દાદાજીની વાતો/૩. વિક્રમ અને વિધાતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. વિક્રમ અને વિધાતા

ઉજેણીનાં સુખદુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેશે ફરે છે. ઘૂમતાં ઘૂમતાં એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે. બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે. આજ છઠ્ઠા દિવસની રાત છે. થાકીને લોથપોથ થઈ ગયેલો રાજા વિક્રમ ઓશીકે હથિયાર મેલીને જંપી ગયો છે. બાયડીને માટે જે શેરો કર્યો હતો તે ખાઈ જઈને પેટે હાથ દઈ બ્રાહ્મણ પણ ઘોંટી ગયો છે. લુહારની ધમણ ધમતી હોય એવાં એનાં નાખોરાં બોલે છે. અને ભૂખ્યે પેટે પડેલી સુવાવડી બ્રાહ્મણીની આંખો પણ મળી ગઈ છે. બરાબર મધરાતે વિધાતા પધાર્યા. હાથમાં કંકુનો ખડિયો, કાને મોતીની લેખણ, અને કાંખમાં આંકડા ગણવાનો કોઠો. હળવે-હળવે-હળવે દેવી તો દાખલ થયાં. છોકરાની ખાટલી આગળ જઈ બેઠાં. ઘીનો દીવો બળે છે. વાટ સંકોરીને દેવીએ અંજવાળું વધાર્યું. બાળકની હથેળીમાં ને કપાળમાં મંડ્યાં રેખાઓ કાઢવા. શું શું લખ્યું? અરે રોજની પાંચ પાંચ શેર લોટની તાંબડી લખી : દાપા દક્ષિણાના દોકડા લખ્યા : કન્યા-ચોરીની કોરી લખી : ગોરપદાં ધોતિયાં લખ્યાં : એક સોળ વરસની ગોરાણી લખી : પણ જ્યાં આવરદાની રેખા તાણવા જાય, ત્યાં તો —  અરરર! વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ. પટ દઈને દેવી ઊભાં થઈ ગયાં. દીવડો ઝાંખો પડ્યો. અને વિધાતાએ કપાળ કૂટીને પાછાં હાલવા માંડ્યું. જ્યા ઓસરીમાં જાય ત્યાં કોઈ સૂતેલા માનવીનું શરીર ઠેબે આવ્યું. ઝબ દેતાં જાગીને એ માનવીએ વિધાતાના પગ ઝાલી લીધા. પૂછ્યું કે "કોણ છો તું? ડેણ છો? ડાકણ છો?” વિધાતા બોલી: "હે રાજા વિક્રમ! મને જાવા દે. હું ત્રણેય લોકનાં કરમ માંડનારી વિધાતા છું.” “વિધાતા દેવી! આંહીં શા સારુ આવેલાં?”

"બ્રાહ્મણના બાળકના છઠ્ઠીના લેખ લખવા.”

“માડી, શું શું લખ્યું?” “બાપ! કહેવરાવવું રે'વા દે.” “કહો નહિ ત્યાં સુધી ડગલુંય કેમ ભરવા દઉં? મારી ચોકી છે.” “વિક્રમ, બીજા લેખ તો રૂડા, કંકુવરણા; પણ આયખું અઢાર જ વરસનું. ભરજોબનમાં જ્યારે આ છોકરો ચોરીએ ચડી ચાર મંગળ વર્તતો હશે, તે ઘડીએ ચોથે ફેરે એને સાવજ ફાડી ખાશે.” સાંભળીને વિક્રમ તો થડક થઈ ગયો. "અરે હે વિધાત્રી! બ્રાહ્મણની દીકરીને ચોરીમાંથી જ રંડાપો મળશે? ઉગારવાનો કાંઈ ઉપાય?” “કાંઈ ઉપાય ને કાંઈ બુપાય!" એટલું બોલીને વિધાતા તો હાલવા મંડી. ત્યારે વિક્રમે વાંસેથી પડકાર્યું કે, "સાંભળતી જા, વિધાત્રી! આજ મારા ચોકીપહેરામાં તું ચોરી કરીને મને આશરો દેનારનું મોત લખી ગઈ છો, પણ તારાં લખ્યાં મિથ્યા કરું તે દી હા પાડજે. હું એને છાંયડે કાંઈ મફતનો નથી બેઠો.” વિધાતા તો હાલી ગઈ. સવાર પડ્યું ને વિક્રમ સાબદો થયો; શીખ લેતો લેતો કહેતો ગયો