દેવતાત્મા હિમાલય/કન્હેરી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કન્હેરી

ભોળાભાઈ પટેલ

જૂહુના સાગર તટે આવેલા ‘સી પેલેસ’ની બાલ્કનીમાં બેસીને લખું છું. અનવરત રેલાતા રહેતા સાગરસંગીતને છાઈ દેતું જંબો જેટ વિમાન પસાર થઈ રહ્યું. સાગરનાં ચમકતાં પાણી પરથી નજર આકાશ ભણી ગઈ. વિમાન આકાશમાં દૃષ્ટિમર્યાદા બહાર ચાલ્યું ગયું. વળી પાછું સાગરનું ગુંજન. સવારમાં આ સાગર પ્રાતઃ ભ્રમણકારીઓથી વસતિવાળો હતો. અત્યારે એકાકી છે. માત્ર ચડ્ડી પહેરેલો એક માણસ તેના એક કૂતરાને લઈને જાય છે. સી પેલેસના પ્રાંગણની નાળિયેરીઓની પશ્ચાત્‌ભૂમાં સાગર ભણી જોયા કરવાનું ગમે છે.

લખવા બેઠો છું મુંબઈના જ એક સ્થળ વિશે. મુંબઈ તો અતિઆધુનિક નગર છે, પણ હું પ્રાચીન લોકની વાત લખી રહ્યો છું. કંઈ નહીં તોય ઈ. સ. પૂર્વે બીજી સદીથી નવમી સદીનો કાળ. ત્યારે આ મહાનગર મુંબઈ નહીં હોય. આ સાગર તો અવશ્ય હશે. આ ટાપુ હશે. એ ટાપુને ઉત્તર છેડે આજે જ્યાં બોરીવલીનો નેશનલ પાર્ક છે ત્યાં ઊંડાણમાં એક રમ્ય પહાડી પર એક સમયે બૌદ્ધ વિદ્યાપીઠ હશે. કદાચ ચાતુર્માસ માટે ભિખુઓને રહેવા માટેનો મઠ હશે.

આ મઠ તે કન્ડેરીની ગુફાઓ. આજે સવારે કન્ડેરીની ગુફાઓ જોઈ આવ્યાં છીએ. શ્રીમતી કુંજ પરીખને મુંબઈ આવતાં પહેલાં લખ્યું હતું કે, આ વખતે કન્ડેરીની ગુફાઓ જોવા જવું છે. મોટરગાડીની વ્યવસ્થા રાખી શકાય તો સારું. તેમણે તેમના ડ્રાઇવરને વહેલી સવારે આવી જવા કહેલું.

બોરીવલી સ્ટેશનથી તદ્દન નજીક પૂર્વમાં નેશનલ પાર્ક વિસ્તરેલો છે. મુંબઈની વાહનોથી ભરચક્ક સડકો અને ભીડને વટાવી પાર્કના વિસ્તારમાં પ્રવેશ કરો એટલે ભૂલી જવાય કે આવા એક મહાનગરના પરિસરમાં જ તમે છો. અમારે પાર્કમાં સમય નહોતો પસાર કરવો – સીધાં જ ગુફાઓ ભણી ચાલ્યાં. મોટરગાડી ન હોય તો લાંબું અંતર કાપતાં વાર જ લાગી જાત.

પશ્ચિમ ભારતમાં બૌદ્ધ ધર્મની ચઢતીના દિવસોમાં કેટલી બધી ગુફાઓનું નિર્માણ થયું છે! નાલા સોપારા, કલ્યાણ, નાશિક પ્રાચીન કાળથી આ અંગે જાણીતાં છે. પૂણે-મુંબઈ માર્ગ પર કાલ અને ભાજાની ગુફાઓ થોડા સમય પહેલાં જ પૂણેથી આવતાં અમે જોઈ હતી.

પણ કન્ડેરીનો વિસ્તાર તો ઘણો મોટો છે. ૧૦૯ ગુફાઓ છે, વિહારો છે, ચૈત્યો છે. લગભગ હજાર વર્ષ સુધી ધર્મોપાસનાનું આ કેન્દ્ર હશે. બૌદ્ધ ધર્મના ભારતમાં થયેલા અવક્ષય પછી આ બધાં સ્થાનો બાગ-ગુફાઓ કે અજંતાની માફક પરિત્યક્ત બન્યાં હશે. સાધુઓનાં નિવાસસ્થાનો વન્યપશુઓથી સેવાતાં હશે.

