દેવતાત્મા હિમાલય/અમૃતકુંભની શોધમાં
ભોળાભાઈ પટેલ
હે મોર ચિત્ત, પુણ્ય તીર્થે
જાગો રે ધીરે
એઈ ભારતેર મહામાનવેર
સાગર તીરે…
‘ગીતાંજલિ’ — રવીન્દ્રનાથ ઠાકુર
અમૃતકુંભની શોધમાં દેશને ખૂણે ખૂણેથી હજારો-લાખો લોકો હરિદ્વારમાં ઊતરી આવ્યાં હતાં તેમાં એક હું પણ હતો.
જાણું છું કે, એ પુરાણકથિત અમૃતકુંભ તો શું, એ અમૃતના અંશાંશનો અંશ પણ પામી શકાય એમ નથી, જે અમૃત સમુદ્રમંથનમાંથી નીકળ્યું હતું અને જેને માટે દેવાસુર સંગ્રામ થયો હતો.
પણ અહીં લાખો લોકો આવ્યા છે તેનું શું? સૂર્યે મેષ રાશિમાં અને બૃહસ્પતિએ કુંભરાશિમાં પ્રવેશ કર્યો એટલે શું થઈ ગયું? પ્રશ્ન નિરર્થક છે. કશું થતું હોય કે ન થતું હોય આ હજારો-લાખો લોકોનું અહીં ગંગાદ્વારે-હરિદ્વારે આવવું એ જ મોટું થયું છે. હું તો આ સંતો, મહાત્માઓ, યાત્રિકો, મહામેળાનું આ ‘થવું જોવા ગયો હતો. તેમના જેટલી શ્રદ્ધાભક્તિ હું ક્યાંથી લાવું?
અમાવાસ્યાના કુંભસ્નાન માટે જ્યારે સંતો, મહાત્માઓ, સાધુઓની શોભાયાત્રા જઈ રહી હતી ત્યારે શ્રદ્ધાભાવથી એમને પ્રણામ કરી રહેલા લોકોને મારાથી પ્રણામ થઈ જતા હતા. કદાચ હરિદ્વાર કુંભયોગના દિવસોમાં જવાનું એક કારણ આ મહાભીડને નજરોનજર જોવાની ઇચ્છામાં રહેલું હતું અને બીજું કારણ તો ગંગા.
પણ એ મહાભીડની ઠેલાઠેલીમાંથી સર્જાયેલી કરુણ દુર્ઘટનાના સમાચાર એ કુંભમેળામાંથી પાછા આવ્યાને ત્રીજે જ દિવસે સાંભળું છું, તો મન પર ઘેરો વિષાદ છવાઈ જાય છે. ‘આવું કેમ બની ગયું એ પ્રશ્ન થયા કરે છે. ભૂતકાળમાં એકાધિક વાર આવું બન્યું હોય એટલે આ વખતે બનવું જરૂરી હતું? આવું ન બને એના ઉપાયો લેવા હતા – તો પછી?
પંતદ્વીપ હરિદ્વારની ગંગાની બે ધારાઓ વચ્ચેનો દ્વીપ છે. એનું જૂનું નામ ચમકાદડ દ્વીપ. ચમકાદડ એટલે ચામાચીડિયું. દ્વીપના આકાર ઉપરથી કોઈએ એવું નામ આપ્યું હશે. એ પંતદ્વીપ પાસે દુર્ઘટના બની. આ એ સ્થળ હતું જ્યાં આ ઘટનાના ચાર દિવસ પહેલાં એક નમતી બપોરે, જ્યાં તટવર્તી વૃક્ષોની છાયા પડતી હતી ત્યાં બેસી ગંગાના સ્વચ્છ શીતળ જળમાં પગ ઝબકોળી અમે કેટલાક મિત્રો બેઠા હતા. બાજુમાં કેટલાક બાવાજીઓની ધૂણી ધખતી હતી, ફરજ પર મુસ્તૈદ સિપાઈઓ હતા, સાધુસંતો હતા, સ્નાન કરતા યાત્રિકો હતા. એવું તો ગમ્યું હતું! ગંગાજળનો સ્પર્શ! અમૃતસ્પર્શ આવો જ કંઈક હોય એવું ક્ષણેક તો થઈ આવેલું.
એ જ સ્થળેથી ભીડ અમૃતકુંભની શોધમાં અધીર વ્યાકુળ બની ગઈ. સમુદ્રમંથન વખતે સૌથી પહેલાં વિષ નીકળેલું. અમૃતનો અનુભવ તો થયો કે ન થયો, વિષનો અનુભવ આ મેળામાં કેટલાક લોકોને તો થયો જ, છતાં ભીડ ભીડ રહી. બંગાળી કથાકાર ‘કાલકૂટ’ની એક નવલકથા છે : ‘અમૃતકુમ્મર સંધાને.’ તે પરથી ઊતરેલી એક કલાત્મક ફિલ્મ શાંતિનિકેતનમાં જોઈ હતી. એ ફિલ્મમાં પણ આવું જ દર્શાવેલું છે. ભીડ, ભીડ, કાબૂ બહાર જતી ભીડ અને પછી દુર્ઘટનાનું છાતી ફાટ આક્રંદ, છતાંય જે વાત એ ફિલ્મ જોતાં મન પર સ્થાયી થયેલી તે તો કુંભમેળે જતા યાત્રિકોની અવ્યાખ્યય શ્રદ્ધાભક્તિની. એવી શ્રદ્ધાભક્તિ આ મેળામાં જાત્રાળુઓમાં પ્રત્યક્ષ જોવા મળી.
કુંભમેળામાં જવાની ઇચ્છા હતી, પણ જવાનું તો અચાનક બની ગયું. કોઈ જાત્રા થાય ત્યારે આપણાં વડીલો કહે : ‘હુકમ થઈ ગયો’ એટલે જાત્રા થઈ. આ વખતે કુંભમેળામાં જવાનું પણ કંઈક ‘હુકમ’ જેવું થયું. યુનિવર્સિટીમાં ભરપૂર અધ્યાપનના દિવસો હતા. ત્યાં હિમાલયપ્રેમી મિત્ર સાંકળચંદનો ટેલિફોન આવ્યો : કુંભમેળામાં જવાનું છે. તમે આવશો એમ માનીને એક ટિકિટ વધારે લીધી છે. સાથે લક્ષ્મણભાઈ અને બીજા મિત્રો પણ છે.’ કશું આઘુંપાછું વિચાર્યા વિના મેં ‘હા પાડી દીધી. આ હુકમ’ નહીં તો બીજું શું?
નજર સામે ગંગાનું રૂપ ઝલકી ઊઠ્યું. હરિદ્વાર-ઋષિકેશની ગંગા અને પશ્ચાદ્ભૂમાં દેવતાત્મા હિમાલયનું રહસ્યગંભીર છાયાચિત્ર. ગયા નવેમ્બરમાં જ ચિ. બકુલ અને એની મમ્મી સાથે કેટલાક દિવસો ગંગાની સન્નિધિમાં વિતાવ્યા હતા. થયું : કુંભપર્વના દિવસોમાં ગંગા વધારે મનોરમ થઈ ઊઠશે. વળી, બાર વર્ષ પછી હરિદ્વારમાં કુંભમેળો ભરાય છે. આ વખતે નહીં જવાય, તો આવતાં બાર વર્ષ તો કોણે જોયાં છે?
રાણી ચંદનું પુસ્તક ‘પૂર્ણ કુંભ’ પણ અંદરથી ધક્કો મારી રહ્યું હતું. એકાદ વર્ષ પહેલાં ડૉ. હરિવલ્લભ ભાયાણીએ એ પુસ્તક વાંચવાની ભલામણ કરેલી. અદ્ભુત પુસ્તક! એ પુસ્તક પર ફરીથી નજર ફેરવી. એ સાથે ભાગવતમાંથી સમુદ્રમંથનની કથા વાંચી. ભાગવતના આઠમા સ્કન્ધમાં છે.
