દિવ્યચક્ષુ/૩૮. આંખનાં ઊંડાણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૮. આંખનાં ઊંડાણ

રૂંધાયેલું ચિત્ત બધું હતું એ
કો એક અશ્રુમય તાન માંહી,
આ વિશ્વના બાહ્ય પદાર્થ સર્વે
જેને દિસે સુસ્ત સ્મશાન જેવા.

−કલાપી

અરુણ જાગ્યો; કેટલાક દિવસની બેભાની પછી તે જાગ્યો. ‘હું છું’ એવું પ્રથમ ભાન તેને થયું અને તેણે પોતાની આંખ ઉઘાડી. તેને કાંઈ સમજાયું નહિ. તેણે આંખો મીંચી દીધી.

‘હું ક્યાં છું ?’ તેના હૃદયે પ્રશ્ન પૂછયો.

એ પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે ? આંખ.

અરુણે આંખ ઉઘાડી; ફરી વાર તેણે આંખ ઉઘાડી.

‘કેમ આંખ ઊઘડતી નથી ?’ અરુણ જરા અકળાયો. તેણે આંખ ઉઘાડી પોપચાને સ્થિર રાખ્યું.

‘તોય દેખાયું નથી ? એ શું ?’

તેણે ઝડપથી હાથ ઉપાડી આંખ ઉપર ફેરવ્યો. હાથ દુખતો લાગ્યો. કોઈએ મૃદુતાથી એ હાથને આંખેથી ખસેડી પાછો પથારીમાં મૂક્યો.

‘આંખે પાટો તો છે નહિ. પછી દૃષ્ટિ કેમ ઊઘડતી નથી ?’

તેણે મસ્તક ફેરવ્યું અને આંખ ઉઘાડી. કદાચ બીજી પાસ જોવાનું આંખને અનુકૂળ પડે તો !

તે પાસ પણ કાળાશનો ઢગલો !

તેનું હૃદય ધબકી ઊઠયું. તે અથાગ પાણીમાં ડૂબતો હોય એવો તેને ગૂંગળાટ થયો. ડૂબતો માણસ હાથપગ પછાડી પાણી ઉપર આવવા મથે તેમ તે હાથ અને માથું હલાવી ચારે પાસથી રૂંધતા અંધકારની ઉપર આવવા મથ્યો. તેના હલનચલનને કોઈ કુમળો સ્પર્શ રોકતો હતો. પણ એ કોનો સ્પર્શ ? તેનો શ્વાસ ભરાઈ ગયો, હૃદયધબકારા વધી ગયા, પાંપણો ઝડપથી ઊઘડી મીંચાવા લાગી.

‘અરે, અરે ! હું ક્યાં છું ?’ તેનાથી છેવટે બૂમ પડાઈ ગઈ. નમ્યું ન આપનાર શૂરવીરે નિરાધારતા અનુભવી.

ત્રણ-ચાર કંઠનાં ડૂસકાં સંભળાયાં.

તેણે આંખ ઉઘાડી ડૂસકાં ખાનાર કોણ હશે તે જોવા ધાર્યું. હઠીલી આંખ કાંઈ જ જોતી નહોતી.

અંધકાર ! અંધકાર !!

‘મને લે, દેખાતું નથી ?’ તેણે ફરી પૂછયું. કોઈનો જવાબ સંભળાયો નહિ; માત્ર ડૂસકાં ચાલુ હતાં. તેણે આમ વગરબોલ્યે ડૂસકાં ખાતી વ્યક્તિઓને ઓળખવા સચેત પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન નિષ્ફળ નીવડતાં તે બૂમ પાડી ઊઠયોઃ

‘મારી આંખો ક્યાં ગઈ ?’

પાંચેક ક્ષણ કોઈ કાંઈ બોલ્યું નહિ. દાઝેલો અરુણ દવાખાનાના એક ઓરડામાં પડયો હતો અને તેની આસપાસ તેના સ્નેહીઓ વીંટળાઈ વળ્યા હતાં. આજ સુધી તે બેભાન હતો. એક-બે દિવસથી તેનામાં ચેતનનો સંચાર લાગતો હતો. અરુણ ગમે તે ક્ષણે જાગશે એ આશાએ કોઈ ત્યાં ખસતું નહિ; પરંતુ એક જાગશે ત્યારે શું થશે – તે શું કહેશે – તેની ક્ષણે ક્ષણે થતી અધીરાઈ મહામુસીબતે સહુએ દાબી રાખી હતી. અરુણ જાગ્યો. એ ક્ષણ આવી. સહુના જીવ અધ્ધર ટીંગાયા. ડૉક્ટરે અરુણની આંખ બદલ આશા મૂકી દીધી હતી.

