દિવ્યચક્ષુ/૧૯. ફરી સળગેલી ચિનગારી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯. ફરી સળગેલી ચિનગારી

પ્રણયકલહે વહે આંસુ
ચૂમી ચાંપે હૃદય સ્વામિન્ !
અરે એ એક ક્ષણ માટે

જીવનનાં દાન ઓછાં છે !

સહુ ગયાં એટલે કૃષ્ણકાંત, સુરભિ અને રંજન એ ત્રણે જણ ઘરમાં રહ્યાં. રંજન કૃષ્ણકાંતને ઘણી જ વહાલી હતી. બહેન સારામાં સારું પહેરે, સારામાં સારું ઓઢે અને સારામાં સારું ભણે એ જોવાની ભાઈની અતિશય કાળજી રહેતી. બહેનની ઉદારતા આજે નિહાળી કૃષ્ણકાંતને સંતોષ થયો કે તેને માટે લીધેલી કાળજી નિરર્થક નીવડી નથી. રંજનને ખભે હાથ મૂકીને દાદર ઉપર તે વગર બોલ્યે ચડવા લાગ્યો.

સુરભિ પાસે જ હતી. તેને ઓછું આવ્યું :

‘શા માટે મારે ખભે હાથ મૂકી એ ઉપર ન જાય ?’

તત્કાળ તેને પોતાના વર્તનનું સ્મરણ થઈ આવ્યું. મંદિરાના અભ્યાસી પતિને અપવિત્ર ગણી કાઢી તેના સ્પર્શથી પોતે દૂર રહેવા મથતી હતી. દેહસ્પર્શ એ ઘણી વખતે હૃદયસ્પર્શનું મૂર્ત સ્વરૂપ છે. શું તેનું અને કૃષ્ણકાંતનું હૃદય પરસ્પર અડકતું બંધ થઈ ગયું હતું ?

ઝડપથી સુરભિનો હાથ લંબાયો; એ હાથે પતિના હાથને પકડી લીધો. ઊંડા વિચારમાં ઊતરી ગયેલા કૃષ્ણકાંતે એ હાથની બાજુએ જોયું, અને સુરભિને નિહાળી સ્મિત કર્યું.

એક-બે પગથિયાં આગળ ચડી તેણે રંજનને ખભેથી હાથ લઈ લીધો.

‘કેમ ભાઈ ! આમ ? મને થાક નહિ લાગે.’ રંજન બોલી ઊઠી.

‘પણ મારા બે હાથ હું રોકું તો પછી ચડતાં શી રીતે ફાવે ?’ કૃષ્ણકાંતે જવાબ આપ્યો.

‘હા…એમ છે કે ? ભાભી તો એવાં અદેખાં છે ! સારું, એમનો હક્ક વધારે એટલે એમનો હાથ ઝાલીને ચાલો !’ રંજને કહ્યું.

‘ના ના, રંજનબહેન ! એમ નહિ. મારા મનમાં કે…’ સુરભિ જરા શરમાઈને બોલવા ગઈ તેને અટકાવી રંજને કહ્યું :

‘તમારા મનમાં શું છે તે હું જાણું છું; કહેવાની જરૂર નથી. આ હું આઘી ખસી. હવે બસ ?’

‘રંજન ! ધનસુખકાકા આમ આપણને જુએ તો ?’ વાત પલટી નાખવા કૃષ્ણકાંતે પૂછયું.

‘મારી જ નાખે ! તે દિવસે એમને ઘેર એક જ સોફા ઉપર આપણે બેઠાં હતાં ત્યારે કેવા લડયા હતા ? “એક જ સોફા ઉપર બેઠા સિવાય તમે ભાઈબહેન છો એમ બધા જાણે શી રીતે ?” એમ એમણે મોઢે જ કહ્યું.’

‘અને તે દિવસે મેં સુરભિનું નામ દીધું ત્યારે કેવા ખિજાયા હતા ? “બહુ થયું હવે ! સુરભિ સુરભિ શું કર્યા કરે છે ? નામ દીધા વગર નહિ ચાલતું હોય ! બહુ વહાલ ચૂઈ જાય છે તે !” બરાબર ?’ કૃષ્ણકાંતે હસતાં હસતાં ધનસુખલાલની નકલ કરી.