કે, "હે ગોર, દીકરાને પરણાવો ત્યારે ઉજેણીમાં કંકોતરી મોકલજો. મોસાળું લઈને હાજર થઈશ.” અઢાર વરસ તો પાંપણના પલકારા ભેળાં જ જાણે પૂરાં થઈ ગયાં. દરવાજે આવી બ્રાહ્મણ ઊભો રહ્યો. “હે મહારાજ, કંકોતરી લઈને આવ્યો છું.” “તૈયાર છું, હે ગોર, હાજર છું. હાં, થાય નગારે ઘાવ. સેના સજ્જ કરો. ભાણેજની જાનમાં જાવું છે.” સેના ઊપડી : જાણે દરિયાનાં મોજાં હાલ્યાં. “ખબરદાર! ઉઘાડી તરવારોના ઓઘા કરીને મંડપને વીંટી લ્યો. બંદૂકમાં ગલોલીઓ ધરબી ધરબી સળગતી જામગરીએ ગામને ઝાંપે ઊભા રહો. સાવજ આવે તો વીંધી નાખજો.” ગામમાં તો સૂ...નસાન! ઉજેણીનો રાજા એક બ્રાહ્મણના દીકરા સારુ થઈને વિધાતાના લેખમાં મેખ મારવા આવ્યો છે! આ...હા! ઉઘાડું ખડગ ઉગામીને રાજા માંડવામાં ઊભો છે ત્યાં તો સાદ પડ્યો : 'સમો વરતે સાવધાન!' એક ફેરો — બે ફેરા — ત્રણ ફેરા. અરે ભાર છે કોનો? હમણે ચોથું મંગળ વર્તી જાય, એટલે વિધાતાના લેખ ખોટા! પણ જ્યાં ચોથું મંગળ ફરવા જાય ત્યાં હુ-હુ-હુ-હુ કરતો છલંગ મારતો, પૂછડું ફરકાવતો સાવજ આવ્યો! વરરાજાની ગળકી ઝાલીને હરડિયો ચૂસી લીધો. ક્યાંથી? અરે આ કાળો ગજબ ક્યાંથી? ધરતી ફાડીને શું સાવજ નીકળ્યો? અરે, નહિ ધરતીમાંથી કે નહિ આભમાંથી; આ તો ચોરીના માટલા ઉપર ચીતરેલો સાવજ સજીવન થયો.અંતરીક્ષમાંથી વિધાતાએ અંજળી છાંટી. આહા! ડાલામથ્થો સાવજ! છરા જેવડા દાંત! માનવી એને ભાળીને ફાટી મરે. વરરાજાનું ડોકું ચૂસીને પાછો સાવજ માટલા- ચિતરામણમાં સમાઈ ગયો. વિક્રમ તો ઠીંકરા જેવો! વાઢો તો છાંટો લોહી ન નીકળે. ધરતી માતા મારગ આપે તો સમાઈ જાઉં! એવો ઝંખવાણો પડી ગયો. “ફિકર નહિ. રોશો મા ભાઈઓ, છાંટોય પાણી પાડશો મા. હે વરના બાપ! તારા દીકરાને છ મહિના મૂઓ મ સમજજે. અને હે વહુના બાપ! તારી દીકરીને છ મહિના રંડાપો મ સમજજે. છ મહિનાની અવધિ માંગું છું. અમીનો કૂંપો લઈને આવું છું. નીકર ઉજેણીનું રાજ ન ખપે. મડદાની અંદર મસાલો ભરી રાખીને એની આગળ અખંડ ધૂપ-દીવા બાળજો, છ મહિનાની વાટ જોજો, ઠાલે હાથે આવીશ તો તારા છોકરાની ભેળો જ હું ચિતામાં સળગી મરીશ.” એટલી ભલામણ દઈને વિક્રમે ઘોડો દોટાવી મૂક્યો. જાતાં, જાતાં, બાર ચોકું અડતાલીસ ગાઉનું જંગલ આવ્યું. વનમાં જાય છે ત્યાં તો મહા કાળઝાળ દાવાનળ બળે છે. અને એમાંથી કારમી ધા સંભળાય છે કે 'બળું છું રે બળું છું! અરેરે! અત્યારે રાજા વિક્રમ હોય તો મને ઉગાર્યા વગર રહે નહિ.” અહોહો! કોઈ દુખિયારું, મારું નામ લઈને પોકાર કરે છે.' જઈને જુએ ત્યાં એક નાગ : અગ્નિમાં બફાઈ ગયો છે. વિક્રમે ભડભડતી ઝાળમાં હાથ નાખીને એને કાઢ્યો. નાગ બોલ્યો: હે પરગજુ માનવી! તું કોણ છો?” “તું જેને સમરતો હતો તે જ રાજા વિક્રમ.” “આહા! હે રાજા! પરદુઃખભંજણા! મારા દેહમાં લાય હાલી છે. બે ઘડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે, મારી