પ્રાણ લેવા ધસતા અગ્નિએ માત્ર આંખો ખૂંચવી અરુણને જીવતો મૂક્યો. પણ અરુણ એ જાણશે ત્યારે ?…અરે! એણે લગભગ જાણ્યું જ કે તેની આંખો તેને જડતી નહોતી.

અવાજમાં ઘૂસી જતા થડકાને મહામહેનતે અટકાવી રાખી કૃષ્ણકાંતે કહ્યું ;

‘Now Arun ! Old boy ! Face it bravely.’

અરુણે કૃષ્ણકાંતના ઉચ્ચાર ઓળખ્યા. તેણે કૃષ્ણકાંતને જોવા મથન કર્યું. આંખ પોતાનું કાર્ય ભૂલી ગઈ હતી. અરુણે હાથ લાંબો કર્યો, પણ હાથ કાંઈ જોઈ શકે છે ? હાથ પથારીમાં પછડાયો. અરુણે તેને પછડાવા દીધો.

એક ક્ષણ-બેક્ષણ તેણે વિચારી જોયું કે કૃષ્ણકાંતના કથનનો શો અર્થ થાય છે પછી તે બોલ્યો :

‘ત્યારે મારી આંખો ગઈ જ ! નહિ ?’

અરુણને દયામણે અવાજે બોલતાં કોઈએ સાંભળ્યો નહોતો. અત્યારે તેનો કંઠ ગદ્ગદ બની ગયો; એટલું જ નહિ, તેની આંખના ખૂણામાં પાણી ચમકી રહ્યું.

આંખ દેખે નહિ, પણ રડે તો ખરી જ. જગતની સાથેનો સંબંધ તોડી નાખે; પરંતુ જેનું તે અંગ છે તેના હૃદય સાથેનો સંબંધ તો શી રીતે તોડે ?

આખો ઓરડો રડી રહ્યો. કૃષ્ણકાંતે ખુલ્લી રીતે રૂમાલ આંખે દાબ્યો. કંદર્પ ત્યાંથી બહાર દોડી ગયો. ધનસુખલાલે દુપટ્ટા વડે મુખ લૂછવા માંડયું. જનાર્દને અશ્રુ ઢાંકવાની જરા પણ જરૂર વિચારી નહિ. અરુણના પિતાને દવાખાને લાવી શકાતા જ નહિ. પુત્રના રાઈ રોગ સઘળા પોતાના ઉપર ઊતરે અને પુત્ર બચે એવી ઝંખનામાં તેઓ માંદા પડી ગયા હતા. સુશીલા અને સુરભિ તો ક્યારના એકબીજાને ખભે માથાં ઢાળી રડતાં હતાં. પથારી પાસે કઠણ મન કરી બેસી રહેલી પુષ્પા અરુણનો આ તલસાટ વેઠી શકી નહિ; તેણે પણ હાથ પર માથું નાખી દીધું.

જગતને બાથમાં લેવા ધસતો માનવી કોઈ કોઈ વખત પોતાની મર્યાદાઓ નિહાળે છે ત્યારે તે ગરીબડો બની જાય છે.

જરા દૂર બેઠેલ ધના ભગત થોડી વારે બોલ્યા :

‘ભાઈ ! બેટા અરુણ! ના અકળાઈએ. ભગવાને આંખ આપી અને એણે લઈ લીધી. એની મરજી! આપણે શું? અરુણને લાગ્યું કે કોઈ ફરિસ્તો તેને હાથ દેવા આવ્યો છે. રુદનભર્યા કંઠે તેણે કહ્યું :

‘પણ આંખ વગર હું કેમ જીવીશ ? મને શું કામ જિવાડયો ?’