રાજા પરીક્ષિતે શ્રી શુકદેવજીને પૂછ્યું: ‘હે ભગવાન, ભગવાને ક્ષીરસાગરનું મંથન કેવી રીતે કર્યું હતું? તેમણે કાચબાનું રૂપ ધારણ કરીને કયે કારણે અને કયા હેતુથી મંદરપર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો હતો? અને દેવતાઓને કેવી રીતે અમૃત મળ્યું હતું?’
પછી શુકદેવજીએ દેવાસુર સંઘર્ષની ભૂમિકા આપી સમુદ્રમંથનની વાત સંભળાવી. કદાચ એ, બે સંસ્કૃતિઓના સંઘર્ષની વાત હશે. ભાગવતકારે અત્યંત કવિત્વમયરૂપે એનું નિરૂપણ કર્યું છે. સમુદ્રમંથન વખતે સ્વયં ભગવાનનો પાઠ (‘રોલ’) આજે તો આપણને આશ્ચર્ય પમાડે.
સમુદ્રમંથનનું વર્ણન એક વિરાટ રૂપક છે. સમુદ્રને વલોવવો એટલે શું? મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો. નાગરાજ વાસુકિનાં નેતરાં બનાવ્યાં. દેવદાનવો વલોવવા લાગ્યા. પણ પર્વત ભારે હોવાથી સમુદ્રમાં ડૂબવા લાગ્યો, તો વિષ્ણુએ કાચબાનું રૂપ લઈ પર્વત ધારણ કર્યો. એ વિરાટ આદિ કચ્છપની લાખ યોજના લાંબી પીઠ પર મંદરાચલનું ફરવું એ તો એમને જરા અમથું કોઈ ખંજવાળ એવું હતું.
મંથનમાંથી પહેલું જ નીકળ્યું હતું હલાહલ ઝેર. શિવજીએ એ પીધું એ વાત આપણે જાણીએ છીએ. પછી તો ‘રત્નો’ નીકળવા લાગ્યાં. છેવટે ભગવાન ધવંતરિ અમૃતકુંભ લઈને પ્રકટ થયા.
ભાગવતકાર કહે છે કે, દાનવોએ ઘડો પડાવી લીધો અને પછી અંદરોઅંદર ઝઘડવા લાગ્યા, ત્યારે ભગવાને મોહિની રૂપ લઈ દાનવોને મોહિત કરી એ અમૃત દેવતાઓને પીવડાવી દીધું.
પણ બીજી એક કથામાં થોડી વિગત વધારે છે. જેવો અમૃતકુંભ નીકળ્યો કે ઈન્દ્રનો પુત્ર જયંત એ કુંભ લઈને દોડ્યો. અસુરો એની પાછળ પડ્યા. દોડતા જયંતે એ કુંભ થાક ઉતારવા નાસિક, ઉજ્જૈન, પ્રયાગ અને હરિદ્વારમાં ભોંય પર મૂક્યો હતો. આ બધે સ્થળે અમૃતનાં થોડાં થોડાં ટીપાં પડ્યાં, એટલે આ ચાર સ્થળોએ કુંભમેળો ભરાય છે. આ સ્થળોએ કુંભ મૂકવાનો પ્રહરાશિનક્ષત્રોનો તે વખતે જે યોગ હતો એવો યોગ આવે ત્યારે કુંભયોગ થાય. બાર બાર વર્ષે આવો યોગ આવે છે.
હરિદ્વારમાં આ વર્ષે એવો કુંભયોગ હતો.
એ કુંભોગ વખતે મારો પણ જવાનો યોગ રચાઈ ગયો. પૂર્વ તૈયારીરૂપે કોલેરાનું ઇંજેક્શન પણ લઈ લીધું. મિત્રમંડળી પણ સારી જામી ગઈ. શ્રી અને શ્રીમતી સાંકળચંદ, લક્ષ્મણભાઈ, મહેન્દ્રભાઈ, દેવુભાઈ અને હીરુભાઈ. અમદાવાદથી આશ્રમ એક્સપ્રેસમાં બેઠા ત્યારથી કુંભચર્ચા શરૂ થઈ ગઈ હતી. ગાડીમાં બીજા પણ કુંભયાત્રિકો મળ્યા. કેટલાક તો ‘સત્સંગી’ અને અધ્યાત્મચર્ચામાં શ્રદ્ધાવાન ભાવિકો હતા. મને થયું : દેશને ખૂણે ખૂણેથી જતી ગાડીઓમાં અત્યારે હરિદ્વાર ઉભુખ ઘણા યાત્રિકો હશે અમૃતકુંભની શોધમાં.. સમુદ્રમંથનની ભાગવતકારની વિરાટ કલ્પનાનું ચિત્ર નજર સામે ખડું થતું હતું.
આશ્રમ એક્સપ્રેસ નિયત સમય કરતાં થોડો મોડો અમને દિલ્હી લઈ આવ્યો. અમારો વિચાર સાંજ પડતાં પહેલાં હરિદ્વાર પહોંચી જવાનો હતો. ભીડભર્યા એ નાનકડા નગરમાં અજવાળે પહોંચી જઈએ એમાં અમારું કલ્યાણ હતું. મહેન્દ્રભાઈને તો આજે જ ગંગાસ્નાન કરવું હતું.
લક્ષ્મણભાઈ ગઈ કાલના અંગ્રેજી છાપાની એક કાપલી લાવ્યા હતા. તેમાં લખ્યું હતું કે, કુંભમેળામાં જવા માટે યાત્રિકોના ધસારાને પહોંચી વળવા ઉત્તર પ્રદેશ પરિવહન નિગમ અને દિલ્હી પરિવહન નિગમ રામલીલા મેદાન પરથી હરિદ્વારની ૧૭૦ જેટલી બસો ઉપાડશે. એટલે દિલ્હી સ્ટેશને જેવા ઊતર્યા કે આઈ.એસ.બી.ટી. આંતરરાજ્ય બસ અડ્ડા પર પહોંચવાને બદલે અમે સોત્સાહ રામલીલા મેદાન જવા નીકળ્યા.
બપોર થઈ ગઈ હતી. તડકો આકરો લાગતો હતો. અલબત્ત દિલ્હીના હિસાબે તો આ હજી શરૂઆત હતી. અમને હતું કે, રામલીલા મેદાન પર પહોંચીશું કે બસોનો મોટો ખડકલો નજરે પડશે, પણ મેદાન આખું ખાલી. કોઈને કશી ખબર નહીં. કાપલી કાઢીને જોયું તો બરાબર હતું. આજથી બસો શરૂ થવાની હતી.
દિલ્હીની પેલી ચાર પૈડાંવાળી રિક્ષામાં સામાન સાથે લદાયેલા અમે સાત આઈ.એસ.બી.ટી. જવા પાછા વળ્યા. પહેલાં જ ત્યાં ગયા હોત તો? પણ પ્રવૃત્તિમય દિલ્હી નગરને થોડું જોઈ લીધું. આઈ.એસ.બી.ટી.ના પ્રવેશદ્વારે પણ ફરફરતા વાદળી રંગના પરદા પર લખેલું હતું કે કુંભયાત્રિકો માટે ‘રામલીલા’ મેદાન પરથી વધારાની બસો ઊપડશે!
પાછા ‘રામલીલા’ જવું? ના, હવે અહીંથી ઊપડતી બસમાં જ જવાનો વિચાર રાખ્યો. અમે સાત જણાં હતાં અને દાગીના ચૌદ. જાતે જ ઉપાડવાનું રાખેલું એટલે ખાસ અગવડ નહોતી. અહીંથી હરિદ્વારની બસો ઊપડતી હતી. ભીડને પહોંચી વળવા શિડ્યુલ કરતાં વધારે બસો હતી. પણ કુંભમેળે જવા એકલદોકલ યાત્રિકો ભાગ્યે જ હોય. હોય તે ટોળામાં જ હોય. જુદે જુદે સ્થળેથી આવેલા આ યાત્રિકો દિલ્હી બસ સ્ટેશનની પચરંગી ભીડમાં જુદા જ તરી આવતા. તેમાં સાધુબાવા પણ ઘણા. બસ મુકાય કે ભરાઈ જાય.
