દેવતાત્મા હિમાલય/દેવતાત્મા હિમાલય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવતાત્મા હિમાલય

ભોળાભાઈ પટેલ

…હિમાદ્ધિ હે! હિંદજનોની મોંઘી
છે આત્મલક્ષી તણું તું પિયેર,
તારા વિનાનાં સહુયે સ્થળો તે
લાગ્યા કરે છે ઉરને અણોસરાં?
સોરાય હૈયું તુજને સ્મરીસ્મરી
‘આવીશ’ ‘આવીશ’, – રટ્યા કરંતુ.

‘અભિજ્ઞા’ — ઉમાશંકર જોશી

સાંજે ઋષિકેશ પહોંચી ગયાં.

કાલે બપોરના અમદાવાદથી સર્વોદય એક્સપ્રેસમાં નીકળ્યાં.

અમદાવાદના મે મહિનાના સખત તડકાનો અનુભવ કરતાં દેવતાત્મા હિમાલયની અભિલાષા ઉત્કટ બની ગઈ. ગાડી વડોદરા વટાવી દાહોદની દિશામાં આગળ વધી, પણ વચ્ચે ગોધરા સ્ટેશને કોઈ કારણસર થોભી ગઈ. લાંબા સમય સુધી સાંજે ગાડીમાંથી જોતાં આકાશ બદલાયું હતું. વાદળ હતાં જળ ભરેલાં. અને એમની સાથે હારબંધ તીરના આકારમાં ઊડતી હતી બલાકાઓ. એ દૃશ્ય જોઈ કાલિદાસની પંક્તિ યાદ આવી: ‘નયનસુભગં બે ભવન્તં બલાકા’ પણ આ બલાકા – બગપંક્તિ છેક હિમાલય સુધી અમારી સાથે નહોતી આવવાની.

પછી તો અંધકારની સાથે જળ પણ વરસ્યું. ઠંડક થઈ. ગાડીમાં કેટલાંક પરિચિત યાત્રીઓ હતાં. તે કહેતાં હતાં કે, બદરીનાથ-કેદારનાથમાં બહુ બરફ પડ્યો છે. અમને થયું કે એ તો જેવી બદરીવિશાલની ઇચ્છા.

નવી દિલ્હી સ્ટેશને ઊતરી ઋષિકેશ સુધીની ટેક્સી કરાવી. પણ ટેક્સી ડ્રાઇવર ઋષિકેશને મા લેવાને બદલે ટેક્સી આઈ.એસ.બી.ટી.ના સ્ટેન્ડ પર લઈ આવ્યો. છેવટે બસ કરવી પડી. ઋષિકેશની બસ મળી ગઈ. જેમ ટેક્સી ડ્રાઇવરનો અનુભવ થયો એમ બસસ્ટેન્ડના કુલીઓનો પણ. આપણી યાત્રાનો આરંભ કડવો કરી દે. ઋષિકેશના ટાંગાવાળો પણ એમનો સહોદર નીકળ્યો. ગઢવાલ વિકાસ નિગમના ટૂરિસ્ટ બંગલા સુધી પહોંચાડવાને બદલે એણે નીચે રસ્તા પર ટાંગો ઊભો રાખી દીધો. કહ્યું : ટાંગો ઉપર નહીં જાય.

અમે છ યાત્રીઓ હતાં, પણ સામાન ઘણો. મારા એક સિવાય સહુ મહિલાયાત્રીઓ હતાં એટલે સ્વાભાવિકતયા જ સામાન વધારે હોય. અમે ઉપર ટૂરિસ્ટ બંગલામાંથી બે પટાવાળાને બોલાવી લાવ્યાં. સામાન, ઉપર અમને મળેલા રૂમોમાં લઈ ગયાં. ઉપર આવી હાશ કરી બેઠાં. સ્થળ ઉપર નિરાંતવા થઈને બેસતાં દિવસભરનો થાક જાણે ઊતરી ગયો.

જમ્યાં.

પછી ત્યાંથી નીચે ઊતરી ચાલતાં ચાલતાં ગંગાના પ્રવાહ ભણી ગયાં. અંધારું થઈ ગયું હતું. ગંગાના પ્રવાહનો કલકલ ધ્વનિ માત્ર સંભળાતો હતો. છેક જળ સુધી ન ગયાં અને પાછા આવી ગયાં. આકાશ એકદમ સ્વચ્છ હતું, જેમાં સ્વાતિ અને ચિત્રાનાં તોરણિયાં અને ઉત્તરે સપ્તર્ષિ અને ધ્રુવ, હિમાલયની પૃષ્ઠભૂમિમાં શીતલ દીપ્તિ પ્રસરાવી રહ્યાં હતાં.

અમે વિચાર્યું કે, આવતી કાલે જ જો નીકળી શકીએ તો પાછા આવતાં બે દિવસ અહીં રોકાઈ શકીએ. અહીંથી ચારધામ યાત્રાની સુવિધાઓ બહુ છે. ટૂરિસ્ટ બંગલાના વ્યવસ્થાપક શ્રી પવારે અમને ત્રિશૂલ ટ્રાવેલ્સની એક ટેક્સી કરાવી આપી. એ ત્રિશૂલ ટ્રાવેલ્સના એક ભાગીદાર પણ હતા! અમે રાત્રે મોડે સુધી વાતો કરી. યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ – આ ચારેય સ્થળોએ જવા સૌ લાલાયિત હતાં, પણ દિલ્હીથી પાછા વળવાનું જે રિઝર્વેશન અમે કરાવ્યું છે એ પ્રમાણે, દિવસ તૂટે એમ હતું. અમે યમનોત્રી જવાનું આ વખતે બંધ રાખ્યું. કાલે સીધા ગંગોત્રી માટે નીકળી જવાનું રાખ્યું.

સુંદર સવાર. રાત્રે પણ વૃક્ષો વચ્ચેથી પસાર થતો પવન સંભળાયા કર્યો હતો. સવારે એમાં પંખીઓના અવાજ ભળ્યા હતા. આંખોની સામે હતી હિમાલયની પર્વતશ્રેણી.

સૌ તૈયાર થઈ ગયાં, પણ ટૅક્સીએ સારી એવી રાહ જોવડાવી. અમારા સામાનમાંથી જરૂરી સામાન લઈ બાકીનો અહીંના ક્લૉક રૂમમાં મૂકી દીધો. અમે છ જણ હતાં એટલે પાછલી સીટમાં ચાર જણને બેસવાનું હતું વારાફરતી.

મોટરગાડી નરેન્દ્રનગરને માર્ગે નીકળી. હવે તો રીતસરના હિમાલયમાં જ ગણાઈએ, પણ વચ્ચે એકદમ મોટરગાડી અટકી ગઈ. ડ્રાઇવર હુડ ખોલી એન્જિન ઠીકઠાક કરવા લાગ્યો. અમને થયું : જો શરૂઆત જ આવી છે તો… રોડની બાજુના ક્યારામાં ડાંગર રોપાતી હતી. રૂપાએ પર્સમાંથી ચોકલેટ કાઢી અમને બધાને આપી. ક્યારાના શેઢે બેઠેલા બાળકને ધરી. એ લે નહીં. એનાં માબાપ સામે જુએ, પછી માએ સ્વીકૃતિ આપતાં એણે લીધી. મોટરગાડીનો એક સ્કૂ ઢીલો થઈ ગયો હતો. પક્કડમાં આવે નહીં. અમારા સામાનમાં સાણસી હતી એનો ઉપયોગ કરવો પડ્યો.

સમય કરતાં ઊપડ્યા મોડા, તેમાં આ વિલંબ, પણ પછી મોટર બરાબર ચાલી. ટિહરીનો વિસ્તાર વટાવી બે વાગ્યે તો ઉત્તરકાશી પહોંચી ગયાં. સખત તડકો અને તાપ. હિમાલયનો સ્પર્શ સુધ્ધાં નહીં.

ઉત્તરકાશીથી લંકા થઈને ગંગોત્રી જવાય છે. ઉત્તરકાશીનો મહિમા કંઈ ઓછો નથી, પણ અમારે અંધારું ઊતરે એ પહેલાં લંકા પહોંચી જવું હતું. ભાગીરથીનાં દર્શન મોટરમાંથી જ કર્યા. ઉત્તરકાશીથી લંકા સુધીનો ચાર કલાકનો માર્ગ રમ્ય. ભાગીરથીને ક્યારેક ડાબે કિનારે, ક્યારેક જમણે કિનારે, ક્યારેક ઊંચાઈએ, ક્યારેક નીચાઈએ એમ ચાલ્યો જાય. ઊંચી પર્વતમાળાઓ જાણે સાંકડી થતી જાય, દૂર બરફનાં શ્વેત શિખરો તડકામાં ચમકી જાય.

સાંજ નમતાં પવન એકાએક ઠંડો થયો, વરસાદનો પવન. આજુબાજુ ક્યાંક વરસી રહેલો વરસાદ આવી પહોંચશે એ ખ્યાલથી ડ્રાઇવરે મોટરગાડીની ગતિ વધારી, પણ વરસાદને બદલે આખે રસ્તે પહાડી સાંજની રમણીયતા જ વરસતી રહી.

લંકા પહોંચતાં જ બળતા દેવદારુ કાષ્ઠની એક વિશિષ્ટ વાસ નાકને તર કરી રહી. એ જાણે કોઈ જુદા લોકમાં આવ્યાનો એહસાસ કરાવતી હતી! પ્રાચીન લોક. ઉત્તર કાશીમાં તપ્ત તડકો હતો, અહીં ધ્રુજાવી દેતી ઠંડી. એક બાજુ ઊંડાણે નદી વહેતી હતી અને બીજી બાજુએ વનાચ્છાદિત પહાડ હતા. વચ્ચે થોડી ખુલ્લી વિષમ ભૂમિ હતી. એ ભૂમિ પર મેળો ભરાયો હોય એમ વાહનોની ભીડ હતી – યાત્રિકોની ભીડ હતી.

પહેલું કામ રાતવાસા માટે આવાસ શોધવાનું હતું. ટૂરિસ્ટ વિભાગના બધા રૂમો ભરાઈ ગયા હતા. અમે બીજાં એક-બે સ્થળોએ તપાસ કરી, પણ બધે આવાસો છલકાતા હતા. મોડા પડવાનો વસવસો કરવાનો અર્થ નહોતો. કોણ જાણે કેમ પણ ક્યાંક ને ક્યાંક તો જગ્યા મળશે એમ થતું હતું. કંઈ નહીં તો આ હાટડીઓના પાછલા ભાગમાં બીજા ઘણા અકિંચન જાત્રાળુઓની જેમ રાત કાઢી નાખીશું.

ડ્રાઇવર મોહનલાલ પણ પ્રયત્ન કરતા હતા. ટૂરિસ્ટ વિભાગ તરફથી તૈયાર ઠોકેલો એક નાનો તંબુ મળી ગયો, સાથે એક ફાનસ, આટલું તો ઘણું.

પ્રવાસમાં આમેય ભૂખ વધારે લાગે. અહીં ઘણી હાટડીઓ હતી. ચા-ભજિયાં જેવું તો મળી જ જાય, પણ અમારી મંડળી વ્યવસ્થામાં પાછી પડે એમ નહોતી. સામાનમાંથી સ્ટવ બહાર નીકળ્યો, સીધું બહાર નીકળ્યું. કોકિલાબહેને તંબુની આડશમાં બધું ગોઠવ્યું. સ્ટવ ધમધમી ઊઠ્યો. સગુણાબહેન-અનિલાબહેન ટામેટાં સમારવામાં લાગી ગયાં. રૂપા-અમી તંબુમાં પાથરણાંનું કરવા લાગ્યાં. હું તો આ બધામાં નિરુપયોગી નિરીક્ષક, ભભૂકતા ફાનસને રૂપાની મદદથી તંબુના થાંભલે લટકાવ્યું જેથી થોડું અજવાળું આવે.

પછી તો ગરમ ગરમ ખીચડી અને ટામેટાંનું રસાદાર શાક, ભભૂકતા ફાનસના અજવાળામાં જમ્યાં. હાસ્ય પણ જમ્યાં. પછી આવતી કાલનો વિચાર કરવા લાગ્યાં. તંબુમાં ગરમાવો થતો જતો હતો, પણ ઠંડી જ ઘણી. વધારાનો સામાન મોટરની ડેકીમાં રાખીશું, છતાંય ભૈરવ ઘાટીની પેલે પાર જવા બે કુલી જોઈશે.

મેં બધાને પૂછ્યું : આજની યાત્રામાં કઈ વસ્તુની છાપ તમારા મન પર પડી? દરેક જણ એક વાક્યમાં કહે.

રૂપા કહે : બરફઆચ્છાદિત શિખરોનું દર્શન.

સગુણાબહેન : ઘડીકમાં એમ થાય કે બરફ હાથમાં આવશે, વળી રસ્તે વારેવારે આવતાં ઝરણ, નદી.

કોકિલાબહેન: ઊંચા ચઢાણોની મઝા.

અનિલાબહેન : બધું જ અદ્ભુત, ભવ્ય!

અમી : પેલું રસ્તામાં આવેલું ઝરણું, જેના પાણીમાં ઊભી ફોટો લીધો છે.

હું વિચારવા લાગ્યો. હું શું કહું? ઋષિકેશથી લંકા સુધીની માત્ર એક દિવસની યાત્રામાં તો કેટલો અદ્ભુત આનંદ આવતો રહ્યો છે. અત્યારે જાનવીને બિલકુલ કાંઠે છીએ. એનો ઘુઘવાટ શાન્ત થતી રાત્રિમાં સંભળાય છે. હજી નાસાપુટોમાં દેવદારુની વાસ છે. પહાડોની વચ્ચે છેક ગંગાના ઊગમસ્થાન નજીક હોવાની ‘થ્રિલ’ ભાગીરથીની પાસે રહેવાનું કેટલું સુખ છે! આજે તો આખો દિવસ લગભગ એ સાથે છે.

ફાનસ વધારે ભભકવા લાગ્યું. છેવટે હોલવાઈ ગયું. અંદર કેરોસીન પણ નહીં. કદાચ એટલું જ ભરતા હશે. અંધારામાં ફંફોસી મીણબત્તી બહાર કાઢી અને પેટાવી, પણ હવે તો સૂવાનું જ હતું ને!

હિમાલય તો સ્વપ્નભૂમિ છે, પણ એ સ્વપ્નભૂમિ આટલી સુંદર હશે અને એ સ્વપ્નભૂમિનાં દર્શન જાગ્રત અવસ્થામાં થઈ શકતાં હશે? હશે જ ને. ત્યારે તો હું અહીં દંડી સ્વામીના આશ્રમમાં, જ્યાં કેદારગંગા ભાગીરથીને મળે છે અને ભાગીરથી નાનકડા ધોધરૂપે બ્રહ્મકુંડમાં પડે છે ત્યાં, ધર્મશાળાના પહેલા માળના લાકડાના ઝરૂખામાં બેસી એ અદ્ભુત દૃશ્ય જોતાં અને એ અદ્ભુત ગાન સાંભળતાં આ લખું છું. સાંજના છ થયા છે.

આજે પણ સુંદર સવાર ઊગી. જાહ્નવીને કાંઠે તંબુમાં અમે હતાં. પણ બહાર આવીને જોયું તો તડકો ચારે બાજુનાં પર્વત શિખરો પર પડતો હતો. બરફ તગતગતો હતો. દેવદારુનાં ગાઢ ઊંચાં વન. આ બધું જોઈ રાત્રિની શારીરિક ક્લાન્તિ ક્યાં ચાલી ગઈ? રાતે તો બળે સ્વેટર અને ધાબળા નીચે ઢબૂરાવા છતાં કંપી જવાતું હતું. બેટરીનું અજવાળું કરી હાથમોજાં પણ પહેરી લીધાં હતાં, પછી જાહ્નવીના ગુંજનમાં ઊંઘી જવાયું હશે.