સુરભિ વિચારમાં પડી. સ્નેહચેષ્ટાની ભારેમાં ભારે સ્વતંત્રતા ભોગવવા છતાં એ કૃષ્ણકાંતનો સ્નેહ જાળવી શકી હશે કે કેમ ? આવો હસમુખો, મોજીલો, ઉદાર અને રસજ્ઞ પતિ સહજ મદ્યપાનની ટેવ રાખે તેથી તે પ્રેમને માટે અપાત્ર બની જવા જોઈએ ?

પોતાના અત્યાર સુધીના વર્તનમાં સુરભિ કાંઈ બૂલ કરતી હતી એમ તેને જ લાગ્યું. આપણા સંબંધીઓ પાસેથી આપણે સંપૂર્ણતા ઈચ્છીએ છીએ – નહિ, સંપૂર્ણતા હક્ક કરીને માગણીએ છીએ, એ શું વધારે પડતું નથી? અલબત્ત, દોષ એ દોષ જ છે, અને સંબંધ જેમ વધારે નિકટ તેમ આપણે સંબંધીમાં ઓછું દૂષિતપણું માગીએ છીએ. પતિ અને પત્ની વચ્ચેના સંબંધ કરતા વધારે નિકટપણું હજી માનવજાતે વિકસાવ્યું નથી. તેથી જ પતિનો અને પત્નીનો સહજ દોષ અસહ્ય થઈ પડયો લાગે છે. બહાર રખડવાની ટેવવાળો પતિ ઘરમાં કેમ વધારે વાર બેસતો નથી એવા વિચાર કરી કેટલી પત્નીઓ સુકાઈ જાય છે ? પરંતુ ઘરમાંથી બહાર ન નીકળતાં ચોવીસે કલાક સામો બેસી રહેનાર પતિ ઘરકૂકડી મટી એકાદ કલાક પણ ઘરમાંથી ખસે એવી પ્રાર્થના કરનાર પત્નીઓ પણ ઓછી નથી હોતી ! હસમુખી, બોલકણી પત્ની પાડોશીઓ, મિત્રો, ઓળખીતા – વગર – ઓળખીતા સહુની સાથે વાતમાં રોકાઈ ખમીસનાં બટન ભરવી આપવામાં ઢીલ કરે ત્યારે પતિને એવી જ પ્રાર્થના કરવી પડે છે કે તેની પત્ની સાતે વાર મૌનવ્રતનો અંગીકાર કરે ! પરંતુ મહામુસીબતે એક અક્ષર બોલતી, હાસ્યથી અપરિચિત, ઢાંકેલા દીવા સરખી અશાંતિ શાંતિ ફેલાવતી જેને મળી હોય તે પતિ થોડા સમયમાં ઝેર ખાવા તત્પર થાય છે એ પણ અજાણ્યું નથી.

આમ પરસ્પર સંપૂર્ણતા ઈચ્છતાં દંપતી સહજ ભૂલોમાં જીવનને ઝેરભર્યું બનાવી દે છે. તેઓ ભૂલી જાય છે કે અતિસામીપ્યને લીધે ઝીણાન ગણકારવા સરખા દોષોને તેઓ વગરજરૂરનું મહત્ત્વ આપી દે છે. સદ્ગુણોની યાદીમાં તેઓ એક મહત્ત્વનો ગુણ ઉમેરવો ભૂલી જાય છે : સામાની ભૂલો – સામાના દોષો સહી લેવા – જતા કરવા એ ગુણ પણ સચ્ચાઈ, ભલાઈ, પવિત્રતા કે ઉદારતા સરખો ઊંચા પ્રકારનો ગુણ છે. ઉદારતાનો તે એક પ્રકાર છે. તેઓ એક મોટામાં મોટી – સહુને દેખાઈ આવતી – કુદરતની ઘટનાને પોતાની જ બાબતમાં વિસારી દે છે; રૂપ, રંગ, બુદ્ધિ અને સદ્ગુણમાં કુદરત કદી સંપૂર્ણતા આપતી નથી. સંપૂર્ણતા જ્યાં દેખાય ત્યાં ભ્રમરૂપ છે – અકુદરતી છે – અગર ઈશ્વર આ જગતમાં તેમ જ એ જગતનાં માનવીનાં પણ કેટકેટલાં દૂષણો ચલાવી લે છે !