દિલ્હીના આઈ.એસ.બી.ટી.થી જ જાણે કુંભમેળો શરૂ થઈ ગયો. એક બસ આવીને ઊભી રહેતાં અમે વેગથી ચઢી ગયા. સામાન સાથે ગોઠવાઈ ગયા. ડ્રાઇવરની કૅબિન પાસેની સીટમાં એક સંત મહાત્માની વાગ્ધારા શરૂ થઈ હતી. બેની સીટ પર ત્રણ સાધુ બેઠેલા જોઈ મેં કહ્યું : પાછળ જગ્યા છે. અહીં નકામી ભીડ થશે. હું આટલું બોલું ત્યાં સંત મહાત્માએ કુંભમેળામાં જઈએ છીએ, થોડી ભીડ પણ થાય, સહન કરી લેવું વગેરે સુંદર વચનામૃતો સંભળાવ્યાં. મેં પૂછ્યું : આપ કહાં સે આતે હૈં?’ બોલ્યા : ‘ગુજરાત કે ખેડા જિલ્લે સે.’ એ સાંભળી અમે અમારો પરિચય ન આપ્યો. પછી તેઓ કુંભમેળાના માહાભ્યની ચર્ચા કરવા લાગ્યા.
એટલામાં ખબર પડી કે, આ બસના ચક્રમાં હવા થોડી છે, હરિદ્વાર નહીં જાય. એટલે બધા જ્ઞાનચર્ચા છોડી સામાન ઉપાડી, ઊતરી પડી બીજી મૂકેલી બસમાં ધસ્યા. કુંભનો અનુભવ અહીંથી જ થવા લાગ્યો હતો. ભાગ્ય એવું બસનું એન્જિન જેટલો અવાજ કરતું હતું તેટલું ગતિ કરતું નહોતું. જે ગતિએ બસ ચાલતી હતી તે પરથી ગણિત માંડ્યું. તો હરિદ્વાર પહોંચવા દિલ્હીથી બસમાં સાડાચાર-પાંચ કલાક થાય. પણ આ બસ ઓછામાં ઓછા સાત કલાક તો લેશે. એટલે કે રાતના આઠ પહેલાં નહીં પહોંચાય. આજનું ગંગાસ્નાન થાય તો થાય.
અમારું ગણિત સાચું પડ્યું. અંધારું ઊતરી ગયું અને છતાં અમે હરિદ્વાર પહોંચ્યા નહોતા. વળી, બસ હરિદ્વારના બસ સ્ટેશને જવાની નહોતી. કુંભમેળા માટે ખાસ બનાવેલા બસ ડેપો પર જશે. ત્યાંથી ગામ જરા દૂર હોવાનું. એમ જ હતું. અંધારામાં અંદાજ નહોતો આવતો કે કેટલા દૂર છીએ. વીજળી વચ્ચે વચ્ચે રિસાઈ જતી હતી.
આ દિવસોમાં હરિદ્વારના રિક્ષા-ઘોડાગાડીવાળા બહુ ચાલાક બની જતા હોય છે. યાત્રિકોના અજ્ઞાનનો લાભ લેતાં આમેય તેમને આવડતું હોય છે. તેમાં આ ભીડના દિવસો. એક ઘોડાગાડીવાળો ઉપકાર કરતો હોય તેમ આર્યનિવાસ આવવા તૈયાર થયો.
આર્યનિવાસ શેઠશ્રી નાનજી કાલિદાસે બંધાવેલી ધર્મશાળા છે. હરિદ્વાર સ્ટેશનથી બહુ દૂર નથી. પાસે જ આપણી જાણીતી ગુજરાતી ધર્મશાળા, પણ આર્યનિવાસમાં પહેલેથી લખી રાખ્યું હતું. આ દિવસોમાં અગાઉથી રહેવાની વ્યવસ્થા નિશ્ચિત કર્યા વિના નીકળાય જ નહીં. અમને ચિંતા એટલી હતી કે સાંજે પાંચ વાગ્યે પહોંચવાને બદલે હવે આટલા મોડા જઈએ છીએ તો અમારી રૂમો કોઈને આપી પણ દીધી હોય.
હજુ તો થોડાક મહિનાઓ પહેલાં જ હરિદ્વાર આવ્યો હતો, પણ આ હરિદ્વાર જાણે જુદું લાગતું હતું. કેટલાં બધાં વાહનો, કેટલાબધા પોલીસના સિપાઈઓ, કેટલાબધા દીવા અને કેટલાબધા યાત્રિકો! પણ આ રાત્રિ વેળાએય જોઈ લીધું કે, વ્યવસ્થામાં કોઈ ઊણપ નથી. નગરના રસ્તા પણ સ્વચ્છ છે. ભીડ હોવા છતાં ટ્રાફિકને માટે બરાબર ઈન્તજામ છે. તેમ છતાં કેટલાક ટોળાબંધ યાત્રિકો માથે સામાન સાથે હડબડીમાં આમતેમ અટવાતા દેખાય. ટ્રાફિક પોલીસની સીટીઓ સંભળાય. સામાન્ય રીતે સાત વાગે થતી હરકી પૌડીની ગંગા આરતી પછી શાંત બની જતું આ તીર્થનગર, રાત પડી ગઈ છે છતાં કેટલું ચહલપહલથી ભરેલું છે! અમૃતકુંભની શોધમાં લાખો લોકો ઊતરી પડ્યાં છે.
આર્યનિવાસ આવી ગયું. જોયું કે, હરિદ્વાર શહેરની અંદરની નાની ગલીઓ પણ સાફ હતી. આર્યનિવાસ બરાબર ગંગાને કાંઠે જ છે. કાંઠે એટલે ઘાટ ઉપર. અત્યારે તો અમે બરાબર ક્લાન્ત હતા. નહિતર રૂમ મળ્યા પહેલાં ગંગાતટે દોડી ગયા હોત.
અમારે માટે બે રૂમ ખાલી રાખ્યા હતા. આર્યનિવાસના વ્યવસ્થાપક પંડ્યાજી સ્વભાવે સેવાભાવી પણ ખરા. યાત્રિકોની સગવડનો પણ ખ્યાલ કરે. વાતોનો તો ભંડાર. એમનો વાર્તાલાપ આખી ધર્મશાળામાં સંભળાયા કરે. અમે રૂમમાં ગોઠવાઈ ગયા. ભૂખ લાગી હતી. સાતે જણે ભાતું કાઢ્યું અને આગ્રહથી એકબીજાને ખવડાવ્યું. પણ હવે ગંગાસ્નાનનો સમય રહ્યો નહોતો.
છતાં ગંગાકિનારે તો જવું એવો વિચાર કરી નીકળી પડ્યા. એક સ્થળે ખુલ્લો ઓવારો હતો ત્યાં જઈ બેઠા. બાજુમાં જ સંન્યાસીઓનો એક અખાડો હતો. અખાડો એટલે આશ્રમ જ કહો. અખાડાની બહાર બે સંન્યાસીઓ પહેરો ભરતા હતા!