સવારમાં ચા પી પ્રસન્નમને અમે સૌ નીકળી પડ્યાં. સામાન માટે બે કુલીઓ કરી લીધા. બે દિવસ સુધી મોટર હવે અહીં રહેશે. લંકાથી ભૈરવઘાટી જવા ત્રણ કિલોમીટરની ઉતરાઈ-ચઢાઈ હતી. એક ઊંડી ખીણ પાર કરીને જવાનું હતું. બે સાંકડી પર્વતધારો વચ્ચે એ ખીણ, એમાં વહે જાહ્નવી. બે ધારો વચ્ચે માંડ દશ ફૂટનું અંતર હશે. એ પર જો પુલ બંધાઈ જાય તો ઘાટીમાં ઊતરવું ન પડે. વાહનો પણ જઈ શકે. એક જમાનામાં પુલ હતો, પણ તૂટી ગયો છે. એના ભગ્નાવશેષો હતા. પણ એ જ સારું હતું. નહીંતર, મહાકાવ્યના એક પ્રાકૃતિક સર્ગ જેવો અનુભવ ક્યાંથી થાત?

અનેક જાત્રાળુઓની હાર ગંગામૈયા ભણી જઈ રહી હતી. એ દરેક સૌ પોતપોતાની ભાવનાથી ચાલી રહ્યાં છે. હજારો વર્ષોથી ગંગોન્મુખ બનીને યાત્રીઓ ચાલતા રહ્યા છે, ભવિષ્યમાં ચાલશે. એ બધાંની ભાવનાઓ અહીંના વાયુમંડળમાં પૂંજીભૂત થાય છે અને અહીં આવતા દરેક યાત્રીને એનો સ્પર્શ થાય છે. એ પણ પેલા પૂંજમાં પોતાની ભાવનાઓ ઉમેરતો જાય છે. એ રીતે એ ભૂતકાળ સાથે જોડાય છે અને ભવિષ્યકાળ સાથે પણ. (આવું તત્ત્વદર્શન અહીં ગંગામૈયાની સન્નિધિમાં થયું મને!)

જે યાત્રી મળે તે ‘જય ગંગે મૈયા’ કહે.

આપણે સામેથી કહીએ ‘જય ગંગે મૈયા.’

એ જ નાદ ઘાટીમાં ગુંજતો હોય : ‘જય ગંગે મૈયા!’

સાંકડાં પગથિયાં પહાડના પેટને ઘસાઈને નીચે ઊતરતાં જાય.

થોડાંક પગથિયાં ઊતરતાં જોયું કે આજે પાતળી ઘાટી બની છે, પહાડ ચીરીને એ તો જાહ્નવીનો પ્રવાહ છે. એ ધસમસતા પ્રવાહે ગંગોત્રી જવાના માર્ગ વચ્ચે પોતાનો માર્ગ કર્યો છે. સાંકડી ઊંચી બે પર્વતધારો વચ્ચે દૂરથી ઊંડાણમાં એ વહી આવે છે.

ત્યાં આકાશના સૂર્યનો સીધો તડકો, આ લાંબી કંદરાની વચ્ચે થઈ પ્રવાહ પર પડતો દેખાયો. ભવ્ય દૃશ્ય. શું ભુલાશે? સાચે જ એવું લાગે કે નદીઓને ઘેરી લેનાર વૃત્રાસુરને હણીને ઇન્દ્રે વજ્રથી આ નદીઓને ખોદીને બહાર કાઢી છે. પણ આ રમ્ય તડકો?

ભૈરવઘાટી તરફ આગળ ચાલ્યાં. ત્યાં ત્રાંસમાં સામેથી એવી ઊંડાઈએ બીજી નદી ધસમસતી આવતી દેખાઈ. એ તો અમને પરિચિત ભાગીરથી. પણ કેવું વન્યરૂપ! વચ્ચે આવ્યો ઘાટીના ઊંડાણમાં નાનકડો લાકડાનો પુલ. ત્યાં થોડી વાર ઊભાં રહ્યાં. હવે અહીંથી ચઢવાનું હતું. આ ઘાટીમાં પણ વચ્ચે વચ્ચે દેવદારુ ઊભાં હોય, ભાગીરથીનાં શીકરો ઝીલવા. મને આજે કાલિદાસનો પેલો શ્લોક રટે ચઢી ગયેલો – બોલ્યા કરું : ભાગીરથી – નિર્ઝરશીકરાણાં વોઢામુહુઃ કમ્પિત દેવદારુ. ભાગીરથી અને દેવદારુ, અને એ બેને જોડનાર પેલા કાલિદાસ!

ભૈરવઘાટીથી ગંગોત્રી દશ કિલોમીટર. એય તે ચાલીએ એની મઝા. એવો વિચાર પણ આવ્યો. કુલીને છેક સુધી લઈ જઈએ. ત્યાં એક જીપવાળો કહે : આપ જીપ નહીં કરેંગે? તો જીપ ક્યાં હોગી? જીપ તો ગંગોત્રી પાસે જોતજોતામાં આવી ઊભી રહી ગઈ. જીપમાં ગોઠવાઈ ગયાં.

દંડીસ્વામીના આશ્રમમાં અમે અગાઉથી લખ્યું હતું. આશ્રમ ભાગીરથીને સામે કાંઠે. પુલ પર થઈ સામે પહોંચી ગયાં અને પછી આશ્રમની ધર્મશાળાના પહેલા માળની લાકડાની બાલ્કનીમાં આવીને ઊભાં. આસપાસ ઊંચા વનશ્રીમંડિત પહાડો અને સામે એક શિલા પરથી ધોધરૂપે પડતી ભાગીરથીને સ્તબ્ધ બની જોઈ જ રહ્યાં. ‘શૈત્ય – પાવનત્વ’નો સ્પર્શ જાણે ક્યાં લઈ જતો હતો!

ગંગોત્રી શ્રીક્ષેત્ર કહેવાય છે. શ્રીક્ષેત્ર ગંગોત્રીમાં બરફનાં શિખરોથી શોભતા પર્વતો, દેવદારુનાં ઉન્નત વૃક્ષો અને પથ્થરોની શૈય્યા પરથી વહી જતી ક્ષીણતોયા પણ ક્ષિપ્રવેગા ભાગીરથીનાં દર્શન, જોનારને સૌંદર્યની સાથે એક પ્રકારની પવિત્રતાથી રસી દે છે. મને કાકાસાહેબ કાલેલકરના ઉદ્દગારનું સ્મરણ થયું. તેમણે કહ્યું છે : ‘બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી આ ચાર ધામોમાં બદરીનારાયણમાં એનો વૈભવ આકર્ષે છે, જ્યારે કેદારનાથના વાતાવરણમાં મુખ્યત્વે વૈરાગ્ય જડે છે. જમનોત્રીની ભવ્યતા આપણા હૃદયમાં કાયમને માટે સ્થાન કરી લે છે, જ્યારે ગંગોત્રી તો પોતાની પવિત્રતામાં જ આપણને સાવ ડુબાડી દે છે.’

અમે તો તેમાં સામેના ગૌરીકુંડના અદ્ભુત દૃશ્યના સાન્નિધ્યમાં હતાં. ગંગા જે રીતે અહીં એક ખડક પરથી ધોધરૂપ થઈ નીચે પડે છે તેનું દૃશ્યશ્રાવ્ય રૂપ સંમોહન જગાડે છે. દંડીસ્વામી આશ્રમની ધર્મશાળાના ઝરૂખેથી ઊઠવાની ઇચ્છા જ થાય નહીં, પરંતુ ક્યાં સુધી? સાંજ પડે તે પહેલાં ગંગાસ્નાન તો કરી લેવું જોઈએ. ભોજન પણ કરી લેવાનું હતું. અમે આશ્રમના પૂર્ણાનંદતીર્થ સ્વામીજીને પ્રણામ કરવા ગયાં. સ્વામીજીએ પ્રેમથી અમને આશીર્વાદ આપ્યા.

બપોર સહેજ નમી કે સવારથી બપોર સુધીનો ઉજ્જ્વળ તડકો વાદળોની છાયાથી ગૂંથાવા લાગ્યો. વરસાદનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. પૂર્વદિશાનાં પર્વતશિખરો પર બરફની વર્ષા થતી લાગી, પરંતુ પશ્ચિમદિશાનાં શિખરોના બરફ પર તડકો વરતાતો હતો. ઉત્તરે જે એકદમ સીધો પર્વત દેખાતો હતો તેની કટિમેખલા સુધી વિસ્તરેલા દેવદારુના વન પર રહી રહીને વાદળોની શ્યામલ છાયા પથરાતી હતી.

દંડી સ્વામીનો આશ્રમ ગંગાને જમણે કાંઠે છે, ગંગામૈયાનું મંદિર ડાબે કાંઠે છે. અમે ગંગાના પ્રવાહ ભણી ચાલ્યાં. ત્યાં તો દક્ષિણ તરફથી પહાડના ઢોળાવ પરથી વહી આવતી બીજી એક નદી આવી. એ હતી કેદારગંગા. ભાગીરથી ગંગા અને કેદારગંગાના સંગમનું અનુપમ કાવ્ય અમે માણી રહ્યાં.

આવાં બધાં સ્થળોએ આંખો ઉઘાડી હોય તો ડગલે ને પગલે અપૂર્વ શોભા મળે. દૃશ્યો એનાં એ હોય, પણ એનું રૂપ જાણે ક્ષણે ક્ષણે બદલાતું લાગે. કવિ માઘે રમણીયતાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જે ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરે એ જ રમણીયતાનું સાચું રૂપ. એ વ્યાખ્યા આવાં સ્થળોના સૌંદર્યદર્શનમાંથી જન્મી હશે. પર્વતો, નદીઓના સંગમ, પ્રાચીન દેવદારુ બસ જોયા જ કરો! ક્ષણે ક્ષણે અપૂર્વ અને ક્ષણે ક્ષણે અપૂર્વ એ જ તો સુંદર. ઈશ્વર હોય તો તે અહીં સુંદર’ રૂપે છે.

અમે નદીપટમાં ઊતર્યા. પટમાં પથ્થરો જ પથરાયા છે. ગંગાને કેટકેટલે સ્થળે જોઈ છે, પણ અહીં પથ્થરો વચ્ચે વહેતી ગંગાનું – કિશોરી કન્યાનું રૂપ સાચે જ મોહ પમાડે છે. નદીની પૂજા એટલે નદીમાં સ્નાન. અંગેઅંગ એની હસ્તી અનુભવાય, પણ અહીં સ્નાન કેવી રીતે કરવું? હવામાં શીતળતા વ્યાપી ગઈ હતી. ના, પણ ગંગોત્રીમાં આવી ગંગાસ્નાનના અવઢવ ન કરાય. કપડાં કાઢી નદીને પ્રણામ કરી સીધા એના પ્રવાહમાં પગ મૂક્યા. એકદમ ઠંડું પાણી. હજી હમણાં ઓગળેલો બરફ જાણે. પ્રવાહમાં બેસી જઈ ઝટપટ પાણી ઉછાળી શરીર ભીનું કરી જેટલી ઝડપથી ગયો હતો એટલી ઝડપથી કાંઠે પાછો આવી ગયો, પણ પછી થયું : ના, ગંગામૈયાની અર્ચના આ રીતે ન પતાવી દેવાય. દૃઢ મન કરી, ફરી પ્રવાહ વચ્ચે જઈ ઊભો અને સૌ સ્નેહીઓનાં સ્મરણ સાથે પ્રવાહમાં એક ડૂબકી મારી અને બહાર નીકળી આવ્યો.

ચેતના જાણે બધિર બની ગઈ. પ્રવાહ પછીના પથ્થરિયા પટ પર ચાલતાં ભાનમાં છું કે નહીં તેનું પણ જાણે ભાન નહીં. ઝટપટ કપડાં બદલી લીધાં. સ્નાન કરનાર સહપ્રવાસીઓની પણ એવી જ સ્થિતિ હતી, પરંતુ થોડી વારમાં જ શરીરમાં ગરમી વ્યાપી ગઈ. હવે થયું કે આ સ્નાન ન કર્યું હોત તો અહીં આવવાનું સાર્થક ન થાત. ગંગામૈયાના પવિત્ર હેતનો સ્પર્શ ન પામત. અહીં બીજા યાત્રિકો પણ ભક્તિભાવથી સ્નાન કરતા હતા.

થોડી વાર ગંગાના પ્રવાહની બાજુની શિલાઓ પર બેસી તેના કલકલ વહેતા પ્રવાહની સન્નિધિમાં આસપાસની પ્રાકૃતિક શોભા જોતાં જ રહ્યાં. આમ, પથ્થરોના ભાઠા વચ્ચે બેસવાનું બહુ ગમ્યું. અમે ગંગોત્રીતીર્થને સર્વ ઇન્દ્રિયોથી તો અનુભવતાં હતાં, પણ કશુંક ઇન્દ્રિયાતીત પણ શું નહોતું?

માનો ન માનો, દરેક ભૂમિનો પોતપોતાનો ભાવ હોય છે. યોગીઓ-સંન્યાસીઓ સિદ્ધશીલાઓ શોધીને તપ કરતા હોય છે. ગંગોત્રી જેવું સ્થળ તો સમગ્ર સિદ્ધક્ષેત્ર ગણાય. આ વિસ્તારમાં અનેક સાધુઓ-સંન્યાસીઓ કુટિર બાંધીને રહે છે. વરસના અનેક માસ તો અહીં બરફનું સામ્રાજ્ય વ્યાપી જાય છે. તે વખતે પણ રહેનાર કેટલાક સાધુ-સંન્યાસીઓ હોય છે.

ગંગોત્રીને સૌ ગંગાનું ઊગમસ્થાન માને છે. કદાચ સહસ્રો વર્ષો પૂર્વે હોય, પરંતુ ગંગા નદીનો ઊગમ આજે અહીંથી ૨૦-૨૨ કિલોમીટર દૂર ગોમુખ આગળ થાય છે. મોટા ભાગના યાત્રિકો ગંગોત્રીનાં દર્શન કરીને પાછા વળી જાય છે. અમે ગોમુખ સુધી જવાનો સંકલ્પ કર્યો હતો. ત્યાં જવા માટે પગપાળા જ જવું પડે છે – ભાગીરથીને કાંઠેકાંઠે પગવાટ છે.

ગંગાજળના સ્પર્શથી એ સંકલ્પ દઢ કરી અમે ગંગામૈયાનાં મંદિરે ગયાં. નાનકડું મંદિર. ગંગામૈયાનાં મૂર્તિરૂપે દર્શન કર્યા. મંદિરને અડકીને જ નાનકડું બજાર છે. બજારમાં આંટો મારી, લાકડાનો પુલ ઓળંગી ફરી સામે કાંઠે પહોંચ્યાં. નદીકાંઠાની એક હોટલના બાંકડા પર બેસી ચા પીધી. ત્યાં તો યાત્રિકોનું એક વૃન્દ આવી પહોંચ્યું. બધા બંગાળી યાત્રિકો હતા. એ બધા ગોમુખ સુધી જઈ આવતા હતા. અમે એમની પાસેથી આવશ્યક માહિતી મેળવી લીધી.

વરસાદનાં ફોરાં શરૂ થયાં. ઠંડી તો ઊતરી જ આવી હતી. અંધારું પણ હવે ઊતરવા લાગ્યું. અમે ફરી આશ્રમમાં આવી ગયાં. જમ્યાં. અમારા ખંડમાં આવ્યાં. ગંગાનું દૃશ્ય રૂપ હવે ઓઝલ હતું, પરંતુ કેફ ચઢાવતા એના ગુંજનથી અમે શ્રાવ્યરૂપનો અનુભવ કરતાં હતાં.

આકાશ ખુલ્લું હોય તો પહાડો વચ્ચે ઊગતી સવાર અત્યંત ખુશનુમા બની રહે છે. તેમાં આ તો બરફથી આચ્છાદિત શિખરોવાળા હિમાલયના પહાડ, અને એ પહાડો વચ્ચે વહેતી ભાગીરથી છે. આપણી આંતરબાહ્ય ચેતના પ્રસન્નતા અનુભવી રહે છે. એ પ્રસન્નતા આધ્યાત્મિકતાથી કદાચ સહેજ જ ન્યૂન હશે.