કાયાની બળતરા બેસી જાય એવો જ હું બહાર નીકળી જઈશ.” વિક્રમે તો મોં ઉઘાડું મેલ્યું એટલે સડેડાટ સિંદૂરિયો નાગ રાજાના પેટમાં બેસી ગયો. થોડી વાર થઈ. રાજા કહે, "ભાઈ, બોલી પ્રમાણે હવે બહાર નીકળ!” પેટમાં બેઠો બેઠો નાગ કહે છે કે "હવે રામરામ! આવું સુખનું થાનક મેલીને હવે હું બહાર નીકળું એવો ગાંડિયો નથી.” વિક્રમે વિચાર્યું: 'કાંઈ વાંધો નહિ. મારો આશરાધર્મ હું કેમ લોપું? ભલે એ પેટમાં બેઠો. મારે કસુંબાની ટેવ છે. પણ પીઉં તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છાંડે. માટે આજથી કસુંબો હરામ છે.' વિક્રમે અફીણ લેવું છોડી દીધું. પગ ઘસડતો ઘસડતો ચાલ્યો. પેટ વધી વધીને ગોળા જેવડું થયું. હાથપગ ગળી ગયા. આંખો ઊંડી જતી રહી. ઓળખ્યો ઓળખાય જ નહિ. પેટમાં વેદનાનો પાર નથી. શૂધબૂધ ભૂલેલો વિક્રમ એક નગરીની બજારમાં ટાંટિયા ઢસરડે છે. એમાં શું બન્યું? નગરીના રાજાને બે કુંવરી. બેયને માથે હાથ મેલીને બાપ પૂછે છે કે, "બોલો બેટા, તમે આપકરમણ કે બાપકરમણ?” મોટી બોલી કે, "હું તો બાપકરમણ, બાપુ!” નાની કહે કે, "બાપુ, સંસારમાં સહુ માનવી પોતાનાં કર્યાં જ પામે છે. કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂંસીયે ન શકે, તેમ ઉમેરીયે ન શકે. માટે હું તો આપકરમણ.” “એ...મ છોકરી! આવડો બધો તારો મદ! હાં, કોઈ છે કે?” કે' "એક કહેતાં એકવીસ.” “જાઓ, નાનેરી કુંવરીને રથમાં બેસારીને કાલ પ્રભાતને પહોર નગરીની બજારમાં જાઓ. કોઈ બાડો, બોબડો, અનાથ, અપંગ રોગી મળે તેની સાથે પરણાવી દ્યો. પછી જોઈએ એનું આપકર્મીપણું.” ગયા બજારે. ત્યાં તો હાટડીના ઓટા ઉપર વિક્રમ પડેલો. ડોળા ચડી ગયા છે. થોડો થોડો જીવ રહ્યો છે. ઘડિયાં લગન લઈને નાનેરી કુંવરીને એની વેરે પરણાવી. સાત પેઢીની જૂની વેલડી દીધી. ત્રણ ગાઉ હાલીને ઊભા થઈ રહે એવા બે માળવિયા બળધિયા દીધા. એક બાનડી દીધી. વેલ્યમાં બેસીને રાજકુંવરી તો વિક્રમની સાથે ચાલી નીકળી. બપોર થયાં ત્યાં વડલાને છાંયે વેલ્ય છોડી. શૂધબૂધ વગરના રાજાને ખોળામાં સુવાડીને રાજકુંવરી બેઠી છે. બાનડી જંપી ગઈ છે. રાજકુંવરી પોતાના રોગિયલ સ્વામીને શરીરે સુંવાળો સુંવાળો હાથ ફેરવે છે. થોડીક વારે સ્વામીનાથને નીચે સુવાડીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ. વાંસેથી શું થયું? વીર વિક્રમ પોઢ્યા હતા. મોઢું ફાટેલું હતું. ધીમે ધીમે એના પેટ માંયલો સિંદૂરિયો હવા ખાવા બહાર નીકળ્યો. રાજાના મોઢાની બહાર ડોકું કાઢીને જીભના લબકારા કરતો કરતો આમતેમ જુએ છે. ત્યાં તો અવાજ થયો કે “હે મૂઆ નુગરા! હે ભરફોડિયા!” ચમકીને સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ બેઠો બેઠો બોલે છે: "હે કજાત! તું નવ કુળ માંયલો નહિ.” સિંદૂરિયો ફૂંફાડીને જવાબ વાળે છે : "એલા કેમ ગાળો દઈ રહ્યો છો?”