પતિને માથે અત્યારે ભયંકર આફત હતી. તે અમીરીમાંથી ગરીબીમાં ઊતરી પડયો હતો. જન્મથી જ સુખ અને વિલાસમાં ઊછરેલો, સહજ વિચિત્ર પણ સંસ્કારી, મદ્યપી છતાં સહૃદય પતિ આફતને સહન નહિ કરી શકે ત્યારે ? આફતમાં આવેલા ધનિકો ઘણુંખરું આપઘાત કરે છે એ સુરભિ જાણતી હતી. કૃષ્ણકાંતના મનમાં પણ એ વિચાર કેમ સ્ફુર્યો ન હોય ? શોખ પૂરતું મદ્યપાન – એ સિવાય બીજો કયો દોષ તેનામાં હતો ? નિર્વ્યસની ગણાતા કેટકેટલા પતિઓની કઠોરતા તેમની પત્નીઓને વેઠવી પડતી હતી ? નિર્વ્યની પણ નિષ્ઠુર પતિ સારો કે વ્યસની છતાં સહૃદય પતિ સારો ?

સુરભિને કૃષ્ણકાંત માટે કોઈ અજબ મમત્વ ઉત્પન્ન થયું.

‘છો દારૂ પીતા ! એમાં કોઈને શું ?’

તેના મનમાં વિચાર આવ્યો. ખરે, કોઈને એમાં કશું જ નહોતું. ખરેખરી ફરિયાદ તો સુરભિની પોતાની હતી; પરંતુ તે ભૂલી ગઈ. અને પતિના વ્યસનને સહી લેવા જ નહિ; પરંતુ તેનો બચાવ કરવાને પણ તે તત્પર થઈ.

પતિપત્નીનો હૃદયસંયોગ સાધનાર આફત આશીર્વાદરૂપ બની જાય છે.

‘ક્યાં જાઓ છો ? અંદર ચાલો ને !’ ઉપર આવી કૃષ્ણકાંત સાથે તેની ઓરડીમાં પ્રવેશ કરતાં સુરભિએ રંજનને કહ્યું. રંજન આગળ ચાલી જતી હતી.

‘ના રે ! તમારા હક્ક ઉપર કોણ પાછું તરાપ મારે ? આમે સાસુનણંદ ઉપર જૂનો જમાનો રીસે બળતો હતો, તેમાં નવા જમાનાને ગાળો દેતો ક્યાં બનાવું ?’

‘અમે ગાળો દેતાં હોઈશું ખરું ને ? કોઈ દહાડો સાંભળી છે ?’

‘મનમાં તો દ્યો છોસ્તો !’ કહી રંજન આગળ ચાલી ગઈ.

ભાભી અને નણંદ ઘણી વાર ટપાટપી કરતાં. કૃષ્ણકાંતની દારૂની ટેવ સુરભિને પતિથી દૂર ખેંચ્યા કરતી હતી તે રંજન જાણતી હતી; તેવું ન બને એ માટે પત્નીમાં પતિ માટે વહાલ ઊભરાયા કરે એવા જ પ્રસંગો અને એવી જ વાતચીત તે રચ્યા કરતી હતી. બંને વચ્ચે બહુ જ સાચાં સહીપણાં જાગ્યાં હતાં.

કૃષ્ણકાંત બેદરકાર દેખાવ ધારણ કરી સોફા ઉપર અઢેલીને બેઠો હતો; પરંતુ તેની જાગૃત બની ગયેલી પત્નીને તેના મુખ ઉપર ગમગીનીની આછી છાપ દેખાઈ આવી.

