દરિયાપારથી.../માટીપગું અમેરિકા
દુનિયાના મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, કે અમેરિકા વિષે એ બધાં બધું જાણતાં હોય છે. આટલો મોટો દેશ, આટલો સુખી, ઝાડ ખંખેરો ને પૈસા પડે, રસ્તા નાણાંથી ચણેલા હોય, બધાં પાસે બંગલા ને ગાડીઓ હોય, ને સુખનો કાંઈ પાર નહીં. આથી કરીને દુનિયાભરના લોકો અમેરિકા આવવા તત્પર હોય છે, જોકે તે સાથે જ, મનોમન અમેરિકાને ધિક્કારતા પણ હોય છે. અમેરિકાનું પોતાનું સત્ય કંઈક જુદું જ છે, જે ત્યાંના રોજિંદા જીવનની વાસ્તવિકતામાં સમાયેલું છે, તથા એ વાસ્તવિકતા વિશ્વના અન્ય દેશોની વાસ્તવિકતાથી એટલી બધી જુદી નથી. અમેરિકામાં દરેક જણને સુખનો હક્ક હોય છૈ, એ સાચું, પણ અહીં પણ વસ્તી વધતી ગઈ છે. અત્યારે એ આશરે સાડા ત્રણેક કરોડની ગણાય. સાધારણ રીતે કહી શકાય, કે ભારતથી એ ત્રણ ગણો મોટો હશે, ને ભારતની વસ્તી એના કરતાં ત્રણ ગણી વધારે હશે. અહીંની વસ્તી આપણને તો જાણે બધી રીતે ઘણી ઓછી જ લાગે, પરંતુ વસ્તીની આ સંખ્યાને લીધે અહીં બે મુશ્કેલીઓ છે. એક તો, સર્વ પ્રકારનાં સરકારી તંત્રો આ વધારાને સંભાળી નથી શકતાં. કૌટુંબિક આધાર, વિકાસપ્રેરક ઉછેર, પર્યાપ્ત શિક્શણ વગેરેના અભાવમાં પુખ્તવયી થયેલાં અનેક કર્મચારીઓમાં કાર્યદક્શતાની ઘણી ખામી હોય છે. ને બીજું, અમેરિકાની વસ્તીનો વધારે હિસ્સો સાવ સાધારણ, ગરીબ, ગુનાહિત વગેરે લોકોનો બની ગયેલો છે. છેલ્લાં ત્રણેક દસકામાં અહીંના સમાજનું પોત ઘણું બદલાઈ ગયેલું જોઈ શકાય છે. આ દેશ અનેક વિરોધોથી ભરેલો છે. દુનિયાના સૌથી સમૃદ્ધ ગણાતા આ દેશમાં અગણ્ય ગરીબ લોકો છે, તો વિશ્વ-વિખ્યાત નૉબેલ પારિતોષિક સૌથી વધારે પ્રમાણમાં અમેરિકનોને પ્રાપ્ત થતું આવ્યું છે. એટલેકે, પ્રખર મેધા ધરાવતી વ્યક્તિઓ અહીં સર્વ ક્શેત્રે પ્રસ્તુત છે; તો સામે, સાધારણથી પણ ઓછી અક્કલવાળા લોકો ઘણા મોટા પ્રમાણમાં છે. દુનિયા આખીમાં મોખરે હોય તેવાં કેટલાંયે મહાવિદ્યાલયો અહીં છે; તો સામે, શાળાનો અભ્યાસ પણ પૂરો નહીં કરનારાં લાખોની સંખ્યામાં આખા દેશમાં વસેલાં છે. સરકારી નીતિ ઉદાર ગણાય, પણ લોકોનાં માનસ સરેરાશ રીતે અનુદાર કહેવાય છે. આધુનિક દેખાતા આ સમાજનાં અનેક સદસ્યો સંકુચિત હોય છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યના હિમાયતી આ દેશમાં છૂટાછેડા લીધેલા, અપરિણીત અને એકલવાયા લોકો મોટી સંખ્યામાં છે. પ્રજામાં દારૂડિયાપણાની બદી પછી બીજી મોટી સમસ્યા પત્ની કે સહચરી પરના શારીરિક ને માનસિક અત્યાચારની ગણાય છે. જ્યાં બાળકોના આનંદ માટે મોટાં મનોરંજન-કેન્દ્રો