"ગાળો ન દઉં? એલા, બીજો કોઈ ન મળ્યો તે પરદુઃખભંજણ વિક્રમના પેટમાં પેઠો? ધિક્કાર છે નુગરા! તારે માથે કોઈ ગુરુ નથી તેમાં ને?”

“હવે રાખ રાખ હરામી!" સિંદૂરિયો બોલ્યો: "તું યે કેમ કોઈકની માયાની માથે બેઠો છો? હું તો માયાને માથે બેઠો છું, કોઈની કાયાને માથે તો નથી બેઠો ને? હે પાપિયા! હમણાં કોઈક સવા શેર ઝેરકોચલું વાટીને વિક્રમને પાઈ દિયે તો તનેય ખબર પડી જાય! તારા કટકે કટકા થઈને બહાર નીકળી પડે.” “અને તુંયે ક્યાં અમરપટો લખાવીને આવ્યો છે? તેં મને ચોર છતો કર્યો છે, પણ યાદ રાખ; અધમણ તેલ ઊનું કરીને તારા રાફડામાં કોઈ રેડે એટલી જ વાર છે. તુંયે સોનાનું ઢીમ થઈ જા. અને સાત ચરૂ માયા દબાવીને તું બેઠો છે એ માયા પણ હાથ લાગી જાય.” એટલું બોલીને બેય નાગ સામસામા ફેણ ડોલાવતા ડોલાવતા પેસી ગયા : એક ગયો રાફડામાં ને બીજો વિક્રમના પેટમાં. પાણી ભરીને રાજકુંવરી આવી ગઈ હતી. એણે આ બેય નાગની વાત કાનોકાન સાંભળી. ઉઠાડી બાનડીને. “બાનડી! બાનડી! જા ઝટ બજારમાં. સવાશેર ઝેરકોચલું, અધમણ મીઠું તેલ અને લોઢાનું બકડિયું. એટલાં વાનાં લઈ આવ્ય.” મગાવેલી સામગ્રી હાજર થઈ. રાજકુંવરી વિચાર કરે છે કે આ વાત ખોટી હોય તો અરરર! મારા સ્વામીનાથને ઝેરકોચલું પાઉં અને એ મરી જાય તો? તો તો હું મહાપાપણી બનું, માટે પ્રથમ તો રાફડા માંયલા નાગનું પારખું કરું. તાપ કરીને કડામાં ધ્રફધ્રફતું તેલ ઊનું કર્યું. બેય જણીઓએ ઉપાડી રાફડામાં રેડ્યું. ત્યાં તો ફૂં! ફૂં! ફૂંકારા કરતો નાગ દોટ દઈને બહાર આવ્યો અને સોનાનું ઢીમ થઈને ઢળી પડ્યો. મંડ્યા રાફડો ખોદવા. ગોઠણ સમાણું ખોદે ત્યાં તો એક ચરુ — બે ચરુ — ત્રણ ચરુ — ચાર! એમ સાત પીતળના ચરુ! ઉઘાડે તો અંદર છલોછલ સોનામહોરો! રાફડા ઉપર ધૂળ વાળી દીધી. સવા શેર ઝેરકોચલું વાટ્યું. રાજાના મોઢામાં ધાર કરીને રાજકુંવરી ધીરે ધીરે ટોવા લાગી. જ્યાં પાશેર રસ પેટમાં ગયો ત્યાં તો મૂંઝાતો મૂંઝાતો સિંદૂરિયો નાગ દોટ કાઢીને બહાર નીકળી પડ્યો, અને એ જ ઘડીએ એના ત્રણ કટકા થઈ ગયા! દૂધ લઈને રાજકુંવરી ટોયલીએ ટોયલીએ વિક્રમના મોંમાં ટોવા મંડી. ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઊતરવા લાગ્યું તેમ હાથપગમાં જોર આવ્યું. બત્રીસ કોઠે દીવા થઈ ગયા. આળસ મરડીને વિક્રમ બેઠા થયા. બેઠા થઈને જુએ ત્યાં તો થડકી ગયા. “અરે હે રાજકુંવરી! આ શું કર્યું? સિંદૂરિયા નાગના ત્રણ કટકા! શી રીતે? કોણે માર્યો? રાજકુંવરીએ તો માંડીને વાત કહી દેખાડી. “અરરર! અસ્ત્રી! તમે મને મહાપાતકમાં નાખ્યો. મારે આશરે બેઠેલાની તમે હત્યા કરી!” નાગના કટકા વિક્રમે પોતાની ઢાલના ભંડારિયામાં મેલી દીધા. કેટલાય દિવસથી રાજા નાહ્યોધોયો નથી. કંચનવરણી કાયા કા...