોશેટામાં હૂંફ છે, જોખમ નથી. પણ કદાચ એ જૂની યાદો છાપ માત્ર હોય છે, સાચેસાચ કશું નથી હોતી. શહેરમાંનાં અન્ય જંગલોની જેમ યાદોનું પણ જંગલ હોય છે. અને કદાચ યાદોની છાપોનું પણ એક જુદું જંગલ હોય છે. એમાં છુપાયેલા શૈશવને આપણે શોધ્યા કરીએ છીએ, અને કંટાળ્યા પણ કરીએ છીએ. ક્યારેક મને લાગે છે કે ગીચ જંગલમાંથી કશી કેડીઓ શોધી શોધીને બહાર નીકળી રહી છું, પણ હોઉં છું લગભગ ત્યાંની ત્યાં. આ શોધ અટકે તો કદાચ ભાર ઊતરે. ને નહીં તો, ભલે રહેતી એ શોધ ચાલુ. એ દરમિયાન એક રટણ પણ ચાલુ રહેશે – અમદાવાદ, અમદાવાદ. બબ્બે વાર, વારંવાર નામ લેતી રહીશ – પ્રિયપાત્રનું નામ-સ્મરણ જેમ ફરી ફરી કરતાં હોઈએ છીએ તેમ : અમદાવાદ, અમદાવાદ.