કહે છે : કન્હેરી નામ કૃષ્ણ પરથી પણ ઊતરી આવ્યું હોય. કૃષ્ણગિરિકથનાગિરિ – કન્હેરી એમ બન્યું હશે? બૌદ્ધ ધર્મની ગુફાઓનું થાનક અને નામ કૃષ્ણ પરથી? અમે ગુફાઓના પ્રવેશદ્વારે પુરાતત્ત્વ વિભાગ તરફથી આ ‘સુરક્ષિત ઇમારત’ની માહિતી આપતું બોર્ડ વાંચવાનો મિથ્યા પ્રયત્ન કર્યો. અક્ષરો બધા ઊખડી ગયેલા. પ્રવેશટિકિટ આપનારને પૂછ્યું : કોઈ પુસ્તક કે પેમ્ફલેટ છે આ ગુફા વિશે? જવાબ મળ્યો : અત્યારે સિલકમાં નથી. આ સ્થિતિ ભારતીય રાષ્ટ્રીયતાનું સ્થાયી લક્ષણ બની ગયું છે.

ચોમાસા પછીના તરતના દિવસો હતા. શાંત સ્થળ તો હોય જ રમ્ય પણ. ગુફાઓ બતાવવા અમે એક ચોકીદારને જ ભોમિયા તરીકે લીધો. પગથિયાં ચઢવા માંડ્યાં. પગથિયાં ચઢતાં જ પારિજાત. પહેલી ગુફા એક ચૈત્ય છે, વિરાટ થાંભલા, સ્તંભ છે. તેના બે માળ ભવ્યતાની છાપ પાડે છે. એના પછી તરત વિહાર છે. બુદ્ધની મૂર્તિઓ જર્જરિત છે. ત્રીજી ગુફા પુરાતત્ત્વ વિભાગ તરફથી સાફ થતી હતી. ત્રણ માળની આ ગુફાના પ્રાંગણમાં અશોકસ્તંભ છે. વિરાટ મૂર્તિઓ છે બુદ્ધની. ચોકિયાતે કહ્યું, રપ ફૂટ ઊંચી છે. દરવાજે દાતાદંપતીનું શિલ્પ છે. અંદર પ્રવેશતાં મોટો સ્તૂપ. બંને બાજુએ બાર બાર સ્તંભ.

પથ્થરો ખવાતા જાય છે, સુંવાળપ જઈ ખરબચડા બનતા જાય છે. મૂર્તિઓને અસલી પ્રભાવ રહ્યો નથી. પણ આ મૂર્તિઓને આ રૂપમાં જોતાં જુદી જાતનો સૌંદર્યબોધ જરૂર થાય છે – ખંડેરનો સૌંદર્યબોધ.

બહાર પ્રાંગણમાં આવ્યા કે એક વિમાન ઘરઘરાટી કરતું પસાર થઈ ગયું. અને ક્ષણેક ભૂતકાળમાંથી અતિઆધુનિક યુગમાં આવી ગયાં. હવે અમે ઉપર ચઢતાં હતાં. સામેની પહાડી વૃક્ષોથી આચ્છાદિત હતી. વચ્ચે રસ્તો જતો હતો અને ત્યાં બાજુમાં થઈ વહેતું હતું ઝરણું. પથ્થરો પર થઈ વહેતું આ ઝરણું કલનાદ જગાવતું હતું. આ ઝરણાથી આખો વિસ્તાર ગતિમય બની જાય છે. ત્યાં એક વાવડી જોઈ. ચોકિયાતે કહ્યું કે, આ વિસ્તારમાં પાણી ભરી રાખવા માટે આવા લગભગ ૩૦૦ કુંડ છે. પછી તો લગભગ દરેક ગુફા આગળ આવા જળભરપૂર કુંડ જોયા. હવે તો એ પાણીનો ઉપયોગ કોણ કરતું હશે.

જેમ જેમ ઉપર ચઢતાં ગયાં, તેમ તેમ ગુફાઓની હાર પછી હાર દેખાવા લાગી. અહીં કેટલાય બૌદ્ધ સાધુઓ, છાત્રો રહેતા હોવા જોઈએ. આવા મઠમાં ભણવા મળ્યું હોત તો? અગિયારમા નંબરની ગુફા તો ‘કૉન્ફરન્સ હૉલ’ કહેવાય છે. વિશાળ છે. પ્રાચીન કાળમાં એનું શું નામ હશે?