નગાધિરાજની સન્નિધિમાં ગંગાતરંગમહિમશીકરશીતલ શિલાતટ પર બેસવાનો એક આનંદ હતો. આકાશ સ્વચ્છ હતું. ગંગાની વારિધારા પણ સ્વચ્છ હતી. શું એમાં અમૃતયોગ હશે? વેગથી વહી જતી વારિધારાનો કલનાદ કર્ણપ્રિય લાગતો હતો. થતું હતું કે, અહીં જ બેસી રહીએ…
હરિદ્વારનો ચહેરો બદલાઈ ગયેલો લાગ્યો. આમ તો બધું એનું એ જ હતું, પણ લગભગ દોઢ લાખની વસ્તીના હરિદ્વારમાં ત્રીસથી ચાલીસ લાખ કરતાંય વધારે લોકો ઊતરી પડવાના હોય પછી? બાર વર્ષ પછી આ ભૂમિ પર અમૃતકુંભનો યોગ થયો હતો. એક અતિપ્રાચીન, પૌરાણિક ચેતના, મનસા અને ચંડી એ બે પહાડીઓ વચ્ચે ગંગાની ધારાને સમાંતર વસેલી આ પવિત્ર નગરી પર છવાઈ ગઈ હતી. આ પૌરાણિક ચેતના એક બાજુએ આપણને દેવાસુર સંગ્રામના પ્રાચીન કલ્પલોકમાં લઈ જતી હતી અને બીજી બાજુએ તદ્દન આજના હજારો-લાખો યાત્રિકોના આસ્થાભાવ સાથે જોડતી હતી. હરિનો કચ્છપ અવતાર એટલે કેટલી જૂની વાત હશે? અને છતાં આજની આ જનમેદની? આજે તો હજી આઠમી એપ્રિલ હતી. પૂર્ણકુંભનો યોગ તો ચૌદમી એપ્રિલે છે. પણ તે પહેલાં નવમી એપ્રિલના અમાવાસ્યાના અને ૧૦મી એપ્રિલના નવ વર્ષના પ્રથમ દિવસના સ્નાનનો યોગ હતો.
પણ અમે કંઈ પવિત્ર તિથિવારની રાહ જોઈને ગંગામાં સ્નાન કરનાર ના હતાં. વહેલી સવારે જ આર્યનિવાસના ઘાટ પર પહોંચી ગયાં. ગંગામૈયાની સ્વચ્છ ધારાનાં દર્શન પ્રસન્નકર હતાં. અહીંથી દૂર ચંડીની પહાડી દેખાતી હતી. હરિદ્વાર એ હરદ્વાર પણ છે, પણ ખરેખર તો ગંગાદ્વાર છે. ઋષિકેશમાં લક્ષ્મણઝૂલાના સેતુ પછી ગંગા જરા મુક્ત બની મેદાન પર વહેવા લાગે છે, છતાં બંને બાજુ હિમાલયની ઉપત્યક છેક એને છોડી દેતી નથી. એક બાજુ મનસાદેવી બિરાજે છે તે પહાડી, અને બીજી બાજુ ચંડી બિરાજે છે તે પહાડી હિમાલયના સાંનિધ્યનો બોધ કરાવી રહે છે. ગંગાની અસલી ધારા તો ચંડી પહાડીની પ્રદક્ષિણા કરતી વહી જાય છે.
ગંગાના પ્રવાહમાં ઊતરીએ ત્યાં પૂર્વમાં લાલ આભા પ્રકટી. આવે સમયે વૈદિક કાલની કોઈ અનુભૂતિ થાય. હરિદ્વારમાં ગંગાતટે સૂર્યોદય! પાણીનો પ્રવાહ અત્યંત વેગવંત હતો. પાણીમાં શીતલતા હતી. પણ એક વાર ડૂબકી લગાવી પછી તો માના હેતનો પાવન સ્પર્શ. અમે સૌ મિત્રો સ્નાન કરતા હતા. સામે કાંઠે ઘાટ પર પણ ઘણા લોકો સ્નાન કરતા હતા. ગંગાના આ જળમાં ઊભા રહેતાં હંમેશાં એવો ભાવ થાય કે, જાણે ગૌમુખથી ગંગાસાગર સુધીનો સંસ્પર્શ અનુભવું છું. ગંગા નીકળે છે, ગંગોત્રીથીય જરા આગે ગૌમુખથી જઈને મળે છે બંગાળના ઉપસાગરમાં. એ સ્થળને કહે છે ગંગાસાગર. અહીં આ સ્થળે જળમાં ઊભાં રહેતાં ગંગાના મૂળથી મુખ સુધીની સમગ્ર ગંગાને સ્પર્શી રહ્યા.
પછી તો સવારના જ હરિદ્વારના માર્ગો પર નીકળી પડ્યા. ભીડ, ભીડ. એટલે હરિદ્વારનો ચહેરો બદલાયેલો લાગ્યો. ચાલતા ચાલતા અમે હરકી પૌડીના માર્ગે નીકળ્યા. આશ્રમો, ધર્મશાળાઓ, વિશ્રામાલયો છલકાતાં લાગ્યાં. ગૃહસ્થો કરતાં સાધુ, સંન્યાસી, બાવા, વૈરાગી વધારે જોવા મળે. આ કુંભમેળામાં અગ્ર હક્ક તો આ સૌ સાધુ-સંન્યાસીઓનો. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ કુંભમેળા વિશેનાં મોટાં વિજ્ઞાપનો, યાત્રિકોને સૂચનો ‘ગંગા કે પાની કો ગંદા હોને સે બચાયે’ એવાં સૂત્રો નજરે પડે. કેટલેક સ્થળે ‘સંસ્કૃતિયોં કા સંગમ, એકતા કા પ્રતીક કુંભમેલા એવું લખી મુખ્ય મુખ્ય સ્નાન પર્વોની તિથિઓ લખી હોય. બીજી અનેક જાહેરાતો વચ્ચે એક જાહેરાત જે વિશેષ ધ્યાન ખેંચતી હતી તે મહાયોગી પાયલટ બાબાની. મને થયું કે પાયલટ બાબા આટલી બધી જાહેરાતો કરવાનું ખર્ચ ક્યાંથી લાવતા હશે?
ગંગાના ઘાટ પર અમે ચાલતા હતા. ઘાટ નજીક ઊગેલાં વૃક્ષો નીચે સાધુબાવાઓની અને અન્ય જાત્રાળુઓની મંડળીઓએ ઉતારા રાખ્યા હતા. સાથીમિત્રે કહ્યું કે, આ બધા ‘ઓલમાઇટી’ છે. હું સમજ્યો નહીં. કહે : ‘એમને કોઈ કશી ચિંતા નથી. તકલીફની પરવા નથી. બધું સહી લે. શક્તિ હોય તો જ એ બને.’ આમ તો આ સૌ ગરીબ કહી શકાય એવા જાત્રાળુઓ હતા. પાસે એક પોટલી હોય. જ્યાં બેઠા હતા ત્યાં જ કેટલાકે તો ચૂલા સળગાવ્યા હતા. બાજુમાં કપડાં સૂકવ્યાં હતાં. રાત ત્યાં જ ગંગાતીરે ખુલ્લામાં વિતાવી હશે! સાધુ લોકોની તો વાત જ ન્યારી. ઝાડના થડને આશ્રયે બેઠક જમાવી હોય. એક મોટું લાકડું સતત સળગતું હોય. આજુબાજુ બેઠેલા ભક્તો બાબાનો ઉપદેશ સાંભળતા હોય, અને બાબા ચૂપ બેઠા હોય તો એક ઓના વલયમાં તેમને ચુંગીમાંથી ધુમાડો કાઢતા જોતા હોય, આવાં તો અનેક દૃશ્ય. બાજુમાં જ ઘાટનાં પગથિયાં પર હજારો ભાવિકો સ્નાન કરતા હોય.
આટલુંબધું છતાં બધે વ્યવસ્થા હતી, સ્વચ્છતા હતી. સાવચેતીના પગલાં તરીકે બધે આડશો અને ભીડને નિયંત્રિત કરવા મજબૂત ચક્રવ્યૂહો બનાવેલા હતા. ઠેરઠેર ‘વોચ ટાવર’ હતા. ઉત્તર પ્રદેશ જલનિગમ તરફથી ઠેરઠેર પીવાના પાણીના નળ લગાવેલા હતા. સૈનિકોની જેમ સ્વયંસેવકોનાં દલ ફરજ પર હતાં. પોલીસના સિપાઈઓ તો ખરા જ.