‘જો દીકરા ! પ્રભુએ આંખ લઈ લીધી તો તને અંગેઅંગ આંખ ઊઘડશે. આંખ બંધ કર્યે જ દેખાય તે સાચું. ઉઘાડી આંખ તો ભુલભુલામણી છે. કહે બેટા ! તેં જોયેલું તને શું દેખાતું નથી ?’

આંખ આગળ અંધારાં હતાં છતાં તેણે રમતી રંજન જોઈ, ગંભીર પુષ્પા જોઈ, વહાલભરી સુરભિ જોઈ અને સફાઈભર્યા કૃષ્ણકાંત જોયા. એ કેમ બન્યું ? તેની આંખ તો ફૂટી ગઈ હતી. ત્યારે આ બધી ઘટમાળ તે કેવી રીતે જોઈ શકતો હતો ? માનવીને કેટલાં ચક્ષુ ? ચર્મચક્ષુ તો ગયાં.

‘તોય હું જોતો હોઉં એમ કેમ લાગે છે ?’ અરુણના હૃદયમાં ધના ભગતે પ્રશ્ન પ્રેર્યો.

નાનકડી મોજડીમાં નાનકડા પગ ટપટપ દોડતા સંભળાયા. તેની મીંચેલી ન દેખાતી આંખે પણ એક બાળક દોડતું જોયું.

‘કોણ હશે ?’ આંખથી જોવા માટે ટેવાયેલા અરુણે આંખ ખેંચી. અંધારું ઘોર !

‘મમા, મમા ! જાગે છે. આવ, આવ.’ કોઈ કુમળી વાણીમાં અંગ્રેજી શબ્દો ઊતર્યા.

એક નાનકડી અંગ્રેજ બાલિકાનું દૃશ્ય અરુણની આંખ આગળ ચીતરાયું.

કોઈએ ધીમી સિસકારીથી બાળકીને મોટા તીણા સાદે બોલતાં રોકી.

‘હું ધીમે બોલીશ, પણ મને એમની પાસે જવા દે, મમા !’ બાળકીનો ઉચ્ચાર સંભળાયો.

‘કૃષ્ણકાંત ! કોણ આવ્યું ? ‘ ધીમે રહી અરુણે પૂછયું.

કૃષ્ણકાંત જવાબ આપે તે પહેલાં તો છોકરી બોલી ઊઠી :

‘એ તો હું છું. એટલામાં ભૂલી ગયા ? હા, હા. પણ તમે બહુ દાઝી ગયા હતા. મને તુર્ત મટી ગયું. હું રોજ તમને જોવા આવતી, પણ મમા અને પપા મને તમારી પાસે આવવા જ નહોતાં દેતાં. હવે હું રોજ તમારી પાસે આવીશ. હું કેવી તમને બાઝી પડી હતી ?’ છોકરી બોલતે બોલતે હસી પડી. છોકરીને ખૂબ બોલવું હતું.

અરુણના હૃદયે અગ્નિસ્નાનનો પ્રસંગ ઉકેલ્યો. બનાવોની કડીઓ ગોઠવાઈ ગઈ. જે છોકરીને બચાવતાં તે ભાન ભૂલ્યો હતો – જેને બચાવતાં તેણે આંખો ખોઈ હતી – તે જ એ છોકરી હતી. અરુણને છોકરી ઉપર વહાલ આવ્યું. એ તો જીવ સાટે બચાવેલી બાળકી હતી !

‘એને મારી પાસે બેસાડો.’ અરુણે કહ્યું.

પુષ્પાએ પોતાની ખુરશી ઉપર છોકરીને બેસાડી.

‘તું ક્યાં બેઠી છે ?’ અરુણે પૂછયું.

‘આ રહી. ખુરશી ઉપર છું ને ! જોતા નથી !’

‘મારી પાસે આવ, ખાટલા ઉપર.’

છોકરી ત્વરાથી ખાટલા ઉપર બેસી ગઈ. અરુણે હાથ લાંબો કરી બાળકીના દેહ ઉપર ફેરવવા માંડયો.

‘હવે તમને મટી ગયું ને ?’ છોકરીએ પૂછયું.

‘તારે જાણીને શું કામ છે ?’

‘મારે તમને ઘેર લઈ જવા છે.’

‘શા માટે ?’