મને ગુફાઓ જેટલું જ આકર્ષણ પેલા ઝરણાનું હતું. પથ્થરો પરથી વહેતા એ ઝરણાનાં સ્વચ્છ પાણીમાં જઈને ઊભવાનું મન થયું. ત્યાં એક કન્યાને ઝરણા કાંઠે કપડાં ધોતી જોઈ, એથી જાણે આખી ભૂમિચિત્રણાને સમગ્રતા મળી.

વળી પાછી ગુફાઓ. સંક્રમણ અમારું ચાલતું હતું. કુંજબહેને કહ્યું: ‘અહીંથી મુંબઈ શહેરની કોઈ નિશાની દેખાય છે? ઉપરના ઢોળાવ પર ચોમાસાની ઋતુનાં ઘાસનાં ફૂલ ખીલ્યાં હતાં. લાલ રંગ અને વાદળી રંગ ગંધથી સભર હતો. અહીં ચંપાનાં ઝાડનું એક ઝુંડ જ હતું. ચંપાકુંજ કહી શકાય. સફેદ ફૂલો કંઈ કેટલાં નીચે ઝરી પડ્યાં હતાં.

એક વિરાટ સભાખંડમાં પ્રવેશ કર્યો. એને ચિત્રકલા ખંડ કહે છે. પહાડીમાંથી ગુફા કોતરી કાઢવાની કલાનાં દર્શન થયાં. ચારે બાજુ દીવાલો પર બુદ્ધની મૂર્તિઓ અને બુદ્ધના જીવનના પ્રસંગો. ચોકિયાતે ગીતની એક લીટી ગાઈ. એના અનુગુંજનથી ગુફા ભરાઈ ગઈ. અમે કુંજબહેનને ગાવાનો આગ્રહ કર્યો. એમણે એક લીટી ગાઈ એ ગુજરિત થઈ ઊઠી અનેક ક્ષણો સુધી. ગુફાની અંદરનો આછો અવાવરું અંધાર કંપિત થઈ ઊઠ્યો હશે. આવા ગુંદરણનો આનંદ કાર્તાની એક ગુફામાં લીધો હતો. અમે – એ જ ત્રણ યાત્રીઓ – કન્વેરીમાં પણ સાથે હતા.

ગુફાઓ યોજનાબદ્ધ હતી. દરેકમાં બહાર પ્રાંગણ. પ્રાંગણમાં બેસવાની પથ્થરની બેન્ચ જેવી જગ્યા, અને ત્યાં હોય જળકુંડી. આવાં બધાં સ્થળોમાં ફરતા અદૃશ્ય તરંગો આપણી ચેતનાને ભીતરથી સ્પર્શી રહે છે. અહીં હજારો વર્ષ સુધી તપ અને સ્વાધ્યાય થતાં રહ્યાં હતાં. બૌદ્ધ ધર્મની વાણી ઉચ્ચરિત થયા કરતી હતી. શું એ બધું વ્યર્થ ગયું? ચોકિયાતે એક ગુફાના દ્વાર પર ચીની લિપિ બતાવી. કોણ હશે એ ચીની છાત્ર? અહીં ક્યારે આવ્યો હશે? આ લિપિમાં શું એનું નામ હશે? કોઈ સૂત્ર? કોઈ મંત્ર? હું ખોવાઈ ગયો.

ગુફાઓની હાર પછી હાર ચઢતાં અમે ટેકરીનાં શિખર પર પહોંચી ગયાં. ખુલ્લી જગ્યા. ત્યાં પણ બેસવાની વ્યવસ્થા હતી. જલાશય હતું. અહીં ખુલ્લામાં ભિખ્ખઓની સંગતિ મળતી હશે.

વૃક્ષ છાયામાં આશ્રય લીધો. ડૉ. અનિલાએ કુંજબહેનને ગાવાનો આગ્રહ કર્યો. આખો ખાલી વિસ્તાર એ ગીતના સૂરથી જાણે ભરાઈ ગયો.

આ લખું છું ત્યારે, સામે જૂહુનો સાગર, એનું નિર્જન સંગીત આ ઢળતી બપોરેક રેલાવી રહ્યો છે. રાહ જોઉં છું – હવે સાંજ પડે કે અહીંથી ઊતરી તેની પાસે પહોંચી જાઉં. એ જાણે સાદ પાડી રહ્યો છે અને આ લખવાનું પણ પૂરું થઈ ગયું છે.