એક ઝાડ નીચે એક સાધુ બાવા એક પગે ઊભા હતા. કેટલાય દિવસથી ઊભા હશે એમ લાગ્યું. પગ સૂઝેલો હતો. તેમ છતાં લક્ષ્મણભાઈએ ફોટો લેવા વિચાર્યું કે વ્યવસ્થિત ‘પોઝ’ પણ આપ્યો. બાજુમાં પાથરણા પર સિક્કા વેરાયેલા હતા.
હજી ઘાટ પર ચાલીએ છીએ. એક બાજુ ગંગા વહી રહી છે, બીજી બાજુ અવિરત જનપ્રવાહ. ચહેરા, ચહેરા, ચહેરા! ગંગાના વહેતા જલપ્રવાહમાં યાત્રીઓ સ્નાન કરી રહ્યા છે. સ્ત્રીઓ પુરુષોનો ભેદ નથી. આવૃત્ત – અનાવૃત્ત જાણે કોઈ સંકોચ નથી.
ઘાટ પર એક ટોળું જામી ગયું છે. જઈને જોયું તો એક અકિંચન અંધ ગાયક તંબૂરા પર કૃષ્ણ-જશોદાનું કોઈ ભજન ગાઈ રહ્યો છે. અવાજમાં આર્દ્રતા હતી. દૂબળો ચહેરો, ફાટેલાં કપડાં. બાજુમાં એના જેવો જ એક જણ બેઠો છે, પણ એની પાસે શ્વેત કુરતા-પાયજામામાં એક ગોરો વિદેશી બેઠો છે. એ પેલા અંધગાયકના તંબૂરાના તાલ સાથે બોંગો પર સંગત કરી રહ્યો છે. તંબૂરા સાથે બોંગોની સંગત જામી હતી. એ વિદેશી ભાવવિભોર થઈને ઝૂમી ઊઠતો હતો. પેલા અંધ ગાયકના પ્લાન, દુબળા ચહેરા સાથે આ વિદેશી તરુણનો ગોરો, ભરપૂર ચહેરો એક કૉન્ટ્રાસ્ટ રચતો હતો.
ત્યાં વચ્ચે એક જણ તાલ આપતો મંજીરા વગાડતો હતો. હવે અમારું ધ્યાન ગયું. એક વિદેશિની કપાળે ચાંલ્લો કરી સાડી પહેરીને બેઠી હતી, એણે પલાંઠી લગાવી હતી. બંગડી પહેરેલા અને માળા વીંટેલા બે હાથે તાલ આપવા તાલી બજાવતી હતી. તન્મયતા એટલી બધી કે ભજન ગાતી મીરાંની કલ્પના કરી શકીએ! પેલા મંજીરાવાળાએ એની આગળ મંજીરાં મૂક્યાં, પણ એ તો તાલી દ્વારા જ અર્ધનિમીલિત નેત્રે તાલ આપતી ડોલતી રહી. અદ્ભુત પ્રસન્નતા એ સુંદર ચહેરા પર હતી. બોંગો બજાવતો વિદેશી, તાલી બજાવતી વિદેશિની, સૂર રેલાવતો અંધ ગાયક અને અમારા જેવા થોડાક કૌતુહલી દર્શક. અંધ ગાયકે પાથરેલા કપડા પર સિક્કા પડતા જતા હતા. દેય મનમાં ભરી આગળ વધ્યા. થયું : કુંભ એટલે માત્ર ગંગાસ્નાન નહીં, આ પણ કુંભ.
જરા આગળ ચાલ્યા કે એક ઝાડ નીચે વળી ભક્તોની એક મંડળી નાચતી જોઈ. તેમના હાથમાં ડફ અને ખંજરીઓ હતી. તેમાં કેટલાંકનાં મોઢાં શ્યામ પડી ગયાં હતાં. જરા ધ્યાનથી જોયું તો આખા ચહેરા પર કલાત્મક ડિઝાઇન ઊપસે તે રીતે ‘રામ’ નામનાં છૂંદણાં ગોદેલાં હતાં. જરા પૃચ્છા કરી તો ખબર પડી કે આ મંડળી મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લામાંથી આવી છે. રામનામી સંપ્રદાયના આ લોકો હતા. માથે ગોળ પીંછાવાળા મુકુટ પહેર્યા હતા. નાચતો, ખંજરી બજાવતો એક જણ બોલે અને બાકીના સૌ પણ ખંજરી બજાવતાં જવાબ આપે :
ધર્મ ફ્લેગા – શંકર ભોલે. ગંજા પીણાં – શંકર ભોલે.
બાજુમાં એક બાબાજી ભોંયમાં ત્રિશૂળ રોપી, દેહે રાખ ચોળી, માથે જટા બાંધી બેઠા હતા. ધૂણીની આગનાં લાકડાં પર મૂકેલી તપેલીમાં ચા ઊકળતી હતી.
આ બધું જોતાં ગંગા વહી જતી હતી. અને કુતૂહલથી જોતી, એક પળ ઊભા રહી આગળ વધતી માનવમેદની. પણ થાય કે ક્યાં ક્યાંથી લોકો આવ્યા હશે? આપણા દેશનો કદાચ આ સૌથી પ્રાચીન મેળો હશે. કહેવાય છે કે, હિન્દુ ધર્મની કટોકટીના દિવસોમાં આદિ શંકરાચાર્યે આઠમી સદીમાં તેનો પ્રારંભ કરેલો. કંઈ નહીં તો, ૧૩મી સદીથી તો કુંભમેળો ભરાતો હોવાના સંકેતો મળે છે.
ત્યાં એક મોટું પ્લેકાર્ડ જોયું : ‘ભારત ભયાનક સંકટ મેં’ અને પછી વર્તમાન રાજકર્તાઓની ટીકાને અંતે લખ્યું હતું : સાવધાન, હિન્દુઓ સાવધાન!’
ત્યાંથી અમે નીલદ્વીપની દિશામાં વળ્યા. ગંગાની બે ધારાઓ વચ્ચેના આ દ્વિીપ પર અસંખ્ય તંબુઓ નાખવામાં આવ્યા હતા. જાણે તંબુઓનું એક નગર વસી ગયું હતું! અનેક અખાડાઓ, મહામંડલેશ્વરોના આશ્રમોની આ છાવણી હતી. તંબુઓ પર મંડલેશ્વરોની ધજાઓ ફરકતી હતી. બીજી એવી મોટી છાવણી પંતદ્વીપની ખુલ્લી જગ્યા પર હતી. ખરેખર તો કનખલથી ઋષિકેશની દિશામાં સપ્તધારા સુધીના વિસ્તારમાં આવા તંબુઓની અનેક છાવણીઓ હતી. જેમાં સંન્યાસીઓ પણ હોય અને એમના અનુરાગીઓને પણ રહેવાની વ્યવસ્થા હોય. આ બધા શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરો. સંન્યાસી, પણ એમનો વૈભવ રાજસી.
તંબુઓની રાવટી વચ્ચે સભામંડપો હોય. આ સભામંડપોમાં સવારથી જ કીર્તન, સંકીર્તન, વ્યાખ્યાન, સત્સંગ ચાલતાં હોય. સાચે જ કુંભમેળો એટલે માત્ર કુંભસ્નાન નહીં. કુંભમેળો એટલે ધર્મચર્ચા, સત્સંગ, તત્ત્વચર્ચા અને ઘણુંબધું. ઘણી વાર તો એવું લાગે કે, આ મેળો મુખ્યત્વે સાધુ-સંન્યાસીઓનો જ છે. ગૃહસ્થો તો જાણે એમને જોવા માટે, એમના સત્સંગ માટે આવતા ન હોય! આ દેશમાં આટલા બધા અખાડાઓ, સંન્યાસઆશ્રમો, મંડલેશ્વરો, મહામંડલેશ્વરો છે તેની અહીં ન આવ્યા હોઈએ તો ખબર પણ ન પડે.
