દલપત પઢિયારની કવિતા/કાગળના વિસ્તાર પર
ધણથી છૂટા પડેલા ઢોર જેવા
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.
પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.
શબ્દની મૉરીએ કશુક ખેંચાઈ આવશે
એ આશાએ મથ્યા કરું છું, રોજ.
પણ આજ લગી
એકાદ ગલીનો વળાંક સુધ્ધાં
હું વાંચી શક્યો નથી.
હતું કે :
કાગળ–કેડી કોતરી લેશું,
કૂવો-પાણી ખેંચી લેશું,
એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઈ જશે અની ખબર નહીં;
બાકી નળિયા આગળ જ નમી પડત.
હજુયે કૌછું કે
મોભારે ચડવાનું માંડી વાળો,
આમ શબ્દો સંચાર્યે
કદી ઘર નહીં છવાય!
બારે મેઘ ખાંગા ત્યાં
નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!
તંગડી ઊંચી ઝાલીને
અંદર આવતા રો’
એકાદ ચૂવો આંતરી લેવાય ને
તોય ઘણું!