દલપત પઢિયારની કવિતા/જળને ઝાંપે
તું સમજે જે દૂર! તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને!
બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી
મૃગ ભટકે વનવને....તું સમજે
કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર;
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બા’રું બંદર;
નદી કૂંડીમાં ના’વા ઊતરે,
દરિયો ઊભે પને...તું સમજે
મળવું એ જ હો મનસૂબો તો નકશા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં;
સમું ઊતરે સામૈયું
તો રજની રેલે દને..... સમજે
મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંહ્યલી આકુળ વેળા
ગગન થવા થનગને....તું સમજે