આ પ્રસન્નતા સાથે અમે વહેલી સવારે ગંગોત્રીથી ગોમુખ જવા તૈયાર થયાં. ગમન પૂર્વે સ્વામીજીને નમસ્કાર કરવા ગયાં. શુભાયાત્રા ઇચ્છી તેમણે કહ્યું : મેં ભી તુમ લોગોં કે સાથ હી હું. અર્થાત્, એમની શુભેચ્છાઓ રૂપે અમારી સાથે રહેશે.

પુલ પાર – સામે કિનારે ગંગામૈયાનાં દર્શન કરી અને પુરાતન અને પવિત્ર ગોમુખને માર્ગે પ્રસ્થાન કર્યું. છ જણની અમારી ટુકડીમાંથી ત્રણ જણે ગંગોત્રીમાં જ રહેવાનું સ્વીકાર્યું હતું. અમને ત્રણને વળાવી તેઓ પાછાં વળ્યાં. અમારી આગળપાછળ બીજા થોડા યાત્રિકો પણ હતા, જે ગોમુખ જવા નીકળ્યા હતા.

હજી તો સાત થવા આવ્યા હતા. પૂર્વ દિશાનાં શિખરો ચમકી ઊઠ્યાં હતાં. ત્યાં ચાલતાં ચાલતાં પહાડ પરથી નીકળતા સૂર્યદેવતાને જોતાં જ ઊભો રહી ગયો. હિમાલય, ભાગીરથી અને આ સૂર્યોદય! એક હાથમાંની લાકડી ખભે સરી અને બે હાથ જોડાઈ ગયા. હોઠે ગાયત્રીમંત્રના શબ્દો આવી ગયા. થોડી ક્ષણો દેવ સવિતાના પવિત્ર ભર્ગનું ધ્યાન ધરીને આગળ ચાલ્યો.

પૂર્વદિશામાં જ જતાં હતાં. પૂર્વનાં પર્વતશિખરો જાણે સાદ પાડી રહ્યાં છે. સૂર્ય પણ જાણે એક શિખરને ખભે ચડી સમગ્ર પર્વતશ્રેણી અને ભાગીરથીની ઘાટીને પોતાના તડકાથી રસી રહ્યો છે. પરંતુ જમણે હાથે ભાગીરથીની પેલે પાર દક્ષિણે એક શ્વેત પર્વત આછા સંચરમાણ ધુમ્મસમાં વીંટળાયેલો છે. એક રહસ્યાવૃત્ત ભવ્યતાનો એ અનુભવ કરાવે છે. કોમળ તડકો એ રહસ્યને હજી ભેદી શક્યો નહોતો, પણ એ કોમળ તડકામાં પંખીઓનો કલનિનાદ ભાગીરથીના ગર્જન વચ્ચે પણ સાંભળી શકાતો હતો. ઊંચાં ઊંચાં દેવદારુનાં પર્ણો વચ્ચેથી ચળાઈને એ તડકો અમારા માર્ગ પર પડતો હતો.

આ માર્ગે ચાલવું એ પણ એક અનુભવ છે. ચાલતાં ચાલતાં અનાયાસ એવો બોધ થતો રહે છે કે, આપણે માત્ર પ્રવાસી નથી, યાત્રી છીએ. ભાગીરથીને કાંઠે કાંઠે એનાં ઉદ્ગમ ભણી જતા, દેવદારનાં વૃક્ષોની સ્નિગ્ધ છાયાથી અંકિત આ માર્ગે ચાલેલાં અસંખ્ય યાત્રીઓનો હું જાણે અનુગામી છું. આ માર્ગે પગલે પગલે તીર્થ છે. કોઈએ યોગ્ય જ કહ્યું છે કે, તીર્થને ‘તીર્થ’ બનાવે છે શ્રદ્ધાન્વિત યાત્રિકો. કેટકેટલા યાત્રિકોનાં પગલાં અહીં પડ્યાં હશે! અહીં દેવાધિદેવ મહાદેવનાં પગલાં પડ્યાં હશે અને હિમાલયસુતા દેવી પાર્વતીનાં પણ. એમાં ભગીરથનાં પગલાં હશે, અને અસંખ્ય ઋષિમુનિઓનાં, સાધુસંતોનાં, સંસારીઓનાં પગલાં પણ. એ બધાં ચરણ એક સામટાં ચાલવા માંડે તો!

એ માર્ગ પર હું ચાલું છું. પેલા તમામ ચરણોનાં અદૃશ્ય પગલાં પડે છે. ભવિષ્યકાળમાં અનેક યાત્રિકોનાં પગલાં અહીં પડતાં રહેશે. કવિ એલિયટની આ પંક્તિઓનો મર્મ કંઈક સમજુ છું :

Time present and time past Are both perheps present in time future And time future contained in time past.

હું આ વર્તમાન ક્ષણે અતીત અને ભવિષ્ય સાથે અનુસંધાન પામું છું. કાલની જેમ આજે પણ મનમાં આવા ભાવ જાગે અને નજર સામે ક્ષણે ક્ષણે અનુપમ શોભા ઊઘડતી જાય.

ત્યાં રસ્તાની ધારે વિશાળ દેવદારુ ઊભું હતું. એની જરઠ – ખરબચડી ત્વચા પર હાથ ફેરવતો હું ઊભો રહી જાઉં છું, એને બાથમાં ભરી ભેટું છું. આ ધ્યાનસ્થ દેવદારુની જેમ અહીં ઊભા રહી શકાતું હોય તો? ફ્રેંચ કવિ વાલેરીએ કહ્યું છે કે, ખરેખરનું કોઈ ધ્યાન ધરતું હોય તો તે વૃક્ષ જ છે. તેમાંય આ તો દેવદારુ. એ એક તપસ્વી છે અને જાણે તપથી જ એની ચામડી રુક્ષ થઈ ગઈ છે. કાલિદાસે રઘુવંશમાં સ્પંદની માતા પાર્વતીના હેમકુંભ જેવા સ્તનોમાંથી નિવૃત પયના રસજ્ઞ એક દેવદારુની વાત કરી છે. આ દેવદારુને જોતાં એ વાત યાદ કેમ આવી? આ તો તપસ્વી છે. આ વહેતી ભાગીરથી જ્યારે બરફ બની આ પર્વતોની જેમ અચલ બની જતી હશે, જ્યારે સર્વત્ર બરફનું જ સામ્રાજ્ય વ્યાપી જતું હશે ત્યારે પણ આ દેવદારુ અહીં જ ઊભાં ઊભાં બરફ ઓઢી શીતલ તપમાં નિરત રહેતાં હશે!

માર્ગે થોડાક કિલોમીટર ચાલ્યા પછી જોયું તો ભાગીરથીના પ્રવાહ પર એક બરફનો આડો પુલ બંધાઈ ગયો છે. તેની નીચે થઈને પ્રવાહ નીકળી રહ્યો છે. ધીમે ધીમે તડકો પ્રતાપી બનતો ગયો. ઊંચે નજર કરી તો ભૂરું ભૂરું આકાશ. આસપાસ નજર જાય ત્યાં તો બરફાચ્છાદિત શ્વેત શિખરો. ભવ્યતા, દિવ્યતા અને સુંદરતાનો અદ્ભુત સમન્વય અહીં છે.

ત્યાં માર્ગ વચ્ચે એક ઝરણું આવ્યું. દોડતું જઈ ભાગીરથીને મળી જતું હતું. એનાં સ્ફટિક જેવાં સ્વચ્છ પાણી ક્યાંથી આવે છે એમ જોવા ઊંચે નજર કરી તો, ઓ હો! કેટલે ઊંચે પર્વત પરથી એક પાતળી ધારા વહેતી ઊતરી રહી છે, કલનિનાદ કરતી. ડોક વધારે ઊંચી કરી. હજીય ઊંચેથી, હજીય ઊંચેથી… આકાશમાંથી ઊતરે છે કે શું? પછી તો રસ્તે આવાં ઝરણાંઓ આવતાં જ ગયાં. હવે રસ્તે હિમશૈય્યાઓ પણ આવવા માંડી. એ ઉપરથી થીજેલાં ઝરણ જ હતાં. નીચે પ્રવાહ વહી જતો હોય. સાચવીને ચાલવું પડે.

તડકો છતાં ઠંડો પવન ધ્રુજાવી જતો હતો. દેવદારુ ઓછાં થતાં ગયાં અને હવે રસ્તે ભુર્જપત્રનાં વૃક્ષો શરૂ થયાં. આ વૃક્ષો પહાડોની ઊંચાઈના સંકેતરૂપ હતાં. અમે એટલી ઊંચાઈએ હતાં કે હવે ત્યાં દેવદારુ નહીં, માત્ર ભોજપત્ર છે. પછી માત્ર ઊંચાઈ હશે. ભોજપત્ર નગ્ન હતાં. એની ત્વચા મનુષ્ય ત્વચા જેવી જીવંત લાગે. જરા કાપ મૂકીએ એટલે કાગળની જેમ અનેક પડવાળી એ ત્વચા ઊકલી આવે. જૂના વખતમાં આ ભોજપત્રો પર ગ્રંથો લખાતા. હિમાલયમાં રહેતી વિદ્યાધર સુંદરીઓ ‘અનંગલેખ – પ્રેમપત્રો લખવા માટે તેનો ઉપયોગ કરતી એમ કાલિદાસે લખ્યું છે. એક ભોજપત્રની નીચે અમે થાક ઉતારવા બેઠાં. અહીં લખ્યું છે : આ સ્થળ ૩૪૫૦ મીટરની ઊંચાઈએ છે.

બાર વાગ્યે ચીડબાસા નામના સ્થળે પહોંચ્યાં. આ સ્થળે એક-બે નાની હોટલો જેવું છે. અહીં અમે થોડુંક ખાઈ, એક ચીડના ઝાડ નીચે આરામ કર્યો. ત્યાં એકાએક અસંખ્ય તોપો ધણધણી ઊઠી હોય કે વાદળના કડાકા થતા હોય એવા અવાજોની પરંપરા શરૂ થઈ. ગભરાઈને અમે જોયું, તો સામે કાંઠેનો પહાડ ખસી પડતો હતો. હજ્જારો ટન માટી-પથ્થર ગબડી રહ્યાં હતાં!

આજની રાત અમારે ભોજબાસા નામના સ્થળે વિતાવવાની હતી, પણ ત્યાં પહોંચવા હવે જલદી ચાલવું જોઈએ. ઓછામાં પૂરું હવામાન બદલાવા લાગ્યું. હજી બે-ત્રણ કિલોમીટર ચાલવાનું હતું ત્યાં તો થાક થાક થઈ ગયો. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. પહાડ પરની કેડી સાંકડી થતી જતી હતી. ઉપરથી પથ્થરો ગબડી આવતા હતા. વરસાદ શરૂ થયો! ના, વરસાદ નહીં સ્નોફૉલ-બરફવર્ષા. બરફના કણ પવનમાં ઊડતા વરસી રહ્યા. જીવનમાં પહેલી વાર સ્નોફોલ જોતો હતો, પણ એનું કાવ્ય માણવાની હોશ રહી ન હતી. ટાઢથી અમે ધ્રુજતાં ચાલતાં હતાં. વળી, અમે ત્રણ પાછળ પડી ગયાં હતાં.

ત્યાં ગોમુખ જવાને રસ્તેથી થોડા નીચે ઊતરી ભોજબાસા ભણી ચાલ્યાં. અહીં એક લાલબાવાનો આશ્રમ છે. ત્યાં પતરાની એક ઓસરી નીચે તાપણું બળતું હતું. ટાઢમાં ધ્રૂજતાં અમને થયું કે, આ તાપણાની જ્વાળાઓ ઓઢી લઈએ. રેઈનકોટ કાઢવા બટન ખોલવા મથતી રૂપાની આંગળીઓ નિષ્ફળ ગઈ. એ એટલી ટાઢી પડી ગઈ હતી – અંગ્રેજીમાં કહીશું ‘નબ.’ અમારા જેવા બીજાં પંદરેક જાત્રાળુ આવી ગયાં હતાં. લાલબાવા હિન્દી અને બંગાળી બોલતા. એ સતત બોલબોલ કરે. બોલતા જાય અને બધાને ગરમાગરમ ચા આપતા જાય. આ ક્ષણે તો અમને એમનામાં મસીહાનું દર્શન થયું.

પછી લાલબાવા અમને પર્વતના ઢાળમાં બાંધેલી પતરાની ઓરડીમાં લઈ ગયા. પહાડની પછીતવાળી ચારે બાજુથી બંધ ઓરડીમાં અંધારું હતું. એ ઓરડીમાંથી અંદરની બીજી ઓરડીમાં લઈ ગયા. એ પણ એકદમ બંધ. બહાર પવનના સુસવાટા વચ્ચે ભાગીરથીનો ઘોષ સંભળાતો હતો. કપડામાં ભીનાશ હતી એથી ટાઢ વાતી હતી, પણ ઉપાય નહોતો. લાલબાવાએ બધાને ગરમાગરમ ખીચડી ખવડાવી. એક બંગાળી ડોશી ખાવાની ના પાડતી હતી. તો કહે : ‘બુઢિયા, આ ઓરડીમાંથી બહાર કાઢી મૂકીશ. ગંગામાં ફેંકી દઈશ. મોક્ષ થઈ જશે.’ લાલબાવા જાણતા હતા; અહીં ખાધા વિના કાલે ગોમુખ સુધી જવાની શક્તિ રહે નહીં.

આ અંધારી ઓરડીમાંથી લગભગ સાત વાગ્યે સાંજે બહાર નીકળ્યા ત્યારે આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. સામે ભગીરથના પર્વતશિખર પર આથમતો તડકો રમ્ય લાગતો હતો. બીજાં પર્વતશિખરો પણ તાજા બરફથી શોભતાં હતાં, પણ બહાર દુસહ્ય ઠંડી હતી. અમે તરત અંધારી ઓરડીમાં ઘૂસી ગયાં. એ નાની ઓરડીમાં હારબંધ પથારીઓમાં સાંકડમાંકડ બધાં સૂઈ ગયાં.

સૂતાં સૂતાં ભાગીરથીનો અવાજ સંભળાતો હતો. મોડી રાત્રે ઊંઘમાં જાગી ગયો. થયું : બહાર નીકળવું જોઈએ. ધાબળાથી લપેટાઈ અંધારામાં સૂતા યાત્રિકોને અથડાતો બીજા ઓરડામાં થઈ બહાર નીકળ્યો. જેના મળ્યા તેના જોડા પહેરી ખુલ્લા આકાશ નીચે આવી ઊભો. હીરેમઢ્યું આકાશ જોઈ સ્તબ્ધ થઈ ગયો. અજવાળી સાતમના ચંદ્રના આછા પ્રકાશ પાસે વહેતી ભાગીરથી અને સામેના પર્વતો સ્વપ્નમાં જોતો હોઉં એમ લાગ્યું.

ફરી પાછું પ્રસન્નતાભર્યું પ્રભાત, જેવા પેલી બંધ ઓરડીમાંથી બહાર આવ્યા કે અમારું સ્વાગત કરતું હતું. રાત્રે ચંદ્રના પ્રકાશમાં જોયેલા પર્વતો અને ભાગીરથી આ સવારે જાણે જુદાં ભાસ્યાં. એકદમ યથાર્થ અને છતાં લોકોત્તર.

બહાર ઓસરીમાં પડેલા જોડાના ઢગલામાં મારા જોડા ન જોતાં ફાળ પડી. અહીં તો એક ડગલું જોડા વિના ચલાય નહીં. હવે? આમતેમ તપાસ કરતાં જરા દૂર એક ખૂણે પડેલા જોવા મળી આવ્યા ખરા. રાત્રે કોઈ યાત્રિકે બહાર નીકળતાં પડેલાં ઢગલામાંથી અંધારામાં પહેરી લીધા હશે, જેમ મેં પણ રાત્રે બહાર નીકળતાં બીજા કોઈકના જ પહેર્યા હતા.