તથા રમકડાંની ખૂબ મોટી મોટી દુકાનો બનેલી છે, ત્યાં અગણ્ય બાળકો જાતજાતની ક્રૂરતાનો ભોગ બનતાં રહેતાં હોય છે, તથા સાધારણ સુખ ને સુરક્શાથી પણ વંચિત રહી જતાં હોય છે. ઉપરાંત, ઘર-બાર વગરનાં સ્ત્રી-પુરુષો અને બાળકોની સંખ્યા પણ જાણે વસ્તીની સાથે વધતી ગઈ છે. એ બધાંનો ભાર સરકાર પર હોય છે. જોકે એમાંનાં ઘણાં પોતાની રીતે રખડતાં રહેવાનાં, રસ્તામાં પડી રહેવાનાં, ભીખ માગતાં ફરવાનાં, પણ સરકારી સહાય-કેન્દ્રોમાં નહીં જવાનાં. સરકાર દ્વારા ચલાવાતી સંસ્થા પાસે જેમને જવું જ ના હોય તેમને ફરજ પાડવામાં આવતી નથી. છતાં, અહીંના આકરા શિયાળા માટે એવો નિયમ થયો છે, કે પારો જો શૂન્યથી નીચો ઊતરે તો સરકારી ગાડીઓ શહેરના રસ્તાઓ પર ફરવા માંડે, અને થરથરતા, ટૂંટિયું વાળીને પડી રહેલા લોકોને, ખેંચી-તાણીને પણ, ગાડીમાં બેસાડી દે. કેટલાક નહીં જવા માટે મથે, રાડો પાડે, પોતાના વ્યક્તિ-સ્વાતંત્ર્ય માટે જીદ કરે, પણ થીજીને કોઈ મરે તો વાંક સરકારનો, નગરપાલિકાનો આવે. એ સિવાયના જે લોકો સત્તાવાર સહાય-ગૃહો પર જતા હોય છે તેમની સંખ્યા અત્યારે, ફક્ત ન્યૂયોર્ક શહેરના આવા એક કેન્દ્રમાં, ચાલીસેક હજારની થયેલી છે. છેલ્લાં પચીસ વર્ષમાં આ વધારો થયો છે. ઘર વગરનાંની સહાય માટેના નગરપાલિકાના મકાનના વિભાગમાં બાળકોને કોખમાં લઈને આવેલી યુવાન સ્ત્રીઓની લાઇનો લાગે છે. ચૌદ-પંદર વર્ષે કેટલીયે કન્યાઓ – વધુ ભાગે બ્લૅક અને હિસ્પાનિક જાતિની – માતા બની ચૂકી હોય છે. કહે છે કે ત્રીસીના અછતગ્રસ્ત સમય ને વિશ્વયુદ્ધના સમય પછી આ પહેલી વાર આટઆટલા લોકો આવી દયાજનક પરિસ્થિતિમાં મૂકાયેલા છે. મુખ્યત્વે ત્રીજા વિશ્વના જુદા જુદા દેશોમાંથી ન્યૂયોર્કમાં આવી ચડેલા, જુદી જુદી જાતિઓ અને ભાષાના આવા બેઘર, બેકાર લોકોનો ભાર વહેવો શહેરને માટે કેટલો અઘરો હશે, મોંઘો હશે, તેની કલ્પના કરવી અઘરી નથી. આવી હાલત પોતાના હાથે જ થઈ હોય, છતાં વાંક સરકારનો. બેઘર તેમજ ગુનાહિતોને પણ મદદ કરનારાં હોય છે. એવાં સામાજિક કાર્યકરો, રાજકારણીય પક્શકારો, વકીલો વગેરે દ્વારા “આશરાનો હક્ક” જેવો કાયદો અમલમાં આવેલો છે, જે ન્યૂયોત્ક સિવાય અમેરિકાના બીજા કોઈ શહેરમાં નથી. બંને પક્શ આ કાયદાને પોતાના ફાયદા માટે વાપરતા આવ્યા છે. એ પછી બધું – નુકસાન, તકલીફ, જવાબદારી – બસ, સરકારનું. છેવટે “આશરો માગનારાંની જવાબદારી” કરીને એક સૂત્ર સૂચવવામાં આવ્યું છે. ઘણાં બેઘર સ્ત્રી-પુરુષો જે મળતું હોય તેમાં પણ વાંધા પાડતાં હોય છે. તેથી દરખાસ્ત એમ મૂકાઈ છે, કે એમણે પણ થોડી જવાબદારી લેવી