સાધુબાવાના એક-બે તંબુઓમાં અન્ય ભાવિકજનો વચ્ચે અમે જઈને બેઠા. ધૂણી ધખતી હોય, બાજુમાં ફળફળાદિના પ્રસાદની ટોપલી હોય, દરેક આવનારને પ્રસાદી મળે. આવનાર પણ રિક્તપાણિ ન હોય.
નીલદ્વીપમાં આંટો લગાવી અમે બહાર નીકળ્યા ત્યારે બપોરવેળા થઈ ગઈ હતી. આજે અમારે એક ભંડારામાં જમવાનું હતું. હરિદ્વારમાં આ દિવસોમાં જમાડનારાઓની એટલે કે ભંડારા કરનારાઓની સંખ્યા એટલી બધી હોય છે કે ભંડારો કરનારે રાહ જોવી પડે! આ ભંડારામાં બે પ્રકાર હોય છે : વ્યષ્ટિભંડારો અને સમષ્ટિભંડારો. વ્યષ્ટિભંડારામાં જમનારાઓની સંખ્યા પ્રમાણમાં નિયત હોય છે. સમષ્ટિભંડારામાં તો આખી જમાતોની જમાત જમતી હોય. અમે વ્યષ્ટિભંડારામાં જમવાના હતા. ભંડારો કરનાર રાજસ્થાનના એક શેઠ હતા. આખો પરિવાર જમવા આવનાર સાધુઓની તહેનાતમાં. તે વખતે ત્યાં થઈ પસાર થનાર કોઈ પણ ‘સંતમહાત્મા’ને આવકાર મળે. જમ્યા પછી યજમાન દરેક જમનાર સાધુમહારાજને દક્ષિણા આપતા હતા. ભંડારાનું માહાસ્ય એવું કે યજમાનનું કુટુંબ જ એંઠી પતરાળીઓ ઉપાડે અને એ રીતે પુણ્ય કમાય. સાધુ-સંન્યાસીઓ પછી અમે જમવા બેઠા. આ કુંભમેળામાં સેંકડો સ્થળોએ આવા ભંડારા ચાલતા હોય છે. ઘણી વાર તો જમનારની શોધમાં નીકળવું પડે. અન્નદાનનો કેટલો બધો મહિમા આ દેશમાં છે! અને છતાં કેટલા લોકો ભૂખ્યા સૂએ છે? આવો વિચાર પણ આપણને આવે વખતે સતાવે. આ બધાનો એક જ ઉત્તર છે : શ્રદ્ધા…
આજે અમે વિચાર કર્યો હતો કે, સામે દેખાતી ચંડીની ટેકરીએ ચઢી કુંભના હરિદ્વારનું વિહંગાવલોકન કરવું. સાંજ પડે તે પહેલાં હરકી પૌડી પર આવી સ્નાન કરવું અને આરતીનું મહાકાવ્યાત્મક દૃશ્ય જોવું. સવારમાં ચાલી ચાલીને થાક્યા હતા, પણ ફરવાની બાબતમાં અમે સાતેય શૂરવીર. ‘ચાલો’ કહેતાં બધાં નીકળી પડે.
હરિદ્વારની એક બાજુએ મનસાની ટેકરી ઉપર ચઢવા માટે રોપ-વે છે. પણ આ બીજી બાજુએ ચંડીની ટેકરી છે, ત્યાં તો પગે જ ચઢાઈ કરવાની હોય છે. એક નવો સેતુ છેક ચંડી ટેકરીની તળેટી સુધી બાંધવામાં આવ્યો છે. ટેકરી ચઢતાં અમારામાં બે વિભાગ પડી ગયા. ત્રણ જણની એક ટુકડી નવા બાંધેલા રસ્તે થઈને ચઢવા લાગી, બાકીના ચાર ‘ભરખંડીલાલ’ કઠણ ટૂંકી કેડીએ ચઢવા લાગ્યા. અમારા આ પ્રવાસમાં ભરખંડીલાલ શબ્દ અમે જરા મજાકમાં વાપરતા. ખાસ તો જાતે થઈને અગવડો વેઠવા તૈયાર થનાર, ‘ટફ’ માણસો માટે ‘ઓલ માઇટી’ જેવો આ શબ્દ.
ચઢવાનું ખાસું હતું. પણ રસ્તો સુવિધાભર્યો. પહાડી શોભાથી ભરપૂર. હિમાલયનો જ અંશને! ત્યાં તો જોયું એક વૃક્ષ. પગ થંભી ગયા.
વસંત જાણે એના એકલાને જ ન બેઠી હોય! માત્ર સોનેરી મંજરીઓની સેર, થોડાંક લીલાં પાન. આ તો શાલવૃક્ષ! કાલિદાસને જ્યારે રઘુવંશના રાજાઓની દીર્ઘ દેહાકૃતિનું ગૌરવ કરવું હતું ત્યારે તેમણે એમના માટે ‘શાલપ્રાંશુ’નું ઉપનામ વાપર્યું હતું. મંજરિત શાલને જોઈ આનંદ આનંદ! પછી તો માર્ગે આવા મંજરિત શાલ અનેક આવતા ગયા. એ બધાંની મનોહર પુષ્પિત કાયા નયનમાં વસી ગઈ છે.
જેમ જેમ ઉપર ચઢતા ગયા, તેમ તેમ ગંગાના વિસ્તારોમાં દૂર-સુદૂર વિસ્તરેલી તંબુઓની છાવણીઓનું વિરાટ દૃશ્ય સ્પષ્ટ થતું ગયું. થાકને ગણકાર્યા વિના છેક ચંડીને મંદિરે પહોંચી ગયા. ઘંટ વગાડી રણકાર કર્યો. ઉપરથી જોયું તો પહાડીને અડકીને જ ગંગાની અસલ ધારા વહી જતી હતી. હરકી પૌડીનો પેલો વિરૂપ ટાવર અળખામણો લાગતો હતો. અમારો એવો અભિપ્રાય થતો હતો કે એ ટાવર ત્યાંથી ખસેડી નાખવો જોઈએ, પણ અમે કોણ?
સાંજ પડે તે પહેલાં અમે નીચે ઊતરી આવ્યા. હવે આ થાક દૂર કરવા માટે પણ સ્નાન અનિવાર્ય હતું. ગંગાના શીતલ જલના સ્પર્શ માત્રથી થાક દૂર થઈ જશે એવું અમને થતું હતું. હરકી પૌડી પર પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. આરતીને હજી વાર હતી. પણ આરતીમાં હાજર રહેવા યાત્રાળુઓની ભીડ વધતી જતી હતી.
બ્રહ્મકુંડ પર પોલીસના સિપાઈઓનો કાફ્લો વ્યવસ્થામાં લાગ્યો હતો. ગંગા પર કુંભમેળાના ધસારાને પહોંચી વળવા લોખંડના ખાસ પુલ ઊભા કરવામાં આવ્યા હતા. ત્યાંથી યાત્રિકોનો પ્રવાહ સાંકડી જગ્યાને વધારે સાંકડી બનાવતો ઠલવાતો જતો હતો. અમે બ્રહ્મકુંડમાં સ્નાન કરવા ઊતરી પડ્યા. પાણી સ્વચ્છ અને શીતલ. થોડી વારમાં જ થાક અદૃશ્ય. પાણી એટલું સ્વચ્છ કે નીચે પથ્થર દેખાતા હતા. અમે એક નાનો પથ્થર અહીંથી કુંભની સ્મૃતિમાં લીધો. બહાર નીકળી કપડાં ઉતારેલાં તે જગ્યાએ આવ્યા.