લાલબાવાનું તાપણું સળગતું હતું. તેમની જીભ પણ ચાલતી જ હતી. સાથે સૌ યાત્રિકોને ગરમાગરમ ચા આપતા હતા. હવે તો સામેનાં પર્વતશિખરો આમંત્રણ આપતાં હતાં. ભાગીરથી ગંગાનો ઊગમ જોવા અમે પણ અધીર હતાં.

ભોજબાસાથી ગોમુખ ભણી નીકળી પડ્યાં. યાત્રીઓમાં પેલાં ડોશીમાં પણ હતાં. અહીં હવે આટલી ઊંચાઈએ જરા પણ ચઢાણ આવે કે શ્વાસ ભરાઈ જતા. સાડાતેર હજાર કરતાંય વધારે ફૂટની ઊંચાઈએ પહાડની કરાડ પરની કેડીએ અમે ચાલતાં હતાં. હવે ભોજપત્રો પણ વિરલ થતાં ગયાં. બીજાં વૃક્ષો તો હતાં જ નહીં. વૃક્ષો ના હોય, પછી પંખીઓ ક્યાંથી હોય? પથ્થરો અને ખડકો વચ્ચે વહેતી ભાગીરથીનો જ કલનાદ સંભળાતો હતો.

પૂર્વદિશામાં ઊંચા ઊંચા પર્વતોની સભા ભરાઈ હોય એવું દૃશ્ય હતું. એ પર્વતો તે મેરુ, ભૃગુપંથ, શિવલિંગ, કાલિંદી, ચતુરંગી, ભગીરથ, વાસુકિ. આ બધાં નામની ખબર હતી, પણ કોણ કર્યું તેની ખબર નહોતી. પણ જે સામે દેખાતો હતો તે ભગીરથ છે, એમ કોઈએ કહ્યું.

ભગીરથ? ગંગાવતરણની આખી પુરાણકથા અહીં ચાલતાં નવા સંદર્ભમાં સમજાતી હતી. સગરરાજાનો અશ્વમેધ યજ્ઞ. એ યજ્ઞનો અશ્વ ઇન્દ્ર ચોરીને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધેલો. અશ્વની શોધમાં નીકળેલા સગરરાજાના સાઠ હજાર પુત્રો કપિલ મુનિના ક્રોધાનલથી ભસ્મ થઈ ગયા. સ્વર્ગમાંથી ગંગા પૃથ્વી પર અવતરે તો જ તેમની સગતિ થાય. ભગીરથ સગરનો પૌત્ર હતો. તેણે ભારે તપ આદર્યું. એ તપથી પ્રસન્ન થઈ ગંગા પૃથ્વી પર આવવા રાજી થઈ. પણ સ્વર્ગમાંથી પડતી ગંગાની ધારાને ઝીલે કોણ? જે વેગથી ઊતરે તેમાં તો પાતાળમાં પહોંચી જાય. ભગીરથે ફરી તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. ગંગાને ધારણ કરવા શિવે પોતાની વિરાટ જટા ખોલી નાખી. વિષ્ણુના અંગૂઠામાંથી નિવૃત ગર્વિણી ગંગા શિવની જટામાં જ અટવાઈ ગઈ. ફરી ભગીરથની પ્રાર્થના અને ગંગાની ધારા આ ધરતીને પવિત્ર કરતી વહેવા લાગી. આગળ આગળ ભગીરથ, પાછળ પાછળ ગંગા ભાગીરથી. પહાડો-પર્વતોની કંદરાઓમાંથી વાંકાચૂંકા માર્ગે થઈ મેદાનમાં અને પછી તો ભારતભૂમિના હૃદય વચ્ચેથી વહેતાં વહેતાં બંગ સાગરને કાંઠે, જ્યાં કપિલ મુનિના આશ્રમમાં સાઠ હજાર સગર પુત્રોની રાખ પડી હતી ત્યાં પહોંચી તેમનો ઉદ્ધાર કરી ગંગા સાગરમાં ભળી ગઈ. ગંગા જ્યાં સાગરને મળે છે તે સ્થળ ગંગાસાગર નામે ઓળખાય છે.

આ અને આવી પુરાણકથાઓની બૌદ્ધિક વ્યાખ્યા કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ખાસ તો આ વિજ્ઞાનના યુગમાં. એ રીતે આ ભગીરથ કોઈ મોટો ઇજનેર હતો. તેણે પોતાની ઇજનેરી વિદ્યા વાપરી ગંગાના પ્રવાહને ભારતભૂમિની દિશામાં વાળ્યો હશે અને આ દેશને ધનધાન્યથી સમૃદ્ધ કર્યો. ભવ્ય પુરાણકથાની કેટલી તર્કશુષ્ક આ વ્યાખ્યા છે? એ સાચી હોય તોપણ, અહીં આ રસ્તે ચાલતાં સ્વીકાર કરવાની મન ના પાડે છે. ગંગા તો સ્વર્ગમાંથી જ ઊતરી હોય. તો કોઈ કહેશે કે, આ સ્થળ સ્વર્ગથી ક્યાં જરાય ઊતરતું છે? અને સ્વર્ગ તો દરેકને પોતાની કલ્પના મુજબનું જ, નહીં?

કંઈ નહીં તો, ભાવિકને આ સ્થળ એની કલ્પનાના સ્વર્ગની લગોલગ પહોંચવાનો અનુભવ કદાચ કરાવી શકે. ગંગા માત્ર નદી નથી, હિન્દુ સંસ્કૃતિનું હૃદય છે, એટલે તો એનો આટલો મહિમા છે. આ સવારે ગંગાના પાત્ર પર અને પહાડ પર તડકો પથરાઈ ગયો હતો. રસ્તે વારંવાર હિમશૈયાઓ આવતી હતી.

લગભગ બે કલાકની પદયાત્રા પછી, રસ્તા વચ્ચે નજર સામેનાં બધાં દૃશ્યો ઢાંકી દેતી એક પહાડની ભૂશિર આવી ગઈ. પણ એ જેવી વટાવી કે સામે ઊંચાં પર્વતશિખરો અને નીચે ભાગીરથીનું ખડકો વચ્ચે વિશાળ ખુલ્લું પાત્ર.

અમે ઊભાં રહી ગયાં. આ સામે છે તે જ ગોમુખ, પતિતપાવની ગંગાનું ઉદ્ગમસ્થાન. બરફની બનેલી એક વિશાળ ગુફા છે. એમાંથી ગંગા નીકળે છે.

છેક નજીક જવાની ઇચ્છા થઈ. જવાનું જરા મુશ્કેલ હતું. પથ્થરોની વચ્ચે વહેતા પ્રવાહ પર ક્યાંક ક્યાંક બરફનાં પારદર્શક પડ જામેલાં હતાં. પ્રવાહમાં ક્યાંક બરફનાં ચોસલાં પણ ઓગળતાં જતાં હતાં. રૂપા-અનિલાબહેન ત્યાં કાંઠે રહ્યાં. હું સાચવી સાચવીને પ્રવાહના ઉદ્ગમ સુધી પહોંચ્યો. ગંગાને પ્રણામ કરી, જરા નમી હાથમાં પવિત્ર જળ લીધું. પવિત્રતા કરતાં તેનું શૈત્ય અંગેઅંગમાં કંપની જગાવી ગયું. તરત હોઠે લાવી એ પવિત્રજળનું પાન કર્યું. ધન્ય ધન્ય.

પાત્ર વચ્ચે પડેલા પથ્થરો પર, ક્યાંક પ્રવાહ પર જામેલા બરફ પર પગ મૂકતા અમે કેટલાક યાત્રિકો છેક ગોમુખ નજીક પહોંચી ગયા. આવા ભયંકર ઠંડા પાણીમાં બાજુના એક પ્રવાહ પાસે બેસી એક સાધુ સ્નાન કરતા હતા, પણ અમને હિંમત ન થઈ. માત્ર ગંગાજળ માથે ચઢાવી સંતોષ માન્યો.

ગોમુખમાંથી બહાર નીકળતો ગંગાનો પાતળો બરફીલો પ્રવાહ જોતાં જોતાં મને ગંગાસાગરનું દૃશ્ય યાદ આવ્યું, જ્યાં ગંગા બંગાળના ઉપસાગરને મળે છે. ભૂગોળની ભાષામાં એક ગંગાનું મૂળ અને બીજું ગંગાનું મુખ.

મેરુ, ભગીરથ, ચતુરંગી વગેરે ઊંચા પર્વતોના સાનિધ્યમાં ઊભાં ઊભાં ઊછળતા-ગર્જતા બંગસાગરનું દૃશ્ય કલ્પનામાં આવતું હતું. ગોમુખથી ગંગાસાગર સુધી ગંગાનાં કેટલાં રૂપો છે? અહીંથી શરૂ થતી લગભગ અઢી હજાર કિલોમીટર લાંબી ગંગાની ધારા કેટલી નદીઓ, કેટલાં ઝરણાંના જળથી સમૃદ્ધ થતી ગઈ છે? એ ધારાએ આ દેશને ધનધાન્યથી તો સમૃદ્ધ કર્યો છે, ધર્મભાવથી પણ.

અહીંથી હવે પાછા વળવું રહ્યું. ભોજલાસા થઈ, આજ સાંજ પહેલાં છેક ગંગોત્રી પહોંચી જવાનું હતું. પાછા વળતાં, શરૂમાં જ રૂપા ભૂલી પડી ગઈ. કોણ જાણે કઈ કેડીએ ચડી ગઈ? આ નિર્જન સ્થળે પૂછવું પણ કોને? ત્યાં અચાનક એક કરાડ પર ઊભી દેખાઈ.

ભોજબાસા તડકામાં બેસી, લાલબાવાએ પકાવેલી ખીચડી ખાઈ તરત ગંગોત્રી ભણી ચાલી નીકળ્યાં. ભાગીરથીને કાંઠે કાંઠે ચાલવાનો આવો આનંદ આજ સુધીના જીવનમાં કદી મળ્યો નથી.

બંગાળી લેખક પ્રબોધકુમાર સાન્યાલ એક મોટા પ્રવાસી હતા. પ્રવાસના તેમણે અનેક ગ્રંથો લખ્યા છે. તેમાં હિમાલય વિશેના તેમના પ્રવાસગ્રંથો ઘણી ખ્યાતિ પામ્યા છે. તેમાં એક છે : ‘મહાપ્રસ્થાનેર પથે.’ આ મહાપ્રસ્થાનનો પથ એટલે કદાચ પાંડવો છેવટે સઘળું ત્યજી હિમાળો ગળવા જે પથે ચાલી નીકળ્યા હતા તે પથ. આ પથ એટલે કેદારનાથનો પથ.

સામાન્ય રીતે બદરીકેદારનો ઉલ્લેખ દ્વન્દ્વસમાસ તરીકે થાય છે. બદરીનાથ કહો એની સાથે જ કેદારનાથ બોલાય છે. આમ જોઈએ તો એક વૈષ્ણવતીર્થ અને બીજું શૈવતીર્થ છે. ભાવિકોમાં બદરીનાથનો કદાચ વિશેષ મહિમા છે. જોકે એવું કહી શકાય કે એક તીર્થ બીજા તીર્થ વિના અપૂર્ણ રહી જાય છે.

સાન્યાલના પુસ્તક ‘મહાપ્રસ્થાનેર પથે’ ઉપરથી વર્ષો પહેલાં એક અત્યંત કલાત્મક અને પ્રભાવક ફિલ્મ ઊતરી હતી. એ ફિલ્મનું નામ છે યાત્રિક. યાત્રિક ફિલ્મનો આરંભ કવિ કાલિદાસે ‘કુમારસંભવ’ મહાકાવ્યની શરૂઆતમાં હિમાલયવર્ણનના જે શ્લોકો આપ્યા છે તે શ્લોકોના ભવ્યમધુર ગાનથી થાય છે…

અત્યુત્તરસ્યાં દિશિ દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ.

કાલિદાસની આ પંક્તિઓ સદીઓથી ભારતવાસીઓના કાનમાં ગુંજતી રહી છે, ગુંજ્યા કરશે. હિમાલયની વિરાટ ગિરિમાળામાં કોઈ પણ સ્થળે ફરતાં કાલિદાસની આ વાણીની યાત્રીમાત્રને અનુભૂતિ થશે. પણ કેદારનાથને માર્ગે જતાં તો હિમાલયનું વિરાટ સ્વરૂપ જોતાં પેલી પંક્તિઓ એના હૃદયમાંથી જ જાણે પહેલી વાર પ્રકટી રહી છે એવું લાગશે. કાલિદાસે કે તેના આ હિમાલયવર્ણનની જેને કદીય ખબર નથી એવો યાત્રી પણ બરાબર એને સમાંતર ભાવ અનુભવે એવું ઉદાત્ત પ્રભાવકારી દર્શન અહીં હિમાલયનું થાય છે.

ગંગોત્રીથી તિલવાડા થઈને અમે કેદારનાથને માર્ગે વળ્યા. આ માર્ગે ઓછા પ્રવાસીઓ જતા હોય છે. અમને ભાગ્યે જ કોઈ વાહનો સામે મળતાં. આ માર્ગ અત્યંત રમણીય છે. વૃક્ષોછાયા પહાડોના ઢોળાવમાં આછા આછાં ઘર-ગામની વરસતી સોપાનપરંપરા જેવાં ધાનનાં ખેતરો આપણી નજરમાં ચઢઊતરે. કોઈ વળાંક પર નીચે પથરાયેલી આખી ખીણ આંખમાં છલકાય, તો કોઈ વળાંકે સામે ઊંચાં ગિરિશંગો નજરને વાડ ધરે.

સાંજ પડવા માંડી તેમ અમારો માર્ગ વધારે નિર્જન અને વધારે રમ્ય બનતો ગયો. કેટલાક પહાડોની પીઠ તડકામાં હોય, કેટલાકની છાયામાં. પછી તો અમારો રસ્તો ઊંચો ને ઊંચો થતો ગયો અને અમે જાણે એક પર્વતની પહોળી લાંબી છત પર પહોંચ્યા હોઈએ એવું લાગ્યું. એ ભૂભાગનું સૌથી ઊંચું સ્થળ હતું.

અમારા ડ્રાઇવર મોહનલાલને પહાડોની અમારી ઘેલછાની ખબર પડી ગઈ હતી. આ સ્થળેથી જુદા જુદા પર્વતશૃંગોનું દૃશ્ય દેખાય છે, તેની એને ખબર હોવાથી આ નિર્જન માર્ગ એણે પસંદ કર્યો હતો, પરંતુ તડકો જતો રહ્યો હતો. ગિરિમાળાનું એ ભવ્ય દશય અમે જોઈ શક્યા નહીં.

પણ મોટરગાડીમાંથી એ સ્થળે નીચે ઊતર્યો. અદ્ભુત અદ્ભુત લાગતું હતું. રસ્તાની ધારે ઘર હતાં. અમને જોઈ દૂર ઊભાં ઊભાં કૂતરાં ભસતાં હતાં. એક નાની હોટલમાં ચા પીધી. અહીંથી રસ્તો નીચે જતો હતો. સાંજ મનમાં ભરી, ઊતરતા અંધકારમાં અમે ઊતર્યા.

પહાડના ઢોળાવ પર વસેલાં ગામ-ઘરની હવે તો માત્ર એ ઘરમાં ટમટમતા દીવા કે કોઈ તાપણાથી જ ખબર પડતી. તિલવાડા પહોંચવામાં મોડું થાય એમ હતું, એટલે મચાલી નામના ગામ પાસે આવેલા એક ફોરેસ્ટ બંગલામાં રાત ગાળવાનું નક્કી કર્યું.

ફોરેસ્ટ બંગલો રસ્તાથી દૂર નહીં, છતાં અંદરના પહાડી જંગલના ભાગમાં હતો. એકદમ શાંત જગ્યા. એ શાંતિમાં બાજુમાં વહી જતા ઝરણાનો અવાજ સંભળાતો હતો. થોડી વારે એ અવાજમાં કોકિલાબહેને સ્ટવનો અવાજ ભેળવી દીધો. એ પણ એવો જ મધુર લાગ્યો. ગરમ ખીચડી તૈયાર થઈ ગઈ.