‘મારાં રમકડાં બતાવવાં છે. અંહ ! આપણે આગ આગ રમીશું. તમે મને બચાવી તેમ હું પણ પૂતળી બચાવી લાવીશ. પણ ભાઈ! આટલું બધું તમારા જેવું દાઝવાનું નહિ, હોં !’ છોકરી ગંભીરતાથી પોતાની યોજના વર્ણવતી હતી.

અરુણને પહેલી વાર હસવું આવ્યું. તેણે બાળકીના ગાલ ઉપર હળવી લપડાક મારી, પણ તે વાગી નહિ. તેણે ફરી બાળકીના દેહ ઉપર હાથ ફેરવવા માંડયો. હાથ જાણે અંધારામાં ફરતો કંઈ ફંફોસતો હોય એમ તે છોકરીને લાગ્યું.

‘કેમ ? આમ કેમ કરો છો ? જાણે દેખતા ન હો તેમ !’ છોકરી બોલી. તેનાં માબાપે દાંત પીસ્યા. કેદખાનાનો ઉપરી પોલીસ-અમલદાર અને તેની સ્ત્રી દરરોજ અરુણને જોવા સાંજસવાર આવતાં હતાં. આખા કુટુંબને અગ્નિદાહમાંથી ઉગારનાર હિંદવાસીનો ઉપકાર ભૂલે એવાં એ અંગ્રેજ દંપતી નગુણાં નહોતાં. અંગ્રેજો રાક્ષસો નથી – પછી ભલે તેમના રાજ્યતંત્રમાં રાક્ષસીપણું પેસી ગયું હોય.

‘તું ખરું કહે છે; હું દેખતો નથી.’ અરુણે લાચારીભર્યા અવાજે કહ્યું.

‘આમ આવ, નઠ્ઠારી છોકરી !’ બાળકીને બાએ બૂમ મારી.

પણ બાળકી તો અરુણના મુખ સામે જોઈ રહી હતી. જરા રહી તેણે બે-ત્રણ ચાળા કર્યા. એક ક્ષણ તેણે પોતાની આંખો મીંચી દીધી. ફરી આંખો ઉઘાડી, તેણે એક આંખ મીંચી. વળી પાછી મીંચેલી આંખ ઉઘાડી તેણે બીજી આંખ મીંચી.

સહુ કોઈ બાળકીના વાંદરાવેડા જોઈ રહ્યાં. બાળકીએ પૂછયું :

‘તમે ખરેખર દેખતા નથી ?’

‘ખરેખર ! હું તને કે કોઈને જોઈ શકતો નથી.’

‘હું એક આંખે જોઈ શકું છું. અને મારે બે આંખો છે. મારી એક આંખ આપું તો તમને ન ફાવે ?’

બાળકી બોલી. બાળકી મૂર્ખ હતી, પણ તેની મૂર્ખાઈને કોઈ હસ્યું. નહિ. ખરો હિંદુ કોણ ? ખરો મુસ્લિમ કોણ ? ખરો ખ્રિસ્તી કોણ ? બાળક; નહિ કે જેણે પોતાને ઓળખાવવા ધર્મની ચિઠ્ઠી ચોડી હોય ! પણ આપણે એવી ગોઠવણ કરી રાખી છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તગેમ તે હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી મટતું જાય છે, અને જ્યારે તગે પૂર્ણ વયે આવે છે ત્યારે તેના ઊપર માત્ર ધર્મનું ખોળિયું જ વીંટાયલું રહે છે; ધર્મનો આત્મા તો ક્યારનો ઊડી ગયો હોય છે.

ડૉક્ટર આવ્યા એટલે બધી વાત અટકી : ડૉક્ટર ગુસ્સે થયા. દર્દીને હવે જ ખરા આરામની જરૂર છે એમ તેમણે જણાવ્યું. અને થોકડાબંધ માણસો એકસામટાં ભેગાં થઈ જાય, તેના કરતાં વારાફરતી એક-બે માણસ બેસે તો દર્દીને વધારે લાભ છે, એ બાબત ઉપર તેમણે ભાર મૂક્યો. બધાં ઓટલે ગયાં. પુષ્પા અને કંદર્પે પહેલી રાતના બે કાલાક બેસવાનું માથે લીધું. અને રાતનો ક્રમ ગોઠવી બધાં વીખરાયાં.