એટલામાં ‘હરે કૃષ્ણ, હરે રામ!’ ગાતું એક દલ પુલ ઉપરથી ઊતરી આવ્યું. એકના હાથમાં માઇક હતું. બીજો એક બેટરીની પેટી માથે મૂકી ચાલતો હતો. પેલો માઇકવાળો ગોરો ધૂન બોલાવે અને બાકીના લોકો ઝીલે. અમે કપડાં બદલીએ તે પહેલાં એ લોકો ત્યાં આવી પહોંચ્યા. પેલો ગોરો ધૂન બોલાવતાં વચ્ચે પૂછી રહ્યો : વ્હેર આર વી ગોઇંગ? – પછી તો તેઓ ત્યાં જ ઊભા રહી ગયા અને ભાવાવેશમાં ધૂમ મચાવવા લાગી ગયા. એક બીજો ગોરો ધૂન ગાતાં ગાતાં બે પગે ઊંચો ઊછળવા લાગ્યો. એક તો પોતે સાત ફૂટ ઊંચો હશે અને પાછો ત્રણ ફૂટ ઊછળે! જોતજોતામાં ટોળું જમા થઈ ગયું, તેમ તેમ પેલાની સાથે બીજા ભક્તો ઊછળવા લાગ્યા, પણ પેલાને તો બાજુના બિરલા ટાવરની હરીફાઈ જાણે કરવાની ના હોય! હજારોની મેદની વચ્ચે એને ઊંચો ઊછળતો જોઈ શકાય. મને થયું કે આમ ને આમ થોડી વાર ચાલશે તો હરકી પૌડીના બધા લોકો ઊછળતા થઈ જશે. ધૂનમાં એવો ચેપ હોય છે.
પણ એટલામાં ગંગાની આરતી શરૂ થઈ. ‘જય ગંગેમૈયા’ સાથે આરતીની મોટી મોટી શિખાઓ ગંગાના જળમાં પ્રતિબિંબિત થતી કંપવા લાગી. મેં જોયું : માનવ મહાસાગર એકતાન થઈ આરતી ઝીલી રહ્યો હતો. આ એક વિરાટ દૃશ્ય હતું! એક અજબ વાતાવરણ હતું!
ગંગાની આરતીની આ ક્ષણોમાં એવું લાગતું હતું કે, સૌ યાત્રિકોની ચેતનામાં એકમાત્ર ગંગા વહી રહી છે. એકતા કા પ્રતીક કુંભમેલા સૂત્રને નવા અર્થમાં પ્રમાણ્યું, ભીડમાં ભીડ બનીને ઊભો હતો. લાગ્યું : આખો દેશ, હિન્દુ સંસ્કૃતિનાં હજારો વર્ષ અહીં હાજર છે, આ ક્ષણે.
ગંગા નામમાં એવો તે શો જાદુ છે?
ગંગા કિનારે મેં કુટિયા બનાઉં ગંગા કે તટ પર મેં જીવન બીતાઉં.
એમ ગાતી બહેનોની એ ભજનમંડળી પસાર થઈ ગઈ. ગંગા, ગંગા, ગંગા! અહીં જાણે એક એનો જ મહિમા છે. તેમાંય આજે તો કુંભપર્વનું એક મોટું સ્નાનપર્વ હતું – અમાવાસ્યાનું સ્નાન.
અમાવાસ્યાના નાનપર્વનું એક સૌથી મોટું આકર્ષણ હરકી પૌડીના બ્રહ્મકુંડમાં સ્નાન કરવા જતા સાધુ-સંતો, મહામંડલેશ્વરો, અખાડાના મહંતો અને એમની મંડળીઓની વિરાટ શોભાયાત્રા. એટલે વહેલી સવારે અમે ગંગાસ્નાન કરી તૈયાર થઈ, જ્યાંથી આખી શોભાયાત્રા થાક્યા વિના જોઈ શકાય એવા સ્થળે જઈને ઊભા.
આ બાજુ હરિદ્વાર શહેરનો પુલ પાર કરી કનખલથી આવતી નલધારાની સમાંતર જતી સડકના ટ્રાફિક આઇલેન્ડ પર દર્શકોની ભીડ વધતી જતી હતી. આ એવું સ્થળ હતું જ્યાં હડસેલાયા વિના શોભાયાત્રા જોઈ શકાય. કેટલાક પરદેશીઓનું ટોળું પણ ઉત્સુકતાથી રાહ જોતું હતું. એક પરદેશી તો ઉઘાડા બદન પર રામનામી ઓઢીને બેઠો છે!
વાયરલેસથી સજ્જ પોલીસની ગાડીઓ દોડાદોડી કરે છે. કનખલથી આવતી સડકની બંને બાજુએ છેક સુધી આડશો બાંધી દેવામાં આવી છે. સડક પર કોઈને ચાલવાની છૂટ નથી. એટલે શોભાયાત્રાનાં દર્શન કરવા વધતી જતી ભીડ એ આડશોની બહાર આસન જમાવીને બેસતી જાય છે. નીલધારા તરફ તો ઊંચી પાળ છે, એટલે ત્યાં તો બેસવાની સગવડ એની મેળે થઈ ગઈ છે.
જાતજાતની જાત્રાળુઓની મંડળીઓ આવતી જાય છે. ભજન ગવાય છે :
ગહરી નદિયાં નાવ પુરાની…
ત્યાં વળી ‘હર હર ગંગે, હર હર ગંગે’ કરતું એક દલ જલદીથી આગળ વધી ગયું. કેટલાકને માથે છત્રી સાથેના બિસ્તરા હતાં. બધા ‘ઓલ માઇટી.’ લક્ષ્મણભાઈને ફોટોગ્રાફ્સ લેવા હતા, એટલે એક સારી જગ્યાની શોધમાં હતા. અમે કનખલ તરફની સડક પર આગળ વધી ગયા. એક એવી જગ્યાએ જઈને સ્થાન લીધું કે આખી શોભાયાત્રા નિરાંતે જોઈ શકાય. સામે નીલધારાની પાળે બીજું પરદેશીઓનું જૂથ નિરાંતે બેઠું હતું.
બધાં અધીર હતાં, બધાંની આંખોમાં ઉત્સુકતા હતી. ‘સરઘસ નીકળી ગયું છે’ એવા સમાચાર પણ આવતા હતા. દરમિયાન સડક પર પાણીનો છંટકાવ થતો જતો હતો.
આખરે દૂરથી નિશાન દેખાયાં. છત્રીવાજનાં અવાજો ગુંજવા લાગ્યા. ઘોડા પર ધજાઓ લઈ બેઠેલા સાધુઓ જાણે છડીદાર હોય એમ આવ્યા અને તે પછી નિરંજની અખાડાના મહંતશ્રીનો રથ આવ્યો. ઘોડાઓ પર કેટલાક સાધુ હતા. ઘોડા સજાવેલા પણ ઘોડેશ્વારના શરીર પર માત્ર ભસ્મ સિવાય કશુંય ના મળે! જુદાજુદા અખાડાઓની ધજાઓ ફરકવા લાગી. છત્રીવાજો પર ફિલ્મી તર્જા, અલબત્ત ભક્તિસંગીતની ગુંજવા લાગી.
નાગાબાવાઓનું દલ શરૂ થયું. કંઠે પહેરેલી માત્ર ફૂલની માળા. બધા હારબંધ ચાલ્યા જતા હતા. કેટલાકના હાથમાં ત્રિશૂળ, ડમરું કે લાઠી હોય. જોર જોરથી ઘોષણાઓ કરતા હતા : ‘ધર્મ કી જય હો! નાગાબાવાઓને હજારો આંખો જોઈ રહી હતી. આટલા બધા નાગા! (એક નાગાએ એક કૂતરાને સાંકળ સાથે બાંધી સાથે રાખેલો.) નાગાઓનું એક સરઘસ પસાર થઈ ગયું.