ળી મસ થઈ ગઈ છે. રાજતેજ ઝાંખા ઝાંખા લાગે છે. “હે સતી! મારે વાવમાં સ્નાન કરવું છે.” “પધારો સ્વામીનાથ! હું મારે હાથે જ તમને ચોળીને નવરાવું.” વાવમાં જાય ત્યાં તો અહાહા! આ રોવે છે કોણ? રેશમ જેવા સુંવાળા ને પાની ઢળકતા મોવાળા મોકળા મેલેલ : ગુલાબનાં ફૂલડાં જેવી આંખો સૂજી ગયેલી : આભૂષણો ઝંટીને વેરી નાખેલા : અને ચોધાર આંસુડે રોવે છે કે "હે મારા ભરથાર! હે સ્વામીનાથ!” વિક્રમ પૂછે છે: "હે સતી! તમે કોણ છો? વાવનાં પાણીમાં ઊભાં ઊભાં કેમ રોવો છો?” “રાજા, હું પાતાળલોકની નાગ-પદમણી છું. વાવના પાણીમાં અમારી મોલાત છે! મારા સ્વામી સિંદૂરિયા નાગ, એને કોઈએ મારી નાખ્યા.” “હાય હાય! હે સુંદરી! તમારા ધણીને મારનારાં તો અમે જ છીએ. આ જુઓ એના કટકા.” “ઓહો! હવે ચિંતા નહિ. મારા સ્વામીના કટકાને હું સજીવન કરીશ.” એમ કહીને પદમણી પાણીમાં ડૂબ।ઈ મારી પલકમાં તો પાછી આવી. હાથમાં અમીનો કૂંપો. ત્રણે કટકા સંધાડીને પદમણીએ ગોઠવ્યા પછી અમી છાંટ્યું. એક, બે, ને ત્રણ અંજળી છાંટી ત્યાં ઝડાપ દેતો સૂપડા જેવડી ફેણ ડોલાવતો મહાફણીધર સજીવન થયો, નાગને માનવીની વાચા ઊપજી: "હે અસ્ત્રી! હું ઘણો પાપી! આ રાજાએ મને દાવાનળમાંથી ઉગાર્યો. પોતાના પેટમાં પેસવા દીધો. અહાહા! કેવું શી...તળ એનું પેટ! પણ મેં પાપીએ બહાર નીકળવા ના પાડી. અને હું ન મરું માટે એણે અફીણ છોડ્યું.” કે' "હે વિક્રમ! માગ! માગ!” “માગું તો એટલું જ, હે નાગદેવતા! એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મર્યો છે. મારે માથે એની હત્યા ચડે છે. બે જ ટીપાં અમીનાં દઈશ?” “અરે બે ટીપાં શું? આખો કૂંપો લઈ જા ને!” અમીનો કૂંપો ઉપાડી અને રાણીને સાથે લઈ રાજા વિક્રમ ચાલી નીકળ્યા. છ મહિનાની છેલ્લી રાત છે. રાજાની વાટ જોવાય છે. મસાલો ભરીને રાખેલું શબ પડ્યું છે. ઘીની ત્રણ અખંડ દીવીઓ બળે છે. ધૂપના તો ગોટેગોટા. ત્યાં તો વિક્રમનો સાદ પડ્યો કે —  “અરે હે ભાઈ! જાગો છો કે સૂતા?” “જાગીએ છીએ, જે રાજા! છ-છ મહિનાથી જાગીએ છીએ. આંખનું મટકુંય નથી માર્યું.” એક, બે ને ત્રણ અંજળી અમીની છાંટતાં જ આળસ મરડીને બ્રાહ્મણનો દીકરો ઊભો થયો. વિધાતાએ સાદ દીધો કે "હું હારી, ને વિક્રમ જીત્યો.” ભાણેજને પરણાવીને રાજા-રાણી ઉજેણી આવ્યાં.

“અરે હે રાજા ભોજ! આવાં ઊજળાં કામાં કર્યાં હોય તો જ આ સિંહાસને બેસજે; નીકર તું તપીશ નહિ.” એટલી વાત કરીને પહેલી પૂતળી અબોલ બની ગઈ. ત્યાં તો ઝણણણ કરતી બીજી પૂતળીએ નાટારંભ આદર્યો અને માનવીની વાચા કરી હસતી હસતી બોલી : “સાંભળ હે રાજા ભોજ! આ સિહાંસન ઉપર બેસનાર રાજા વિક્રમની બીજી વાત કહું છું.”