થોડી વાર આ ફોરેસ્ટ બંગલાના ખુલ્લા પ્રાંગણમાં બેઠાં. પહાડી જંગલવિસ્તાર પર નોમદશમના ચંદ્રનું રહસ્યમય અજવાળું પથરાયું હતું. સ્વચ્છ આકાશમાં ચંદ્રના તેજને ગણકાર્યા વિના તારા અમને આમંત્રણ આપી મૈત્રક રચતા હતા. અમને થયું કે, આ કેટલીક અનિર્વચનીય ક્ષણો પણ કેદારપ્રભુનો પ્રસાદ છે, નહિતર અહીં આવવાનું બન્યું ન હોત.

સૂતાં સૂતાં મેં એવી રીતે ઓશીકું ગોઠવ્યું કે ખુલ્લી બારીમાંથી ચીડની બાજુમાં ચંદ્ર દેખાય – એ તો થોડી વાર. પછી કદાચ ચંદ્ર મને જોતો હશે અને હું ઊંઘી ગયો હોઈશ – ઝરણાનું કલગાન સાંભળતાં સાંભળતાં.

સવારે તિલવાડાથી મંદાકિની અમારી સાથે થઈ. મંદાકિની કેદારનાથથી વહી આવે છે. એનાં પાણી થોડાં લીલાશ પડતાં છે. પહોળા પટમાં એક બાજુ મંદાકિની વહી જતી હતી. એ રસ્તાની બહુ નીચે વહેતી નથી એથી સતત નજરમાં રમ્યા કરે. તિલવાડાથી રસ્તો સારો છે. બધે હરિયાળી હતી અને તેમાંય વરસાદ વરસી ગયો હોવાથી ભીનાશ હતી.

સોનપ્રયાગ આગળ સોન અને મંદાકિનીનો સંગમ છે. સોનપ્રયાગ આગળ ટ્રાફિક જેમ. કેદારનાથને માર્ગે ‘ટ્રાફિક જેમ’થી નવાઈ લાગે, પણ વસ્તુતઃ અમારી મોટરગાડી – બે કલાક જેટલી – અનેક વાહનોની હારમાં ઊભી હતી. પુલ પર અવરજવર નિયંત્રિત હતી.

બપોરના ગૌરીકુંડ પહોંચ્યાં. ગૌરીકુંડમાં એ દિવસ ગાળવાની અમારી યોજના હતી અને સવારે કેદારનાથની ચઢાઈ ચઢવાની હતી. પણ કેદારપ્રભુની આજ્ઞા થઈ ગઈ હતી. બસ અડ્ડા પર રાહ જોતા પંડાઓમાં બ્રિજનારાયણ સંખ્યાલ વિશે પૃચ્છા કરતાં એક સજ્જન આગળ આવ્યા. એમના પર અમદાવાદથી હિમાલયપ્રેમી મિત્ર લક્ષ્મણભાઈની ચિઠ્ઠી હતી. હવે પછીની અમારી યાત્રાનો દોર સેમ્વાલે સંભાળી લીધો.

ગૌરીકુંડથી કેદારનાથ ચૌદ કિલોમીટર છે. આખો માર્ગ ઊંચાં, આકરાં ચઢાણોનો છે. આ માર્ગે વાહનો જવાનો તો પ્રશ્ન જ નથી. ઘોડા જરૂર મળે છે. બ્રિજનારાયણે અમારે માટે ઘોડા કરાવ્યા અને કેદારપ્રભુકી જય બોલી અમે ઘોડા પર સવાર થયા. નીચાણે વહેતી મંદાકિનીને કાંઠે કાંઠે અમે ઊંચે ચઢવા લાગ્યા. મહાપ્રસ્થાનનો પથ હવે શરૂ થયો.

પાંડવોને બહુ ભારે વૈરાગ્ય ન આવ્યો હોત તો મહાપ્રસ્થાનનો આરંભનો પથ એટલે ગૌરીકુંડથી કેદારનાથ જતો પથ હિમાળો ગાળવાના એમના સંકલ્પને ચળાવી શક્યો હોત. ઊંચે જતા આ પથે અપાર સૌંદર્ય પથરાયેલું છે. એ પથ ઘણો સાંકડો અને વળી વાંકોચૂંકો છે, પણ નીચે ખીણમાં વેગથી ઊતરતી મંદાકિની, એને મળતાં અનેક ધોધરૂપ ઝરણાં યાત્રીઓના કષ્ટને ભુલાવે છે. આખી ખીણ, ચીડ, દેવદાર, રોડોડ્રેનડ્રન, ઓક જેવાં ગગન ભણી ધસતાં લીલાંછમ વૃક્ષોથી છવાયેલી છે. જેમ જેમ આરોહણ કરતા જઈએ તેમ તેમ દૃશ્ય વધારે ને વધારે ઊઘડતું જાય.

આ પ્રાકૃતિક સૌંદર્ય યાત્રિકને અભિભૂત તો કરે છે. એ એની ચેતનામાં ઊંડે ઊંડે સ્પર્શે છે. એ સાથે યાત્રિક જુએ છે કે, આ પથે તેના જેવા કેટલાબધા યાત્રિકો કેદાશ્મભૂકી જય’ બોલતા ચઢે છે અને ઊતરે છે. કોઈક કોઈક વાર તો એવું લાગે જાણે કીડીઓની હાર ચઢઊતરી રહી છે. આ યાત્રિકોમાં માંડ રોટલો રળી ખાતા ગરીબ છે અને અમીર પણ છે. યુવાનો છે અને માંડ ચાલી શકતા વૃદ્ધો પણ છે. નાનાં બાળકો સાથે ચઢતાં માબાપો પણ છે. સમગ્ર ભારતવર્ષને આ પથે ચાલતો જોઈ શકાય. પ્રકૃતિના સૌંદર્ય સાથે આ બધાંની શ્રદ્ધાભક્તિ પણ આપણને સ્પર્શી રહે છે.

અમે ઘોડા પર હતા એટલે બહુ સુખી હતા એવું નથી. ઘોડા પર ક્યારે ચઢ્યા હોઈશું? લગ્ન વખતે પણ ઘોડા પર બેસવાનું થયું નહોતું. સહયાત્રીઓમાંથી પણ કદી કોઈ ઘોડે બેઠું નહોતું. વળી, ઘોડો એકદમ ખીણની ધારે ધારે ચાલે. વળાંક આવતાં તો એવું લાગે કે ઘોડાનો પગ જરાક લપસ્યો તો ગબડતા છેક મંદાકિનીની વેગવંતી ધારામાં. અલબત્ત, ઘોડાવાળો સાથે જ ચાલતો હોય, પરંતુ એ ઘોડા કરતાં ઘોડેસવારને જ વધારે હાંકતો લાગે. જરા આગે ઝકિયે, જરા અબ પીછે ઝુકિયે, જરા સમ્હલકર બૈઠિયે –’ એમ બોલ્યા જ કરે.

વળી, સામેથી બીજા ઘોડા આવતા હોય. પગે ચાલતા યાત્રિકો તો ખરા જ. થોડા દિવસો પહેલાં જ કેદારનાથના મંદિરનાં દ્વાર શિયાળા પછી યાત્રિકો માટે ખૂલ્યાં હતાં. મહાપ્રસ્થાનનો પથ યાત્રિકોથી ભર્યોભર્યો હતો. રસ્તે હજી ક્યાંક ક્યાંક બરફ પડેલો હતો. બરફીલા માર્ગે ઘોડા પર સવાર થઈ જવામાં જોખમ તો હતું.

સાત કિલોમીટર જેટલો માર્ગ કાપ્યા પછી રામબાડાના નામની જગ્યા આવી. અહીં અનેક દુકાનો છે. એક રીતે આ વિસામો લેવાનું સ્થળ છે. યાત્રીઓની ઠેલંઠેલ હતી. હજારો વર્ષથી યાત્રીઓની આ પરંપરા ચાલતી રહી છે. એ પરંપરામાં જોડાવામાં કૃતાર્થતા અનુભવાતી હતી. રામબાડામાં અમે થોડું ખાઈ લીધું. અમારા ઘોડાઓને પણ ગોળ ખવડાવ્યો. અહીં એ રિવાજ છે. ઘોડાવાળા છોડે નહીં.

બપોર ઢળતાં ઠંડા પવનો શરૂ થઈ ગયા. ઊંચાઈને કારણે પણ ઠંડી વધતી જતી હતી. વૃક્ષો હવે આછાં થતાં જતાં હતાં. દેવદર્શની સ્થાને પહોંચ્યાં. દેવતાનાં દર્શનનું એ જાણે પ્રવેશદ્વાર છે. અહીંથી કેદારપુરી હવે માત્ર બે કિલોમીટર રહી. પણ જેવા જરાક આગળ ચાલ્યા ત્યાં તો નગાધિરાજ હિમાલયનું અનંત દર્શન! હવે માત્ર બરફનું જ સામ્રાજ્ય વિસ્તરેલું હતું. ચોમેર બરફથી આચ્છાદિત પર્વતશિખરો ભૂમાનો-વિરાટનો અનુભવ કરાવી રહ્યાં.

ત્યાં તો ઊંચા બરફના એક પર્વતની પૃષ્ઠભૂમિમાં કેદારનાથનું મંદિર દેખાયું. જો જમીન પર ચાલતા હોત તો ત્યાંથી સાષ્ટાંગ પ્રણામ કરત. ઘોડા પરથી જ માથું નમાવ્યું. હવે બરફની સપાટ ભૂમિ શરૂ થઈ હતી. આકાશમાં ઘેરાયેલાં વાદળ વરસવામાં હતાં.

કેદારપુરીમાં પ્રવેશતાં મંદાકિની પર એક લાકડાનો પુલ છે. આ બાજુએ જ ઘોડા પરથી ઊતરી જવાનું હોય છે. ઊતરી ગયાં ને વરસાદ શરૂ થયો. સાથે ઠંડા પવનો. એ બાર હજાર ફૂટની ઊંચાઈએ કોરડાની જેમ વીંઝાવા લાગ્યા. ત્યાં એક યુવાન પિતા પોતાના ચારપાંચ વર્ષના પુત્રને રક્ષવાનો જે પ્રયત્ન કરી રહ્યો હતો તે દૃશ્ય હજી યાદ છે.

બરફમાં ચાલતાં ચાલતાં મંદાકિનીનો પુલ પસાર કર્યો. બધે બરફના ઢગલેઢગલા હતા. આ વર્ષે કેદારપુરીમાં હજુ બરફ ઓગળ્યો નથી. અમારા પંડા બ્રિજનારાયણ સંખ્યાલ આવી પહોંચ્યા હતા. તેમણે ગુજરાતી ધર્મશાળામાં આવવા જણાવ્યું. પડતા વરસાદમાં થથરતા અમે બરફ પર ચાલતા કેદારપુરીમાં પ્રવેશ્યા. શ્વાસ લેવામાં ખાસ તો ઉતાવળે ચાલવાને લીધે તકલીફ થતી હતી.

ઠેરઠેર બરફ હટાવી દુકાનો ખોલવામાં આવી હતી. એક દુકાનમાં થોડી વાર આશ્રય લીધો, પછી બ્રિજનારાયણ ધર્મશાળામાં પહોંચી ગયા. તેમણે તાપવા માટે આગ પેટાવી દીધી હતી અને થોડી વારમાં તો ગરમ ગરમ ચાના પ્યાલા અમારા હાથમાં પકડાવી દીધા. જોકે હજી અમે ટાઢમાં થથરતાં હતાં. વરસાદ ન પડ્યો હોત, તો કદાચ આટલી ટાઢ ન લાગી હોત. ટાઢમાંથી થોડી મુક્તિ મળ્યા પછી જ વિચાર આવ્યો કે, આપણે તો કેદારપુરીના ધામમાં છીએ! જીવનની ધન્ય ઘડી!

કેદારનાથની સાધ્ય આરતીમાં જે યાત્રિક ઉપસ્થિત રહે છે તે એ ક્ષણોને હૃદયમાં સાચવી રાખવાનો. અમારો નિવાસ મંદિરથી બહુ દૂર નહોતો. અંધારાને અજવાળતો ચંદ્રનો પ્રકાશ બરફ પર પથરાયો હતો. ચાંદની અને બરફનો સંયોગ રહસ્યનું વાતાવરણ સર્જી દે છે. પૂજારીએ કેદાપ્રભુની આરતી ઉતાર્યા પછી, બહાર ઊભા પર્વતશિખરો સન્મુખ થઈ એ પર્વતોની આરતી ઉતારી એ અદ્ભુત દૃશ્ય હતું.

રાતની સાથે ઠંડી ઊતરતી ગઈ. ક્યાંક બાજુના ખંડના બારણામાં એકાદ તિરાડ હશે, જેમાંથી ઠંડા પવનની કટારીઓ ઘૂસી જતી હતી. ઓઢવા-પાથરવાનાં પૂરતાં સાધનો ન હોય તો રાત ન કાઢી શકાય.

સવારમાં તો આકાશ સ્વચ્છ હતું. બરફ પર તડકો પથરાઈ ગયો હતો. આ સવારમાં કેદારપુરી જુદી લાગી. રાત્રે તો થોડી મિનિટો કેદારપ્રભુનાં દર્શન કર્યા હતાં. રીતસરનાં દર્શન તો હવે કરવાનાં હતાં. પંડા સાથે મંદિરે પહોંચી ગયાં. વિધિસર પૂજા કરવા માટે થોડી રાહ જોવી પડી. એ દરમિયાન મંદિરનું નિરીક્ષણ કર્યું.

મંદિર પ્રાચીન તો છે. સૌ પહેલાં પાંડવોએ અહીં મંદિર બંધાવ્યું હતું એમ પંડાએ કહ્યું. અત્યારનું મંદિર આદિ શંકરાચાર્યે બંધાવ્યું છે એમ કહી, તેમણે ઉમેર્યું કે, શંકરાચાર્યે અહીં સમાધિ લીધી હતી. અહીં ઊભાં ઊભાં અશ્રદ્ધાળુના મનમાં પણ શ્રદ્ધાનો ઉદય થાય, શ્રદ્ધાળુની તો વાત જ શી?

યાત્રિક ફિલ્મનું દૃશ્ય યાદ આવે. તેમાં જે યાત્રિક છે તે સંશયાત્મા છે, પણ સમગ્ર યાત્રામાં એ સંશય ધીરે ધીરે ક્ષીણ થતો જાય છે. કેદારનાથનાં પગથિયાં પર એક અંધ યાત્રિકની શ્રદ્ધા જુએ છે. એ અંધને પૂછે છે :

‘આપ પ્રભુ કે દર્શન કૈસે કરેંગે?’

‘મન કી આંખો સે.’

અંધ યાત્રિકે જવાબ આપ્યો, અને એ સંશયાત્મા શ્રદ્ધાવિત બની અંતે કેદારપ્રભુને પ્રણમી રહે છે.

કેદારપ્રભુ એટલે? આમ તો બાર જ્યોતિર્લિંગોમાંનું એક લિંગ. પણ લિંગ કહેતાં એક અણઘડ, ખરબચડો, કેડ સમાણો પથ્થર છે. એ જ કેદારનાથ. ઘી અને ચંદનના લેપથી એ પથ્થર જેટલો હિસ્સો બન્યો છે તેના કરતાં વધારે તો લાખો યાત્રિકોના ભેટવાથી થયો છે. સ્વામી આનંદે લખ્યું છે : ‘યાત્રાળુઓ એ શિલાને બાથ ભરી પ્રત્યક્ષ પ્રભુને મળ્યા ના હોય એમ કૃતકૃત્યતા અનુભવે છે. આ પ્રભુસ્પર્શ શ્રદ્ધાવાન ભક્તોને તૃપ્ત આનંદની સમાધિમાં લીન કરી દે છે.’ પણ બીલીપત્ર ચઢાવી કદાપ્રભુનો સ્પર્શ કરી જીવનની પરમ ધન્યતા અનુભવી. પછી મંદિરની પરિક્રમા કરી બહાર આવી, ઉન્નત હિમશિખરોમાં ફરી ફરી એ જ કેદાપ્રભુનું જાણે દર્શન કરતો રહ્યો.