પછી ભગવાં વસ્ત્રોમાં સજ્જ મહામંડલેશ્વરોની સવારી આવવા લાગી. ચાર પૈડાંવાળાં સજાવેલાં વાહનોમાં તેઓ બિરાજમાન હતા. સાથે હોય અનુયાયીઓનું વૃન્દ. ચાલનાર સૌ ખુલ્લે પગે જ ચાલે. પોલીસ સિવાય સડક પર કોઈ જોડા પહેરી ચાલી શકે નહીં આજે.
પછી એક પછી એક રથ. કૃષ્ણાનંદજી, સચ્ચિદાનંદજી, પ્રકાશાનંદજી, કૌશિકાનંદજી સૌને આશીર્વાદ આપતા જાય. ભાવિકો હાથ જોડી એમનાં દર્શન કરે.
એ સૌ જતા હતા કુંભસ્નાન માટે. આજના મહાપર્વનું સ્નાન સૌ પહેલાં સંત મહાત્માઓ કરશે.
ગણેશાનંદજી, વેદવ્યાસાનંદજી, જગદીશશ્વરાનંદજી, ગણેશાનંદગિરિજી, સ્વામી શિવાનંદજી… કેટલા મંડલેશ્વરો! મા આનંદમયીના આશ્રમની બહેનો આવી. પાલખીમાં આનંદમયીમાની તસવીર હતી.
એવું લાગતું હતું કે, સમગ્ર ભારતના જે સાધુ સમાજો છે તે સૌ આ મહાપર્વમાં પ્રતિનિધિ રૂપે આવ્યા હતા. મા યોગશક્તિ સરસ્વતીનું દલ પસાર થયું. ત્યાં બીજું એક દલ આવ્યું – ઘોષણાઓ કરતું :
પૂઢ બોલણ – જય માતાદી જોરસે બોલણ – જય માતાદી પછે બોલણ – જય માતાદી
મોટરવાળા મહારાજો પણ પસાર થવા લાગ્યા. આ બધા સંતો પસાર થાય પછી દર્શકવન્દમાંથી કેટલીક બહેનો આડશો ઓળંગી સડક પર દોડી જતી અને આળોટવા લાગી ધૂળ માથે ચડાવતી.
મહામંડલેશ્વરો પસાર થયા કે પછી ફરી નાગાબાવાઓનાં દલ શરૂ થયાં. અરે! જાણે કોઈ અંત નથી. અમારી સાથે ઊભેલા વિદેશીઓ ફોટો લેવાનો પ્રયત્ન કરતા હતા. પોલીસ અફસરોએ એમને અટકાવ્યા. કહે : ‘તમારા કેમેરા સંતાડી દો, આ બાવાઓ લઈ લેશે!’ અને થયું એમ જ. એક શ્વેતવસ્ત્રધારી રૂપાળી વિદેશી મહિલાએ જેવો ફોટો પાડ્યો કે ત્રિશૂળ લઈને એક સંન્યાસી બાવા તેના તરફ ધસ્યા. પેલી સમજી ગઈ! કેમેરો બૅગમાં નાખી દઈ બે હાથ જોડી ઊભી રહી ગઈ. ‘મહાત્માનો ક્રોધ માંડ શાંત થયો!
તલવારો વીંઝતા, ત્રિશૂલ વીંઝતા, લાઠી વીંઝતા નાગાઓ પણ પસાર થયા. કોઈએક ભગવાં વસ્ત્ર પહેરેલા સાધુ (?) જોડા પહેરી સડક પર ચાલતા હતા, તો નાગા ઊછળ્યા : પાઁવ મેં ક્યા પહન રખા હૈ? અમારા મિત્ર તો હાથ જોડીને જ ઊભા હતા! નાગાબાવાઓ પેલી સુંદર પરદેશી મહિલાઓને સહજભાવે જોતા હતા અને કદાચ પેલી મહિલાઓ પણ. આટલા બધા નાગાઓ જોતા કૌતુક શમી જાય.
કોણ જાણે કેમ પણ નાગા સંન્યાસીઓનાં દર્શનથી કોઈ ઉમળકો જાગ્યો નહીં. મોટા ભાગનાં શ્રીહીન વિરૂપ શરીરો. તેજોદીપ્ત તપસ્વી કાયાઓ ક્યાં? સૌ હારબંધ કુંભસ્નાન માટે ચાલ્યા જાય છે. ‘સનાતન ધર્મ કી જય’ ઘોષણાઓ સાથે મહાનિર્વાણી અખાડાનું દલ રંગબેરંગી ધજાઓ સાથે પસાર થયું. માનસ પ્રચાર મંડલ ‘ગંગા તેરે પાની અમૃત ઝરઝર ઝરતા જાય’ ગાતું ગાતું ગયું.
છડીદારો સાથે પંચાયતી અખાડાઓ પસાર થયા. વળી પાછું નાગાબાવાઓનું દલ! પછી પાછા મહામંડલેશ્વરો, સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી વિષ્ણુપુરીજી, મા ગીતા ભારતી. તેમનો રથ કેળનાં પાંદડાંથી સજાવેલો હતો.
કેટલાબધા કલાકો ગયા… શોભાયાત્રા હવે પસાર થઈ રહેવા આવી. એ સૌ હરકી પૌડી પર જઈ સ્નાન કરશે. તેમના સ્નાન પછી ભાવિકો સ્નાન કરશે. આજે બ્રહ્મકુંડ પર ભયંકર ભીડ હશે. ઇન્દ્રપુત્ર જયંતે અમૃતકુંભ ક્યાં મૂક્યો હશે? કદાચ હજારો લોકોના મનમાં ધવંતરિના એ અમૃતકુંભની વાત ન પણ હોય. એ તો માત્ર એક ધાર્મિક પર્વ સમજીને જ આવ્યા હોય, પર્વદિને સ્નાનનું પુણ્ય અર્જિત કરવા આવ્યા હોય.
દર્શકોની ભીડ પણ હવે હરકી પૌડી પર જશે. કેટલાક સ્નાન કરશે, કેટલાક સ્નાન કરતા સંન્યાસીઓને જોઈ પોતાને ધન્ય માનશે.
વિચાર્યું : આજે બ્રહ્મકુંડ પર સ્નાન કરવા તો જવું. પણ બપોર ઢળે પછી. તે વખતેય એટલી જ ભીડ. અમે એકબીજાથી છૂટા પડી ગયા, પણ પછી હરકી પૌડી પર પહોંચી ભીડ વચ્ચે સ્નાન કરી લીધું – કુંભની અમાવાસ્યાનું સ્નાન.
ત્યાં જોયું તો પોલીસ દોડાદોડ કરી રહી હતી. વળી પાછી સંન્યાસીઓની ટુકડીઓ આવતી હતી. નાગાબાવાઓની ટુકડીઓ આવતી હતી. તેમને માટે ઘાટ ખાલી કરવાની ઘોષણાઓ થતી હતી. જોતજોતામાં સામેનો ઘાટ એકદમ ખાલી થઈ ગયો. પુલ પાર કરી નાગાબાવાઓનું એક દલ ‘હર હર ગંગે’ કરતું દોડતું આવ્યું. સીધું ગંગાના પ્રવાહમાં. એમને કપડાં ઉતારવા કરવાનો પ્રશ્ન જ ક્યાં હતો? બીજું દલ આવ્યું, ત્રીજું દલ આવ્યું. મહાસાગરનાં મોજાં પર મોજાં આવી રહ્યાં છે.
સાંજ પડવામાં હતી. ભીડ વધતી જતી હતી. એ ભીડમાં હું ઘડીક આઘો, ઘડીક પાછો ઠેલાતો બ્રહ્મકુંડ ક્ષેત્રમાંથી બહાર નીકળ્યો. મેળાની ભીડથી દૂર ગંગાકિનારે ચાલતાં ચાલતાં મનમાં મેઘાણી અનુવાદિત રવીન્દ્રનાથની પંક્તિઓ ગણગણવા લાગ્યો :
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે… ભારતને ભવ્ય લોકસાગર-તીરે… રે પ્રાણ જાગો ધીરે. જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે…