દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૧. ગુજરાતી ભાષા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯૧. ગુજરાતી ભાષા

શાર્દૂલવિક્રીડિત વૃત્ત


શોધ્યું સંસ્કૃત દીક્ષિતે ભટુજિએ, અંતે તજી ગર્વને,
ભાષા સોરઠની છટાથી ભણવા, શિક્ષા કહી સર્વને;
જે શિક્ષા સઘળે પ્રમાણ ગણી છે, ગીર્વાણ વાણીશ્વરે,
તે ભાષા ગુજરાતી મધ્ય મુજને, આપી રુચિ ઈશ્વરે.

જે ભાષા નરસિંહ નાગર કવિ, શોધી ગયો સુલભે,
પ્રેમાનંદ ભટે વખાણી વળતી, ભાખી ભટે વલ્લભે;
દેવીદાસ, મિઠો, અખો, પ્રિતમ તે, સંખ્યા સિમા ના મળે,
કૃષ્ણે ને રણછોડ, કાન, રઘુએ, શોભાવી છે શામળે.

મનહર છંદ

જે વાણીથી નરસિંહ નાગરને નારાયણે,
પરમ પદવી સુધ્ધાં સોંપ્યો સિરપાવજી;
જે વાણીથી જગદંબા ભેટી પર વલ્લભને,
સુલ્લભ સકળ સુખનો દીધો દેખાવજી;
જે વાણીથી પ્રેમાનંદ સામળ પ્રીતમ અખો,
એવા અગણિત પામ્યા પ્રેમનો પ્રભાવજી;
કહે દલપતરામ તે વાણીથી તેમ મને,
કેમ નહિ રીઝે આજ રાજા ખંડેરાવજી.

ઇંદ્રવિજય છંદ

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
ભારતવર્ષ વિષે બીજી ભારતિ, માનવતીપણું માન તજાવું;
દેશ વિષે દલપત્ત કહે, ભભકો તુજ જો ભલી ભાત ભજાવું.

મનહર છંદ

ગીરા ગુજરાતીતણા પીયરની ગાદી પામી,
મુખ્ય તો મરાઠી માની દેખી દુખી દીલ છું;
અરજી તો આપી, દીઠી મરજી તથાપિ નહિ,
આવ્યો આપ આગળે ઉચરવા અપીલ છું;
માંડતાં મુકદમાને ચાર જણા ચુંથશે તો,
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું;
દાખે દલપતરામ ખુંદાવંદ ખંડરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.