‘કેમ, સિગાર સળગાવવી નથી ?’ સુરભિએ પૂછયું.

કૃષ્ણકાંતના મુખમાં સીગાર હતી; પરંતુ તે ક્યારની હોલવાઈ ગઈ હતી. કૃષ્ણકાંતને તેનો ખ્યાલ રહ્યો લાગતો નહોતો.

‘Oh ! I see !’ હસીને કૃષ્ણકાંતે કહ્યું. ‘દીવાસળીની અજબ કરામતવાળી પેટી તેણે કાઢી અને સિગાર સળગાવી. બંને જણા વગરબોલ્યે થોડી વાર બેસી રહ્યાં.

‘જમવાનો વખત થઈ ગયો છે.’ સુરભિએ સાડા નવનો ટકોરો ઘડિયાળમાં સાંભળી કહ્યું.

‘આજે જમવું નથી.’

‘કેમ ?’

‘ભૂખ નથી.’

‘ભૂખ ન હોય તોયે જમવું પડશે.’

કૃષ્ણકાંતની દિનચર્યામાં આજ સુધી ભાગ્યે જ રસ લેતી તેની પત્ની આજે આમ જમવાનો આગ્રહ કરી હતી એ જોઈ કૃષ્ણકાંતને નવાઈ લાગી.

‘મારું તો ઠીક છે, પણ તું કેમ બેસી રહે છે ? જમીને સૂઈ જા, નહિ તો શરીર વધારે બગડશે.’

‘તમારા જમ્યા પછી હું જમીશ.’

‘Orientalising so fast? Oh ! The Indian wife !’

સુરભિ અંગ્રેજી ઉચ્ચાર અંગ્રેજી ઢબે બોલતા સાંભળી હસી.

કૃષ્ણકાંતની સિગાર પાછી હોલવાઈ ગઈ હતી. સુરભિનું ધ્યાન તે તરફ ખેંચાયું. સુરભિને વારંવાર પોતાની તરફ નિહાળતી જોઈ કૃષ્ણકાંતને પણ સિગાર હોલવાયાનો ખ્યાલ આવ્યો. તેણે સિગાર હાથમાં લઈ ઉપર રાખોડી આંગળીથી ખેરવી નાખી અને સિગાર બારીમાંથીક દૂર ફેંકી દીધી.

‘આજે દેશી ઢબે જમીએ તો ?’કૃષ્ણકાંતે કહ્યું.

સુરભિને લાગ્યું કે કૃષ્ણકાંત ગરીબી માટે તૈયારી કરે છે. દેશી ઢબનું ખાણું – બીજી બધી દેશી વસ્તુઓની માફક – પરદેશી ઢબના કરતાં વધારે સોઘું પડે છે.

પતિ આવી ગરીબીની તૈયારી કરે એ પત્નીને રુચ્યું નહિ.

‘ના ના; તમને જેમ ફાવતું હોય તેમ જ કરો ને ! મેં બધી તૈયારી કરાવી રાખી છે.’

‘એમ ! તારામાં આટલી બધી સ્ફૂર્તિ ક્યાંથી આવી ગઈ ? ચાલ ત્યારે, હું જમી લઉં.’

કૃષ્ણકાંતે ઊભા થઈ ચાલવા માંડયું. સાહેબશાહી ઢબે જમવા માટે જુદા ઓરડાની અને જુદાં ફર્નિચરની જરૂર પડે છે. કૃષ્ણકાંતે વિચારમાં ને વિચારમાં પોતાની પાછળ આવતી સુરભિને જોઈ નહિ. આજુબાજુ જોયા સિવાય તે સીધો જમવાના ઓરડામાં જઈ ખુરશી ઉપર બેઠો. સામે મેજ ઉપર બંને હાથ મૂકી તે ઉપર તેણે પોતાનું મસ્તક ટેકવ્યું. કાચની રકાબી ખખડી છતાં તેણે હાથ ખસેડયો નહિ. પાછળથી સુરભિએ આવી તેના માથા ઉપર હાથ ફેરવીને પૂછયું :

‘કેમ આમ ? જમવું નથી ?’