કેદારપુરીમાં ફરતાં ફરતાં એવું લાગે છે કે જાણે આપણે ખૂબ ઊંચે પૃથ્વીલોકની અગાશીમાં લટાર મારી રહ્યા છીએ. આ હિમશ્વેત અગાશી આપણને વિસ્મયવિમૂઢ કરે છે, અબોલ કરે છે. ઉપરનું અનંત અને અવ્યાહત આકાશ અને એને અડકીને રહેલી આ અનંત હિમરાશિ આપણને વિરાટના સાનિધ્યમાં મૂકી દે છે. કન્યાકુમારીના સાગરતટે, જ્યાં ત્રણ ત્રણ સમુદ્રોનો સંગમ છે ત્યાં સતત ઊછળતા અપાર જલરાશિને જોઈને કંઈક આવો જ અનુભવ થયો હતો. હિમરાશિ અને જલરાશિ – આમ તો એક જ તત્ત્વ, પણ એક અચલ અને એક તરલ.

બચપણમાં બદરીકેદારની વાતો સાંભળી હતી. એ વખતે તો આ બધી યાત્રાઓ પગે ચાલીને થતી. અમારા એક સગાના મુખે આ યાત્રાની વાતો ગટકગટક પીધી હતી. એ વખતે થતું હતું કે, આપણને પણ બદરીકેદાર જવાનો હુકમ થઈ જાય તો કેવું? સ્વયં દેવ એ માટે હુકમ કરતા હોય છે. દેવ જેને યાત્રા માટે પસંદ કરે છે તે જ યાત્રા કરી શકે છે. સંસારનાં દૈનંદિન કામો છોડીને, નહિતર માનવી ક્યાં નીકળી શકવાનો? જેણે નાનપણમાં માત્ર પાંચ-પચ્ચીસ ફૂટ ઊંચો ગઢિયો ટીંબો જ ઊંચામાં ઊંચા સ્થળ તરીકે જોયો હોય તેવો હું આ સુમેરુની ઉપયકામાં ક્યાંથી ઊભવાનો હતો?

કેદાર એ પાંડવોના મહાપ્રસ્થાનના પથનો કદાચ પ્રથમ વિશ્રામ હશે. કેદાપ્રભુની પૂજા કરી પાંચ પાંડવો અહીંથી આગળ ચાલ્યા હશે. સાથે છઠ્ઠી દ્રૌપદી હતી અને સાતમો શ્વાન. ચાલતાં ચાલતાં સૌથી પહેલી પડી હતી દ્રોપદી. ભીમે પ્રશ્ન કર્યો હતો : ‘અધર્મનું આચરણ નથી કર્યું, છતાં કૃષ્ણા કેમ પડી?’

યુધિષ્ઠિરે માત્ર એક જ શ્લોકમાં નિર્લિપ્તભાવે જવાબ આપ્યો હતો : અર્જુનને માટે એને વિશેષ પક્ષપાત હતો એટલે એ પડી. પછી તો નકુલ, સહદેવ, અર્જુન અને સ્વયં ભીમ પડ્યા. દરેક વખતે એક શ્લોકમાં ભીમનો પ્રશ્ન અને પાછળ જોયા વિના જ એક શ્લોકમાં યુધિષ્ઠિરનો જવાબ. એક પણ શબ્દ વધારે નહીં. પ્રિય દ્રૌપદી અને પ્રિય બાંધવો ચિરવિદાય લેવા છતાં કશી હાયવોય નથી. વૈરાગ્યની આ ભૂમિ છે. કશો વાણીવિલાસ નથી. વ્યાસજીને તો વાતો વધારી વધારીને કહેવાની ટેવ છે. એટલે તો લાંબી લાંબી વાત કરવાની રીતને વ્યાસશેલી કહીએ છીએ, પરંતુ એ વ્યાસ પણ અહીં એક શબ્દય વધારે બોલાવતાય નથી કે બોલતાય નથી.

આ જ માર્ગે હવે માત્ર શ્વાન સાથે આગળ વધતા યુધિષ્ઠિરને સદેહે સ્વર્ગમાં લિઈ જવા રથ સાથે ઇન્દ્ર ઉપસ્થિત થયો હતો. તો શું આ સ્વર્ગ ભણી જતો પથ છે? દુનિયાની દરેક પ્રજાએ સ્વર્ગલોક અને નરકલોકની કલ્પનાઓ કરી છે. એનાં સ્થાન પણ કહ્યાં છે, શ્રદ્ધાન્વિત હિન્દુમાનસમાં સ્વર્ગનું અધિષ્ઠાન કેદારનાથથી કદાચ થોડું જ ઊંચે છે.

પણ અહીં આવતા યાત્રિકો કંઈ પાંડવો નથી હોતા. એ તો આ મહાપ્રસ્થાનના પથની દિશાને દૂરથી નમસ્કાર કરી પાછા પૃથ્વીલોક ભણી જ વળે છે. ઉદીચીદિશાને પ્રણમી અમે મંદાકિનીને કાંઠે ગયા. મંદાકિનીને તો છેક નીચે તિલવાડા જોઈ હતી. એને જોતાં જ તેનાં સ્વચ્છ લીલી ઝાંયવાળાં જળ ગમી ગયાં હતાં. મંદાકિનીને કિનારે કિનારે તો કેદાર સુધી આવ્યા હતા. કેદારપુરીના પ્રવેશ પથે એ જ સૌથી પહેલાં સ્વાગત કરતી હતી.

બરફાની વિસ્તારોમાં તન્વંગી મંદાકિની પથ્થરોની શૈય્યા પર વહે છે. મંદાકિની પણ ગંગાનો પર્યાય છે. હિમાલયમાંથી નીકળતી બધી નદીઓને ગંગા નામ મળી જાય, પછી તે ભાગીરથી હોય, જાહ્નવી હોય, અલકનંદા હોય. ખરેખર તો આ બધી નદીઓની છટાઓ નિરાળી છે.

ગંગોત્રી તીર્થક્ષેત્રે ભાગીરથીમાં સ્નાન કર્યું હતું. કેદારનાથમાં મંદાકિનીમાં સ્નાન કરવાનો ઉમંગ કોને ન હોય? પણ ઠંડા પવનો અને બરફાનોની ઠંડીની અતિશયતાએ અમારા ઉમંગને થિજાવી દીધો. અમદાવાદમાં ગ્રીષ્મના તપ્ત મધ્યાહ્નમાં મંદાકિનીનું સ્મરણ થતાં, થાય છે કે, એવી તે કેવી ઠંડી હતી કે છેક એટલે સુધી પહોંચીને મંદાકિનીમાં સ્નાન કરી ધન્ય થવાના અવસરને સરકી જવા દીધો? આજે તો મંદાકિનીમાં સ્નાન કરવાની કલ્પના રોમહર્ષ જગાડે છે. પણ એ વખતે તો મંદાકિનીનાં પવિત્ર જળ માથે ચઢાવી અમે સંતોષ માન્યો. પૃથ્વીલોકની અગાશીમાં હોવા છતાં પૃથ્વીલોક ઘણે નીચે હોવા છતાં, આ પૃથ્વીલોક જ છે એના પરચા યાત્રિકોને પંડાઓ તરફથી, વેપારીઓ તરફથી કે ઠગલોક તરફથી મળ્યા કરે છે. સ્વયં યાત્રિકો પણ ‘પૃથ્વીલોકની પ્રીત’ છોડી શકતા નથી. અહીંની એક દુકાનમાં સ્મૃતિચિહનરૂપે અમે કંઈક ખરીદી કરતા હતા ત્યાં કોઈ એક સંભ્રાંત મહિલા કલ્પાંત કરી રહી હતી. થોડી મિનિટો પહેલાં જ એનું પર્સ ખેંચીને કોઈ ભાગી ગયું. સૌ નિઃસહાય બની જોઈ રહ્યાં હતાં. કેદારનાથમાં હવે સરકારી હોટલો પણ થઈ છે.

કેદારનાથથી અમે બપોરે નીકળ્યાં. ઘોડાવાળા આવી ગયા હતા. આ ઘોડાવાળા તેમના ઘોડા પ્રત્યે જેટલો દયાભાવ રાખે છે એટલોય જાત્રાળુઓ પ્રત્યે રાખતા નથી. બરફને રસ્તે ચાલતાં એક ઘોડો લપસ્યો અને એના પર બેઠેલાં અમારાં સહયાત્રિક સગુણાબહેન સીધાં નીચે બરફ પર. તેમાં ઘોડાવાળાનો વાંક કેટલો, ઘોડાનો વાંક કેટલો તે નક્કી કરવું સહેલું નહોતું, પણ જે વાત ખટકી તે તો તેમના પડવા છતાં અમારા ઘોડાવાળા અમારા રોકવા છતાં ઘોડાને ચલાવ્યે જ ગયા. છેવટે જીદ કરીને અનિલાબહેને ઘોડો ઊભો રખાવી સગુણાબહેનને ફરીથી અશ્વારૂઢ થવામાં સહાય કરી. પછી તો રસ્તે એવાં અનેક દૃશ્યો જોયાં.

ઉપર કરતાં ઘોડા પર બેસીને નીચે ઊતરવામાં કસોટી હતી, પણ હવે ઠંડી ઘટી હતી. તડકો પ્રતાપી થયો હતો, વૃક્ષરાજી રમ્ય થઈ હતી. અનેક યાત્રિકો સામે મળી રહ્યા હતા.

ગૌરીકુંડમાં ગરમ પાણીના ઝરા છે. મેં તો સ્નાન કર્યું નહીં, પણ અમારા સાથીઓએ એ તક જવા દીધી નહીં. કદાચ હું વધારે થાકી ગયો હતો.

અમારી મોટર સોનપ્રયાગ થઈ ચાલવા લાગી. મોટરમાં બેઠા પછી અમે ઘોડેસવારીનાં દૃશ્યો યાદ કરી હસવાની સ્થિતિમાં આવી ગયાં હતાં. લગભગ છ હજાર ફૂટ નીચે ઊતરી ગુપ્તકાશીના એક પુરાતન મંદિરની ધર્મશાળામાં અમે રાત્રિવાસ કર્યો. એ સ્થળને ગુપ્તકાશી કેમ કહે છે તે ખબર ન પડી. અહીં એક જાતની પ્રાચીનતાનો, એક પૌરાણિક ધાર્મિકતાનો સ્પર્શ છે. મંદાકિની અહીં ઘણી નીચે વહે છે. અહીં ખાધેલી ખીચડીનો સ્વાદ હજી ગયો નથી.

બીજે દિવસે સવારે અમે રુદ્રપ્રયાગ પહોંચ્યાં. અહીં મંદાકિની અને અલકનંદાનો સંગમ છે. અલકનંદા બદરીનાથથી આવે છે. સંગમનું દૃશ્ય મુગ્ધ કરનારું છે. હવે એક બદરીનાથ સુધી અલકનંદાનો સંગ.

અલકનંદા એટલે તોફાન. અલકનંદા એટલે મસ્તી. દશ હજાર કરતાંય વધારે ફૂટની ઊંચાઈએથી ઊતરી આવતી હોય, પછી તોફાની અને મસ્તીખોર તો હોય જ ને! તેમાંય વળી, બદરીવિશાલનો ચરણસ્પર્શ કરીને આવતી હોય, થોડુંક એનું પણ સાત્ત્વિક ગુમાન હોય, પરંતુ અલકનંદાનાં તોફાન કે મસ્તી આપણને તો પ્રિય લાગે છે.

એટલે આ અલકનંદાને કિનારે કિનારે જતો બદરીનાથનો માર્ગ પણ પ્રિય લાગે છે. પહેલી જ વાર એ માર્ગે જતો હતો, છતાં આ માર્ગ કોઈ પુરાતન બંધુની જેમ પરિચિત લાગતો હતો. બચપણથી જ આ માર્ગે ચાલવાની જે ઉત્કટ ઝંખના સેવેલી તેનું પણ કદાચ આ પરિણામ હોય. અલબત્ત, પગે ચાલવાનો તો સુયોગ ન મળ્યો, કેમકે મોટરમાર્ગે જતા હતા. રહી રહીને થતું કે આ માર્ગે તો ચાલીને જ જવું જોઈએ.

એવા પગપાળા યાત્રિકો પણ આ માર્ગે જતા નથી એવું નથી. પણ આવા યાત્રિકોમાં શીખયાત્રિકો વધારે જોવા મળ્યા. એ યાત્રિકો આગળ જતાં ફંટાઈ : હેમકુંડ જશે. શીખોમાં એવી માન્યતા છે કે ગુરુ ગોવિંદસિંહે એમના પૂર્વજન્મમાં આ સ્થળે તપ કર્યું હતું.

નકશામાં જોઈએ તો ઉત્તરાપથના ચારેય પ્રસિદ્ધ તીર્થધામો – જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ વચ્ચે બહુ અંતર ન લાગે. પણ પરસ્પર સંકળાયેલાં આ તીર્થો વચ્ચે આડા દુર્લઘ્ય પહાડો પડેલા છે એટલે દરેક તીર્થે જવા અલગ અલગ ચઢવું-ઊતરવું પડે છે. એની જ તો ખરી મઝા છે. આ દરેક તીર્થે ચઢવા-ઊતરવા એક એક સરિતાનો પવિત્ર સથવારો યાત્રિકને સાંપડે છે એથી હિમાલય એના ચિત્તમાં ઝમે છે.

ગંગોત્રી ચઢીને ઊતર્યા. તે પછી કેદારનાથ ચઢીને ઊતર્યા અને હવે બદરીવિશાલની ઊંચાઈએ પહોંચવાનું હતું. વચ્ચે પુરાણપ્રસિદ્ધ તીર્થો આવતાં હતાં. એમાં પિપલકોટી, જોશીમઠ, વિષ્ણુપ્રયાગ આદિ સ્થળોની વળતાં મુલાકાત લેવાનું રાખ્યું હતું. આગળ જતાં ગોવિંદઘાટની જગ્યા આવી, અહીંથી શીખયાત્રીઓ હેમકુંડ તરફ વળી જતા હતા. એ માર્ગે અલકનંદા ઓળંગી ‘વેલી ઑફ ફ્લાવર્સ – ‘ફૂલોની ઘાટી’ નામના અતિ રમણીય સ્થળે જવાય છે. ત્યાં જનાર કહે છે કે નંદનવનનો થોડો પણ અણસાર લેવો હોય તો એ સ્થળે જવું જ જોઈએ. અમે તો એની માત્ર કલ્પના કરી આગળ વધી ગયાં. ‘ફરી આવીશું એટલે ફૂલોની ઘાટી જરૂર જઈશું’ એવું આશ્વાસન મનોમન લેતાં હતાં, પણ એમ કંઈ ફરી ફરી અવાય છે? અનેક ‘સુંદર ને વચનો આપી આપીને આવીએ છીએ કે જરૂર ફરી આવીશું, પણ એ વચનો ક્યાં પાળી શકાય છે. આ જીવનજંજાળમાં?

ચીડનાં વૃક્ષો આ બધા માર્ગોએ સાથે હોય છે. વાંકોચૂંકો ઊંચે ચઢતો માર્ગ, અલ્લડ નારીના કમનીય કટિલાંક જેવા લલિત વળાંકો દર્શાવતી અલકનંદા અને ઉપર આછાં છવાયેલાં વાદળોને લીધે તડકાછાંયાની રમત અમારી યાત્રાને આનંદમય બનાવતાં હતાં. રસ્તે જે નાની-મોટી વસ્તીઓ આવે ત્યાં નાનાં બાળકો યાત્રિકો પાસેથી સોય, પીપરમીંટની ગોળીઓ માગે. રૂપ પાસે ઘણો સ્ટૉક રહેતો.