પણ પેલો યુરોપિયન છોકરો – જેને કંદર્પ આગમાંથી ઊંચકી લઈ ગયો હતો તે – તો કંદર્પનો ભારે દોસ્ત બની ગયો હતો. તેણે પોતાનાં માતાપિતાને કહ્યું :

‘તમે જાઓ ! હું આમની જોડે ધેર આવીશ.’

‘તું એમને બહુ પજવે છે, ઘડી છોડતો નથી.’ પિતાએ કહ્યું.

‘મારે એમને થોડું બૉક્સિંગ શીખવવાનું છે.’ છોકરાએ જવાબદારી નું ભારણ સમજાવ્યું. બધાં હસી પડયાં. કંદર્પે પણ હસીને કહ્યું :

‘હા, હા, કવાયત તો એણે મને શીખવી દીધી છે. હવે બૉક્સિંગ બાકી છે. પણ ટૉમ ! તું આ બધું શિખવાડે છે તે શીખીને હું તારા પિતા સાથે લડવાનો છું.’

‘જરા મને મોટો થવા દો ને ! કોઈને લડવા જ નહિ દઉં !’

એ બે મિત્રોને – બૉક્સિંગના દાવ રમતા એ બે મિત્રોને – છોડી પુષ્પા અંદર આવી. અરુન હાથની આંગળીઓ હાથ ઉપર ફેરવ્યા કરતો હતો. પુષ્પાના હાથની બંગડી સહજ ખણખણી. અરુણના મુખ ઉપર આછી પ્રસન્નતા – ફેલાતી પુષ્પાએ દીઠી. અધ્ધર રહી ગયેલો અરુણે પુષ્પાના હાથનો સ્પર્શ બે-ત્રણ ક્ષણ સુધી ચાલુ રાખ્યો. પુષ્પાએ રોમાંચ અનુભવ્યો, પણ એ ગમતો ભાવ હજી પવિત્રતાની છાપ પામ્યો નહોતો, એટલે સંયમમાં કેળવાયેલી પુષ્પાએ પોતાનો હાથ ખેંચી લીધો.

‘રંજનગૌરી !’ અરુણે ધીમું સંબોધન કર્યું.

પુષ્પાની ભ્રૂકુટિ વંકાઈ. તેની આંખ સ્થિર થઈ . મુખ ઉપર ચોરી કરી ફરતો આનંદ અલોપ થઈ ગયો, દેહનું પુલકિતપણું અદૃશ્ય થઈ ગયું. તે બોલવા મથી પણ પ્રથમ પ્રયત્ને તેનો ઘાંટો ઊઘડયો નહિ. ફરી મથન કર તેણે જવાબ આપ્યો :

‘રંજન નથી.’

‘કોણ ? પુષ્પાબહેન ?’ ઓશિયાળા બનેલા અરુણે પૂછયું.

‘હા.’ બોલવાનું મન ન થયું તોય પુષ્પા બોલી.

અરુણે ઊંડો નિસાસો નાખ્યો; પુષ્પાને ચોખ્ખું ખોટું લાગ્યું.

‘આટઆટલી સારવાર મેં કરી, અને ભાન આવ્યું ત્યારે રંજનનું નામ! તેમાંયે રંજન છે નહિ એનો આટલો ઊંડો નિસાસો !’ તેના મનમાં વિચારો આવ્યા; બદલાની આશાથી જ બધાં સેવા કરે છે એમ માનવાની જરૂર નથી; પરંતુ બદલામાં નઃશ્વાસ સંભળાય ત્યારે તે ગમતો નથી એ તો સહુનો અનુભવ છે.

‘રંજનગૌરી આવતાં નથી, ખરું ?’

‘ના, આવીને તુર્ત જતી રહે છે – કોઈ કોઈ વખત.’

‘ઠીક.’

અરુણ શાંત થયો. પુષ્પાએ પૂછયું :

‘રંજનને બોલાવું ?’

‘ના ના; મારે કામ નથી. એમની મરજી ન હોય તો શું કરવા ત્રાસ આપવો ?’

કંદર્પે અંદર આવીને ખબર પૂછી. પુષ્પા દૂર જઈ બેઠી. થોડી વારે અરુણે પૂછયું :

‘પુષ્પાબહેન ગયાં ? એમને કેટલી બધી મહેનત પડે છે !’

પુષ્પા જવાના જ વિચારમાં હતી.