કૃષ્ણકાંત સાવધ થયો. પોતે ઊંડા વિચારમાં ઊતરી ગયો હતો એ બતાવવું એને ઠીક ન લાગ્યું.

‘કાંઈ નહિ; આજે જરા થાક લાગ્યો. બીજું કશું નથી.’

સુરભિએ બટલરને જમણ લાવવા હુકમ કર્યો.

‘તને આ ખાણું ગમતું નથી; પછી તું શું કરવા અહીં આવી ?’

‘અમસ્તી જ.’

‘તો હવે જવું નથી ? તને થાક લાગશે.’

‘નહિ લાગે.’

‘તારે જમવાનું મોડું થશે.’

‘હરકત નહિ. હજી તો રંજનબહેન ગાય છે.’

રંજન દિલરુબા સાથે ધીમે ધીમે ગાતી સંભળાઈ :

પાયલ મોરી બાજે ઝનક ઝનક !

કેસે કર આવું તારે પાસ, સજન ?

વિકળતાથી અસ્થિર બનેલા ચિત્તને શાંત દેખાડવા મથતી નિશા બિહાગના આર્જવભર્યા સૂર-આંદોલનો પાઠવી નિશાનાથને બોલાવતી હોય એમ રંજનના ગાનથી ભાસ થયો.

દૂર ચંદ્રોદય પણ થયો.

વાત કર્યા વગર નીચું જોઈ જમતા કૃષ્ણકાંતની પાસે કોઈએ કાચનો નાનો સુંદર પ્યાલો મૂક્યો. કૃષ્ણકાંતે ઊંચે જોયું. સુરભિ એક શીશો હાથમાં લઈ ઊભી હતી ! સુરભિના મુખ ઉપર સ્મિત રમતું હતું.

કૃષ્ણકાંત કદી ન અનુભવેલી ચમક અનુભવી. તેને માથે આવી પડેલી ધનની આફતે તેના દિલને આટલું બધું હલાવ્યું નહોતું.

‘સુરભિ ! આ તું શું કરે છે ?’ કૃષ્ણકાંત બોલી ઊઠયો.

‘કાંઈ નહિ. તમે આરામથી જમો.’ સુરભિએ ખાલી હાથ વહાલથિ કૃષ્ણકાંતના ખભા ઉપર મૂકી કહ્યું.

‘પણ આ તો દારૂ છે !’

‘છો રહ્યો.’

‘અરે પણ તું તારે હાથે આપે છે ?’

‘મારે હાથે આપીશ તેથી એ અણભાવતો નહિ થાય ને ?’

‘ના ના; હું નહિ પીઉ.’

‘મારા સમ ન પીએ તેને !’

કૃષ્ણકાન્ત જમતાં જમતાં ઊભો થયો. સુરભિને બંને હાથ વચ્ચે લઈ દબાવી તેણે કદી નહિ લીધેલું એવું ભાવભર્યું ચુંબન લીધું. સુરભિ ભાન ભૂલી ગઈ. તેને લાગ્યું કે પોતે ચંદ્રકિરણોમાં તરે છે !

રકાબીમાં બીજી ખોરાકની વાની લઈ આવતો બટલર અટક્યો, જરા હસ્યો, પાછો ફર્યો. અંદરના બારણામાંથી તે છાનોમાનો આ ચુંબનવિપ્લવ નિહાળતો હતો તે માટે તેને પ્રેમનો દેવ ક્ષમા કરશે ?

‘હું જ હવે રોજ આપીશ.’ સુરભિએ પતિની બાથમાંથી છૂટી કહ્યું.

‘અને તું એમ ધારે છે કે તને ન ગમતો આસવ હું પીધા જ કરીશ, ખરું ? Hang it all !’ કહી પ્યાલો અને શીશો કૃષ્ણકાંતે બારીમાંથી ફેંકી દીધા.

સુરભિ જોઈ રહી.

રંજન હજી ગાયા કરતી હતી-

પાયલ મોરી બાજે ઝનક ઝનક !-