પાંડુકેશ્વર પછી થોડા સમયમાં બદરીધામ આવી જાય છે. હવે અમે બદરીધામની કલ્પનામાં પડી ગયાં. ભારતવર્ષનાં હજાર કોટિ માનવીઓએ બદરીનાથની પોતપોતાની છબી પોતાના હૃદયમાં ચીતરી છે. જે અહીં સુધી પહોંચ્યા છે તેમણે અને જે નથી પહોંચી શક્યા તેમણે પણ.

થોડી વારમાં દૂરથી બદરીપુરીનાં દર્શન થયાં. અમારા ડ્રાઇવર મોહનલાલે મોટર ઊભી રાખી, બે હાથ જોડ્યા. અમે પણ પ્રણામ કરી લીધા. મોહનલાલે બદરીનાથના મંદિરના અહીંથી દેખાતા પ્રવેશદ્વાર તરફ આંગળી ચીંધી. આહ! એ જ બદરીનાથ? જય જય બદરી વિશાલ!

બદરીપુરી આવી પહોંચી. વિશાળ ખાલી જગ્યા. બદરીપુરી તો શહેર બની ગયું છે! આપણી કલ્પનામાં ન હોય એવું શહેર. અત્યાર સુધી ધીરજ રાખી રહેલાં વાદળ બદરીપુરીમાં અમારા આગમન ટાણે સ્વાગત કરતાં હોય એમ વરસવા લાગ્યાં.

મોટર-બસોના તો અહીં કાલાઓ હતા. અમારી મોટરગાડી જેવી ઊભી રહી કે પંડાઓનું દલ અમારા તરફ ધસ્યું. પણ સદ્ભાગ્યે બદરીનાથના નિવાસી અને અમદાવાદમાં અધ્યાપન કરતા એક અધ્યાપક મને ઓળખી ગયા. એ પણ અહીંના પંડા જ હતા. એમના હાથમાં અમે સલામત હતાં. તેઓ તરત અમને ‘ગીતાભવન’ એટલે કે ગીતામંદિરની ધર્મશાળામાં દોરી ગયા. અમદાવાદના ગીતામંદિરની જ આ વ્યવસ્થા છે. અમને સ્વચ્છ, સગવડવાળો ઓરડો મળી ગયો. તો શું ખરેખર અમે બદરીનાથ પહોંચી ગયાં? આટલું સહેલું અને સગવડભર્યું છે અહીં આવવું? અત્યાર સુધી કેમ ના આવ્યાં? પણ પહોંચ્યા પછી જ આવા વિચારો તો આવે છે. થોડી વારમાં તૈયાર થઈ અમે બહાર નીકળી પડ્યાં. બદરીપ્રભુની સાંધ્ય આરતી વખતે મંદિરમાં પહોંચવું હતું, જોકે આરતીને તો હજુ થોડી વાર હતી.

બદરીપુરીમાં જે આપણી નજર ભરી રાખે છે તે છે નીલકંઠ પર્વતનું રમ્ય અને ભવ્ય શિખર. હિમાલયનાં જે કેટલાંક સુંદર શિખરો છે તેમાં એક છે આ નીલકંઠ. લક્ષ્મણભાઈ પટેલે સૂર્યોદય વેળાનો નીલકંઠ પહાડનો સુંદર ફોટો બતાવી કહેલું : સૂર્યોદયે આ દૃશ્ય જોવાનું ચૂકશો નહીં. પણ એની તો હવે કાલે સવારે વાત.

થોડુંક ચાલ્યાં, ત્યાં તો અલકનંદા. પરિચય થયે બહુ સમય નહોતો થયો, પણ અલકનંદા તો પ્રથમ દર્શનેય મનમાં વસી જાય એવી છે. સાંજની ઠંડીમાં તે વેગથી વહી રહી હતી. તેના પર નાનકડો પુલ છે, તે પાર કરી જૂની એટલે ખરેખરની બદરપુરીમાં પ્રવેશ્યાં. યાત્રિકોની ભીડ હતી. અહીં પણ આખો દેશ હતો. ભિક્ષુકોની પણ ભીડ ઓછી નહોતી. મંદિર સુધી જતા રસ્તાની બંને ધારે તેઓ બેઠેલાં હતાં. બધાં તીર્થસ્થળોનું આ એક વિષાદજનક દૃશ્ય છે.

અમે સાંધ્ય આરતીની રાહ જોયા વિના સીધા બદરીનાથના મંદિર ભણી ધસ્યાં. બદરીનાથના મંદિરનું પ્રવેશદ્વાર વૈષ્ણવ હવેલીઓની યાદ અપાવે. મંદિર તો ઘણું જૂનું છે, પણ એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદિરના પ્રવેશદ્વારે પ્રથમ પ્રણામ કરી લીધા.

પછી તો હાજરાહજૂર બદરીવિશાલ. સમગ્ર દેહમનથી અમે પ્રણમી રહ્યાં. સાંધ્ય આરતી શરૂ થઈ. અનેક યાત્રિકોની ભક્તિપ્રવણ આંખો એ આરતીના આલોકથી દીપ્ત થઈ ઊઠી હતી. પ્રભુનાં દર્શન કરી રહેલાં આ યાત્રિકોનાં દર્શન પણ પ્રભુનાં દર્શન જેટલાં જ પાવનકારી હતાં.

ગીતાના વિભૂતિયોગ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું કે, ‘સ્થાવરાણાં હિમાલયઃ’ સ્થાવરોમાં એટલે કે સ્થિર ઊભેલી વસ્તુઓમાં હું હિમાલય છું. આ શ્રીકૃષ્ણની વિભૂતિઓની જેમ હિમાલયની – વિભૂતિઓને પણ કદાચ કોઈ અંત નથી. એ અનંતરૂપે વિકસે છે, માત્ર સ્થળકાળમાં જ નહિ, આપણી ચેતનામાં પણ.

એક તો આ બદરીવિશાલનું ધામ છે અને તેમાંય ગીતાભવનમાં ઊતર્યા છીએ. ગીતાની વાત સહેજે સ્મરણમાં આવી જાય. બીજું પણ એક કારણ છે. આ શ્રીકૃષ્ણ-અર્જુનની જોડી એ જ નર-નારાયણની જોડી. પુરા યુગમાં નરનારાયણે આ રમ્ય અને પવિત્ર ભૂમિ પર તપ કરી અને અધિક મહિમાવંતી બનાવી હતી.

આ ભૂમિના મહિમાની તો શી વાત કરવી? આ ભૂમિને નારદીય ક્ષેત્ર કહે છે. અહીં મહર્ષિ નારદે તપ કરેલું. દેવતાઓ કે ક્ષકિન્નર ગંધર્વ આદિ અર્ધ દેવતાઓ તો શું સ્વયં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અહીં અવરજવર રહેતી. કેવો હશે એ સમય જ્યારે આ સૌ દેવો અને મુનિઓ આ ભૂમિ પર સહજ વિચરણ કરતા હશે?

એ સમય તો નથી જ નથી, પણ એવું ભાવનામય વાતાવરણ અનુભવી શકાય છે. આજે અવશ્ય જે વૃક્ષો પરથી આ ભૂમિને તેનું નામ મળ્યું છે તે, બદરી કહેતાં બોરડીનાં ઝાડ અહીં નથી. પણ એ બોરડીનાં ઝાડની એક વેળા બહુતાયત હશે, એટલે કે બોરડીનાં વન હશે. કાંટાળાં બોરડીનાં ઝાડ સ્થળની પ્રાકૃતિકતાનો ભાવ પેદા કરે છે. કાલિદાસના જરઠ બ્રહ્મચારીને પણ કર્વ આશ્રમની બોરડીની ડાળી પર પડેલા ઝાકળબિંદુમાં પ્રતિબિંબિત પ્રથમ સૂર્યકિરણનું સૌંદર્ય અડકી ગયું હતું ને!

બોરડીઓ તો હવે અહીં નથી, પણ એ પ્રથમ સૂર્યકિરણનું સૌંદર્ય અહીં અમારી સામેના હિમાચ્છાદિત નીલકંઠના શિખરે શોભિત પ્રતિબિંબિત થતું જોવું હતું, એટલે વહેલી સવારે જાગીને બદરીનારાયણનાં દર્શન પહેલાં પણ નીલકંઠ અભિમુખ થઈને અમે આ ગીતાભવનની બાલ્કનીએ ઊભાં હતાં. હો ફાટી, ઉજાસ પછરાવા લાગ્યો. અમે ઉત્કંઠ થઈ નીલકંઠના શિખર ભણી જોઈ રહ્યાં હતાં. પરંતુ લાલ કેસરી પીળી રંગલીલાનો નિભવ ન થયો તે ન થયો. શિખર પર કાચો તડકો પથરાઈ રહ્યો. એ પણ હિમાલયની અનંત વિભૂતિઓમાંની એક વિભૂતિ છે, એમ સંતોષ માન્યો.

સવાર થતાં જ યાત્રીઓ બદરીવિશાલનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. અલકનંદા પ્રિય લાગવા છતાં એનાં હિમશીતલ જળથી સ્નાન કરવાની હિંમત ન થઈ, પરંતુ બદરીધામમાં તો સૌ મંદિરની બહાર અલકનંદાને કાંઠે આવેલા તપ્તકુંડમાં સ્નાન કરવાનું માહાસ્ય અધિક માને છે. તપ્તકુંડમાં ગંધકનાં ગરમ પાણીનાં ઝરણાં વાળી લેવામાં આવ્યાં છે. એ પાણી તો એટલું ગરમ હોય છે કે કદાચ દાઝી જવાય, પણ તેમાં ઠંડું પાણી વાળીને સમશીતોષ્ણ કરી સ્નાનક્ષમ બનાવવામાં આવે છે.

સાચે જ આ તપ્તકુંડમાં સ્નાન કરવાનો આનંદ અવિસ્મરણીય છે. ભાઈઓ-બહેનો માટે અલગ અલગ કુંડ છે અને ન હોય તોયે આવા તીર્થસ્થાનોએ ઘણા સંકોચ સરી જતા હોય છે. સ્નાન પછી બદરીવિશાલનાં દર્શન કર્યા. અમારા પંડા શ્રી પાલીવાલ આવી ગયા હતા. અલકનંદાને કાંઠે બ્રહ્મકપાલ શિલા પર પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે. ત્યાં શ્રાદ્ધ કર્યું. બધ સ્થળે ભાવવિભોર જાત્રાળુ છલકાતા હતા.

અહીંથી ત્રણેક કિલોમીટર દૂર માના ગામ છે. જૂનું નામ મણિભદ્રપુર કહે છે. ભારતની આ બાજુની સીમાનું એ છેલ્લું ગામ છે. ભોટિયા લોકોની વસ્તી છે. અહીં લશ્કરી ચેકપોસ્ટ છે. આ સ્થળે અલકનંદા અને તિબેટ બાજુથી આવતી સરસ્વતીનો સંગમ થાય છે, જે કેશવપ્રયાગ કહેવાય છે. વળી, આ બાજુ સરસ્વતીને કાંઠે વ્યાસગુફા અને ગણેશગુફા આવેલી છે. ભાવિક યાત્રાળુઓ તો બદરીનાથનાં દર્શન કરીને જ પોતાને ધન્ય માને છે અને આ બધાં સ્થળોએ ગયા વિના પાછા ફરી જાય છે.

પરંતુ આ ધામની શુચિતા અને ભવ્યતાનો અનુભવ ત્યારે જ ગાઢ બને છે, જ્યારે આસપાસના પરિસરમાં પણ ભ્રમણ કરીએ. મોટરગાડીમાં અમે માના ગામ સુધી ગયાં, પહેલાં વ્યાસગુફા અને ગણેશગુફાના સાનિધ્યમાં. વ્યાસે અહીં બેસી ગણપતિને મહાભારત લખાવ્યું હતું. મહાભારત જેવી સંહિતાની રચના માટે વ્યાસ ભગવાને બદરિકાશ્રમ પસંદ કર્યો હશે. સ્થાનનો પણ ઓછો મહિમા નથી. આ ભૂમિ તો ભારતીય સંસ્કૃતિનું ઉદ્ગમક્ષેત્ર જ ગણાય, કેમકે મહાભારત આપણી સંસ્કૃતિનો આકરગ્રંથ છે. એ રચાયો હતો અહીં બદરિકાશ્રમમાં આ સરસ્વતીને કાંઠે.

સરસ્વતી! આપણી કલ્પના રમણે ચઢે છે. સરસ્વતી માત્ર એક નદી ક્યાં છે? એ તો વાગ્યેવતા પણ છે. એ વાવતાને નદીરૂપે કલ્પવામાં ભારતીય ચિત્તે જાણે કમાલ કરી છે, પણ આ સરસ્વતી કઈ? વેદોક્ત સરસ્વતી કઈ હશે? આપણી સિદ્ધપુરની સરસ્વતીનું પણ ઓછું માહાસ્ય નથી. અત્ર લુપ્તા સરસ્વતી – અહીં સરસ્વતી લુપ્ત થાય છે. પણ એ લુપ્ત થતી સરસ્વતી તે આ નહીં હોય. આ સરસ્વતી તો અલકનંદાને મળ્યા પછી અલકનંદા નામ ધારણ કરે છે.

થોડુંક ચાલતાં એ સરસ્વતી આવી. કેવાં તો નિર્મલ નીલ વારિ? નદીનાં આવાં જળ જાણે કદી જોયાં નથી. આ સરસ્વતી અહીં પહાડી કંદરામાંથી જે રીતે બહાર આવે છે તે જોતાં અચંબામાં પડી જવાય છે. એક સાંકડા માર્ગમાંથી એ અહીં બહાર નીકળે છે. તેના પર એક સળંગ આડી શિલા પડેલી છે. કહે છે કે, પાંડવો જ્યારે અહીં આવેલા ત્યારે ભીમે એ શિલા મૂકી સેતુ રચી દીધો છે.

ભીમે રચેલા એ પુલને એથી ભીમપુલ પણ કહે છે. એના ઉપર ઊભા રહી નીચે વહી જતાં પાણી જોતાં એ પાણીમાં ઊંડે ઊતરી એનો આપણા દેહના રંધ્રરંધ્રમાં અને આપણી સમગ્ર ચેતનામાં અનુભવવાની ઇચ્છા થઈ જાય. જાણે કૂદી પડીએ. આ સરસ્વતીને અહીં એકાન્તમાં વહેતી જોતાં બદરિકાશ્રમ બહુ ગમી ગયો. ગમે જ ને. આ સરસ્વતી પણ સ્થાવર શ્રેષ્ઠ હિમાલયની જ એક વિભૂતિને! અને આ વિભૂતિ પરમની વિભૂતિનો અણસાર આપે છે.

અહીંથી વસુધારા પ્રપાત તરફ જવાય છે. ત્યાં ૪૦૦ ફૂટ ઊંચેથી ધોધનું પાણી પડે છે. હિમાલયમાં તો અનેક ધોધ છે, પણ વસુધારાનો ધોધ ત્યાં ફૂંકાતા પવનોથી જે જલશીકરો ઉડાડે છે તેની શોભા અનેરી છે. ત્યાં જવું હતું. હિમાલયના એક અઠંગ પ્રેમી અમદાવાદના શ્રી ચંદ્રકાન્ત શાહ રસ્તે મળ્યા. તેઓ એક નાનકડી હોટલમાં બેઠા હતા અને તેમનાં સંતાનો વસુધારા તરફ ગયાં હતાં. પણ તેઓ થોડી વારમાં અધવચ્ચેથી પાછાં આવ્યાં અને અમે પણ પછી તડકો આકરો લાગતાં ત્યાં જવાનું માંડી વાળ્યું.

ફરી બદરીનાથ આવશું એટલે વસુધારા અવશ્ય જઈશું એવો સંકલ્પ તો કર્યો છે, પણ ફરી ત્યાં જવા માટે બદરીવિશાલનો હુકમ ક્યારે થશે?