જોઈએ, ને સરકારને સાથ આપવો જોઈએ. હજી આ દરખાસ્ત માન્ય નથી થઈ. આ દેશની નીતિ બેઘર ને ગુનાહિતો પ્રત્યે જ નહીં, પણ બિનકાયદેસર ઘુસી આવેલાં પ્રત્યે પણ હજી સુધી ઉદાર રહેતી આવી છે, ને એનો ભોગ અમેરિકાને પોતાને જ બનવું પડે છે. ગરીબીના સંદર્ભમાં બીજી એક બાબત ભીખ માગવા અંગેની છે. અમેરિકામાં ભિખારી હોય, એમ કોઈ માની શકે? જોકે આ ભિખારી આપણે ત્યાં હોય તેવા નથી હોતા. હાથ લાંબો કરીને, દયામણું મોઢું કરીને માગનારાં ઘણાં ઓછાં દેખાય. વધારે જણ ચૂપચાપ એક તરફ બેસી ગયેલાં હોય, ને પાસે પૂંઠા પર પોતાની હાલત વિષે લખીને રાખ્યું હોય. ક્યારેક રૅસ્ટૉરાઁની બહાર ઊભાં હોય, ને જમીને નીકળનારાંને જાણે શરમિંદાં બનાવે. તો ભૂગર્ભ-રેલના પ્લૅટફૉર્મ પર તેમજ એના ડબ્બામાં ગાઈ-વગાડીને પૈસા મેળવી લેનારાં પણ મળતાં રહે. સિક્કા કે પરચૂરણ તો હવે અપાય જ નહીં. આપણને મનમાં બીક જ લાગે, કે એ આપણાં મોઢાં પર જ ના ફેંકે. એક ડૉલર તો એના હાથમાં મૂકવો જ પડે. મેં ક્યાંક વાચ્યું હતું કે ભીખ માગતાં શીખવાડવાના ‘ક્લાસ’ ચાલતા હોય છે. હજાર-પંદરસો ડૉલર જેવી ફીના બદલામાં ભીખ માગવાની જુદી જુદી રીતો શીખવાડવામાં આવે છે. સારાં કોટ-પાટલૂન કે સુઘડ કપડાં પહેરેલા, શિક્શિત અને ઉપલા વર્ગના લાગતા પુરુષો બીજાંને કઈ રીતે ઘડીમાં છેતરી નાખતા હોય છે, તે વિષે પણ વાંચવામાં આવેલું. પછી તો ભૂગર્ભ-રેલના ડબ્બાઓમાં સત્તાવાર નોંધો મૂકાવા માંડી, કે ભીખ માગવા નીકળેલાંથી ગભરાવું નહીં, શરમ અનુભવવી નહીં, ને પૈસા આપવા નહીં, કે જેથી આ પ્રવૃત્તિને પ્રોત્સાહન ના મળે. મેં જોયું છે કે ક્યારેક કંઈક ખાવાનું આપવા માંડીએ, તો ના પણ પાડે. એમને પૈસા જ જોઈતા હોય, કારણકે તો એ લોકો સિગારેટ, દારુ કે માદક દ્રવ્યો ખરીદી શકે. રોજના રસ્તા પર એના એ ભીખ માગનારા પણ દેખાય, ને કોઈ કોઈ નાગરિકો એમની સાથે વાતો પણ કરતા જોવા મળે. અમેરિકાની બહાર રહેનારાં, કે જે એની સુખ-સંપત્તિની સ્પૃહા કરતાં હોય, અથવા એ નહીં મળતાં એની ઘૃણા કરતાં હોય, તે એક વાસ્તવિક સત્ય સમજવાનું ચૂકી જતાં હોય છે, કે અમેરિકાને પણ માટીના પગ છે. દુનિયાના બીજા દેશોની જેમ એને પણ અનેકવિધ મુશ્કેલીઓ અને સમસ્યાઓ હોય છે. બલ્કે વધારે હોય છે, કારણકે એની પ્રજા દુનિયાભરના લોકો અથવા જાતિઓની બનેલી છે, તેમજ એની નીતિ અત્યંત ઉદાર છે. પ્રત્યેક નાગરિક તેમજ અગંતુકની ચિત્ર-વિચિત્ર ભિન્નતાના ડંખ અમેરિકા સતત પામતું, વેઠતું, ને સહેવાની મથામણ કરતું રહે છે. બધીયે વક્રતાઓ અને ક્શતિઓ પછી એની આ વાસ્તવિકતામાં જ એની ગરિમા વસેલી છે.