દલપત પઢિયારની કવિતા/પડતર
આજનો જે ડ્રોઇંગ રૂમ છે
એ ભાગ
ત્યારે બાંધ્યા વગરનો ખુલ્લો હતો
ચોમાસામાં
મેં એમાં તુવર વાવેલી,
કાકડીના થોડા વેલા ચડાવેલા,
વચ્ચે વચ્ચે ગુવાર, ભીંડાની હારો કાઢેલી,
ગુંઠાના ચોથા ભાગ જેટલી જમીન હતી
પણ આખું ખેતર જાણે ઠલવાતું હતું!
આજે
એ આખો ભાગ બંધ થઈ ગયો છે,
માટી નીચે જતી રહી છે;
લીલી, નાની, ચોરસ ટીકડીઓ જડેલી
ગાલીચા-ટાઇલ્સ ખૂણેખૂણા મેળવતી
માપસર ગોઠવાઈ ગઈ છે!
શરૂઆતમાં એવું લાગતું હતું કે
માટી મારું મૂળ છે :
થોડા દિવસ લોહીમાં ખેતર જેવું
તતડ્યું પણ ખરું!
પણ પછી?
– પછી અહીં માટી પલળતી નથી,
તુવરની હારોમાં પવન વાતો નથી,
વેલા ચડતા નથી.
પાંદડા ઘસાતાં નથી.
હવે નક્કી છે કે
આ પડતરમાં તીડ પણ પડે એમ નથી!