આપણા દેશની સંસ્કૃતિને ‘સંગમ-સંસ્કૃતિ’ કહેવામાં ઔચિત્ય રહેલું છે. અનેક ભાતીગળ સંસ્કૃતિઓના સંગમથી ભારતીય સંસ્કૃતિ વિશિષ્ટ અને સમૃદ્ધ બની છે. પણ હું જરા બીજી રીતે આપણી સંસ્કૃતિને ‘સંગમ-સંસ્કૃતિ’ કહું છું. આપણે ત્યાં બે નદીઓના સંગમનો જેટલો મહિમા છે તેટલો કદાચ અન્યત્ર ક્યાંય નથી. નદીઓના સંગમ તો બધે જ મનોહર હોય છે. એનું સૌંદર્ય સર્વત્ર સૌને આકૃષ્ટ કરે છે. પરંતુ ભારતીય ચેતનામાં નદીસંગમ એટલે માત્ર સૌંદર્ય નહીં, પાવિત્ર્ય પણ. એટલે પ્રત્યેક સંગમ એક તીર્થ બને છે. એ તીર્થ પણ જેવું તેવું નહીં. એ એ સંગમને તીર્થરાજ પ્રયાગનું નામ જોડાઈ જાય છે.

એ રીતે બદરીનાથને માર્ગે કેટલાં બધાં પ્રયાગ રચાઈ જાય છે! બદરીનાથમાં સરસ્વતી અને અલકનંદાનો સંગમ કેશવપ્રયાગ કહેવાય છે. સરસ્વતી તો છેક તિબેટના માણાઘાટ તરફથી વિપુલ જલરાશિ લઈને આવે છે, પણ એ પોતાને વિલુપ્ત કરી અલકનંદા બની જાય છે. ક્ષીણતોયા અલકનંદા સરસ્વતીનાં જલથી સમૃદ્ધ થઈ બદરીનાથનાં ચરણ પખાળી વેગથી દોડે છે.

બદરીનાથનાં ફરી એક વાર દર્શન કરી અમે અલકનંદાને કિનારે કિનારે નીચે ઊતરવા લાગ્યાં. અલકનંદા ગંગા બને ત્યાં સુધીમાં તો બીજી નદીઓના સંગમથી માર્ગમાં ‘પ્રયાગ’ રચાતાં જાય છે. જ્યાં વિષ્ણુગંગા અને અલકનંદા મળે છે ત્યાં રચાય છે વિષ્ણુપ્રયાગ. સંગમનાં દૂરથી દર્શન કરી અમે જોષીમઠ આવી પહોંચ્યાં.

જોશીમઠમાં ફરતાં પ્રાચીનતાનો અનુભવ થાય, જોકે આધુનિકતા ઘણી આવી ગઈ છે. શિયાળામાં જ્યારે બદરીધામ માત્ર બરફથી છવાઈ જાય છે ત્યારે બદરીવિશાળ પણ જોષીમઠ ઊતરી આવે છે. મને આ સ્થળનું આકર્ષણ આદિ શંકરાચાર્યે અહીં સ્થાપેલા જ્યોતિર્મઠને કારણે વિશેષ હતું. જ્યોતીશ્વર મહાદેવના પુરાતન મંદિરની પાસે જ્યોતિર્મઠ આવેલો છે. આ સ્થળે આવતાં કંઈ કેટલાયે વિચાર મનમાં ઊભરાયા. બપોરની વેળા થઈ ગઈ હતી. એટલે જોશીમઠમાં ભોજન લઈ આગળ જવાનું વિચાર્યું. આ બધાં યાત્રાસ્થળો જતા-આવતા યાત્રિકોથી ભર્યા ભર્યા લાગે છે. ક્યારેક તો આખા સંઘના સંઘ ઊતરી પડતા હોય છે.

માર્ગમાં આવતાં પીપલકોટીમાં અમે રાત્રીવિસામો લેવાનું જતી વખતે નક્કી કર્યું. વિશ્રામગૃહમાં આરક્ષણ કરાવી રાખ્યું હતું તે સારું થયું. થોડી વારમાં તો વિશ્રામગૃહમાં તલપૂર જગ્યા ખાલી રહી નહોતી. પીપલકોટીની સાંજ સમગ્ર યાત્રાના ખારામીઠા અનુભવોની મધુર ચર્ચામાં પસાર થઈ ગઈ. બીજે દિવસે ચમોલી થઈ કર્ણપ્રયાગ આવી પહોંચ્યા.

કર્ણપ્રયાગ એટલે પિંડાર નદી અને અલકનંદાનો સંગમ. સંગમસ્થળે અમે મોટરગાડીમાંથી ઊતરી ગયાં. આ ઊતરવાનું તેના સૌંદર્યને લીધે પણ હશે. આવું મનોહર દૃશ્ય જોતા યાત્રિકોનું મન ધર્મભાવનાથી પણ થોડી વાર મુક્ત બની જાય છે. પિંડાર મળતાં અલકનંદાનો વૈભવ ઔર વધી ગયો હતો.

પરંતુ એ વૈભવ ચરમસીમાએ પહોંચ્યો, જ્યારે તેને એક કેદારનાથથી આવીને મળી મંદાકિની. અલકનંદા અને મંદાકિનીનો આ સંગમ તે રુદ્રપ્રયાગ. જતી વેળા રુદ્રપ્રયાગને નીચે રાખીને અમે બારોબાર કેદારનાથથી તિલવાડાને માર્ગે બદરીનાથ ગયાં હતાં. સંગમસ્થાને રુદ્રનાથનું મંદિર છે. સંગમ સુધી પહોંચવા માટે થોડાં પગથિયાં ઊતરીને જવું પડે છે. કેદારનાથની મંદાકિની અને બદરીનાથની અલકનંદા – બંનેમાં કોઈ ચઢે કે ઊતરે – અહીં પણ મંદાકિની અલકનંદામાં ભળી જઈ પોતે અલકનંદા બની રહે છે. સંગમ થયા પછી બંનેનો જળપ્રવાહ થોડે સુધી તો જુદો જુદો ઓળખી શકાય.

અમે કેટલાં જલદીથી નીચે ઊતરી રહ્યાં હતાં! કોઈએ કહ્યું છે કે પાછા ફરવાનો માર્ગ હંમેશાં ટૂંકો હોય છે. થોડી વારમાં તો શ્રીનગર આવી ગયું. (કાશમીરનું નહિ) અહીં પહાડોની વચ્ચે ગરમીનો સારો એવો અનુભવ થવા લાગ્યો હતો. શ્રીનગર તો માત્ર ૧૯૦૦ ફૂટની ઊંચાઈએ છે!

શ્રીનગરથી અમે હવે અલકનંદા-ભાગીરથીના અદ્ભુત સંગમસ્થાને આવી પહોંચ્યાં. આ સ્થળ તે દેવપ્રયાગ. દેવપ્રયાગ પણ ઘણું પ્રાચીન તીર્થ છે. સંગમસ્થળે જવા માટે નદી ઉપરનો લાંબો ઝૂલતો પુલ પસાર કરી અનેક પગથિયાં નીચે ઊતરવું પડે છે. અમને જોઈને અલસ બેઠેલા પંડાઓ સળવળી ઊઠ્યા અને અમારી ઘણી ‘ના’ છતાં અનેક પંડા અમારી સાથે ચાલવા લાગ્યા અને તીર્થમાહાભ્ય વિશે બોલવા લાગ્યા.

રસ્તે જોયું, ઘણાં પગથિયાં ચઢીને ઉપર રઘુનાથજીના મંદિરે જવાય છે, પણ એટલાં પગથિયાં ચઢવાની આ તડકામાં હિંમત ન થઈ. અમે તો પગથિયાં ઊતરતાં જ ગયાં, ઊતરતાં જ ગયાં અને પછી જે જોયું છે તે રોમહર્ષણ દૃશ્ય કદીય ભુલાશે ખરું?

ગંગોત્રી ક્ષેત્રમાં જે ભાગીરથીને જોઈ હતી તે ભાગીરથી ક્યાં અને પ્રચંડ વેગથી વિપુલ જલરાશિ લઈને દોડતી ભાગીરથી ક્યાં? બદરીધામમાં કેશવપ્રયાગ આગળ જે અલકનંદાને જોઈ હતી તે અલકનંદા ક્યાં અને આ મહાનદ સમી અલકનંદા ક્યાં?

પગથિયાં ઊતરતાં ઊતરતાં જઈને ઊભા રહીએ એટલે આ બેનું સંગમદૃશ્ય જોઈને અવાક બની જવાય. આ સંગમે તો સ્નાન કરવું જ રહ્યું. યાત્રીઓના સ્નાનની અહીં વ્યવસ્થા છે. સાંકળો પકડીને સ્નાન કરવું પડે. વળી, અહીં પગથિયાંના ઘાટ પાસે વહેણનો વેગ ઓછો વરતાય છે.

દેવપ્રયાગમાં સ્નાન કરનાર ધન્યતા અનુભવે એમાં નવાઈ શી? અગાઉ એક સ્થળે લખ્યું હતું કે, હિમાલયમાંથી નીકળતી નદી માત્ર ગંગા છે, પણ ખરેખર ગંગા’ નામ તો તે દેવપ્રયાગના ભાગીરથી અને અલકનંદાના આ સંગમ પછી ધરાવે છે. કેટલા બધા સંગમો પછી ગંગા થવાય છે!

દેવપ્રયાગ આગળ ભાગીરથી અને અલકનંદાનો સંગમ નગાધિરાજ હિમાલયના ઠેરઠેર વેરાયેલા ભવ્ય દૃશ્યોમાંનું એક દૃશ્ય છે. આ ભવ્યતા આપણા મનની લઘુ સંકીર્ણતાઓને તોડી આપણું કશુંક રૂપાંતર કરીને જ રહે છે. એટલે હિમાલય જેવાં રમ્ય-ભવ્ય અને દિવ્ય સ્થળોની યાત્રા પછી આપણે તેના તે રહેતા નથી, અને એ જ તો એની યાત્રાનો મહિમા છે.

પણ હવે તો હિમાલયની તો વિદાય લેવાની વેળા આવી પહોંચી. દેવપ્રયાગ આવ્યા એટલે લગભગ છેક નીચે ઊતરી આવ્યા. માત્ર ૧૭૦૦ ફૂટની ઊંચાઈએ આ દેવપ્રયાગ છે. હજી હિમાલયની અંદર છીએ અને ગંગાની ધારે ધારે ચાલતાં થોડા સમયમાં તો ઋષિકેશ આવતાં એકદમ સમધરતી પર હોઈશું અને થોડા દિવસ પછી તો ઘેર.

મને આપણા કવિ ઉમાશંકરની ‘હિમાદ્રિની વિદાય લેતાં.’ કવિતાની પંક્તિઓ યાદ આવી :

હું જાઉં છું ઘેર, છતાંય જાણે થતું મને ક્યાં…ક જઈ રહ્યો છું; છોડી રહ્યો ના ઘર હોઉં એમ.

તો હિમાલયથી વિદાય લેતાં, ઘેરથી વિદાય લેતાં હોઈએ એવું ભાવિક ચિત્તને તો થવાનું. આ થોડા દિવસોમાં હિમાલયે કેટલી બધી આત્મીયતા જગાડી દીધી છે!

દેવપ્રયાગથી હવે ગંગાને કિનારે કિનારે મોટર દોડવા લાગી, પણ આ ગંગા એટલે સ્થાવરશ્રેષ્ઠ હિમાલયનું જંગમરૂપ. એટલે હિમાલયની વિદાય કેવી? મન ગંગાના વિચારે ચઢ્યું. આ ગંગા શું આપણે માટે માત્ર એક નદી છે? કદાચ ગંગા હિન્દુ સંસ્કૃતિનો પર્યાય છે. જરા વિચાર કરીએ તો આશ્ચર્ય પામી જવાય છે કે, ગંગા કેવી તો આપણા જીવન સાથે, મૃત્યુ સાથે વણાઈ ગઈ છે!

ગંગા નીચે ને નીચે ઊતરતી રહી છે. એની નીચે ઊતરતી ગતિ જોઈ ભર્તૃહરિનો એક શ્લોક યાદ આવ્યો. આમ તો ભર્તૃહરિએ ગંગાની કેટલી બધી સ્તુતિ કરી છે? પણ એક આ શ્લોકમાં તેમણે વિવેકભ્રષ્ટોનો વિનિપાત દેખાડવા માટે ગંગાનું દૃષ્ટાંત લીધું છે. એ કહે છે : ગંગા સ્વર્ગમાંથી શિવના માથા પર, શિવના માથા પરથી હિમાલય પર્વત પર, પર્વત પરથી પૃથ્વી પર અને ત્યાંથી સમુદ્રમાં પડે છે. ગંગાની આ ગતિ એક પછી એક એમ નીચા પદ ભણીની ગતિ છે. ભર્તૃહરિ ભલે કહેતા હોય, પણ ગંગાની આ ગતિ હવે નીચે ભણી જઈ અને ઉન્નત બને છે. એ પતિતપાવની મૈયારૂપે આ ભૂમિ પર વહે છે. ગંગાનાં અનેક રૂપો મને યાદ આવ્યાં. છેક ગોમુખમાંથી માંડી બંગાળના ઉપસાગર સુધી. એ વાતથી ધન્યતા અનુભવાતી હતી કે, આ પવિત્ર નદીનું મૂળ પણ જોયું અને મુખ પણ જોયું. મુખ પહેલાં જોયું હતું. ગંગા જ્યાં સાગરને મળે છે તે ગંગાસાગર કહેવાય છે. આ ગંગાસાગરની યાત્રા પણ કઠણ યાત્રા છે. એટલે તો કહેવત પડી છે કે ‘ઔર તીર્થ બારબાર ગંગાસાગર એક બાર.’

આ ગંગાને કલકત્તામાં હુગલીરૂપે જોઈ હતી. ઉત્તરબંગાળમાં ફરાક્કા આગળ જમા થયેલા વિપુલ જલભંડારરૂપે જોઈ હતી. વારાણસીની ઉત્તરવાહિની ગંગારૂપે જોઈ હતી. કેટલાં એનાં રૂપ!! પણ, અહીં જે ગંગાને જોઈ તે તો અનન્ય છે. પંડિત જગન્નાથે ગંગાને ત્રિલોકનું સ્વચ્છ પરિધાન કહી છે. તેની પ્રતીતિ તો અહીં થાય છે. પછી તો અન્યોનાં કલ્મષ ધોતી ધોતી ગંગા સ્વયં ‘કલુષિત’ થતી ગઈ છે!

દેવપ્રયાગથી ઋષિકેશ ઊતરતો આ મોટરમાર્ગ છે. સામે કાંઠે પગવાટ છે. એ પગવાટે ચાલીને જો આ યાત્રા થઈ શકી હોત, તો બચપણથી સેવેલી એક અભિલાષા પૂરી થાત. ઋષિકેશથી બદરીનાથની પગવાટે એક દિવસ ચાલવાનું સૌભાગ્ય મળેલું – પંદર વર્ષની કિશોરવયે. આમ તો ઋષિકેશ સુધીનો જ પ્રવાસ હતો, પણ સૌદર્યપ્રેમી શિક્ષક અમને ઋષિકેશથી ચલાવીને પ્રથમ ચટ્ટી સુધી આ માર્ગે લઈ ગયા હતા. ત્યાં એક ઝરણાના ઊગમ સુધી પહોંચવાનો ઉન્મત્ત બની પ્રયાસ કર્યો હતો. જીવનનો એક આશ્ચર્યકારી અને અવિસ્મરણીય અનુભવ હતો. મોટરમાં બેઠાં બેઠાં હું સામે કાંઠે જોવા મથતો હતો કે, પેલો રસ્તો ક્યાં છે? ક્યાંય દેખાય છે પેલું ઝરણું? પેલું કૈશોર્ય? લગભગ આ જ વિસ્તાર.

લક્ષ્મણ ઝૂલા આવી પહોંચ્યા. પહાડના પડદા પાછળથી અહીં ગંગા બહાર આવે છે.

ઋષિકેશમાં આવતાં જ થયું કે, હવે ખરેખર હિમાલયનો વિયોગ થયો. અહીં ગંગાને કાંઠે અમે ઊભા છીએ અને હિમાલયને પાછળ મૂકી આવ્યા છીએ.

હિમાલય હવે હૃદયમાં.